Category Archives: Global કવિતા

ગ્લૉબલ કવિતા : ૧૧૭ : લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા – એમકે ચાવેઝ

Little Red Riding Hood/Companion

And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”

–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype

The secret nests in my marrow.

At the striptease I appear pirouette
and prey.

Later,

I might show you
what it means to be consumed.

The pashadom and papacy come
to gush and forever satellite spatter,

no matter,

in the end you will find them
covered in a fine mist,

tasting of me.

What they do not know— beyond the veil

I lay with the wolf
& the wolf
is me.

Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.

Even a leaf can have teeth.

Human acts can be cannibalistic.

I am here
picking all of the wildflowers.

– MK Chavez

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા

અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ

રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.

સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.

પછી,

હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.

પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.

કંઈ પણ થાય,

અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,

મને ચાખી રહેલા.

એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ

હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.

મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.

પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.

માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.

હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.

– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)

જૂની લોકકથાના ચશ્માંમાંથી નજરે પડતો આજની સ્ત્રીનો ચહેરો

પરીકથાઓ કોને ન ગમે? બાળપણમાં પરીકથાઓ, લોકકથાઓ કે દાદાદાદીની વાર્તાઓનું વ્યસન ન હોય એવું કોઈ હશે ખરું? મોટાભાગની આ વાર્તાઓના પાત્રો આજે પણ આપણા લોહીમાં વહી રહ્યા છે. સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, રાપુન્ઝેલ, લિટલ મરમેઇડ જેવી અનેક વાર્તાઓ તો સ્ત્રીપાત્રોઓની આજુબાજુ જ ગૂંથાયેલી છે. પરીકથા તો શબ્દ જ પરીની આસપાસ વણાયેલો છે. પણ આ મોટાભાગના સ્ત્રીપાત્રોમાં સુંદરતા અને નિર્દોષતા જેવા ગુણો જ ઉજાગર કરવામાં આવ્યાં છે. મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રોને હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. ભાગ્યે જ કોઈ કથામાં સારાં સ્ત્રીપાત્રોને જીવનના અગત્યના નિર્ણયો લેતાં અને પુરુષોને એ નિર્ણયો સ્વીકારતા બતાવાયા છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે અને ગળથૂથીમાં પરીકથાઓ પીને મોટાં થતાં બાળકોના માનસમાં અભાનાવસ્થામાં સમાજમાં પ્રવર્તમાન આ વિષમ પદક્રમ ઘર કરી જાય છે. પણ હવે સમય આવી ચૂક્યો છે, વિષમ પદાનુક્રમના આ ચશ્માં ઊતારીને સ્ત્રીઓ તરફ જોવા માટેનો. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.

મારિયા કૈલિબ ચાવેઝ આખું નામ પણ ઓળખાય છે એમકે ચાવેઝ તરીકે. જન્મ અને ઉછેર સાન ફ્રાન્સિસ્કોમાં પણ મૂળે લેટિન અમેરિકન. એમનો પરિવાર અલ સાલ્વડોરથી આવ્યો હતો, જ્યાં અસંખ્ય લોકો ગાયબ થઈ ગયા હતા, સેંકડોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એમકેના પરિવારમાં કોઈ વડીલ હાલ જીવંત નથી. જિંદગીની પાટી આ રીતે કોરી હોવી એ એક તરફ કરુણતા છે તો બીજી તરફ આઝાદી પણ એમ તેઓનું માનવું છે. ‘લિરિક્સ એન્ડ ડર્જીસ’ વાંચન શૃંખલાના તેઓ સહસ્થાપક અને અધ્યક્ષ (ક્યુરેટર) છે તથા બર્કલી પોએટ્રી ફેસ્ટિવલના સહ-નિર્દેશિકા પણ છે. આ સિવાય ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલાં છે. ‘મધરમોર્ફૉસિસ’ અને ‘ડિઅર એનિમલ’ એમનાં બે પ્રકાશિત પુસ્તકો છે. હાલ તેઓ કેલિફૉર્નિયામાં ઓકલેન્ડ ખાતે રહે છે અને એલિ કેટ બુક્સમાં નોકરી કરે છે. એમની સાથે ‘સન રા’ નામનું પળેલું સસલું રહે છે. ચાવેઝ ટ્વિટર પર પોતાને ‘હાર્મ રિડક્શનિસ્ટ’ તરીકે ઓળખાવે છે. ચાવેઝની કવિતાઓમાં એક અર્થ ઊઘાડતાં બીજો ને બીજો ઊઘાડતાં ત્રીજો હાથ લાગે છે. અર્થના પડળો અને એમાંથી જન્મતું ભાતીગળ કેલિડોસ્કોપિક વૈવિધ્ય એ એમની લાક્ષણિક વિશિષ્ટતા છે. કોલરિજની બહુખ્યાત ‘ધ એન્શન્ટ મરિનર’ કવિતાની સામે ચાવેઝ ‘નોટ સો એન્શન્ટ મરિનર’ લઈ આવે છે અને પુરુષોના ઈજારા બની ગયેલ દરિયાઈ ખેપો અને દરિયાની વાર્તાઓ સામે નૌકાના સ્ત્રીત્વનું સજીવીકરણ કરીને સ્ત્રીઓના સક્રિય અવાજને બુલંદ કરે છે. હોઝે એન્જલ આરાગુઝ લખે છે, ‘એમની કવિતાઓમાંથી અસંતોષ/નિરાશાનો સૂર એક વિષયના રૂપમાં પુનરાવૃત્ત થતો રહે છે પણ એ પરિત્યાગ તરીકે નહીં પરંતુ રહસ્યોદ્ઘાટનના ઈંધણ સ્વરૂપે.’ અલગ-અલગ પ્રાણીઓને કેન્દ્રમાં રખીને લખેલી એમની કવિતાઓમાંથી નનાવિધ માનવભાવો ઉજાગર થાય છે. ચાવેઝ કહે છે: ‘જે વસ્તુઓનો આપણે અનુભવ કરી લીધો છે એમાંથી આપણે મુક્તિ મેળવી શકતાં નથી. આપણે અનુભવ્યું હોય એને વણ-અનુભવ્યું કરી શકતાં નથી, ખરાબ પરિસ્થિતિઓ કાયમ ટકતી નથી… અને એટલે જ કળા એક ભેટ સમી લાગે છે, એ બીજી તરફ પહોંચવાના માર્ગ સમી લાગે છે. કળાની મદદથી, આપણે જખ્મોમાંથી સમજણ સર્જીએ છીએ અને આપણે તકલીફોમાં ઘડી ભર પણ ડૂબી રહેતાં નથી.’

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા’ કવિતા સ્ત્રીશોષણ અને એની સામે અવાજ ઊઠાવતી વિદ્રોહી સ્ત્રીના બુલંદ અવાજની કવિતા છે. કવિતાનું શીર્ષક પ્રચલિત લોકકથા ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ’ પરથી સીધું લેવાયું હોવાથી એનો અનુવાદ અનુચિત જણાય છે. પણ આ લોકકથા મજાની છે. યુરોપીય ખંડના દેશોમાં દસમી સદીના ફ્રેન્ચ ખેડૂતો અને ચૌદમી સદીના ઇટાલિઅન ખેડૂતોથી લઈને સામાન્યજનમાં પ્રચલિત આ લોકવાર્તાના સેંકડો ભાષામાં અનુવાદો થયા છે અને સમયાંતરે અનુવાદકોએ વાર્તાના મૂળ સ્વરૂપમાં પણ યથામતિ ફેરફારો કર્યે રાખ્યા છે. સત્તરમી સદીમાં ફ્રેંચ લેખક ચાર્લ્સ પેરોલ્ટે આ કથાનું સૌપ્રથમ મુદ્રિત સ્વરૂપ રજૂ કર્યું. પ્રચલિત ગ્રીમ ભાઈઓના જર્મન સંસ્કરણ મુજબ એક નાની છોકરીને એના દાદી લાલ રંગનો એક કાનટોપીવાળો ઝભ્ભો આપે છે. એ જમાનામાં ઘોડેસવારી (રાઇડિંગ) કરતી વખતે સ્ત્રીઓ ઝભ્ભાની પાછળના ભાગે જોડાયેલ રહી માથું અને ગરદન ઢાંકે એવી કાનટોપી સહિતનું જે વસ્ત્ર પહેરતી એ રાઇડિંગ હૂડ તરીકે ઓળખાતું હતું. છોકરીને આ હૂડ એટલું ગમી ગયું કે એ કદી એને ઉતારતી જ નહીં એટલે એનું નામ લિટલ રેડ રાઇડિંગ હૂડ પડી ગયું. એની મમ્મી એમના ઘરથી થોડે જ દૂર જંગલમાં રહેતાં બિમાર વૃદ્ધ દાદીમાને બેકિંગ-ડે પર બનાવેલી કેક તથા શરાબ આપી આવવા મોકલે છે. સાથે જ મા સહજ સૂચના આપે છે, કે ભૂલેચૂકેય રસ્તા પરથી આડીઅવળી ચાલીશ નહીં અને સીધી જ દાદીમાના ઘરે જજે. નાકની દાંડીએ ચાલી જતી છોકરીને જોઈને વરુ લલચાય છે. એ એને જંગલના સૌંદર્ય તરફ ધ્યાન આપવા લલચાવે છે. છોકરી બાળસહજ લલચાય છે અને દાદીમા માટે એક પછી એક ફૂલો ભેગાં કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આ દરમિયાન છોકરીએ આપેલી નિશાની મુજબ વરુ દાદીમાના ઘરે પહોંચી જઈને દાદીમાને ખાઈ જઈ એમનાં કપડાં અને ટોપી પહેરીને પથારીમાં સૂઈ જાય છે. છોકરી મોડી મોડી દાદીના ઘરે આવે છે ત્યારે વરુ એના ગુડ મૉર્નિંગનો પ્રત્યુત્તર આપતો નથી. અને છોકરીને પણ ખાઈ જાય છે. પેટ ભરાઈ જતાં એને ઊંઘ આવી જાય છે ને એના નસકોરાં સાંભળીને એક શિકારી ત્યાં આવી ચડે છે અને વરુનું પેટ ચીરીને દાદીમા તથા લિટલ રેડ રાઇડિંગ હૂડને જીવતાં બહાર કાઢે છે.

આ વાર્તાના અન્ય ઘણાય સંસ્કરણો પણ છે, જેમ કે એવી વાર્તા પણ છે જેમાં વરુ દાદીમાના લોહીમાંસને રહેવા દે છે અને પૌત્રી અજાણતામાં એ ખાઈને નરભક્ષી બને છે. વાર્તાનો બોધપાઠ એ છે કે બાળકીઓએ અને વધુ વિસ્તૃત અર્થમાં સ્ત્રીઓએ ‘પુરુષપ્રધાન’ સમાજે જે ચીલો ચાતરી આપ્યો છે એના પર જ ચાલવું જોઈએ અને અજાણ્યા ‘વરુઓ’ સાથે ઘરોબો કેળવવાથી દૂર રહેવું જોઈએ. રાતનું વરુ રાતી થતી સાંજને ગળી જાય, સૂર્યના રાતા ગોળાને રાત ગળી જાય, ગ્રહણ નામનું વરુ ચંદ્રને ગળી જાય અને સૂર્ય એના કિરણોની બંદૂકથી એને છોડાવે કે કિશોરી માસિકધર્મમાં આવીને યુવતી બને છે એવા તો સેંકડો અર્થઘટનો આ કથાના કરાયા છે. જાતિય પરિપક્વતાની કથા તરીકે પણ ઘણા આને જુએ છે. લાલ હૂડને સ્ત્રીનું યોનિપટલ અને વરુને એ માટેનો ખતરો ગણાવતાં અર્થઘટન પણ થયાં છે. આધુનિક યુગના નારીવાદીઓએ આ વાર્તાને સ્ત્રી-સશક્તિકરણવાળા અંત પણ આપ્યા છે. આપણે ત્યાં પણ ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’વાળી પરીકથાઓના નવા સંસ્કરણ જોવા મળે છે. કંગના રણૌત અભિનિત ‘ક્વીન’ ફિલ્મમાં નાયિકાના અનાધુનિક દેખાવના કારણે એને નકારી દેવાતાં નાયિકા એકલી હનીમૂન મનાવવા વિદેશ ઉપડે છે અને પોતાની જાતને મળે છે, મેળવે છે અને બદલાયેલી નાયિકાને પુનઃપ્રાપ્ત કરવાની મંસા રાખતા નાયકને સગાઈની વીંટી પરત કરી દે છે. આ અંત આજની નારીએ લખાવેલો અંત છે.

સમાજના પ્રસ્થાપિત બંધનોને ફગાવનારી નારીની વાત કરતી હોવાથી પ્રસ્તુત રચના સ્વાભાવિકપણે અછાંદસ પ્રકારની કાવ્યરચના છે, જે છંદ, પ્રાસ કે નિયત પંક્તિસંખ્યાના નિયમો ઉવેખીને આગળ વધે છે. કવયિત્રીએ મોટાભાગે એક અને બેથી લઈને એકાદ જ જગ્યાએ ત્રણ અને ચાર પંક્તિઓના વિભાગોમાં કવિતાને વિખેરી નાંખી છે. આમ કરીને કવિતાને એક restless shape (બેચેન આકાર) આપવામાં તેઓ સફળ થયાં છે. ઘણીવાર મોટા પુસ્તકની સાથે પુરવણી જેવી માર્ગદર્શિકા કે સહાયક પુસ્તિકા બહાર પાડવામાં આવતી હોય છે. શીર્ષકમાં જે કથાના આત્માને એમણે આજના જમાનાનો દેહ આપવાનું કામ કરવા ધાર્યું છે, એ પ્રચલિત લોકકથાના નામની સાથે સ્લેશ (/) મૂકીને ચાવેઝે ‘સહાયિકા’ ઊમેર્યું છે, જે પરથી સમજી શકાય છે કે કવયિત્રી સદીઓથી ચાલી આવતી લોકકથાના સંદર્ભે કોઈક બીજી વાત કરનાર છે. પરિણામે જે ભાવક આ લોકકથાથી પરિચિત છે, એની કવિતા વાંચવાની જિજ્ઞાસા બેવડાય છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે એ સત્ય અહીં પ્રકાશિત થાય છે.

કાવ્યારંભે ચાવેઝ એક અભિલેખ મૂકે છે જે ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ’નામના ડૉ. ક્લેરિસા પિન્કોલા એસ્ટિસના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. સમાજ જેને જંગલી પ્રકારની સ્ત્રી ગણે છે એમની વાર્તાઓ અને દંતકથાઓ આ પુસ્તકમાં સમાવાઈ છે. આ પુસ્તકમાં ક્લેરિસા દુનિયાભરની પ્રચલિત પરીકથાઓ અને દંતકથાઓનું વિશ્લેષણ કરી સ્ત્રીપ્રધાન અને સ્ત્રીસ્વાતંત્ર્યના આયામો ચકાસે છે. વરુના સ્વભાવગત લક્ષણો જેવાં કે, ઉગ્ર વફાદારી, સહજતા, સંવેદનશીલતા, અને જંગલિયત અને આ કથાઓની નાયિકાઓના લક્ષણો વચ્ચેનું સામ્ય એમનો મુખ્ય પ્રયાસ છે. સમસામયિક સ્ત્રીના ચશ્માંમાંથી તેઓએ જંગિઅન મનોવિજ્ઞાનને જોવાનું કામ કર્યું છે. સ્ત્રીઓએ નિર્ણાયક નહીં બની શકે એ પુરુષપ્રધાન સમાજમાં પ્રચલિત ધારાની સામે તેઓ બુલંદ અવાજ ઊઠાવે છે. આવા સાવ અલગ ભાત ધરાવતા પુસ્તકમાંથી ચાવેઝ જે અવતરણ ટાંકે છે એ છે: ‘અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.’

અહીં વાતની અને કવિતાની, બંનેની શરૂઆત ‘અને’થી થાય છે. મતલબ ચાવેઝ કોઈ નવી વાત નહીં, અગાઉ ક્યારેક પ્રારંભાયેલી કોઈક વાતનું અનુસંધાન જ કરવા માંગે છે એમ સમજાય છે. સ્ત્રીસમાનતા અને સ્ત્રીસ્વાતંત્ર્યતાનું આ કામ તો વર્ષોથી, પેઢીઓથી, અને કદાચ સદીઓથી ચાલતું જ આવી રહ્યું છે. અધૂરી વાત સાથે છેડા જોડ્યા બાદ ‘અન્ય સ્ત્રીઓ’નો ઉલ્લેખ આવે છે, જે નિર્દેશે છે કે આ વાત કેટલીક સ્ત્રીઓની છે, બધાની નહીં. મોટાભાગની સ્ત્રીઓ તો સમાજે ચાતરેલા ચીલા પર ચાલી લેવામાં જ જીવનનું સાફલ્ય સમજી બેઠી હોય છે. પણ કેટલીક સ્ત્રીઓ છે જે પોતાનો રસ્તો પોતે નક્કી કરવામાં માનતી આવી છે, માને છે અને માનતી રહેશે. સમાજે ગળામાં બાંધેલ કોલર કે ગળપટ્ટામાંથી એકાદ-બે ક્ષણો પણ જે સ્ત્રીઓ છટકી જઈ શકી હતી અને જેમના માથે પુરુષપ્રધાન સમાજે ‘ખરાબ’નું લેબલ ચોડી દીધું હતી એવી સ્ત્રીઓની વાત આ કવિતામાં આવનાર છે એમ ક્લેરિસાના પુસ્તકમાંથી અભિલેખ તરીકે ટાંકવામાં આવેલ આ અવતરણ આપણને કહે છે. સરળ અને સહજ દૃષ્ટિએ જોઈએ તો શીર્ષક તથા કાવ્યારંભે આવતાં ‘અને’ને જોડી દઈએ તો ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ અને એ અન્ય સ્ત્રીઓ જે…’ એમ વાક્ય સંપૂર્ણ થાય છે. અને એ રીતે ચાવેઝ શીર્ષકનાયિકાની સાથે સમાજની એ તમામ સ્ત્રીઓને સાંકળી લે છે, જે પોતાની પાંખે ઊડવા માંગે છે.

નાયિકા કહે છે, રહસ્યે એની મજ્જામાં ઘર કરેલું છે. ખરી વાત છે. સ્ત્રીથી મોટું બીજું કયું રહસ્ય આ સંસારમાં સર્જાયું હશે? સ્ત્રીનો પાર પામતાં તો દેવોનેય પરસેવો પડી જાય. નાયિકા સ્ટ્રિપટીઝ ડાન્સર છે. પશ્ચાત્ય દેશોમાં ઘણી ક્લબ કે બાર-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના મનોરંજન ખાતર એક કે એકાધિક સ્ત્રીઓ નૃત્ય કરતાં કરતાં પોતાનાં કપડાં લયાત્મક રીતે એક પછી એક ઉતારતી જાય અને અંતે બિલકુલ નિર્વસ્ત્ર થઈને કામુક નૃત્ય રજૂ કરે છે. નગ્ન નૃત્ય કરતી આ સ્ત્રીઓ ગ્રાહકોના ઈશારે એમના ખોળામાં ચડી જઈને પણ અંગભંગીઓ રજૂ કરે છે. નૃત્યાંગનાઓ ગ્રાહકના શરીરને સ્પર્શી-ચૂમી શકે છે પણ ગ્રાહકોને એમના શરીરને –ખાસ કરીને ઊઘાડાં જાતીય અંગોને- હાથ લગાડવાનો અધિકાર હોતો નથી. સ્ત્રીદેહનો આ નગ્ન નજારો જોનારાંઓમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે. કેટલીક ક્લબોમાં સ્ત્રીગ્રાહકોને આકર્ષવા માટે પુરુષો પણ આ પ્રકારનું નૃત્ય કરતા હોય છે. નાયિકા જાહેરમાં વસ્ત્રો ઉતારતાં જતાં પગના અંગૂઠા પર બેલે ડાન્સરની જેમ ગોળ-ગોળ ફરતી હોય છે ત્યારે જોનાર પુરુષોને એનામાં પોતાનો ‘શિકાર’ નજર આવે છે. કેટલીક ક્લબોમાં ગ્રાહક પોતાને ગમી ગયેલી નૃત્યાંગનાને ભોગવવા માટે માલિક સાથે સોદો પાડે છે. નાયિકા સ્ત્રી હોવાની મજબૂરીની પરાકાષ્ઠા રજૂ કરતાં કહે છે કે એ આ નૃત્ય પત્યા બાદ ‘ભોગવાવું’ કોને કહેવાય તે આપણને બતાવી શકશે. પાશાગીરી અને પોપત્વ ઊભા થઈ ચારેતરફ સતત છંટકાવ કરે છે. સરકારી ખાતામાં કે સેનાદળમાં ઉચ્ચાધિકારીની પદવી ભોગવનાર પાશા કહેવાય છે. જે સ્થાન પાશાનું સામાન્ય સમાજમાં એ જ સ્થાન પોપનું ખ્રિસ્તી ધર્મમાં. ધર્મસ્થાન અને સમાજમાં ઊંચુ સ્થાન ભોગવનાર અધિકારીઓ સ્ત્રીઓનું જાતીય શોષણ કરવામાં કશું બાકી રાખતા નથી. અને નાયિકા કહે છે, કે લખી લો તમે, કંઈ પણ થાય, સ્ત્રીઓનો સ્વાદ માણતા એ લોકોને અંતે તો તમે આછા ધુમ્મસમાં ઢંકાઈ ગયેલા જ પામશો. એમની શોષણગાથાઓ ધુમ્મસમાં ઢંકાયેલી-છૂપાયેલી જ રહેવાની છે. એ લોકો કદી બેનકાબ થશે જ નહીં. અંગ્રેજી કવિતામાં come to gush શબ્દ પ્રયોજાયો છે. અંગ્રેજીમાં comeનો એક અર્થ પરાકાષ્ઠાએ વીર્યસ્ખલન થવું પણ થાય છે. ગુજરાતીમાં come યાને ‘આવવું’નો આવો બીજો અર્થ સંભવ ન હોવાથી ઉત્તેજનાના સંદર્ભમાં ‘ઊભા થવું’ પ્રયોજાયું છે.

કવિતા અહીંથી વળાંક લે છે. જે લોકકથાને ધ્યાનમાં રાખીને એ લખાઈ છે, એ કથા અહીંથી કવિના કથનમાં ભળે છે. એ કહે છે, એ જાતીય શોષણકર્તાઓ એ વાતથી અજાણ છે કે નકાબની પાછળ જે પથારીમાં તેઓ વરુ બનીને સ્ત્રીને ભોગવી રહ્યા છે એ સ્ત્રી પોતે જ વરુ છે. વરુની જેમ આ સ્ત્રી વફાદાર તો ખરી પણ ખતરનાક પણ ખરી. શિકાર થઈ રહી છે, પણ શિકાર કરવા માટે સક્ષમ પણ છે. પોતાની રચનાઓમાં પ્રાણીઓના સ્થાન વિશે કવયિત્રી કહે છે: ‘પ્રાણીઓ હંમેશા મારા કામમાં ખાસ્સા નોંધપાત્ર જ રહેવાના. મારી પાસે એક ભીતર એક જાનવર છે, જે રીતે કેટલાક લોકોની ભીતર એક બાળક હોય છે. મોટા ભાગની આ દુનિયા જંગલી છે, બેકાબૂ છે, અદભુત છે.’

નાયિકા પોતાને તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલોમાં પાંદડાની મધ્યશિરા, બૂટ અને ધાર પર શોધવા માટે આહ્વાન આપે છે. અમેરિકાના લુઇઝિઆના રાજ્યમાં મુખ્યત્વે કળણ વિસ્તારોમાં તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલો ફેલાયેલાં છે. આ વૃક્ષોના થડ નીચેથી ખૂબ પહોળાં હોય છે જેથી કાદવમાં સંતુલન જળવાયેલું રહે અને ૧૦૦ ફૂટથીય ઊંચા વધે છે. આ વૃક્ષોને ચીરીને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચવામાં તકલીફ પડતી હોવાથી આ વૃક્ષોની છાયામાં મર્યાદિત જાતિના ફૂલો ઊગે છે. જીવનપ્રકાશ પહોંચવો દુષ્કર હોય એવા ગાઢ જંગલોમાં પુરુષોએ સ્ત્રીઓને મૂકી દીધી છે, જેથી એમનો બહુઆયામી અમર્યાદિત વિકાસ સંભવે જ નહીં. પણ સ્ત્રીને પાંદડાની જેમ મસળી-ચીરી નાંખનાર પુરુષોને સ્ત્રી ચેતવણી આપે છે. એ કહે છે, પાંદડાનો કોઈપણ ભાગ હું હોઈ શકું છું અને પાંદડાં સુદ્ધાંને પણ દાંત હોઈ શકે છે, જે તમને વરુની જેમ ફાડી ખાઈ જઈ શકે છે. સાવધાન! લોકકથાના એક સંસ્કરણમાં વરુ છોકરીને દાદીનું લોહી-માંસ ખવડાવી અજાણતાં માનવભક્ષ કરાવે છે, એની યાદ કરાવતાં નાયિકા સમાજના ઠેકેદારોને ફરી ચેતવે છે.

વરુની જેમ પોતાનું ભક્ષણ કરવા તત્પર પુરુષોના ગાઢ-અંધારા જંગલોની વચ્ચે લિટલ રેડની જેમ નાયિકા પોતાને ચીંધવામાં આવેલો રસ્તો છોડીને દરેક પ્રકારના જંગલી ફૂલોને વીણી રહી છે. એ પોતાનો માર્ગ જાતે પ્રશસ્ત કરી રહી છે. પુરુષોએ જ સર્જેલ પુરુષવાદી માળખાંઓ સમાજમાં સ્ત્રીઓનો સતત ન્યય તોળતાં આવ્યાં છે. તેઓ સ્ત્રીઓનું ‘સારી’ અને ‘નઠારી’માં વર્ગીકરણ કરે છે. સ્ત્રીઓ માટે નીતિનિયમોનું સર્જન કરે છે અને પોતે બનાવેલ આચારસંહિતાઓ એમના માથે ‘તમારા જ ભલા માટે છે’ કહીને થોપે છે. સ્ત્રીઓના વિચારમાત્રથી પુરુષો જાતીય ઉત્તેજના અનુભવે છે અને એ ઉત્તેજનાને કઈ રીતે સંતોષવી એની તાકમાં જ રહે છે. જેમ વરુ લિટલ રેડને ફસાવે છે એ જ રીતે પુરુષો સ્ત્રીઓને યેનકેન પ્રકારે ફસાવવાની અને પોતાની જાતીય વૃત્તિઓ સંતોષવાની, પંપાળવાની ફિરાકમાં જ રચ્યાપચ્યા રહે છે. ચાવેઝની આ કવિતા સ્ત્રીઓના યૌનશોષણ, અન્યાય અને અસમાનતા વિરુદ્ધ ઊઠેલ અત્યંત શક્તિશાળી અવાજ છે. સ્ત્રીઓના દમનના કારણો અને પદ્ધતિઓ ઉપર આ કવિતા પ્રબળ કુઠારાઘાત છે. આ કવિતા ઊંચુ નિશાન તાકે છે અને ઊંડો ઘા કરે છે….

ગ્લૉબલ કવિતા : ૧૧૫ : જેનીએ મને ચૂમી લીધો – જેમ્સ હેન્રી લે હન્ટ

Jenny kiss’d me

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry Leigh Hunt

જેનીએ મને ચૂમી લીધો

જેનીએ મને ચૂમી લીધો જ્યારે અમે મળ્યાં,

જે ખુરશીમાં બેઠી હતી એમાંથી ઊછળીને;

કાળ! ચોર! પસંદ તને છે તારી યાદીમાં

મીઠું બધું સમાવવાનું, આય નોંધી લે!

કહેજે કે હું થાક્યો છું, કહેજે કે છું ઉદાસ,

કહેજે કે સ્વાસ્થ્ય સંપત્તિ મને બેઉએ લખી વાળ્યો,

કહેજે કે હું વૃદ્ધ છું પણ ઉમેરજે આ ખાસ,

જેનીએ મને ચૂમી લીધો.

– જેમ્સ હેન્રી લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણનું મરણ કદી થતું નથી…

          સમયથી મોટો બાજીગર બીજો કોણ હોઈ શકે? સમય દરેક ‘છે’ને ‘હતું’માં ફેરવી દે છે. સમય ઉસ્તાદોનો ઉસ્તાદ છે. એ પળેપળ આપણને હમણાં જ જીવી લેવાયેલી પળથી દૂર કરતો રહે છે. યમનું રેઝર તો એક જ વાર ચાલે છે પણ સમયનું ઇરેઝર તો એકધારું ચાલતું રહે છે. જે ક્ષણમાં આપણે હાલ શ્વસી રહ્યાં છીએ એ ક્ષણ આપણને ગમે એટલી પ્રિય કે અપ્રિય કેમ ન હોય, સમય એને બીજી જ ક્ષણે વીતી ગયેલી ક્ષણમાં પલટી નાંખે છે. સમય એટલે જીવનના પ્રસંગો અને આપણી વચ્ચે સતત વધતું જતું અંતર. વહેતા પાણીને કે વહેતી હવાને પણ આપણે કદાચ અટકાવી શકીએ પણ વહેતા સમયને નાથવો શક્ય નથી. સમય ન માત્ર જિંદગીની ઘટનાઓ અને આપણી વચ્ચે અંતર વધારતો જાય છે, એ આપણને સતત એ વાતનું પણ સ્મરણ કરાવે છે કે આપણે જીવનમાં ગમે એટલા ઊંચા શિખરે કેમ ન આરુઢ થયા હોઈએ, આપણી સિદ્ધિ, આપણી તાકાત, આપણી ક્ષમતા એટલી છે જ નહીં, જેટલી આપણે ધારી બેઠાં છીએ. સમયની આવી જ સર્વોપરિતા અને એની સામે નમતું નહીં મૂકવાની ક્ષમતાની વાત પ્રસ્તુત રચનામાં લે હન્ટ લઈ આવ્યા છે.       

          આખું નામ જેમ્સ હેન્રી લે હન્ટ. પણ સાહિત્યજગતમાં લે હન્ટ તરીકે જ વધુ પ્રખ્યાત. વિવેચક. પત્રકાર. નિબંધકાર. કવિ. જન્મ ૧૯-૧૦-૧૭૮૪ના રોજ સાઉથગેટ, લંડન ખાતે. અમેરિકાની આઝાદીની લડાઈ વખતે એના મા-બાપને અમેરિકા છોડીને ઇંગ્લેન્ડ આવવાની ફરજ પડી હતી. આઠ સંતાનોમા તેઓ સાતમા પણ ઇંગ્લેન્ડમાં જન્મેલ પ્રથમ. પિતા અમેરિકામાં વકીલ હતા પણ ઇંગ્લેન્ડ આવીને પ્રખ્યાત ધર્મોપદેશક બન્યા. લક્ષ્મીકૃપાથી કાયમ વંચિત જ રહ્યા. પિતા ચાન્ડોસના ડ્યુકના ભત્રીજાને ભણાવતા, જેના નામ પરથી જ એમણે પુત્રનું નામ જેમ્સ હેન્રી લે પાડ્યું. બાળપણમાં એમને બોલવામાં તકલીફ હતી -જે આગળ જતાં સારી થઈ ગઈ હતી- એના કારણે અભ્યાસ માટે યુનિવર્સિટી ન જઈ શક્યા. ૧૭ વર્ષની વયે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. પાછળ જતાં આ કવિતાઓ હન્ટને બાલિશ લાગી પણ માત્ર ત્રણ જ વર્ષમાં સંગ્રહની ચાર આવૃત્તિ બહાર પાડવી પડી એ હદે એ લોકપ્રિય થયો હતો. અખબારોમાં વિવિધ વિષયો પર લખવાનું આરંભ્યું. કવિ બાળપણમાં થોમસ ગ્રે અને વિલિયમ કોલિન્સના પ્રભાવ હેઠળ કવિતા કરતા. ઇટાલિઅન સાહિત્યની એમના પર ઊંડી અસર હતી. ૧૮૦૮માં ક્લર્કગીરી છોડીને ‘એક્ઝામિનર’ નામનું અખબાર બે હન્ટ ભાઈઓએ મળીને સ્થાપ્યું, તંત્રી બન્યા અને ખૂબ લોકપ્રિય થયા. એ જમાનામાં અખબારોની તાકાત ચરમસીમાએ હતી. પણ તત્કાલિન રાજકુમાર વિશેના એમના લેખે એમને તથા એમના ભાઈ-બંનેને ૧૮૧૩માં બે વર્ષનો જેલવાસ અપાવ્યો. જેલમાંથી પણ અખબાર માટે લખવાનું ચલુ રાખનાર હન્ટ આઝાદી માટેના શહીદ તરીકે ઓળખાયા. વચ્ચે ઘણા વર્ષ પારાવાર ગરીબીનો પણ શિકાર થયા હતા. ૧૮૦૯માં મરિઆન કેન્ટ સાથે લગ્ન અને વીસ વર્ષમાં દસ સંતાનોના પિતા બન્યા. ૧૮૫૭માં પત્નીનું અવસાન થયું એ પછી એમની સાળી એલિઝાબેથ, જે એમના પ્રેમમાં હતી, એમની શ્રુતલેખિકા બની. કવિતા ઉપરાંત, તેઓ સંગીત અને ચિત્રકળાના માણસ હતા. ૨૮-૦૮-૧૮૫૯ના રોજ ૭૪ વર્ષની વયે લંડન ખાતે જ નિધન.  

          માણસ તરીકે હન્ટ અજાતશત્રુ હતા અને એમના પ્રેમાળ સ્વભાવના કારણે સૌના ચહીતા પણ હતા. જો કે ચાર્લ્સ ડિકન્સે એમની સુપ્રસિદ્ધ ‘બ્લિક હાઉસ’માં હેરોલ્ડ સ્કિમ્પોલેનું જે પાત્ર રચ્યું હતું એ હકીકતમાં બીજું કોઈ નહીં પણ હન્ટ જ હતા. આ વાતથી હન્ટને મોટો આઘાત પણ પહોંચ્યો હતો. કવિનું ‘હન્ટ સર્કલ’ ખૂબ લોકપ્રિય હતું, જેમાં હેઝ્લિટ અને લેમ્બ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. કિટ્સ, શેલી, બ્રાઉનિંગ અને ટેનિસન જેવા મહારથીઓને જનતા સમક્ષ લઈ આવવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું હતું. ‘રૉમેન્ટિસિઝમ’નો જે જુવાળ તત્કાલિન ઇંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હતો, એના કેન્દ્રસ્થ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. વિપુલ માત્રામાં કવિતાઓ લખી. ગ્રીક, રોમન, ઇટાલિઅન અને ફ્રેન્ચ કવિતાઓના તરજૂમા પણ ઘણા કર્યા. જીવંત વર્ણન, અદભુત લયાન્વિતતતા, પ્રકૃતિ અને માનવમનની નાનાવિધ અવસ્થાઓનું તાદૃશ ચિત્રણ એમની કવિતાઓનાં મુખ્ય જમાપાસાં હતાં. અંગ્રેજી કપલેટ (યુગ્મક)ને નવશાસ્ત્રીય જડતામાંથી આઝાદ કરાવવામાં એમનો નોંધપાત્ર ફાળો હતો. ઊંડે ઊતરવું પડે એવી કવિતાઓ લખવાના બદલે એમણે મજા પડે એવી કવિતાઓ લખવી વધુ પસંદ કરી. કદાચ બહોળા પરિવાર તરફની જવાબદારી, શરાબી અને ઉધારખોર પત્નીના ઉધારને પહોંચી વળવા માટે હન્ટે મોટાભાગની જિંદગી આખા-આખા દિવસ અને અડધી રાત સુધી લખતા રહેવાની ફરજ પડી હતી જેની અસર ગુણવત્તા પર પડ્યા વિના રહી નહીં.  

          ૧૮૩૮માં પ્રગટ થયેલ માત્ર આઠ પંક્તિની આ નાનકડી કવિતાએ વિશ્વકવિતામાં ખાસ્સા વમળ સર્જ્યાં છે. સ્વરૂપની દૃષ્ટિએ આ કવિતા ફ્રેન્ચ કાવ્યપ્રકાર રૉન્ડુ (Rondeau-round)ની નજીકની છે. રચનાનું મૂળ શીર્ષક પણ રૉન્ડુ જ આપવામાં આવ્યું હતું પણ પછીથી એ ‘જેની કિસ્ડ મી’થી વધુ જાણીતી થઈ. રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં ઓછું વપરાતા અને પ્રમાણમાં કઠીન ગણાતા ટ્રોકેઇક મીટરનો અહીં અદભુત અને લગભગ પ્રવાહી કહી શકાય એ રીતે પ્રયોગ થયો છે, જેમાં એક હરોળમાં ત્રણ સ્વરભારવાળા શબ્દાંશ (સ્ટ્રેસ્ડ સિલેબલ), દરેકની પાછળ એક સ્વરભારહીન શબ્દાંશ (અનસ્ટ્રેસ્ડ સિલેબલ) હોય છે અને અંતે ચોથો સ્વરભારવાળો શબ્દાંશ વપરાય છે. સમજવા માટે આપણે ગુજરાતીમાં આ છંદને ‘ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ’ (ગાલ ગાલ ગાલ ગા) ગણી શકીએ. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયમ્બિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટો –ગુરુ-લઘુ- છે, જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. આ પ્રકારનો ‘સિંગસોંગ’ લય અંગ્રેજીમાં નર્સરીની કવિતાઓ જેમ કે, ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ વગેરેમાં સવિશેષ જોવા મળે છે પણ નર્સરીની કવિતાઓમાં પ્રાસરચના અઅબબ પ્રકારની હોય છે, જ્યારે હન્ટે અબઅબ પ્રકારની પ્રાસવ્યવસ્થા કરીને પોતાની કવિતાને સાયાસ બાળકાવ્યોથી અલગ તારવી છે. બીજું, ભલે ને છંદના જૂતાં પહેરીને ચાલતી હોય પણ નાના-મોટા કૂદકા મારવાનું ચૂકી જાય તો તો એ કવિતા શાની? બધી જ પંક્તિમાં સાત શબ્દાંશ પ્રયોજવાને બદલે હન્ટ બીજી અને છઠ્ઠી પંક્તિમાં આઠ અને છેલ્લી પંક્તિમાં ચાર જ શબ્દાંશ પ્રયોજીને સાવ ટચૂકડી હોવા છતાંય કવિતાને જોડકણું બનતું અટકાવે છે.       

          આ કવિતા પાછળની વાયકા પણ રસપ્રદ છે. કિટ્સ અને શેલી તો એમના ખાસ મિત્રો હતા. પણ સ્વભાવે વિચિત્ર થોમસ કાર્લાઇલ સાથે એમની મૈત્રી થોડી અજુગતી હતી. લાંબા સમય સુધી ફ્લૂની બિમારીમાં સપડાઈ રહ્યા બાદ જ્યારે હન્ટ સાજા થયા ત્યારે કાર્લાઇલને મળવા એના ઘરે ગયા. એ વખતે કાર્લાઇલની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ઉર્ફે જેની એમને મળ્યાં. લાંબા સમય સુધી ન દેખાયેલ હન્ટને જોતાંવેંત જેને એમને ચુંબન આપ્યું અને બે દિવસ પછી હન્ટનો નોકર જેનને એક કાગળ આપી ગયો, જેમાં આ કવિતા લખેલી હતી. એક બીજી વાર્તા એવી પણ છે કે, હન્ટે પોતે થોમસની કવિતાઓ પ્રગટ કરનાર હોવાના સમાચાર જેનને આપ્યા હતા અને ખુશીની મારી જેને ઊછળી પડીને હન્ટને ચુંબન આપ્યું હતું. એવી માહિતી પણ છે કે કવિતાના મૂળ ફરમામાં જેનીના સ્થાને ‘નેલી’ નામ હતું અને weary (થાક્યો)ના સ્થાને jaundiced (કમળાગ્રસ્ત) લખ્યું હતું.       

          કવિતા જે વાક્યથી શરૂ થાય છે એ જ વાક્ય પર એક સંપૂર્ણ વર્તુળની જેમ પૂર્ણ પણ થાય છે. આ પુનરોક્તિ કવિતામાં પ્રાણ પૂરે છે. કાવ્યાંતે ત્રણ જ પંક્તિઓમાં ચાર વાર ‘કહેજે કે’ આવે છે, જે પણ આ જ રીતિનું દ્યોતક છે. લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થયો છે. આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે શય્યાશયન સુધી પણ લંબાતા નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેગ છે, જે આવેશ છે એ તરત જ આપણને સ્પર્શી જાય છે. એક રીતે આ કવિતા માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ છે! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિથી વિપરીત ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવ્યું છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે.

          નાયક સમય સાથે ગુફ્તેગૂ માંડે છે. આખી રચનામાં કવિએ જે રીતે શબ્દોની કરકસર કરી છે એ પણ નોંધવા જેવું છે. આડીઅવળી વાત કરવાના બદલે એ સીધું જ સમયને ગળચીમાંથી પકડતા હોય એમ વાત આદરે છે- ટાઇમ, યુ થીફ! કોઈ પણ ઔપચારિકતા કરવાના બદલે એ સમયને સીધું જ સંબોધે છે અને તરત જ ચોરકરાર પણ આપી દે છે. સમય પર સીધો જ આરોપ મૂકતા નાયક કહે છે કે સમય બધી જ મીઠી વાતોને પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. સમયને અપાતો આ ઉપાલંભ કાવ્યનો પ્રાણ છે. સમય એકતરફ ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે તો બીજીતરફ ભલભલી મીઠી વાતો, સિદ્ધિઓ, પ્રસંગોનું કબ્રસ્તાન પણ સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. બીજા શબ્દોમાં, એ આપણી પાસેથી આપણો વર્તમાન સતત છીનવતો રહે છે. અને એ અર્થમાં એ હરહંમેશ પોતાની સર્વોપરિતા અને આપણા અસ્તિત્વની ક્ષુલ્લકતાનો જયઘોષ કરતો રહે છે.

          ખરી મજા તો નાયક કાળને જે ચીમકી આપે છે એની છે. એ કહે છે, ભલે તું તારી ટેવ મુજબ તારી ડાયરીમાં બધું જ નોંધી લે, પણ હું કહું છું એ નોંધવાનું ભૂલીશ નહીં. કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ હશે. સમયની આગળ નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, ઉદાસ પણ ઘણો છે. તન-મન-ધનના ત્રિવિધ તાપ -આધિ, વ્યાધિ, ઉપાધિ- સામે નાયક નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, ને મનમાં હતાશા. એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને સમ્યકાવસ્થામાં નાયક નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી ગયા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. જીવન હારી ગયું છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને. ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ (સુન્દરમ્) નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

          નાયક સમયને કહે છે કે ભલે મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ તું તારી યાદીમાં સમાવી લે પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક કરાયેલો સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

          સંગીત હોય, કે ગીત, ચિત્ર હોય કે શિલ્પ, નૃત્ય હોય કે કવિતા- ઘણીવાર એને આપણી સામાન્ય સમજની બહારના કોઈક તત્ત્વને સ્પર્શી જતાં આપણે સહુએ અનુભવ્યું જ હશે. કળા કોઈપણ હોય, ક્યારેક એ આપણી બુદ્ધિમત્તાને અતિક્રમી જઈ ઠે…ઠ ભીતરના કોઈક અગોચર રહસ્યમયી ઊંડાણને ઝંકૃત કરી બેસે છે. પરિણામે આપણને એ પસંદ આવી જાય છે. અને આવી ક્ષણે આપણને આમાં શું ગમી ગયું એ કહેવુંય કદાચ અઘરું થઈ પડતું હોય છે. ખેર, કળાની આ I-know-not-what, યાને કે સમજ અને શબ્દ બહારની દિવ્ય અલૌકિક ક્ષમતાના કારણે જ એ સદાકાળથી મનુષ્યજાતને આકર્ષતી આવી છે. બાઇબલમાં આવી જ વાત કરવામાં આવી છે: ‘કેમ કે અત્યારે આપણે અરીસા, અંધારિયામાં, જોઈ રહ્યાં છીએ, પણ પછી રૂબરૂ થઈશું: અત્યારે હું થોડું જ જાણું છું, પણ પછી હું પૂરું જાણી લઈશ.’ (રાજા જેમ્સનું સંસ્કરણ: ૧ કોરિન્થિઆન્સ ૧૩:૧૨) કળાના અર્થમાં વિચારીએ તો ઘણીવાર આપણે શરૂમાં એને માત્ર અનુભવીએ છીએ અને આનંદ લઈએ છીએ, અને પાછળથી આપણે એનું સમગ્રતયા મૂલ્યાંકન કરી શકીએ છીએ. ઇલિયટે કહ્યું હતું કે સાચી કવિતા સમજાય એ પહેલાં જ સંવાદ સાધી લે છે. હન્ટની આ કવિતા કાવ્યત્ત્વની દૃષ્ટિએ એવી મહાન કળાકૃતિ ન હોવા છતાંય દાયકાઓથી લોકોએ એને સિરઆંખો પર બેસાડીને અફાટ પ્રેમ આપ્યો છે. અમર કવિતાઓના સંપાદનોથી લઈને સામયિકો, અંગત ડાયરીઓ, જાહેર પ્રસંગો; પ્રેમની દરખાસ્ત મૂકવાના સમયથી માંડીને સુહાગરાત સુધી પેઢીઓની પેઢીઓએ આ કવિતાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. કવિતા સારી અને સાચી હશે તો એ ટકશે જ એના જીવંત દાખલા સમી આ કવિતા નવલોહિયા સર્જકો માટે પ્રેરણાનું પીયૂષ છે. થોમસ એલને ‘(સે આઇ એમ ગ્રોઇંગ ઓલ્ડ બટ એડ) જેની કિસ્ડ મી!’ નામની નવલકથા પણ લખી છે. ૧૯૮૬ની સાલમાં ‘જેની કિસ્ડ મી’ નામની એક ફિલ્મ પણ બની હતી. બ્રોડવે પર આ નામનું નાટક પણ ભજવાઈ ચૂક્યું છે. ‘એજ ઓફ એડેલાઇન’ ફિલ્મમાં પણ નાયક નાયિકા સાથે લિફ્ટમાં પ્રથમ મુલાકાત વખતે આ કવિતાની પંક્તિઓ બોલે છે, જે આ કવિતાની લોકપ્રિયતાના માપદંડ ગણી શકાય. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

          સમય તો વૃકોદર છે. એના પેટમાં જેટલું નાંખો, પેટ ખાલીને ખાલી જ રહે છે. બ્રહ્માંડના બ્લેકહૉલમાં પ્રવેશેલી કોઈપણ વસ્તુ કરીય પરત આવી શકતી નથી એ જ રીતે સમયના બ્લેકહૉલમાં આપણી એક-એક ક્ષણ, એક-એક અનુભૂતિ પળેપળ હોમાયે જ રાખે છે પણ સમય કદી સંતોષનો ઓડકાર ખાવાનું નામ લેતો નથી. સમયે નાયકની જિંદગીની તમામ નબળી પળો, મીઠી પળો પોતાની યાદીમાં સમાવી લીધી છે. ‘કહેજે કે’થી શરૂ થતી બધી જ વાત જીવનની કાળી બાજુઓની અને સંજોગો સામેના મનુષ્યના પરાભવની વાત કરે છે. સમયનું કદ શબ્દે-શબ્દે મોટું થતું દેખાય છે. પણ કાવ્યાંતે નાયક પહેલાના બદલે ‘છેલ્લો ઘા રાણાનો’ કરે છે. એ સમયને કહે છે કે તું માત્ર મારા જીવનની નકારાત્મક બાજુઓ કે મારી હાર-નિષ્ફળતાઓ જ મને યાદ કરાવ્યે રાખશે એ કોઈ કાળે ચાલશે નહીં. ‘જેનીએ મને ચૂમી લીધો’ જેવી ખાસ પળ એવી છે, જેને તું લાખ ઇચ્છે તોય જીવનમાંથી ભૂંસી શકનાર નથી. ‘समय समय बलवान है, नहीं मनुष बलवान’ની આલબેલની સામે સાવ મામૂલી ભાસતી અને સાવ નાની કહી શકાય એવી જીવનની યાદગાર પળો છાતી કાઢીને ઊભી રહે છે. નાની-નાની પણ મીઠી યાદો સમય જેવા સમયને માત દઈ શકે એટલી તાકતવર હોય છે.

હે સમય! તું સ્મરણ રાખ આ વાતનું

કે, સ્મરણનું મરણ થાય ના કોઈ દિ…..  

ગ્લૉબલ કવિતા : ૧૧૩ : તણાતું – બાઓ ફી

ગ્લૉબલ કવિતા : ૧૧૩ : વિવેક મનહર ટેલર

Adrift

A shipping container of rubber duckies made in China for the US washed overboard in 1992, and some of them traveled and washed ashore over 17,000 miles over 15 years.

Let’s go ahead and assume it’s yellow.
What little of science I know:
its plastic skin invincible against salt water,
but not the sun–
we can only ask so much.
Will it fade or brown?
What I mean to say is
I would want one of these
for my daughter:
its internal clock set to the mercy of the currents
that have been predictable for centuries,
but mercy is not the word anyone
would choose.
Sometimes not making sense and floating
are the same.
Each wave is its own beginning and ending.
Through international waters,
you could have caused an incident:
no one knowing you,
never reaching the hands that hoped for you.
Rough immigrant, or
free refugee–
floating flagless,
fading border,
stamped with words but not your name.

– Bao Phi

તણાતું

અમેરિકા મોકલવા માટે ચીનમાં બનાવાયેલ રબરના બતકોથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ૧૯૯૨ની સાલમાં પાણીમાં તણાઈ ગયું, અને એમાંના કેટલાક ૧૫ વર્ષ અને ૧૭૦૦૦ માઇલની મુસાફરી કરીને કિનારે ઘસડાઈ આવ્યાં.

ચાલો આગળ વધીએ અને ધારી લઈએ કે એ પીળું છે.
જે થોડું ઘણું પણ વિજ્ઞાન હું જાણું છું એ મુજબ:
એની પ્લાસ્ટિકની ત્વચા ખારાં પાણીની સામે અપરાજેય છે,
પણ સૂર્ય સામે નહીં-
આપણે માત્ર આટલું જ પૂછી શકીએ.
એ ઝાંખી પડશે કે તપખીરી?
હું એમ કહેવા માંગું છું કે
મારે આમાંથી એક જોઈએ છે
મારી દીકરી માટે:
એની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલ પ્રવાહોની
દયા પર નિર્ભર છે,
પણ દયા કંઈ એ શબ્દ નથી જે કોઈપણ
પ્રયોજવું પસંદ કરે.
ક્યારેક બેમતલબની વાત કરવી અને તણાવું
એકસમાન હોય છે.
દરેક મોજું એનો પોતાનો પ્રારંભ અને અંત છે.
આંતરરાષ્ટ્રીય પાણીઓમાં થઈને,
તમે કોઈક ઘટનાને જન્મ આપ્યો હોત:
કોઈ તમને જાણતું નથી,
જે હાથોએ તમારી કામના કરી હતી એમના સુધી કદી પહોંચ્યા નહીં.
નઠોર દેશાગત, કે
મુક્ત નિર્વાસિત-
તરતાં ધજાહીન,
સરહદ ભૂંસતાં,
શબ્દોનો સિક્કો તો લાગ્યો છે પણ તમારા નામનો નહીં.

– બાઓ ફી
(અનુ.: વિવેક મનહર ટેલર)

पंछी, नदियाँ, पवन के झोंके, कोई सरहद न इन्हें रोके…

મા. અલગ-અલગ ભાષાઓમાં ‘મા’ માટે કયા શબ્દો વાપરવામાં આવે છે એ શું આપણે જાણીએ છીએ? હિંદી-ગુજરાતીમાં મા કે માતા. દક્ષિણ ભારતીય ભાષાઓ, નેપાળ, બાંગ્લાદેશમાં અમ્મા. અંગ્રેજીમાં મધર, મમ્મી કે મોમ. ચાઇનીઝ, રશિયન, પૉલિશ, જર્મન વગેર ભાષાઓમાં મામા, ફ્રેન્ચમાં મેર, મમા… આશ્ચર્ય થશે પણ આ સિવાય પણ દુનિયાની મોટાભાગની ભાષાઓમાં જનની માટેના સંબોધનમાં ‘મા’ શબ્દ કોઈક ને કોઈક રીતે અચૂક વપરાયેલો જણાશે. આદિમ-હિન્દ-યુરોપીય ભાષાના *méh₂tēr (મખ્તેર્) પરથી આદિમ-જર્મનિક *mōdēr (મોદેર્) નો જન્મ થયો. ડચ moeder(મોએદેર), જર્મન Mutter (મતર), લેટિન matter (મેતર), ગ્રીક μήτηρ (મીતીર), સંસ્કૃત मातृ (વિદેશીઓ માટે માતર) વગેરે શબ્દોમાં આના મૂળિયાં હોવાનું મનાય છે. માનવામાં આવે છે કે મૂળ સંસ્કૃત માતૃ શબ્દ આ બધાના મૂળમાં છે. હકીકત કોઈપણ હોય પણ સમજી શકાય છે કે ડાળ ભલે અલગ-અલગ હોય પણ મૂળિયાં એક જ છે. સવાલ એ થાય કે એક જ બીજમાંથી જન્મેલાં ફળ કઈ રીતે આટઆટલે દૂર લગી ફેલાયાં હશે. તો એનો જવાબ છે મનુષ્યની મુસાફરવૃત્તિ. ફરતા રહેવાના મનુષ્યના સ્વભાવના કારણે માત્ર ‘મા’ જ નહીં, સેંકડો શબ્દો એવા છે જે ભાષાઓની અલગતાની વચ્ચે પણ સમાનતા ધરાવે છે. માણસમાં મમત્વ જન્મ્યું એ દિવસથી સીમાડાઓ સર્જાવા શરૂ થયા. શરૂમાં રાજ્યોની સરહદો હતી પણ માનવી આઝાદ હતો. પછી પાસપોર્ટનો જન્મ થયો અને માણસની ઉપર નિર્વાસિત અને દેશાગતના સિક્કા લાગવા શરૂ થયા. નિર્વાસિતો અને દેશાગતોની પોતાની સમસ્યાઓ છે પણ અહીં અમેરિકન-વિએટનામી કવિ બાઓ ફીએ એમની સમસ્યાઓની વાત માંડવાના બદલે એમની યાત્રાનું ગાન ગાવા નિર્ધાર્યું છે.

બાઓ ફી. ૧૯૭૫માં વિએટનામમાં જન્મ. જન્મનું નામ થિએન બાઓ. બાઓ ત્રણ મહિનાના જ હતા ત્યારે એમના મા-બાપ બાઓ અને મોટા પાંચ સંતાનો સાથે વિએટનામ યુદ્ધથી બચવા અમેરિકા આવી ગયા. અમેરિકાના મિનીઆપોલિસમાં ઉછેર અને શાળેય શિક્ષણ. શાળામાં હતા ત્યારથી જ પોતાની કવિતાઓનું પઠન આદરી દીધું હતું. સર્જનાત્મક લેખનમાં સ્નાતક થયા. પિત્ઝા ડિલીવરી બોય તરીકે પણ કામ કર્યું. અને સુપરમાર્કેટ તથા રેસ્ટૉરન્ટમાં પણ કામ કર્યું. શિકાગોમાં ૧૯૮૪ની સાલથી સ્લેમ પોએટ્રી નામની એક સ્પર્ધા શરૂ થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ કવિતાને ભારીખમ્મ વિવેચકો અને ચંદ ભાવકોના સાંકડા પાંજરામાંથી મુક્ત કરી સામાન્ય જનસમૂહ સુધી પહોંચતી કરવાનો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક કવિ હોવા પણ જરૂરી નથી હોતું. આ સ્પર્ધાઓમાં કવિતા સાચે જ કાનની કળા સિદ્ધ થાય છે. બાઓ આ સ્પર્ધાઓમાં અવારનવાર પુરસ્કૃત થઈ ચૂક્યા છે એ બતાવે છે કે એમની સરળતા અને સહજતા એમની રચનાઓના પ્રધાન કાકુ હશે. ૧૯૯૧ની સાલથી તેઓ પર્ફોર્મન્સ પોએટ (પ્રદર્શન કવિ) છે. તેઓ સ્પોકન વર્ડ આર્ટિસ્ટ તરીકે જાણીતા છે. હાલ તેઓ લોફ્ટ લિટરરી સેન્ટરના પ્રોગ્રામ ડિરેક્ટર છે.

એમના પ્રથમ સંગ્રહનું નામ ‘સૉંગ આઇ સિંગ’ છે. સૉંગ એટલે અંગ્રેજીમાં ગીત એ તો આપણે જાણીએ છીએ પણ વિએટનામી ભાષામાં એનો અર્થ નદી થાય છે અને બાઓને નદી સાથે એટલો બધો લગાવ છે કે ન માત્ર એમણે પોતાના પ્રથમ સંગ્રહના નામ માટે એનો પ્રયોગ કર્યો, પોતાની દીકરીનું નામ પણ એ જ રાખ્યું છે. આ પુસ્તક એમણે ‘મારા’ એશિયન-અમેરિકન લોકોને અર્પણ કર્યું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતા વિશે લખે છે: ‘શ્રીમાન ફીએ લખેલી દરેક કવિતા સચ્ચાઈ સાથે પ્રાસ મેળવે છે.’ શિકાગો રિવ્યૂ ઑફ બુક્સ લખે છે: ‘આ એક અલગ પ્રકારની કવિતા છે, એક સંગ્રહ જે એક અનુભવી વક્તા દ્વારા લખવામાં આવ્યો છે, જે સમજે છે કે વાર્તા કઈ રીતે કહેવાય છે. આ કવિતાઓ થતી નથી, વીતી જાય છે. તેઓ એ વાર્તા સાથે જોડાઈ જાય છે જે હજી પૂરી થઈ નથી.’ બાઓનું કામ વંશિય, ઐતિહાસિક, રાજકીય અને સામાજીક છે. એની શાંતિ અને વિચારશીલતાની નીચે એક આક્રોશ છૂપાયેલો જોવા મળે છે. વિએટનામી અમેરિકન કવિતાનો એ એક જાગૃત અવાજ છે.

‘તણાતું’ અછાંદસ કાવ્ય છે. સમુદ્રના મોજાંની લંબાઈની જેમ અહીં પણ પંક્તિઓ અનિયમિત લંબાઈની બનેલી છે. કવિએ ટીવી પર જોયેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં રજૂ થયેલી સત્યઘટનાના વાક્યનિરૂપણથી ખૂલે છે. શીર્ષક અને કવિતાની વચ્ચેનું આ વાક્ય દરિયાના મોજાં પર તરતાં રમકડાં જેવું લાગે છે. વિદેશી કવિતાઓમાં મૂળ કવિતાના મથાળે આવું કોઈ સ્વરચિત વાક્ય અથવા જાણીતા લેખક-કવિની એકાદી પંક્તિ કે વાક્ય ટાંકવાની પ્રણાલિ ખાસી પ્રચલિત છે. આ પંક્તિ કે વાક્ય ભાવક અને કવિતા વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. પ્રાસ અને છંદની અનુપસ્થિતિમાં કવિની સંવેદનાને પ્રસ્તુત કવિતા સાચો લય આપી શકી છે એ હકીકત અનુભવાયા વિના રહેતી નથી. આ કવિતા વિશે બાઓ કહે છે, ‘વિએટનામ યુદ્ધના પગલે મારો પરિવાર શરણાર્થી તરીકે અમેરિકા આવ્યો. હું બાળક હતો, શારીરિક રીતે તો હાજર, પણ મારા પરિવારે જે મને કહ્યું એ સિવાય મારી પાસે કોઈ યાદ નથી. એક લેખક અને અમેરિકામાં એક મનુષ્યના રૂપમાં, મારા સમગ્ર જીવન દરમિયાન, ખોવાઈ ગયાના, આગંતુક હોવાના, જિજ્ઞાસા કે ઉપહાસની વસ્તુ હોવાના વિષયો હંમેશા હાજર રહ્યા છે.’

જાન્યુઆરી, ૧૯૯૨માં અમેરિકાની ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની માટે ચીને બનાવેલ બાથટબમાં તરે એવા રબરના પીળાં બતક, ભૂરા કાચબા અને લીલા દેડકાઓથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ચીનથી અમેરિકા જવા સમુદ્રમાર્ગે રવાના કરાયું હતું. ૨૯૦૦૦ રમકડાંઓથી ભરેલ આ કન્ટેનર કોઈક કારણોસર પેસિફિક સમુદ્રની મધ્યમાં ખૂલી ગયું અને રમકડાંઓ અમેરિકા પહોંચવાના બદલે સમુદ્રના મોજાંઓના હવાલે થયાં. બાથટબમાં બાળકોને મોજમસ્તીમાં સહાયક બનવાના હેતુસર સર્જાયેલા રબર અને પ્લાસ્ટિકના આ રમકડાં ઈશ્વરના વિશાળતમ બાથટબમાં તરતાં થઈ ગયાં. ટકાઉ પ્લાસ્ટિકમાંથી બનેલ તથા વૉટરપ્રુફ હોવાના કારણે તેઓ સમુદ્રના પ્રવાહો સાથે તરવા-તણાવા માંડ્યાં. કર્ટિસ એબિસમાયર નામના એક સમુદ્રશાસ્ત્રીને આ રમકડાંઓમાં રસ પડ્યો. એણે દૈવજોગે બનેલી આ ઘટનામાં વિજ્ઞાન જોયું અને એ આ રમકડાંઓના અભ્યાસમાં મચી પડ્યો. જે સ્થળે ટાઇટનિક જહાજ ડૂબી ગયું હતું એ જગ્યાએ પણ ડૂબ્યા વિના આ રમકડાંઓ અલાસ્કા, હવાઈ અને આર્ક્ટિકના બર્ફીલા સમુદ્ર અને પ્રદેશોની મુસાફરી કરીને લગભગ સત્તર હજાર માઇલનું અંતર કાપીને પંદર વરસના લાંબા સમયગાળા બાદ બ્રિટન પહોંચ્યા. વિશ્વના મહાસમુદ્રોના પ્રવાહોની દિશા નક્કી કરવામાં આ રમકડાંઓના અભ્યાસે જે મદદ કરી એ અકલ્પનીય હતી. જે કામ ઢગલો નાણાં ખર્ચીને કરવામાં આવતું હતું એ કામ આ રમકડાંઓની મુસાફરીના નક્શાએ આસાન કરી દીધું. પ્રવાહોની દિશા પરથી પૃથ્વીની આબોહવાની આગાહી કરી શકાય છે. આ રમકડાં સમુદ્રી પર્યાવરણ પર પ્લાસ્ટિકના ગેરફાયદાઓ સિદ્ધ કરવામાં પણ કામ લાગ્યાં. ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની, જેના માટે આ રમકડાં બનાવાયાં હતાં એ કંપનીએ જે-તે સમયે આ રમકડાં શોધીને કંપનીને પરત કરનારને પચાસથી સિત્તેર પાઉન્ડનો પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી, જે ઘટના પોતે આ રમકડાંઓનું મહત્ત્વ નિર્દેશે છે. આ રમકડાંઓને ‘ફ્રેન્ડલી ફ્લોટિસ’નું નામ આપવામાં આવ્યું. ટીવી પર આ બાબતની એક ડૉક્યુમેન્ટરી કવિએ જોઈ, એમાંથી આ કવિતા સર્જાઈ.

નાનકડા અભિલેખમાં પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિ ઝડપભેર કવિતામાં આગળ વધવા કૃતનિશ્ચયી જણાય છે. એ કહે છે, ચાલો આગળ વધીએ અને ધારી લઈએ…. કવિની નજર સમક્ષ વર્ષો સુધી અને માઈલો સુધી તણાઈને છેવટે કિનારે આવવામાં સફળ રહેલા બતકોમાંના કેટલાક ઉપસ્થિત છે. કવિ લાંબી ચર્ચામાં ઊતરવાના મિજાજમાં નથી એટલે બતકનો રંગ પીળો હશે એમ ધારી લઈને પોતાની વાતમાં તરત આગળ વધવા માંગે છે. આગળ જતાં સમજાશે કે ન માત્ર રંગનો વિવાદ, નામનો-ઓળખનો વિવાદ સુદ્ધાં અહીં બેબુનિયાદ છે. મહત્ત્વ માત્ર હજારો માઇલ અને સેંકડો વર્ષોની મુસાફરી બાદ કોઈક કિનારો પ્રાપ્ત થવાનું જ છે. પોતે ભૌતિકશાસ્ત્ર કે વિજ્ઞાનના અભ્યાસુ નથી એ વાત સ્વીકારીને પણ કવિ પોતાની વાતમાં વૈજ્ઞાનિક તથ્ય છે જ એવું પ્રતિપાદિત કરી જણાવે છે કે આ રમકડાંઓની ત્વચા ખારાં પાણીની સામે તો હાર માને એવી નથી પણ સાથે જ એ સૂર્ય સામે ઝીંક ઝીલી શકે એમ નહોતી. એટલે આ રમકડાં મૂળે પીળાં હોવા જોઈએ એમ ધારી લઈને આપણે માત્ર એટલું જ પૂછી શકીએ છીએ કે આ રમકડાંઓની ત્વચા સમય સાથે ઝાંખી પડશે કે તપખીરી થશે. આ રમકડાંઓમાં કેટલાક રબરના હતાં તો કેટલાક પ્લાસ્ટિકનાં. કદાચ એટલે જ કવિએ અભિલેખમાં રબર શબ્દ પ્રયોજ્યો છે અને કવિતામાં પ્લાસ્ટિક. હશે, રમકડાં શેનાં બન્યાં છે એની પિષ્ટપેષણ કરતાં વધુ અગત્યનું કવિ જે મુદ્દો ઊઠાવવા માટે આ કવિતા લઈ આવ્યા છે એ છે. એટલે જે રીતે કવિ કહે છે એ જ રીતે આપણે પણ રબર અથવા પ્લાસ્ટિક ધારી લઈએ અને ચાલો આગળ વધીએ.

કવિને આ રમકડાંઓમાંથી એક પોતાની દીકરી માટે મેળવવાની નેમ છે. ઓહહો! તો આ કારણ હતું, આખી ભાંજગડનું! દરેક માણસની ભીતર એક બાળક જીવતું હોય જ છે. અને આ ભીતરી બાળકને જે વસ્તુ સ્પર્શી જાય પણ ઉંમર વચ્ચે અંતરાય બનીને ઊભી રહી ગઈ હોય એ વસ્તુ માણસ પોતાના સંતાન માટે મેળવવા ઝંખે જ છે. એક આ જ રીત છે જે રીતે માણસ પોતાની ભીતરના બાળકને સંતોષવાના શ્રેષ્ઠતમ કીમિયાની સૌથી નજીક જઈ શકે છે. આ રમકડાંઓની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલા સમુદ્રી પ્રવાહોની દયા પર આધારિત છે. અહીં આગળથી કવિતા જરા સંદિગ્ધ બનતી જાય છે. કવિને વાત રમકડાંઓની કે દીકરીની નથી કરવી પણ કવિને જ્યાં જવું છે, જેની વાત કરવી છે, ત્યાં જવા માટે કવિ પહેલા પગથિયા તરીકે એમનો ઉપયોગ કરે છે. સમુદ્રના પ્રવાહો વિશે અનુમાન કરવામાં આ રમકડાં ઉપયોગી બન્યાં એનો સંદર્ભ કવિ આ રીતે અહીં પ્રયોજી લે છે. વર્ષો સુધી હજારો માઇલ તરતાં રહીને કાંઠે પહોંચેલ આ રમકડાંઓને સાધારણ ન જ ગણી શકાય એ કવિ તો સમજે જ છે, આપણે પણ સમજવાનું છે. સમય અને વિપરિત સંજોગોની સામે ઝીંક ઝીલીને એ વિજયી થયાં છે એટલે કયા સમયે કાંઠો આવશે એ ઘડિયાળ સમુદ્રના પ્રવાહોની દયા પર નિર્ભર હતી એમ કહી દીધા બાદ તરત કવિને ખ્યાલ આવે છે કે આ ઘટના માટે દયા શબ્દ પ્રયોજવો અનુચિત છે. રમકડાંની મૌન સિદ્ધિ સમજનાર કોઈ પણ આ શબ્દ વાપરી શકશે નહીં એ હકીકત છે.

કવિને ખ્યાલ છે કે પોતે જે કહેવું છે એ સીધું ન કહીને કદાચ બેમતલબની વાત કરી રહ્યાં છે. કદાચ કંપનીના ગોડાઉનમાં પહોંચીને બજાર અને ત્યાંથી બાળક અને બાથટબ સુધીનું ગંતવ્ય ધરાવતા આ રમકડાંઓ માટે વરસો સુધી સમુદ્રમાં તણાઈને કોઈક અજાણ્યા કિનારે અજાણ્યા હાથોમાં પહોંચી જવું પણ એક બેમતલબ બાબત જ હતી. કવિ બેમતલબની વાત અને દરિયામાં તણાવાને સમાનાર્થી ગણાવે છે. કોઈપણ જાતનો અર્થ ન સરે એવી વાતો જ્યારે આપણે કરતાં હોઈએ છીએ ત્યારે કદાચ આપણે આ રમકડાંઓની જેમ જ દિશાહીન સમયહીન તરતાં-તણાતાં હોઈએ છીએ. ખરું ને?

દરિયાનું દરેક મોજું આરંભની સાથે જ અંત પણ લઈને જ જન્મે છે. આપણે સહુ પણ. આપણો જન્મ એ પોતે જ મૃત્યુની શરૂઆત નથી? આપણે જ આપણી શરૂઆત અને આપણે જ આપણો અંત. આ એક વસ્તુ સમજી લેવાય તો ઘણાખરા શોક કે અફસોસને જીવનમાં સ્થાન ન રહે. મોજું જન્મે છે અને ખતમ થાય છે. એક મોજું ખતમ થાય છે અને બીજું જન્મે છે. આમ, મોજાંઓની હારમાળા અનવરત ચાલ્યે રાખે છે પણ એની ઉપર બતક સ્વરૂપે સમય અને વાતાવરણની જીતીને જીવી રહેલ જે અસ્તિત્વ છે, એ કાયમ રહે છે. કવિ રમકડાંઓને સંબોધીને કહે છે અથવા જેની પાસે દીકરી માટે એક રમકડું માંગે છે એને કહે છે અથવા તો પોતાની જાતને જ સંબોધીને કહે છે કે આંતરરાષ્ટ્રીય પાણીઓમાંથી પસાર થઈને તમે કદાચિત કોઈક ઘટના જન્માવી હોત. માણસે જમીન અને પાણીને સરહદો નક્કી કરીને વહેંચી લીધા છે. રજા વિના કોઈક સરહદ તમે વટાવી નથી કે બબાલ થઈ નથી. આ રમકડાંઓ કેટલા બધા દેશોની માલિકીના પાણીઓ વટાવીને અહીં સુધી પહોંચ્યાં છે. પાણી માટે કવિ બહુવચન પ્રયોજે છે એ વાત ધ્યાન ખેંચે છે અને એ કારણોસર રમકડાંઓની આ યાત્રા પણ વધુ ધ્યાનાર્હ બને છે. જ્યાં એ પહોંચી ગયાં છે ત્યાં કોઈ એમને જાણતું નથી, અને જે હાથોને એમની આશા હતી એ હાથો સુધી એ કદી પહોંચી જ શક્યા નથી. તમે એને દેશ છોડી જનાર નઠોર દેશાગત ગણો કે મુક્ત વિહાર કરી મનફાવે ત્યાં આશ્રય લેનાર નિર્વાસિત ગણો, તેઓ કોઈ પણ જાતની ઓળખની ધજા વિના, તમામ સરહદોને ભૂંસતાં ભૂંસતાં અહીં આવ્યાં છે. એમની ઉપર સિક્કો જરૂર લાગેલો છે પણ એ સિક્કો તમારા નામનો નથી. મતલબ એમની પોતીકી ઓળખ છે જે તમારી માલિકીથી પર છે.

આખી વાત ટૂંકમાં જબરદસ્તી એક યા બીજા કારણોસર પોતાનો દેશ કે મુલ્ક ત્યજવાની જેને ફરજ પડી છે એવા નિર્વાસિતોની કે સ્વેચ્છાએ વતનત્યાગ કરીને અન્ય દેશને પોતાનું ઘર બનાવવા નીકળેલ દેશાગતો કે દેશાંતરવાસીઓની મુસાફરીની છે. કવિના માબાપ વતન છોડીને પરભોમમાં સ્થાયી થયા એ વખતે કવિ તો બહુ નાના હતા પણ નિર્વાસિતોની કથા-વ્યથા એમણે આખું જીવન કાનેથી પીધે રાખી છે. આ કથા-વ્યથા રમકડાંઓની જેમ જ એમની ભીતર વર્ષોના વહાણાં વહાવા અને જિંદગીના સૂરજોની અનેક થપાટો ખાવા બાદ પણ ડૂબવા પામી નથી, અને આખરે એક ડૉક્યુમેન્ટરીના પ્રતાપે કાગળની સપાટી પર તરી આવી. એલિઝા ગ્રિસ્વૉલ્ડ એક કવિતામાં લખે છે: ‘અહીં દરેક વ્યક્તિ દેશાંતરવાસી છે. દરેક જણ ક્યાંક બીજેથી જ આવ્યું છે.’ એક મજાના ગીતમાં સુન યુન્ગ શિન કહે છે: ‘દરેક પક્ષી -જેઓ ઊડી નથી શકતાં તેઓને પણ- પાંખો હોય છે.’ પોતે જે જમીન પર જન્મ્યાં છે, એ જમીન, એ ઘર, એ સમાજ, એ સંબંધો છોડીને-તોડીને બિલકુલ અણજાણ ભોમ પર જીવન વીતાવવા નીકળેલ માણસ કેટલો મોટો નિર્ણય લે છે, કેટલો હિંમતવાન હશે! ‘છે’ની દુનિયા ત્યજીને ‘હશે’ની દુનિયામાં કૂદકો હિંમતના કે મજબૂરીના પેરાશૂટ વિના મારવો દોહ્યલો છે. બીજી ભૂમિ પર ઝંડો ગાડવા નીકળવા માટે પ્રથમ જાતના ઝંડા છોડવા જરૂરી બને છે. ધજાહીન થયા પછી જ સરહદહીનતામાં પ્રવેશી શકાય છે. માથે દેશનો સિક્કો તો લાગ્યો છે, પણ દેશાગતો-નિર્વાસિતોનું ખુદનું નામ, નિજની ઓળખ સ્થળાંતરના ખારાં પાણી અને સંજોગોના સૂર્યના તાપમાં મૂળ રંગ ગુમાવી બેઠું હોય છે. યુદ્ધ કે આપખુદ શાસકોના ભયથી ઘરબાર ત્યજી ભાગનાર નિર્વાસિતો આખરે શું છે? સત્તાના હાથમાં તરતા રમકડાં જ ને? પૉલ વેલેરીએ કહ્યું હતું: ‘કવિતા ક્યારેય સમાપ્ત થતી નથી, એ માત્ર ત્યજી દેવામાં આવે છે.’ રમકડાંઓની યાત્રા તો કિનારે આવીને ખતમ થઈ જાય છે પણ નિર્વાસિતોની કવિતા તો ત્યાંથી જ શરૂ થાય છે..

ગ્લૉબલ કવિતા : ૧૧૨ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ

ગઝલ કે આધ્યાત્મનું મેઘધનુષ ?

                 ગઝલના બે પ્રમુખ રંગ કયા? તો કે, ઈશ્કે-મિજાજી (લૌકિક પ્રેમ) અને ઈશ્કે-હકીકી (અલૌકિક પ્રેમ). મોટાભાગની ગઝલો આ બેની રંગચ્છાયામાં ગતિ કરતી જોવા મળે છે. ગઝલના મુખ્ય અંગ કયા એમ પૂછીએ તો સાંઈ કવિ મકરન્દ દવે કહેશે: ‘અંદાજે-બયાઁ (અભિવ્યક્તિ), હુસ્ને-ખયાલ (સૌંદર્યબોધ), મૌસિકી (સંગીતમયતા), અને મારિફત (આધ્યાત્મિક્તા).’ આધ્યાત્મિક્તાને તેઓ ‘વાણીના લોહીમાં વહેતું રસાયન’ કહી કવિતાનો પ્રાણ ગણાવે છે. ઇલ્મે-તસવ્વુફ (સૂફી અધ્યાત્મવિદ્યા) પણ નજીકનો જ એક રંગ છે. ગુજરાતી ભાષામાં છેલ્લા કેટલાક દાયકાઓ ગઝલની સદાબહાર વસંતના છે. એક જમાનામાં જેમ બધા જ કવિઓ સૉનેટ પર હાથ અજમાવતા હતા, એમ આજે લગભગ બધા જ કવિઓ ગઝલ કહે છે. ઈશ્કે-હકીકી, મારિફત કે ઇલ્મે-તસવ્વુફના રંગ ગઝલમાં કદી સાયાસ આવી જ શકે નહીં એ હકીકતથી અણજાણ મોટાભાગના કવિઓ પોતાની ગઝલની કક્ષા ઊંચી છે એવું સિદ્ધ કરવા માટે આધ્યાત્મ પર હાથ અજમાવે છે. ગહન અભ્યાસ, પ્રખર વાંચન તથા ઊંડી નિસબતના અભાવે આ ગઝલો મુશાયરાઓ તો ડોલાવી શકે છે પણ સમયની સરાણ પર ટકી શકતી નથી. ગઝલના અડાબીડ જંગલમાં ફૂટી નીકળેલા બાવળિયાઓની વચ્ચે એક ચંદનવૃક્ષ વર્ષોથી પોતાની સુગંધ મંદ-મંદ પ્રસરાવી રહ્યું છે, જેને આપણે બાપુ કે રા. શુ. તરીકે ઓળખીએ છીએ.        

                 રાજેન્દ્ર શુક્લ. જન્મ ૧૨-૧૦-૧૯૪૨ના રોજ વિદ્યાબહેન તથા અનંતરાયના ઘરે બાંટવા, જૂનાગઢ ખાતે. શાળેય શિક્ષણ ગામમાં અને સ્નાતક (૧૯૬૫) તથા અનુસ્નાતક (૧૯૬૭) કક્ષાનું શિક્ષણ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં. ૧૪ વર્ષની વયે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોતે કવિ બનવા સર્જાયા છે. ૨૦ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય કુમારમાં પ્રગટ થયું. આ જ અરસામાં જૂનાગઢ ખાતે દર મંગળવારે થતી કવિઓની બેઠકમાં તખ્તસિંહ પરમારે કહ્યું હતું કે અહીં આવતા બે નવોદિત કવિઓની રચના મારા વર્ગખંડમાં ભણાવવામાં આવશે. આગાહી નખશિખ ખરી પડી. એ બે કવિ તે મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ. ૨૮ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભ પ્રગટ થયો. ૧૯૮૦માં દાહોદની નવજીવન આર્ટસ કોલેજમાંથી રાજેન્દ્ર શુક્લ (સંસ્કૃત) અને એમના પત્ની નયના જાની (અંગ્રેજી)એ સાંપ્રત શિક્ષણ પ્રથાને તિલાંજલિ આપી નિવૃત્તિ લીધી અને બંને પુત્રો ધૈવત અને જાજવલ્યને શાળાનું શિક્ષણ આપવાના બદલે ઘરનું શિક્ષણ આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો. કોઈપણ માન્ય ડિગ્રી વિના પણ બંને પુત્રો પોતાની કારકિર્દી બનાવી શક્યા એ કવિએ પ્રવર્તમાન શિક્ષણવ્યવસ્થામાં રહેલ અવ્યવસ્થાને પકડાવેલો રોકડિયો જવાબ છે. એમના ઘરે ટેલિવિઝન પણ નથી અને અખબાર પણ આવતાં નથી. લગ્ન બાદ એમણે વાળ-દાઢી કપાવ્યાં નથી. લાંબા સફેદ દાઢી-મૂછ, સાક્ષાત્ શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટા સમ વાળ, કેસરી ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્માં- ‘બાપુ’ને જોઈએ ત્યારેકોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ન રહે. હાલ કવિ સપરિવાર અમદાવાદ ખાતે રહે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી જે એમને અર્પણ ન થયો હોય.

                  લિવિંગ લેજંડ’ કહી શકાય એવા રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, જાણે કે આ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય! શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક એમના કાવ્યોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય તો એમની કવિતાનો ભગવો ધારણ કરવો પડે. ભગવો માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની કવિતા એટલે જાણે આત્માનો પરમાત્મા સાથેનો ચિરંતન વાર્તાલાપ. એમની કવિતાનો પ્રમુખ રંગ ગઝલનો. ગુજરાતી ગઝલને તો એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. ગુજરાતી, ઉર્દૂ, સંસ્કૃત, વ્રજભાષા, તળપદી અને ખડી બોલીનો અદભુત સમન્વય એટલે રા.શુ. એમની ગઝલના શેરો વિશિષ્ટ અભિવ્યંજના લઈને સામાન્ય પ્રતીકોમાંથી અસામાન્ય કલ્પનલીલા સર્જે છે, જેના અર્થ-વર્તુળો ધીમે-ધીમે આપણી અંદર કંઈક હચમચાવતા હોય એવું ભાસે છે. ગઝલોપરાંત અછાંદસ, છંદોબદ્ધ તથા ગીતોમાં પણ એમનો યથેચ્છ વિહાર છે.  

                 આમ તો ગઝલમાં બધા જ શેર એક સ્વતંત્ર એકમ ગણાય છે એટલે કે એક શેર પૂર્વમાં જાય, બીજો પશ્ચિમ ને ત્રીજો ઉત્તરમાં જાય અને ચોથો કોઈ દિશામાં ગયા વિના સ્થિર જ ઊભો રહે એ શક્ય છે. પણ તોય એક સૂક્ષ્મ વિચારના તાંતણે આખી ગઝલ સળંગસૂત્રી લાગે એમ બંધાયેલ હોય તો એ આપણને વધુ ગમી જાય છે. કેટલીક ગઝલ એના બધા જ શેરમાં સળંગ એક જ વિચારનું વહન કરતી જોવા મળે છે, જેને આપણે મુસલસલ ગઝલ તરીકે ઓળખીએ છીએ. રાજેન્દ્ર શુક્લની પ્રસ્તુત ગઝલ મુસલસલ ગઝલનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. અહીં પ્રયોજાયેલી લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેર એમાંથી નિપજતા પ્રવાહી સંગીતના કારણે ખૂબ લોકપ્રિય છે. આ હમરદીફ-હમકાફિયા ગઝલનું ઊડીને આંખે વળગે એવું લક્ષણ એના કાફિયાની વિશેષતા છે. અચાનક, કથાનક જેવા કાફિયા તો સહેજે પ્રયોજાતા આપણે જોઈએ છીએ પણ પાનક, નાનક, ગાનક અને આનક જેવા અનૂઠા કાફિયા તો રા.શુ.ની કલમમાંથી જ જન્મી શકે. સાત શેરની આ ગઝલ કવિએ ખુદ એમની એકસમયે કાર્યરત્ વેબસાઇટ ઉપર ટિપ્પણી કરી હતી.એ ટિપ્પણી વિના બે-ચાર સંદર્ભ ચૂકી જવું જરાય અસંભવ નથી. સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે એ જોતાં આ ગઝલને આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય.

                 એક પછી એક શેર હાથમાં લઈએ:

                 હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
                 તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

                 મુસાફરી કોઈ પણ હોય, શરૂઆત તો ઘરથી જ થાય છે. સાત શેરોમાં આધ્યાત્મના સાત મુકામના પ્રવાસે લઈ જતી આ ગઝલની શરૂઆત પણ ઘરથી જ થાય છે. જૂનાગઢના ઋષિકવિ જૂનાગઢના આદિકવિ નરસિંહ મહેતાને સ્મરે છે. નરસિંહ એટલે ગિરનારની તળેટીમાંથી કરતાલના તાલે ઊઠતો ભક્તિમાં સરાબોળ સાદ. કવિની પહેલી અભીપ્સા છે કે હાથમાં કરતાલ હોય. કરતાલ એ આત્માના તારને પરમાત્મા સાથે જોડવાનું સાધન માત્ર છે. કરમાં કરતાલ લેવાનો મતલબ ધ્યેય નક્કી કરવું. પણ માત્ર કરતાલ કાફી નથી, ચિત્તમાં એ ચાનક પણ હોવી ઘટે જે નરસૈયામાં હતી. પોતાનું સ્થાનક પણ કવિ ગિરનારની તળેટીની નજીક જ ક્યાંક ઝંખે છે. જ્યાં વિક્રમાદિત્યનું સિંહાસન દટાયેલું હતું એ માટીના ટીંબા પર બેસીને ન્યાય તોળતા ભરવાડના છોકરાને જોઈને રાજા ભોજ આશ્ચર્યચકિત થઈ ગયેલો. સ્થાનનો મહિમા આ કથામાં સમજાય છે. ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ તથા ‘ઈશ્વર કણકણમાં છે’ એમ બોલવા છતાંય ગંગા જઈને નહાવાનું કે મંદિર જઈને ભક્તિ કરવાનું આપણે ત્યજતા નથી કેમકે મૂળ મહિમા સ્થાનનો છે. એટલે જ કવિ પણ તળેટીની નજીકમાં જ સ્થાનક ઝંખે છે. જૂનાગઢ કવિની માત્ર જન્મભૂમિ નથી, ભાવભૂમિ છે, સ્વભાવભૂમિ છે. એટલે જ કવિ અહીંથી શરૂઆત કરે છે.

                 લઈ નાંવ થારો સમયરો હળાહળ,
                 ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

                 ગુજરાતી સંતકવિના સંદર્ભવાળો પ્રથમ શેર ગુજરાતીમાં છે તો બીજા શેરમાં રાજસ્થાનનો ગેરુઓ નજરે ચડે છે. કવિ ઈશ્વરને કહે છે કે તારું નામ લઈને, સ્મરીને હળાહળ હોઠે ધર્યું કે તરત જ એ અમૃત સીંચેલું પીણું બની ગયું. રાણાએ મોકલાવેલો વિષનો પ્યાલો હરિનામ લઈને ગટગટાવી જવા છતાં પણ મીરાંબાઈનો વાળ પણ વાંકો થયો નહોતો એ ઘટના યાદ આવી જાય છે. ‘વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે; હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે…’ (ગેમલ) મીરાંબાઈ પોતે પણ કહી ગયાં: ‘जहर का प्याला राणा भेज्या, अमृत दीन्ह बनाय। हाथ धोय जब पीवण लागी, हो गई अमर अँचाय।’ અન્ય એક પદમાં: ‘विष को प्यालो राणोजी भेज्यो, द्यौ मेडतणी णे पाय। कर चरणामृत पी गई रे, गुण गोविन्द रा गाय।’ એમના સેંકડો પદમાં આ ઉલ્લેખ જોવા મળે છે. પ્રસ્તુત શેર વિશે કવિ પોતે કહે છે: ‘અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન.’ ગઝલ તો ગઝલ, એની સમજૂતી માટેય કવિ જે અનુભવકોશ ખોલે છે, ત્યાં સુધીની પહોંચ ભાગ્યે જ આજની પેઢીના કોઈ સર્જકના શબ્દકોશની હશે!    

                 સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
                 તિલક કોઈ આવીને કરશે અચાનક.

                 શેર વાંચતા જ તુલસીદાસ નજર સમક્ષ આવી જાય. ‘चित्रकूट के घाट पर भई संतन की भीर, तुलसीदास चंदन घिसे तिलक करे रघुवीर।’ ઓરસિયા પર સુખડનું લાકડું ઘસાયે રાખે અને ચંદનનો સુગંધી લેપ ઉતરતો રહે અને રઘુનંદન આવીને અચાનક તિલક કરશે એવી શ્રદ્ધા કવિને શબ્દોમાં છે. કવિએ શબ્દોના ખોળે માથું મૂકી દીધું છે. સુખડના લાકડાંની જેમ કવિ શબ્દોની સાધનામાં જાત ઘસી રહ્યા છે. કવિ એક જગ્યાએ કહે છે: ‘ગઝલ આવે તો તેને ઝીલી શકે એવો અવકાશ રાખું છું, ખાલી રહું છું. હું માનું છું કે, કવિતાના આરંભથી અંત સુધી કવિની ચેતનામાં કંઈ ન ઉમેરાય તો તે રંક છે. શેરની વાત તો પછી. પ્રત્યેક શબ્દ પોતાનું વિશ્વ લઈને બેઠો છે. શબ્દમાં તાકાત છે.’ કવિનો શબ્દ શબ્દકોશમાંથી નહીં, જીવનકોશમાંથી આવતો હોય છે. શબ્દકોશમાંથી જ જો કવિતા બનતી હોય તો દુનિયામાં કોઈ અ-કવિ હોય જ નહીં. પણ જ્યારેતમે શબ્દોના, સરસ્વતીના પનારે આખું જીવતર ઘસાવા મૂકી દો છો ત્યારે એમાંથી આધ્યાત્મ આપોઆપ પ્રકટ થાય છે અને પરમકૃપાળુના આશિષ તિલક બનીને લલાટનું ગૌરવ કરે છે. સાધના વિના સાર્થક્ય નથી. કવિ એક જગ્યાએ કહે છે: ‘બધા મારી કવિતાને અધ્યાત્મ સાથે જોડે છે. ભાઈ, હું કહું છું બધું અધ્યાત્મ છે. મારે મન સર્જન સ્વ સાથેનું અનુસંધાન છે. મને પામવા માટે મને મળેલું સાધન એ શબ્દ છે.’ સ્વ સાથે અનુસંધાન થાય તો શબ્દ-કવિતા સામે ચાલીને ચંદનતિલક કરે.   

                 અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
                 મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક!

                 શેર વાંચતા જ સાળ પર ચાદર વણતા સંત કબીરની છબી તરત તાદૃશ થઈ આવે. ‘दास कबीर जतन करि ओढी, ज्यों की त्यों धर दीनी चदरिया।’ કબીરનો સંસાર પ્રતિનો અભિગમ बाजार से गुजरा हूँ, खरीदार नहीं हूँ વાળો હતો. સંસારની વચ્ચોવચ તેઓ સંન્યાસી હતા. પરમાત્માએ આપણને સહુને સંસારમાં કોરી પાટીરૂપે જ મોકલ્યા છે. આપણે જીવનભર એમાં અક્ષરોના ગુંચવાડા પાડ્યે રાખ્યે છીએ. આવીએ ત્યારે તો કોરાં જ આવીએ છીએ પણ જઈએ ત્યાં સુધીમાં એટલું લખાઈ જાય છે કે કોઈને વાંચવુંય હોય તો વાંચી ન શકે. પણ કબીર સાફ હતા. દાતા તરફથી મળેલ કોરા કથાનક અંગે તેઓ જાણતલ હતા અને એટલે જ કહે છે કે અમે માત્ર જતનથી નહીં, ઝીણેરાં જતનથી એ સાચવ્યું છે. ચારિત્રની ચાદર પર એકેય ડાઘ ન પડે એમ સાચવવી દોહ્યલી છે. પણ કબીર કટિબદ્ધ હતા. સંસારના કાદવમાં રહેવા છતાંય ન ખરડાવાની કમળીય નિર્લેપતા એમણે સિદ્ધ કરી હતી. ઈશ્વરે જે આપ્યું છે, જે સ્વરૂપે આપ્યું છે એ એમનું એમ જ પરત કરવા તેઓ કૃતનિશ્ચયી હતા. ઊંચી આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા કરતાંય ચારિત્ર્ય કે વ્યવહારમાં ડાઘ ન પડવા દેવું શું વધુ ઇચ્છનીય નથી?             

                 છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
                 રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

                 ગુરુ નાનકનું નામ પોતે જ કાફિયો બનીને શેરમાં પ્રવેશતું હોવાથી કવિ ગઝલમાં પ્રથમવાર મુખર થયા છે. કવિ પોતે આ મુખરતાને ‘પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ’ ગણાવે છે. નાનક નાના હતા ત્યારે શાળામાં અભ્યાસમાં એમનું મન લાગતું નહોતું એનો ખ્યાલ આવતા પિતાએ એમને ખેતરની દેખભાળનું કામ સોંપ્યું. ખેતરમાં પક્ષીઓને દાણા ચણવા આવતાં જોઈને નાનકને તો જાણે સમાધિ લાગી જતી. પાકની જાળવણી કરવાના બદલે એ તો ‘राम की चिडिया, राम का खेत, खा लो चिडिया भर भर पेट’ ગાતાં-ગાતાં પક્ષીઓને સામે ચાલીને દાણા ખાવા આમંત્રણ આપતા. જે છે એ સઘળું ઈશ્વરનું જ છે તો આપણામાં આ માલિકીભાવ કેમ? આ મમત્વ શા માટે? આ આસક્તિ શા માટે? નાનકે જે બાળપણથી હાંસલ કરી હતી એ અનાસક્તિ અને ‘હું’હીનતા પ્રાપ્ત કરવા માટે હાથ હેઠાં રાખીને સાક્ષીભાવે સંસારને જોવાની તટસ્થતા પ્રાપ્ત થાય છે. મમત્વ દૂર થાય ત્યારે જ સમત્વ પ્રાપ્ત થાય છે. પંજાબી બોલીની લઢણ શેરમાં સહજ વણી લવાઈ છે એ કવિકર્મની વિશેષતા.            

                 નયનથી નીતરતી મહાભાબ મધુરા,
                 બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

                 કૃષ્ણરસમાં તરબોળ બાળ નિભાઈને એના આગ્રહને વશ થઈ સંન્યાસી ઈશ્વરપુરી સ્વામીએ દીક્ષા તો આપી પણ વૃંદાવન જવાના બદલે એની જન્મભૂમિ નવદ્વીપમાં જ કૃષ્ણભક્તિની રસધારા વહેવડાવવાનો અનુરોધ પણ કર્યો.બંગાળનો એ પ્રદેશ એ સમયે ગૌડ દેશ તરીકે જાણીતો હતો. નિભાઈ આગળ જતાં ચૈતન્ય મહાપ્રભુ તરીકે જાણીતા થયા અને એમનો સંપ્રદાય ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ખ્યાત થયો. પ્રસ્તુત શેરમાં કવિએ ચૈતન્ય મહાપ્રભુની તસ્વીર ઉજાગર કરી છે. કવિની લાક્ષણિકતા મુજબ શેરની ભાષામાં બંગાળી ભાષાનો સંસ્પર્શ પણ અનુભવાય છે. મહાપ્રભુના કરુણાસભર નેત્રોમાંથી મધુરો મહાભાવ અહર્નિશ નીતરતો રહેતો. ‘हरे-कृष्ण हरे-कृष्ण कृष्ण-कृष्ण हरे-हरे, हरे-राम हरे-राम राम-राम हरे-हरे’ના અખંડ ગાનની સ્વચ્છ ધારા અનવરત વહેતી રહે, અને એ થકી સ્વ ઓગળી જાય અને આત્મા-પરમાત્માનું અદ્વૈત-સાયુજ્ય સ્થપાય એની આરત અહીં ઉપસી આવે છે.      

                 શબોરોઝ એની મહકનો મુસલસલ,
                 અજબ હાલ હો ને અનલહક હો આનક!

                 આખરી શેરમાં મન્સૂર-બિન-હલ્લાજનો સંદર્ભ વણી લેવાયો છે. નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એ જે ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ કરતા હતા, જે ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો રહે છે. એ પછી તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું રહે છે. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય છે અને અંતિમ ચરણ હકીકત સુધી પહોંચતાં એ સત્ય પ્રાપ્ત કરી લે છે અને ખુદને ખુદામાં ફના કરી લે છે. દ્વૈતભાવ મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગુસ્તાખી ગણી એમને ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો હતો. પણ એ ઓલિયાને એની પરવાહ નહોતી. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને બાળીને રાખ કરાવ્યું.

                 કવિના અંતર્મનમાંથી આ શેર સાવ અણધાર્યો ઉપસી આવ્યો હોવાનું કવિ કહે છે. આખી ગઝલ ભજનસાદૃશ છે પણ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોનો સંસ્પર્શ, સૂફી વિચારધારા અને મન્સૂરની પ્રખ્યાત સૂક્તિ ‘અનલહક’ની ઉપસ્થિતિ એને ગઝલમૂલક ઓપ આપવામાં સફળ રહે છે. કવિએ આનન અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે પુનઃ સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે. જે રીતે સાચો સંત દરેક મનુષ્યને સમાન ભાવથી સત્કારે છે એ જ રીતે સંતકવિ રા.શુ.એ અહીં ‘અમીયેલ’થી માંડીને ‘શબોરોઝ’ સુધીના અલગ-અલગ ભાષા અને સંસ્કારના શબ્દોને એક જ રચનામાં ગોઠવીને સાચો કવિધર્મ બજાવ્યો છે. રાતદિવસ એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો થાય ત્યારે મુખમાં સતત હું જ બ્રહ્મ છુંની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.

                 ગુજરાતી ગઝલમાં સીમાચિહ્ન ગણી શકાય એવી આ માતબર રચનાના અંતે કવિએ શા માટે પોતાના અનર્ગળ સ્નેહનો કળશ ગઝલરાણી પર ઢોળ્યો છે એ જાણીને વાત પૂરી કરીએ: ‘લાઘવ અને સંક્ષેપપ્રેમના કારણે ગઝલ મને ગમે છે. તેમાં વ્યંજનાને અવકાશ છે. મારી ગઝલના શેર પેલી એકસરખા શબ્દવાળા શેરની કોલમમાં નહીં મળે એનું કારણ છે કે, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે કે, ગઝલમાં કોઈ ભાવ સ્વશબ્દવાંચ્ય નથી, તેને માટે સંદર્ભ રચવો પડે. કવિતામાં ટાઇમલેસનેસ અગત્યની વાત છે. ‘આઇ-ધાઉ’થી શરૂ કરી ‘આઇ-ઓલ’ રિલેશનશીપમાં પરિણમતી એ ઘટના છે તેવી મારી સમજણ છે.’

ગ્લૉબલ કવિતા : ૧૧૧ : રેઇનકોટ – અદા લિમોન

The Raincoat

When the doctor suggested surgery
and a brace for all my youngest years,
my parents scrambled to take me
to massage therapy, deep tissue work,
osteopathy, and soon my crooked spine
unspooled a bit, I could breathe again,
and move more in a body unclouded
by pain. My mom would tell me to sing
songs to her the whole forty-five minute
drive to Middle Two Rock Road and forty-
five minutes back from physical therapy.
She’d say, even my voice sounded unfettered
by my spine afterward. So I sang and sang,
because I thought she liked it. I never
asked her what she gave up to drive me,
or how her day was before this chore. Today,
at her age, I was driving myself home from yet
another spine appointment, singing along
to some maudlin but solid song on the radio,
and I saw a mom take her raincoat off
and give it to her young daughter when
a storm took over the afternoon. My god,
I thought, my whole life I’ve been under her
raincoat thinking it was somehow a marvel
that I never got wet

– Ada Limón

રેઇનકોટ

જ્યારે ડોક્ટરે સર્જરી કરાવવાનું

અને મારી તરુણાવસ્થા માટે બ્રેસ પહેરવાનું સૂચવ્યું,

મારા મા-બાપ તરત જ હડી કાઢતાં મને લઈ ગયા

માલિશ ચિકિત્સક પાસે, ફિઝિયોથેરાપીસ્ટ પાસે,

હાડવૈદ પાસે, અને જલ્દી જ મારી વાંકી કરોડરજ્જુ

થોડી સીધી થઈ, હું ફરી શ્વાસ લઈ શકતી હતી,

અને વધુ હરીફરી શકતી હતી દર્દના વાદળ છટી ગયા બાદના

શરીરમાં. મિડલ ટુ રોક રોડ પર થઈને ફિઝિયોથેરાપી માટે જતી અને

આવતી વેળાની પોણા કલાકની સમગ્ર મુસાફરી દરમિયાન    

મારી મમ્મી મને ગીતો ગાઈ સંભળાવવા કહેતી.

એ કહેતી, મારો અવાજ સુદ્ધાં પછી તો મારી કરોડરજ્જુની

ચુંગાલમાંથી મુક્ત થયેલો લાગતો. એટલે, હું તો બસ ગાયે જ રાખતી,

કેમ કે મને લાગતું કે એ એને ગમતું હતું. મેં એને કદી પૂછ્યું જ નહોતું

કે મને લઈ જવા-આવવા માટે એણે શું છોડવું પડ્યું હતું,

કે આ નવી દિનચર્યા પહેલાં એનો દિવસ કેવો હતો. આજે,

એની ઉમરે પહોંચીને, કરોડરજ્જુની વળી એક એપૉઇન્ટમેન્ટથી પરવારીને

હું ઘર તરફ ડ્રાઇવ કરી રહી હતી, રેડિયો પર વાગી રહેલા

કો’ક ગાંડાઘેલા પણ મજાના ગીતના સૂરમાં સૂર પુરાવતી,

અને મેં એક માને એનો રેઇનકોટ ઉતારતી

અને એની નાનકી દીકરીને આપતી જોઈ જ્યારે

ઢળતી બપોરે એક ઝાપટું અચાનક આવી ચડ્યું. હે ભગવાન,

મેં વિચાર્યું, જિંદગીભર હું એના રેઇનકોટની

અંદર જ હતી, એમ વિચારતી કે કોઈક ચમત્કાર જ હશે

કે હું કદી ભીની જ ન થઈ.    

– અદા લિમોન

(અનુ.: વિવેક મનહર ટેલર)   

ऐ माँ! तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी?

                મા-બાપ અને સંતાન. એક એવો સંબંધ જેને માપવા માટે દુનિયાની તમામ ફૂટપટ્ટી વામણી જ સાબિત થાય. એમાંય મા તો સર્વોત્તમ. દુનિયાની ગરીબમાં ગરીબ મા પણ સંતાનને પ્રેમ કરવામાં દુનિયાના અમીરમાં અમીર માણસથી વધુ અમીર હોય છે. બાળકની ખૂબીઓ જોવા માટેના ચશ્માં ઈશ્વરે માત્ર માને જ આપ્યા હોય છે. કોઈકે બહુ સાચું કહ્યું છે કે ભગવાન દરેક વખતે દરેક જગ્યાએ હાજર રહી શકતો નથી એટલે એણે માનું સર્જન કર્યું. હિંદી ફિલ્મ જગતે માને બે પંક્તિમાં જે અંજલિ આપી છે એ કોઈપણ મહાકાવ્યથી કમ નથી: ‘उस को नहीं देखा हमनें कभी पर इसकी ज़रूरत क्या होगी, ऐ माँ! तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी?’ (મઝરુહ સુલતાનપુરી) એક ચાઇનીઝ કહેવત છે: ‘દુનિયામાં એક જ બાળક સૌથી વહાલું છે, અને દરેક મા પાસે એ હોય છે.’ મા વિશેની આવી બીજી હજારો-લાખો સૂક્તિઓની યાદ અપાવે એવી મજાની કવિતા અમેરિકન કવયિત્રી અદા લઈ આવ્યાં છે.

                અદા લિમોન. ૨૮-૦૩-૧૯૭૬. સોનોમા, કેલિફૉર્નિયામાં મોટા થયાં. બચપણથી જ કળા અને કળાકારોથી આકર્ષાયાં હતાં, જેમાં એક એમની પોતાની મા પણ હતી. વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં નાટ્યકળાનો અભ્યાસ કર્યો. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક થયાં. બાર વર્ષ ન્યૂ યૉર્કમાં ગુજાર્યા બાદ હાલ તેઓ લેક્સિંગ્ટન, કેન્ચુકી અને કેલિફૉર્નિયા –એમ ત્રણ શહેરમાં પોતાના જીવનને વહેંચી દઈને જીવે છે. બે યુનિવર્સિટીમાં શિક્ષિકા છે અને ફ્રી-લાન્સ લેખિકા છે. માત્ર ૪૨ વર્ષની નાની વયમાં કવિતાના પાંચ પુસ્તકો તેઓ આપી ચૂક્યાં છે.

                એમની કવિતાઓ વિશે રિચર્ડ બ્લેન્કૉ કહે છે: ‘મૃદુ અને માયાળુ, પ્રચંડ અને પડઘાતી- ઉભય ગુણો ધરાવતી એની કાવ્ય ચેષ્ટાઓ ભાવાભિભૂત અને મંત્રમુગ્ધ કરે છે.’  અદાની કવિતાઓનું સંગીત લાંબા ગાળા સુધી આપણા મનમાં પડઘાતું રહે એવું છે. એની ભાષા સરળ છે, એ રોજબરોજની જિંદગીમાંથી જ વાતો લઈ આવે છે પણ કાગળ પર જ્યારે આ વાતો અવતરણ પામે છે ત્યારે એનો નવોન્મેષ થતો આપણે અનુભવી શકીએ છીએ. એ જે વસ્તુ, પ્રાણી, પ્રસંગ વિશે લખે છે, એને આત્મસાત કરીને લખતાં હશે એનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. અદાની રચનાઓમાં શબ્દની ઊંચાઈ અને ઊંડાણ બંને એકસાથે વર્તાય છે. અદાની કવિતાઓ આજની નારીનો અનોખો અવાજ છે. દર્દની શ્રીમંતાઈનો મહિમા કરતાં એક કવિતામાં તેઓ કહે છે: ‘જો આપણે ઓરડાને દર્દ વડે અજવાળી શકીએ, તો આપણે કેવો યશસ્વી અગ્નિ બની શકીશું!’    

                થોડી આડવાત ગણાય પણ અદાની અદા કેવી છે એ ચૂકી જઈએ તો કવયિત્રીને અન્યાય કરેલો કહેવાય. પ્રસ્તુત રચના વિશે વાત કરતાં પહેલાં અદાની એક નારીવાદી કવિતા ‘હાઉ ટુ ટ્રાયમ્ફ લાઇક અ ગર્લ’ પર નજર નાંખીએ: ‘મને ઘોડીઓ સૌથી વધુ ગમે છે, તેઓ કેવી સિફતથી આ બધાને સાવ આસાન દેખાડે છે, જેમ કે ચાળીસ માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડવું એ જાણે ઝોકું લેવું કે ઘાસ ચરવા જેવું મસ્તીનું કામ ન હોય! મને તેઓની, જીત્યા પછીની, ઘોડીસહજ મટકતી ચાલ પણ ગમે છે. કાન સરવા કરો, છોકરીઓ, કાન સરવા! પણ મુખ્યત્વે, પ્રામાણિકતાથી કહું તો, મને ગમે છે કે તેઓ માદા છે. જાણે કે આ વિશાળ ખતરનાક પ્રાણી પણ મારો જ એક ભાગ હોય એમ મારી કાયાની નાજુક ત્વચા તળે ક્યાંક, માદા ઘોડાનું આઠ પાઉન્ડનું હૃદય ધબકી રહ્યું છે, વિશાળ, શક્તિશાળી, રુધિરભર્યું, વજનદાર. શું તમે આ માનવા નથી માંગતા? શું તમે મારું પહેરણ ઊંચકીને જોવા નથી માંગતા એ વિશાળ ધબકતા વિલક્ષણ યંત્રને જે વિચારે છે, ના, જાણે છે, કે એ પહેલા ક્રમે આવનાર છે.’ કેવી મજબૂત રચના! સ્ત્રીઓની ભીતરી તકાતનો ક્યાસ તો એક સ્ત્રી જ કાઢી શકે ને!            

                 રેઇનકોટ’ કવિતા પણ સ્ત્રી વિશેની જ છે, સ્ત્રીની તાકાત, સ્નેહ અને સમર્પિતતતાની. પણ આ કવિતાની સ્ત્રી એક માતા છે એટલે એ તો સ્ત્રીઓમાં પણ ખાસ છે. શીર્ષક આપણને તૈયાર કરે છે મુશળધાર વરસાદમાં જવા માટે. પણ પચ્ચીસ પંક્તિઓની આ કવિતામાં રેઇનકોટનો અને વરસાદનો ઉલ્લેખ તો છેક અંતમાં આવે છે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ આ અછાંદસ કવિતામાં લાંબા-ટૂંકા અને ખાસ તો લાંબા કહી શકાય એવા કુલ સાત જ વાક્ય છે એટલે મોટાભાગના વાક્યો એકાધિક પંક્તિઓમાં વરસાદના પાણીની જેમ અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી રેલાયે રાખે છે. પરિણામે એક જ સળંગ પરિચ્છેદમાં લખાયેલ રચનામાં ગતિસંચાર અનુભવાય છે. નાયિકા પોતાની આપવીતી આપણને કહી રહી હોય, બિલકુલ એવી રીતે સાવ સરળ બોલચાલની ભાષામાં કવિતા ગતિ કરે છે. કવિતાની સરળતા જ એનું ખરું હર્દ છે. અદાને જે મુદ્દા વિશે વાત કરવી છે ત્યાં સુધી ભાવકને લઈ જવામાં સરળતાનો સેતુ જ સહજ બની રહે છે. જોઈએ…    

                તબીબ ઇલાજ તરીકે ઓપરેશન કરાવવાની તથા સમગ્ર યૌવનકાળ દરમિયાન કરોડરજ્જુના ટેકા માટે બ્રેસ પહેરવાની સલાહ આપે છે ત્યાંથી કવિતા શરૂ થાય છે. એટલે સમજી શકાય છે કે નાયિકાને કરોડરજ્જુની કોઈક બિમારી હોવી જોઈએ. બે જ વાક્યમાં એ પણ ખ્યાલ આવી જાય છે કે આ બિમારી ખાસી ગંભીર છે. કરોડરજ્જુની સર્જરી આમેય જોખમી સર્જરી ગણાય છે. સર્જરી કરાવ્યા બાદ ઘણીવાર દર્દીને બંને પગે લકવો મારી જવાનું જોખમ પણ રહેલું છે. એટલે અનિવાર્ય ન હોય તો તબીબ પણ એની સલાહ આપતા નથી. એમાં આ તો નાની બાળકી. અને સર્જરી કર્યા પછી પણ ડોક્ટર એક બાબતમાં તો નિશ્ચિત જ છે કે છોકરીએ યૌવનકાળના બધા જ વર્ષ કરોડને સહારો આપે એવા બ્રેસ પહેરીને જ કાઢવા પડશે. આપણે બે-ચાર દિવસથી વધુ લાંબી ચાલતી બિમારીથી કંટાળી જઈએ છીએ, જ્યારે આ તો વરસોના વરસ યાતના વેઠવાની વાત. કવિતામાં સ્પષ્ટ કર્યું નથી પણ એવો ખ્યાલ આવે છે કે મા-બાપ આવો જોખમી રસ્તો અપનાવવાના મત સાથે સહમત નથી. ફૂલ જેવા કોમળ સંતાનને જિંદગીભર બ્રેસિસ પહેરવાં પડે એવી સર્જરીમાં જોખવાના બદલે મા-બાપ આ ઘર, પેલું ઘર એમ જેટલા ઉપાય યાદ આવે કે હાથ લાગે એ ચલકચલાણી પેલે ઘેર ધાણીના ન્યાયે અપનાવવા દોડે છે. માલિશ કરાવનાર પાસે, કસરત કરાવનાર પાસે, હાડવૈદ પાસે –જ્યાં જ્યાં આશાનું કિરણ નજરે ચડે છે ત્યાં ત્યાં મા-બાપ નાયિકાને લઈ જાય છે.

                આ મહેનત રંગ લાવશે કે નહીં એની કોઈ ખાતરી નહોતી, માત્ર આશા જ હતી. कर्मण्येवाधिकारस्ते मा फ़लेषु कदाचन् નો શંખધ્વનિ સંભળાય છે. અન્ય એક કવિતામાં અદા કહે છે: ‘હું એ ક્યારેય કહી નહીં શકું કે દરવાજો ક્યારે ખૂલશે કે બંધ થશે, હું ફક્ત બારસાખને કહેતી જ સાંભળી શકું છું, પસાર થઈ જાવ.’ નાયિકાના મા-બાપ નાયિકા સારી થશે કે નહીં એ કહી શકે એમ નહોતા, પણ તેઓ શક્યતાના દરવાજામાંથી પસાર થવામાં માનતા હતા. અને નાયિકાને ફરક પણ વર્તાય છે. મા-બાપની દોડધામનું વળતર કરોડરજ્જુની સમસ્યાઓમાં સુધારાના રૂપમાં મળે છે. પણ આ કંઈ શરદી-ખાંસી કે મેલેરિયા-ટાઇફોઇડ જેવી બિમારી નહોતી કે જેનાથી ઝટ છૂટકારો મળી જાય. વરસોવરસ આની પાછળ મંડ્યા રહેવું પડે એ પ્રકારની આ બિમારી છે. વાંકી કરોડરજ્જુ વધુ વાંકી ન વળે અને ક્રમશઃ થોડી-થોડી સીધી થાય એ માટે જિંદગીભર રોજ જ ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં આંટાફેરા કરવાના છે. આજ તકલીફમાં છે પણ આવતીકાલ પર આશા છે એટલે આ મુસાફરી કરવી જ પડવાની છે. અન્ય એક કવિતામાં અદા જિંદગી કઈ રીતે આવતીકાલ પર લટકી રહી છે એની વાત કરતાં કહે છે: ‘આ જિંદગી પ્રબળ ઇચ્છાઓની એક મુઠ્ઠી છે, જેને બીજા કશાએ નહીં પણ આવતીકાલની ખેંચનૌકાના ગલે પકડી રાખી છે.’

                ફિઝિયોથેરાપીસ્ટનું ક્લિનિક નાયિકાના ઘરથી ખાસ્સું દૂર છે. કારમાં જઈએ તો ખાસ્સો પોણો કલાક નીકળી જાય. કરોડરજ્જુનો ઇલાજ ભલે થેરાપીસ્ટ પાસે હશે, પણ દીકરી રોજેરોજની આ લાં….બી મુસાફરીથી થાકી-કંટાળી ન જાય એનો ઈલાજ એની મમ્મી પાસે હતો. મમ્મી પોણા કલાક લાંબી આ બેવડી મુસાફરી દરમિયાન દીકરીને ગીતો ગાવા કહેતી. દીકરીને ગમ્મત પડતી. મમ્મી કહેતી કે એની કરોડરજ્જુની ચુંગાલમાંથી એનો અવાજ મુક્ત થઈ ગયો છે અને દીકરીને લાગતું કે એ ગાય છે એ મમ્મીને ગમે છે. એ સમયે એની માની જે ઉંમર હતી, આજે આટલા વરસો બાદ એ ઉંમરે પહોંચીને દીકરીને વિચાર આવે છે કે મમ્મીને શું સાચે જ એની ગાયકી ગમતી હતી? દોઢ કલાક લાંબી ડ્રાઇવ અને થેરાપિસ્ટને ત્યાં વ્યતીત કરવો પડતો સમય –રોજ જ આટલો બધો સમય એની મમ્મી એના માટે ક્યાંથી કાઢતી હતી? એણે પોતાની દિનચર્યામાંથી કઈ કઈ વસ્તુઓનો ફરજિયાત ત્યાગ આપ્યો હશે? આ નવી રોજનીશી અમલમાં આવતાં પહેલાંની મમ્મીની રોજનીશી કઈ હતી? જે જમાનામાં આ સવાલો મનમાં ઊઠવા જોઈતા હતા કે પૂછાવા જોઈતા હતા એ જમાનામાં તો માએ દીકરીને ગાવામાંથી નવરી જ ન પડવા દીધી. દીકરીને સતત વ્યસ્ત રાખી.

                આ કોઈ એક માની વાત નથી. દુનિયાભરની તમામ મા આવી જ હોવાની. પિતા પણ કંઈક અંશે આવા જ હોવાના. માના ગુણગાન ગાવામાં આવે ત્યારે પિતાને અન્યાય કરતો હોય એવું સહજ અનુભવાય પણ વાસ્તવિક્તા એ જ છે કે પિતાની સંતાન માટેનાં સમર્પણ અને કુરબાની સોએ સો ટકા ભાગ્યે જ હોય છે. બાપ પણ પોતાના સંતાન માટે બધું જ કરી છૂટતો હોવાની ના નહીં, પણ માના પક્ષે કોઈ સરહદ હોતી નથી, જ્યારે બાપના પક્ષે ભલે આઘી તો આઘી, પણ ક્ષિતિજ તો હોવાની જ. ‘મા તે મા, બીજા વગડાના વા’ કંઈ અમસ્તુ જ કહ્યું હશે? ગમે એ કરે પણ બાપા ‘બા’નો ‘પા’ જ ભાગ હોવાના. અહીં પણ માએ પોતાની દીકરીની આવતી કાલ માટે એકુંહકારો સુદ્ધાં કર્યા વિના પોતાની આજ વધેરી નાંખી છે. નાની બાળકીની મા પોતે યુવાન જ હોવાની. એની પોતાની એક જિંદગી હશે. એની પોતિકી દિનચર્યા હશે. એ નોકરી પણ કરતી હોઈ શકે. એનું પોતાનું મિત્રમંડળ હશે. એના પોતાનાં સ્વપ્નો હશે. પણ દીકરી માટે ફાળવવાનો આવેલ આ નિર્ધારિત અને ઘણો વધુ કહી શકાય એવા સમયનો અજગર માની અંદર રહેલી યુવતીના અરમાનોને સમૂચા ગળી ગયો. હશે, આ મા છે. એના હોઠ પર કોઈ ફરિયાદ પણ આવી નથી. એણે પોતાની જિંદગીનો ત્યાગ કરીને દીકરીની જિંદગી એ રીતે અપનાવી લીધી છે કે દીકરીને એ તમામ વર્ષો દરમિયાન વિચાર સુદ્ધાં નથી આવ્યો કે માએ પોતાના માટે શું શું ત્યાગ્યું હશે! આજે મા કદાચ નથી. અથવા હોય તોય દીકરીને થેરાપિસ્ટને ત્યાં લઈ જવા-લાવવા માટે એની જરૂર નથી. દીકરી મોટી થઈ ગઈ છે. જાતે કાર ચલાવતી થઈ ગઈ છે. અને હવે દીકરીને માએ કરેલા ત્યાગ વિશે વિચાર આવે છે. કેથેરિન પલ્સિફેર નામની એક લેખિકા કહે છે: ‘માતાઓ ઘણો બધો ત્યાગ કરે છે, જેથી તેમના સંતાનોને ઘણું બધું મળી રહે.’                  

                વીતેલા વર્ષો ઉપર એક લાંબો દૃષ્ટિપાત કરીને કવિતા હવે વર્તમાન પર ફૉકસ કરે છે. નાયિકા થેરાપિસ્ટ સાથેની એની આજની મુલાકાત નિપટાવીને ઘર તરફ પરત વળી રહી છે. સાથે મમ્મી નથી પણ કારમાં વાગતો રેડિયો છે અને રેડિયો પર કોઈક ગાંડુંઘેલું પણ મજાનું ગીત વાગી રહ્યું છે, એના સૂરમાં સૂર પરોવતી નાયિકા પણ મુક્તકંઠે ગાઈ રહી છે. મમ્મીએ વરસો સુધી આ આદત એને પાઈ છે. આ આદત ડ્રાઇવિંગના સમયાંતરાલને ટૂંકો અને હળવો બનાવી દે છે. ઢળતી બપોરનો સમય છે. અચાનક વરસાદી ઝાપટું આવી ચડે છે. કાર હંકારતાં અને ગીત ગાતાં-ગાતાં નાયિકાની નજરે એક મા-દીકરી ચડે છે. અચાનક આવી ચડેલ ઝાપટાંથી નાની દીકરીને બચાવવા એની મા સત્વરે પોતાનો રેઇનકોટ ઉતારીને દીકરીને પહેરવા આપે છે. એક ઝાપટું કારની બહાર આવ્યું છે, એક ઝાપટું કારની અંદર આવે છે. હવે ખ્યાલ આવે છે કે આ દીકરીને પોતાનો રેઇનકોટ આપતી માનું દૃશ્ય નજરે ચડ્યું એ કારણોસર આજે આટલા વરસે નાયિકાની નજર સમક્ષ એની આખી જિંદગી ઝડપભેર રિવાઇન્ડ થઈને રજૂ થઈ છે.

                હે ભગવાન!, એ વિચારે છે, આખી જિંદગી પોતે કદી તકલીફોના વરસાદ-વાવંટોળમાં ભીની જ ન થઈ એનું કારણ એની મા હતી, આખી જિંદગી એ એની માના રેઇનકોટની અંદર સુરક્ષિત હતી… ‘હું કદી ભીની જ ન થઈ’ કહીને નાયિકા વાત પૂરી કરે છે એ ઘડી ભાવકની આંખ ભીની થવાની ઘડી છે. અઢી હજાર વર્ષ પૂર્વે સોફોક્લિસ કેવી સાચી વાત કરી ગયા: ‘બાળકો લંગર છે જે એક માને જિંદગી સાથે જકડી રાખે છે!’ બાળક વિના માનું કોઈ અસ્તિત્વ જ નથી. અને બાળકોનો વર્તમાન પણ માના ભૂતકાળને આભારી છે. અબ્રાહમ લિંકને કહ્યું હતું: ‘હું જે કંઈ પણ છું, અથવા બનવા ચહું છું, એ મારી દેવદૂત સમી માને આભારી છે.’ સાચી વાત! બાપે માત્ર એક શુક્રકોષ આપ્યો છે જ્યારે માએ પોતાની ભીતર સંતાનનો આખો પિંડ બાંધ્યો છે. કુંભાર તો માટીના તૈયાર પિંડને ચાકડે ચડાવી વાસણ સર્જે છે, પણ મા તો માટીનું સર્જન પણ જાતે જ કરે છે અને નવ-નવ મહિના પોતાના પેટમાં જ સર્જનચાકડો ચલાવીને શિશુનું સર્જન કરે છે. કદાચ એટલે જ બાપ માટે બાળક એક અલગ અસ્તિત્વ છે પણ મા માટે સંતાન એ પોતાના અસ્તિત્વનો જ એક ટુકડો છે. આ ટુકડો નિજમાંથી જ પ્રસવ્યો હોવાથી માને પોતાની જાત કરતાં પણ આ નવું અસ્તિત્વ વધુ વહાલું હોય છે. બાળકોને આખી જિંદગી એમ લાગે છે કે પોતાના માથે કોઈ તકલીફ ન પડી એ કોઈ ચમત્કાર હોવો જોઈએ. સંતાનની આંખ ત્યારે ખુલે છે જ્યારે એને ખબર પડે છે કે આ ચમત્કારનું બીજું નામ મા છે… સાચે જ, માથી મોટો બીજો કોઈ ચમત્કાર હોઈ જ ન શકે, ખુદ ઈશ્વર પણ નહીં…

ગ્લૉબલ કવિતા : ૧૧૦ : વહાણવટું -રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

कुछ पाने के लिए कुछ खोना पडता है…

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો

બે જ પંક્તિમાં શૂન્ય પાલનપુરી સફળતા માટે મક્કમ નિર્ધાર કેટલો આવશ્યક છે એ સમજાવી ગયા. કામ કોઈ પણ હોય, જ્યાં સુધી એને અંજામ આપવાનું નક્કી ન કરી લઈએ ત્યાં સુધી એ પરિપૂર્ણતાના દર્શન કરવા પામતું નથી. નિશ્ચયની અનુપસ્થિતિમાં ઘણીવાર તો કાર્યનો આરંભ જ થતો નથી હોતો. આપણે ‘પંગુ લંઘયતે ગિરિમ્’ અથવા ‘A will will find a way’ કહીએ છીએ ત્યારે પણ મનોબળનો જ મહિમા કરતાં હોઈએ છીએ. આ કામ કરવું જ છે એવું નક્કી કરીને ઘરેથી નીકળો તો જ ‘રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ (ગની દહીંવાળા) જેવા ચમત્કાર થાય. રમેશ પારેખની આ કવિતા મક્કમ મનોબળનું મહિમાગાન કરે છે.

રમેશ મોહનલાલ પારેખ. ૨૭-૧૧-૧૯૪૦ના રોજ અમરેલી ખાતે જન્મ. શાળામાં હતા ત્યારે જ એમની વાર્તા ચાંદનીમાં છપાઈ હતી. મેટ્રિક સુધી અભ્યાસ. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકળા માટે જવું હતું પણ આર્થિક ભીડ આડી આવી. અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી અને ૧૯૬૭માં કવિતા હાથ ધરી તે એવી ધરી કે આંબી ન શકાય એવું સીમાચિહ્ન બની ગયા. ૪૮ વર્ષની વયે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ ફૂલ-ટાઇમ સરસ્વતીદેવીની નોકરી સ્વીકારી. રસીલાબેન પત્ની. નેહા અને નીરજ બે સંતાન. ૧૭-૦૫-૨૦૦૬ના રોજ ૬૫ વર્ષની વયે કર્મભૂમિ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાના કારણે નિધન. રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. પાટણમાં સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમ’ ગ્રંથની શોભાયાત્રા કાઢી હતી એની સદીઓ બાદ રમેશ પારેખની વર્ષગાંઠના દિવસે ૧૯૯૧માં અમરેલી શહેરના લોકોએ એમની સમગ્ર કવિતાના ગ્રંથ -‘છ અક્ષરનું નામ’-ની રથયાત્રા કાઢી હતી જેમાં રમેશ પારેખ પણ પગપાળા સામેલ હતા. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે.

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ, બાળગીત, કટાક્ષ કાવ્ય, હાઈકુ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. મીરાંને નીચે પોતાની સહી કરવાનું મન થઈ જાય એ સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે.

કવિએ છંદ વિશે કહ્યું હતું: ‘મંને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે. એક વિશિષ્ટ અર્થમાં છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. છંદની નાભિમાં એક એવી ઊર્જા છે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણકક્ષાની બહાર જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચાડી શકાય છે.’ છંદનાભિનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે એવી શ્રદ્ધા ધરાવનાર ‘લયના કામાતુર રાજવી’ તરીકે ખ્યાત રમેશ પારેખ ‘વહાણવટું’ નામે અછાંદસ કવિતા લઈને આવ્યા છે. ઉત્તરાયણના દિવસે ૨૦૦૫માં લખાયેલું આ કાવ્ય અછાંદસ કવિતાઓમાં એક અલગ જ ભાત પાડે છે. વહાણવટુંમાંનો ‘વટું’ શબ્દ સંસ્કૃત ‘વૃત્તિ’ પરથી ઉતરી આવ્યો છે. વહાણ ચલાવવું જ જેની વૃત્તિ છે એવો કોઈ માછીમાર કે વેપારી વહાણ લઈને દરિયાની છાતી ધમરોળવા નીકળી પડ્યો છે એટલી વાર્તા તો શીર્ષક જ કહી દે છે. ત્રેવીસ પંક્તિઓ અને ૮-૭-૪-૪ પંક્તિઓના અંતરાઓમાં વહેંચાયેલા આ અછાંદસમાં કવિએ ક્યાંય કોઈ પણ લાંબું વાક્ય પ્રયોજ્યું નથી. હાથમાં લેતાં જ પૂરું થઈ જાય એવા ટબુકડા વાક્યો, સમુદ્ર અને નાવિક વચ્ચેની ત્રણેક ટૂંકી પ્રશ્નોત્તરીનો હાથ ઝાલીને કવિતા ઝડપભેર તોફાની જિદ્દી દરિયામાં અનુભૂતિની નાનકી નાવમાં બેસાડીને આપણને વહાણવટે લઈ જાય છે.

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ છે. એ સિવાય ર.પા.નું આ અછાંદસ ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. બની શકે કે દરિયાએ પ્રવાસ શરૂ કરતાં પૂર્વે જ એને ચેતવ્યો હોય કે રહેવા દે, આ સફર હું તને ખેડવા નથી દેવાનો. નાયકે વાક્યુદ્ધમાં ઉતરવાના બદલે કાંઠે નાંગરેલી નાવને ધકેલવાનું જ વધુ ઉચિત ગણ્યું હશે. હશે, આગળની વાતો અપ્રસ્તુત છે અને કવિને નાયકની જેમ દરિયો લાંઘવાની ઉતાવળ હશે કે કેમ, પણ કવિતા અડધેથી શરૂ થાય છે. આ જ ખરી કાવ્યકળા છે ને! લંગર પરથી લાંગરેલું શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે એટલે ‘નાંગરેલું’નો પ્રયોગ ભાવકને અટકાવે છે. લાંગરેલું શબ્દ જે રીતે સાચો છે એ જ રીતે નાંગરેલું શબ્દ પણ સાચો છે. દેશ્ય ભાષાના ણંગર કે ણંગલ અથવા ફારસી લંગર ઉપરથી આંગર શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં એને મળતો શબ્દ છે લાંગલ. નાંગરનો એક અર્થ થાય છે લંગર અથવા નાંગળ યાને વહાણ અટકાવી રાખવા માટે પાણીમાં નાંખવામાં આવતો અંકોડો. એ પરથી નાંગરવું એટલે નાંગર નાંખીને વહાણને ઊભું રાખવું, લંગરવું. એક રૂઢિપ્રયોગ પણ છે: “નાંગળ નાખવાં” યાને કે લાંબા વખત માટે ઉતારો કરવો. મેઘાણીની એક પંક્તિ પણ યાદ આવે: ‘ઊંડા જળ એલાણ નાંગળ તૂટ્યાં નાગડા.’

નાયક નાંગરેલ વહાણને દરિયામાં ધક્કેલે છે. ધક્કેલ્યુંમાં જે બેવડો ‘ક’કાર આવે છે એ નાવને સમુદ્રમાં ધકેલવાની ક્રિયામાં વધારાનો વેગ પૂરો પાડી કાવ્યને વધુ ગતિશીલ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત પણ કરે છે. ધકેલવું અને ધક્કેલવું વચ્ચેનો આ અડધા અક્ષરનો તફાવત સક્ષમ કવિકર્મની સાહેદી છે. વહાણ એનો ધર્મ નિભાવે છે. ‘ચાલ્યું’ કહીને એક જ શબ્દનું વાક્ય પ્રયોજીને ફરી કવિ અમૂર્ત ગતિને મૂર્ત કરવામાં સફળ થાય છે. પણ કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે અફાટ અસીમ સમુદ્ર એક પડકાર સમો ઊભો છે. નાયક અર્ધેક પહોંચે છે ત્યારે સમુદ્ર એને થાક લાગ્યો હોવા બાબત ખાતરીપૂર્વક પૃચ્છા કરે છે. સમુદ્રને ખાતરી છે કે નાની અમથી નાવ સાથે સાગરપાર કરવા નીકળેલ આ કાળા માથાનો માનવી હવે થાક્યો જ હશે. નાયક પણ વાસ્તવવાદી છે. એને થાકનો ઇન્કાર નથી. સવાલનો જવાબ એ સવાલથી આપે છે- ‘તેથી શું?’ અને તરત જ ‘જવું જ છે આગળ’ કહીને પોતાનો ઇરાદો પણ સાફ બતાવે છે. હોડીમાંના વધારે પડતા વજન સામે સમુદ્ર ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. જવાબમાં નાયક સમુદ્રમાં હોડી આગળ ચલાવવાના એકમાત્ર ઓજાર હલેસાંઓને સમુદ્રમાં ફેંકી દે છે. તરત જ પ્રશ્ન થાય કે શું નાવમાં વજન સાચે જ ‘આટલું’ હશે? ભાર ઘટાડવાની નેમથી જો નાયક હલેસાં જ હોમી દેતો હોય તો એનો અર્થ જ એ કે નાવ, હલેસાં અને જાત –આ ત્રણ સિવાય નાવમાં બીજું કશું છે જ નહીં અને તોય સાગર ‘આટલા વજન સાથે?’ જેવો સવાલ કરે છે અને નાયક હલેસાં ત્યજી દઈને વળી સવાલની પુષ્ટિ પણ કરે છે. ‘જવાબમાં હલેસાં વામી દીધાં’ એમ સળંગ વાક્ય લખવાના બદલે કવિ જવાબમાં પછી અલ્પવિરામ પ્રયોજે છે, જે ભાવકને ક્ષણેક રોકે છે જેથી નાયકની ચેષ્ટા તરફ ધ્યાન આપ્યા વિના કવિતામાં આગળ વધવાની ગુસ્તાખી કે ઉતાવળ ભાવક ભૂલથીય ન કરી બેસે. વાહ કવિ! બીજું, અહીં કવિ એક અંતરો પૂરો કરીને બે પંક્તિ વચ્ચે એક પંક્તિ જેટલી ખાલી જગ્યા મૂકે છે. અને હલેસાંને વજન ગણવાની સમુદ્ર અને નાવિક- બંનેની ચેષ્ટા બાદ આવતો આ અવકાશ આપણને એ સમજવાનો સમય આપે છે કે દેખીતી વાત ભલે સાગર, નાવિક અને વહાણવટાંની હોય, પણ કવિ કોઈક બીજું જ નિશાન તાકી રહ્યા છે.

વેગપૂર્વક કવિતા આગળ વધતી રહે છે. માત્ર ૩-૩-૪-૩-૪-૩-૩ શબ્દોની બનેલી ટૂંકીટચરક પંક્તિઓમાં તસુભર જ આગળ વધી શકતી હોડી, સાગરનું અટ્ટહાસ અને નાયકનો નિર્ધાર રજૂ થાય છે. એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- નાયક સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં હલેસાં, પછી પગ, પછી કોણી સુધીના હાથ અને છેલ્લે તો એ પોતાનું આખેઆખું ધડ હોમી દે છે. નાવમાંનો બોજ હળવો કરવા માટે ગમે એ હદ સુધી પોતે જશે પણ યેનકેન પ્રકારેય આગળ તો વધીશ જ એવા હુંકારથી હળવી થયેલી નાવ ભરાઈ જાય છે. આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. સાત પંક્તિઓમાં ઉપરાછાપરી ત્રણવાર પુનરાવર્તિત થતા વાક્યમાં માત્ર ‘ખડખડ’ શબ્દનું સ્થાન બદલીને કવિ એકતરફ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે તો બીજી તરફ ખડખડનું બદલાતું જતું સ્થાન નાવની ગતિ પણ સૂચવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે. ર.પા.ને શબ્દોનું ગૌરવ કરવાની કળા જન્મજાત હસ્તગત છે.

નાયક વડે આગળ વધના યજ્ઞમાં પોતાના કબંધ-ધડની આહુતિ આપવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે. ત્રીજા બંધમાં કવિએ એને હાજર રહેવા દીધો નથી. અચાનક આખી સૃષ્ટિ કવિતામાં આવી ઊભે છે. હવાઓ ચિરાઈ જાય છે, આકાશના રંગો ભર ભર યાને કે તત્કાળ ખરી પડે છે અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થઈ જાય છે. બલિદાનની આ પરાકાષ્ઠા છે. હવા વહેતી બંધ થઈ જાય છે. આકાશમાંથી રંગો ગાયબ થઈ જાય છે. દિશાઓનું જાણે અસ્તિત્વ જ રહેતું નથી. ઓછામાં ઓછા શબ્દોમાં કવિ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સમક્ષ ચાક્ષુષ કરે છે. આ શબ્દની તાકાત છે. આ કવિનો જાદુ છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખૂલે છે.

નાયકનો અભૂતપૂર્વ ત્યાગ અને न भूतो न भविष्यति તૈયારી જોઈને સાગરની બોલતી જ બંધ થઈ જાય છે. નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરી ઊઠે છે. કોઈપણ ભોગે આગળ વધવાની ઇચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. ‘વજન’ ઓછું કરાયેલ વહાણમાં એકમાત્ર બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. આરૂઢના બંને અર્થ ઊંચે ચડેલું અને દૃઢ, સ્થિર અહીં યથાર્થ ઠરે છે. વહાણમાંના એ એકલવાયા મસ્તકમાં ઊઠતા તરંગોને કાળી વીજળીઓનું સંબોધન કરીને કવિ વહાણવટા પાછળના આંધળુંકિયા સાહસ સુધી અર્થવલયો વિસ્તારે છે. ‘મસ્તક’ શબ્દનું પ્રયોજન પણ સાયાસ છે. પાણી અને વારિ વચ્ચે, ઘોડો અને અશ્વ વચ્ચે જે ફરક છે, એ જ માથું અને મસ્તક વચ્ચે છે. સાચો કવિ એકપણ શબ્દ કાચો પ્રયોજતો નથી. સંસ્કૃતમાં મોટાભાગે ભવભૂતિએ કહ્યું છે: ‘एकः शब्दः सुज्ञातः सुप्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति।’ (એક જ શબ્દને જો બરાબર સમજવામાં આવે અને બરાબર પ્રયોજવામાં આવે તો સ્વર્ગલોકની ઇચ્છા પણ પૂરી થાય છે.)

સુન્દરમની ‘ટિટોડી અને સાગર’ કવિતા તરત જ યાદ આવે, જ્યાં ડુંગર જેવાં જહાજોને ડૂબાડી ચૂકનાર સાગર ટિટોડીના ઈંડાં તાણી જાય છે અને ટિટોડીની વિષ્ટિ-વિનવણીને જ્યારે સાગર અવગણે છે ત્યારે ટિટોડી આખી દુનિયાના પંખીઓને એકઠાં કરે છે અને બધાં જ પંખીઓ ચાંચે જે સમાય એ તરણું કે કાંકરો લઈને દરિયાને પૂરવા માંડે છે. દરિયાનું અભિમાન ઊતરી જાય છે, અને ટિટોડીના ઈંડા લઈને કરગરતો આવે છે. ત્યાં પણ અડગ નિર્ધારનો મહિમા હતો, અહીં પણ એ જ છે. ગુજરાતી કવિતાઓની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો (layastaro.com) પર કવયિત્રી નેહા પુરોહિત આ કાવ્યનું કંઈક આ રીતે અર્થઘટન કરે છે: ‘હલેસાં અને હાથ-પગનો ત્યાગ ભૌતિક સુખ-સગવડના ત્યાગનું પ્રતીક છે. છાતી સહિત ધડને હોમી દેવાની બાબત એટલે હૃદય યાને કે લાગણીઓથી વિચારવાનું બંધ કરીને નાયક હવે ફક્ત મસ્તક, યાને બુદ્ધિથી કામ પાર પાડશે. કાળી વીજળીઓનો મતલબ –હવે આગળ જે થશે એમાં ભાવનાઓનું તેજ નહીં હોય- એવો લઈ શકાય.’ સરવાળે પ્રસ્તુત રચનામાં મનુષ્યને ખતમ કરી શકાય છે પણ પરાસ્ત નહીં એવી વિભાવના ઉજાગર થાય છે. મનુષ્યે કંઈક કરવું જ હોય તો એને અંજામ આપવા માટે કઈ હદ સુધી ત્યાગ કરવા તૈયાર રહેવું પડે છે એ પણ સમજી શકાય છે. બોજનો ત્યાગ કર્યા વિના કોઈ સિદ્ધાર્થ બુદ્ધ બનતો નથી અને નિર્ધારમાંથી પાછીપાની કરીને કોઈ વર્ધમાન મહાવીર નથી બનતો.

ગ્લૉબલ કવિતા : ૧૦૯ : એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ

A Windy Day

This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.

– Andrew Young

એક વંટોળિયાળ દિવસ

આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.

– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કણ-કણમાં પ્રાણ પૂરતા પવનનું કવન

ઑફિસના એના એ બિલ્ડિંગમાં રોજ જ જવાનું… એક-બે દિવસ નહીં, વરસોવરસ… કેવું કંટાળાજનક! ઓફિસના દરવાજે સ-રસ મજાનું નક્શીકામ કેમ ન કર્યું હોય અને એમાં હીરા-મોતી-સોના-ચાંદી પણ કેમ ન જડ્યા હો, એકના એક સ્થળે વારંવાર જવામાં મજા તો નહીં જ આવે. આ મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. પણ ઑફિસના મકાનની બહાર નાનો બગીચો હોય કે બે-પાંચ વૃક્ષો રોપ્યાં હોય કે દરવાજાની આજુબાજ ફૂલોના છોડવાળા કૂંડાં મૂક્યાં હોય તો આ કંટાળો જરા ઓછો થઈ જાય. એના એ ફૂલ-છોડ-વૃક્ષોની સામે રોજેરોજ જોવામાં આપણને ભાગ્યે જ કંટાળો આવે છે. એ જ રીતે, જીવનમાં સેંકડો સૂર્યાસ્ત કેમ ન જોયા હોય, પણ સૂર્ય ડૂબવાનો સમય હોય અને આપણે સનસેટ પૉઇન્ટથી દૂર હોઈએ તો આપણાં પગલાં આપોઆપ ઝડપી બની જતાં હોવાનું આપણે અનુભવ્યું જ છે. એનો એ સૂર્ય, એનું એ આકાશ પણ આકર્ષણ હંમેશા નવું. કારણ? કારણ એ જ કે પ્રકૃતિમાં જીવન છે અને જીવન હરહંમેશ પરિવર્તનશીલ જ હોય. પ્રકૃતિમાં કદી એકવિધતા હોઈ શકે જ નહીં. જ્યારે જુઓ, ત્યારે એ નવી ને નવી જ. કોઈ પણ વૃક્ષ કે છોડ કે આકાશ કે નદી-નાળાં-સમુદ્ર એવાને એવા બીજી વાર જોવા મળતા નથી. એના કદ-આકાર-રૂપ-રંગ: કંઈનું કંઈ સતત બદલાતું રહે છે. પ્રકૃતિમાં ફક્ત ‘ચેઇન્જ ઇઝ કોન્સ્ટન્ટ’ (હેરાક્લિટસ). આ જ કારણ છે કે પ્રકૃતિ કદી કંટાળો આપતી નથી. પ્રકૃતિ દરેક વસ્તુમાં જીવ રેડી દે છે, એ વાતને પવનના સાપેક્ષમાં કવિ એન્ડ્રૂ યંગ રજૂ કરે છે.

એન્ડ્રૂ જૉન યંગ. કવિ. લેખક. પાદરી. ૨૯-૦૪-૧૮૮૫ના રોજ એલ્જિન, સ્કૉટલેન્ડમાં સ્ટેશનમાસ્ટરના ઘરે જન્મ. આઠ વર્ષની નાની વયે કવિતા લખતા-વાંચતા થઈ ગયા. પ્રકૃતિ અને ફૂલોમાં ખોવાઈ જવાના શોખના કારણે શાળામાં અવારનવાર ગેરહાજર રહેતા એટલે એમની સ્કૉલરશીપ રદ કરવામાં આવી હતી. તોય ભણ્યા અને આર્ટ્સમાં કવિ બનવાની આશા સાથે અનુસ્નાતક થયા. ૧૯૦૭માં એમનો ભાઈ ડેવિડ રહસ્યમયરીતે ગાયબ થઈ ગયો. આ ઘટનાથી વ્યથિત થઈ વકાલત ભણવાનું છોડીને ન્યૂ કોલેજમાં ધર્મશાસ્ત્ર ભણ્યા. પણ કવિતાના સંસ્કાર એમ પીછો છોડે એવા નહોતા. દીકરાના દિમાગમાંથી કવિતાનો કીડો કાયમ માટે નીકળી જાય એ આશામાં ૧૯૧૦માં એમના પિતાએ પોતાના ખર્ચે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. પણ કવિતા તો એમની કાયમી જીવનસંગિની હતી. એ જ અરસામાં શિક્ષિકા જેનેટ ગ્રીનને જીવનસંગિની બનાવી, જેણે બે બાળકોની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈને મૃત્યુપર્યંત પતિ માટે સાહિત્યકાર બનવાનો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો. અભ્યાસ બાદ યંગ ચર્ચમાં પાદરી તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી અલગ-અલગ ચર્ચોમાં અલગ-અલગ પદ પરથી સેવા આપી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક આરામ-છાવણીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી. એ પછી તેઓ પૂર્વી સસેક્સ, ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા. અવારનવાર નર્વસ બ્રેકડાઉનના શિકાર થયા. સ્વભાવે તામસી પણ કવિતા એકદમ સાલસ. ૧૯૬૯માં પત્નીના અવસાનનો આઘાત જીરવી ન શકાતા, મૃત્યુની મનોકામના સેવતા-સેવતા અંતે બે જ વરસમાં ૮૬ વર્ષનું દીર્ઘાયુ ભોગવી ૨૫-૧૧-૧૯૭૧ના રોજ નિધન.

યંગની શરૂઆતની કવિતાઓ પર સ્વાઇનબર્ન અને ડેકડન્ટ્સ કવિઓની અને ત્યાર બાદ જ્યૉર્જિઅન કવિઓની છાયા વર્તાય છે. ત્રીસીના દાયકામાં કવિએ પોતાનો આગવો અવાજ શોધ્યો. એ. જે. યંગ નામથી લખેલા આગળના સંગ્રહોને રદ કરી એન્ડ્રૂ યંગના નામથી લખવાનું શરૂ કર્યું. હાથ આવ્યા એ તમામ સંગ્રહો એમણે નષ્ટ પણ કરી નાખ્યા. એ કવિતાઓ પોતાની નથી એવું સાબિત કરવા માટે ખાસ્સુ મથ્યાય ખરા. જૂની કવિતાઓ નવી શૈલીમાં એમણે ફરીથી પણ લખી. પણ જૂની કવિતાઓમાં પણ એમનો કસબ તો હતો જ અને કવિની ઇચ્છા વિરુદ્ધ સમયે એ રચનાઓ પણ સાચવી લીધી. લાઘવ અને સંગીત એમના પ્રધાન કાકુ. આધિભૌતિકતા (મેટફિઝિકાલિટી), સૂક્ષ્માવલોકન, પ્રકૃતિ, ઈશ્વર અને માનવજીવનમાં નૈતિક મૂલ્યો એમની કવિતાઓના જમા પાસાં ગણી શકાય. પ્રસિદ્ધ શૌકીયા વનસ્પતિશાસ્ત્રી પણ તેઓ હતા અને એમના પુસ્તકોમાં એની ઝાંખી પણ જોવા મળે છે. એમના કામને સ્વીકૃતિ અને પ્રસિદ્ધિ બંને ધીમી ગતિએ પ્રાપ્ત થયાં પણ આજે એમની કવિતાઓ વીસમી સદીની ‘અસ્વસ્થતાની વચ્ચે એક સ્વસ્થ અવાજ’ ગણાય છે.

‘એક વંટોળિયાળ દિવસ’ શીર્ષક આપણે પ્રકૃતિ કાવ્યમાં પ્રવેશી રહ્યા હોવાનો પહેલો ઈશારો આપે છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં વધુ પ્રચલિત પેન્ટામીટરના સ્થાને આયમ્બિક ટેટ્રામીટરમાં લખાઈ હોવાના કારણે આ કવિતા વંટોળિયાની જેમ વધુ ગતિશીલ બની છે. અંગ્રેજી કવિતાની પ્રાસરચના પણ ખાસ્સી અનિયમિત છે: abcc deed fghh ijk ijk. આવી તૂટેલીફૂટેલી પ્રાસયોજના પણ પવન જે રીતે વસ્તુઓને ઊડાડીને સેળભેળ કરી નાંખે છે એના જેવો જ અહેસાસ કરાવે છે. બીજું, અઢાર પંક્તિની આ આખી કવિતા કવિએ સળંગ જ રાખી છે. વચ્ચે-વચ્ચે વિરામચિહ્નો છે પણ પૂર્ણવિરામ છે…ક કાવ્યાંતે જ આવે છે. આમ આખી રચના એક જ વાક્યની બનેલી છે એમ ગણી શકાય. વિરામચિહ્નો ઉપરાંત ‘અને’ તથા ‘અથવા’ જેવા સંયોજકોના મિજાગરાઓ પર પંક્તિઓના દરવાજાઓ એક વાક્યમાં બંધાયેલા રહે છે. પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.

‘આ પવન’થી વાત શરૂ થાય છે. ‘ધ વિન્ડ’ કહી દુનિયાના તમામ સ્થળો અને સમયોના પવનોનું સામાન્યીકરણ કરવાના બદલે કવિ ‘ધિસ વિન્ડ’ કહીને જે પવન એમની નજર સામે છે એની જ વાત પોતે કરી રહ્યા છે એમ ભારપૂર્વક જણાવે છે. આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે. કેવું સનાતન સત્ય! ટેબલ પર પુસ્તક પડી રહ્યું હોય અને પવન આવ્યો નથી કે પ્રાણ પૂરાયો ન હોય એમ એનાં પાનાં ફરફર્યાં નથી. પવન એટલે ગતિદાર હવા. હવા તો આપણી ચારેતરફ કણેકણમાં વ્યાપ્ત છે જ પણ એની હાજરીનો અહેસાસ ગતિ કે ગંધ વિના અસંભવ છે. આદિલ તો ત્યાં સુધી કહે છે કે, ‘બીજી તો કોઈ રીતથી જોઈ નહીં શકો, દૃષ્ટિ વિકાસ પામે તો દેખાય છે પવન.’ નિર્જીવ અને ખાસ તો ગેરહાજર ભાસતી હવા ગતિદાર બને છે ત્યારે એ એની અડફેટમાં આવનાર તમામ ચીજવસ્તુઓમાં જીવ રેડી દે છે. ગતિશીલ હવાનો હાથ ફરતાં જ સૃષ્ટિ આખી સજીવન થઈ ઊઠે છે. કવિ માત્ર થોડો સમય માટે વહીને ચાલ્યા જતા પવનની નહીં, પણ દિવસ આખો ફૂંકાયે રાખતો હોય એવા પવનની, એક વંટોળિયાળ દિવસ આખાની વાત માંડે છે અને પવનના સ્પર્શે જેનામાં જીવ ફૂંકાતો હોય એવી વસ્તુઓને એક પછી એક રજૂ કરે છે.

મોટાભાગનું આયખું શહેરમાં વીત્યું હોવા છતાં યંગની કવિતાઓમાં સ્કૉટલેન્ડના ગામડાં અને વન-વગડા સતત ડોકાતાં રહે છે. ડાળીઓ હવામાં પવનના કારણે જે રીતે હાલી રહી છે એ જોઈને કવિને એમ લાગે છે જાણે એ ચાબુક બનીને હવાની પીઠ પર વીંઝાઈ રહી છે. અને ખરીને સૂક્કાં થઈ પડેલાં પાંદડાંઓ ઉતાવળમાં હોય એમ ગડથોલિયાં ખાતાં ઊડાઊડ કરે છે. સૂકાં પર્ણોની વાત પરથી ‘ધ લિફ’ નામની એક કવિતા પણ યાદ આવે. યંગ કહે છે: ‘ક્યારેક પાનખરનું એક પાંદડું/જે જમીન પર ખરી પડે છે,/હૃદયમાં એક જખ્મ દઈ જાય છે,/અને જગાડે છે પુરાણા દુઃખને./પણ હું એટલે નથી રડતો/કે પાનખરમાં તમામ પર્ણો મરી જાય છે,/હું ફક્ત એટલે જ રડું છું કે મારે/એમને ખરતા જોવા જીવવું પડવાનું છે.’ કેવી સંવેદના! આવી જ સંવેદના ‘ઑટમ’ કવિતામાં પણ જોવા મળે છે જ્યાં યંગ ફૂલોને નિસ્તેજ પૃથ્વીની મીઠી આશાઓ અને સ્મૃતિઓથી ભરેલી જાગૃત આંખો કહી ઓળખાવે છે. ‘સ્લિપ’ કવિતામાં દિવસે ખીલેલાં ફૂલ રાત્રે બિડાઈને ફરી કળી બની જાય છે એ સંવેદન યંગ જે રીતે રજૂ કરે છે એના પરથી કવિની દૃષ્ટિ સામાન્યજનથી કઈ રીતે અલગ પડે છે એ સમજી શકાય છે:

ફૂલો ભૂત જેવા સફેદ છે,
ધૂમિલ શેરીની કોરે,
તેઓ સૂઈ જાય છે અને પલટાઈ જાય છે
કૂમળી કળીઓમાં રાતે.

એથી જ, ગીતો અને પાપો જે પ્રજ્વાળે છે
એના તમામ દર્દથી ક્લાન્ત,
હું પણ, સૂઈ જઈશ અને પલટાઈ જઈશ
એક બાળકમાં ફરીથી.

પુનઃ કવિતા પર નજર કરીએ. પવન સસલાંની બખોલમાં પણ ડોકિયાં કરી આવે છે અને ઝાડને એવી રીતે નમાવી દે છે જાણે પાડી દેવા ન માંગતો હોય! અહીં આગળથી વાક્યરચના થોડી અસંદિગ્ધ જણાય છે. સસલાંની બખોલમાં જે ઝાંકે છે એ કર્તા સ્પષ્ટ થતો નથી. એ જ રીતે અહીંથી આગળ જતાં સંયોજકો કાવ્યને ભલે સળંગ વાક્યમાં બાંધી રાખતા કેમ ન હોય, વાક્યને અટપટું અને ક્લિષ્ટ પણ બનાવે છે. જો કે પવનની કવિતા છે અને મજાની છે એટલે થોડી ભાષાકીય અનિયમિતતાને નજરઅંદાજ કરવામાં કશું ખોટુંય નથી. અસ્પષ્ટતા ઘણીવાર કવિતાના સૌંદર્યને અવરોધવાના બદલે વધુ ઉજાગર કરતી હોય છે. અહીં પણ પવનના તોફાન સાથે આ અનિયમિતતાનો તાલમેળ બેસતો નજરે ચડે છે. પવનના જોરથી દરવાજાંઓ ફટાક્ કરતાંકને ઊઘડી જાય છે અને પવનનું ઝાપટું વહી જતાં જ આપોઆપ એજ જોરથી ફરી બિડાઈ પણ જાય છે. ખેતરોમાં ઊગેલો પાક કે મેદાનોમાં ઊગેલું ઘાસ એવી રીતે લહેરાઈ રહ્યાં છે જાણે ખેતરો સાક્ષાત્ લીલો દરિયો બની ગયાં ન હોય અને રખડતાં ઢોર આ હરિતસાગરમાં જહાજ બનીને તરવા માંડે છે. તડકામાં ચમકી રહેલાં સૂકાં-કડક તણખલાંઓ હવાના કારણે ઊંચે ઊઠ્યાં છે અને હવા જાણે મકાનમાંની છાજલી ન હોય એમ એના પર આડાં પડ્યાં હોવાનું મજાનું કલ્પન કવિને સૂઝે છે. આદિલ મન્સૂરી સ-રસ વાત કરી ગયા:

ડોલી ઊઠે છે મસ્તીમાં આવી તમામ બાગ,
સાકી બનીને જ્યારે સુરા પાય છે પવન.

તળાવના પાણીમાં પણ વંટોળિયાના પ્રભાવે મોજાં ઊઠી રહ્યાં છે, જે જોઈને એમ લાગે છે કે તળાવ પોતાની જાતનો ત્યાગ કરીને બહાર આવવા કૂદી રહ્યું છે. પોતાની જાતની કેદમાંથી મુક્ત થવું એ કદાચ સૌથી કપરી વસ્તુ છે પણ પ્રકૃતિ આ વરદાનથી સહુને નવાજે છે. પવનના સહારે તળાવ જેવા તળાવને સ્વમાંથી બહાર આવવાની તક મળે છે. કેનોપનિષદમાં વાયુદેવ યક્ષને કહે છે: ‘इदं सर्वम् अपि आददीय यत् इदं पृथिव्याम् इति॥’ (આ બધાને, આ પૃથ્વી પર જે કંઈ છે, એને હું મારામાં લઈ લેવા (ઉપાડી લેવા) સમર્થ છું). સાચી વાત છે, પવનની પાંખ મળે તો બીજી પાંખોની શી જરૂર? તણખલાંની જેમ પીંછાં પણ હવાના જોરથી ઊંચે ઊઠે છે અને ઊડે છે. એવું લાગે છે કે દરેક પીંછું એક પંખીમાં પલટાઈ ગયું છે. ‘ગો નાઉ, માય સૉન્ગ’ નામના નાનકડા ગીતમાં યંગ પોતાના ગીતને નાનકડા પંખીની ઉપમા આપીને એને પાંખ મજબૂત બનાવવા, ઊડવા, ઝપટવા, ડૂબકી મારવા આહ્વાન આપે છે. પાંખ ચીરી નાંખે એવા કાંટાની ફિકર ને લોકોની ઠંડીગાર નજરોથી ડર ન રાખી હિંમત ન હારવાનો સંદેશો આપે છે. પણ અહીં તો પીંછાં જ પંખી બની ગયાં છે.

દોરી પર સૂકવેલ ચાદરો પણ પવનમાં ફડફડે છે. પવન એના હજારો હાથથી આ ચાદરોને જાણે નિચોવી રહ્યો છે. ખેતરમાં ઊભેલા ચાડિયાના શરીર પર સૂર્યના તાપમાં તપી-તપીને લીલો પડી ગયેલો ડગલો છે, જેણે આવા કેટકેટલા પવનો સામે કામ આપ્યું હશે, એ પણ આ વાવંટોળમાં ઊતરુંઊતરું થઈ રહ્યો છે અને પવનમાં ડોલતો ચાડિયો જાણે કે એને ફરી પહેરવા મથી રહ્યો ન હોય એવું અદભૂત કલ્પન કરીને કવિ એકમાત્ર પૂર્ણવિરામ વાપરીને કવિતાને અંજામ આપે છે. આનાથી સાવ વિપરિત સૂર્યની સામે ટકી જ ન શકે એવો એક ડગલો યંગની ‘રેવનન્ટ’માં જોવા મળે છે, જેમાં નાયક જંગલમાં એકલો જ છે અને પચાસેક વર્ષમાં પરત ફરે છે -તેય એકલો જ, ભૂત બનીને જે જંગલ ખૂંદે છે અને જે સૂર્ય સામે ટકી નહીં શકે એવો હિમાચ્છાદિત ડગલો પહેરે છે.

કવિતા અઘરી જ હોય, એને સમજવામાં મહેનત કરવી જ પડે એવું બિલકુલ જરૂરી નથી. મૂલતઃ કવિતા અનુભૂતિનો પદાર્થ છે. યંગની આ કવિતા નિતાંત પ્રકૃતિચિત્ર છે. જયન્ત પાઠકની ‘અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી’ કવિતામાં જે કામ ઈશ્વર કરે છે, એ કામ અહીં પવન કરે છે. એ સૃષ્ટિની નિષ્પ્રાણ રગોમાં પ્રાણ પૂરે છે. કવિતાની દરેક પંક્તિમાં ગતિ છે. દરેક પંક્તિમાં નિર્જીવતા સજીવતામાં પલોટાતી નજરે ચડે છે. એક જ જગ્યાએ કવિ ઢોરનો ઉલ્લેખ સાથે સજીવ કલ્પન કરે છે પણ અહીં એ સજીવને નિર્જીવમાં, ઢોરને જહાજમાં પલટી નાંખે છે પણ ગતિ તો ક્યાંય અટકતી જોવા મળતી નથી. પંક્તિએ પંક્તિએ રજૂ થયે રાખતા નવીન કલ્પનો અને અવારનવાર આવ્યે રાખતા ‘અને’, ‘અથવા’ અને ‘તે-તેઓ’ જેવા સંયોજકો પવનની ગતિને લગરિક મંદ પડવા દેતા નથી. પવનના ઝડપી સુસવાટાની જેમ જ કવિતાના શબ્દો સુસવાટભેર ભાવકની ભીતર પ્રચંડ ગતિ અને શક્તિથી વાય છે અને આપણી અંદર જે કંઈ નિર્જીવ બચી ગયું છે એ તમામને સજીવન કરી દે છે. આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે…

ગ્લૉબલ કવિતા : ૧૦૮ : ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

ગ્લૉબલ કવિતાના મેન્યુમાં હવેથી લોકલ કવિતા પણ ઉમેરાય છે… એકાંતરે અઠવાડિયે ગુજરાતી કાવ્યાસ્વાદ રજૂ કરીશ… આપને આ ફેરફાર કેવો લાગ્યો એ જરૂર કહેજો…

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !

– બળવંતરાય ક. ઠાકોર

કવિતા ક્યાંથી આવે છે? શી રીતે આવે છે? જાણો છો?

            શરીર પર જે સ્થાન ચામડીનું છે, એ જ સ્થાન મનુષ્ય માટે કળાનું છે. મનુષ્ય જ્યારે બોલતા પણ નહોતો શીખ્યો ત્યારે પણ એને કળામાં રસ પડતો. લાખો વર્ષ જૂની ગુફાઓમાંથી મળી આવેલાં ભીંતચિત્રો આ વાતની સાહેદી પૂરાવે છે. દુનિયાભરની અલગ-અલગ સંસ્કૃતિઓમાંથી જે પણ જૂનામાં જૂની હસ્તપ્રતો મળી આવી છે, એમાં કવિતા મોખરાનું સ્થાન ધરાવે છે. કવિતામાં મનુષ્યને રસ પડે જ છે પણ કવિતાની સર્જનપ્રક્રિયામાં તો સવિશેષ રસ પડે છે. કાવ્ય ગોચર છે પણ કાવ્યસર્જન અગોચર છે, ને કદાચ એટલે જ પરાપૂર્વથી સૃજનપ્રક્રિયાનો તાગ મેળવવાની કળાકારોની નેમ રહેતી આવી છે. અંદર કોઈક છે, જે મનોજ ખંડેરિયાની ભાષામાં સર્જકને મજબૂર કરે છે કાગળ પર પોતાને અવતારવા માટે:

             મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’,

            મને કોઈ મનમાંથી આપે છે જાસો.  

            કવિની ભીતર આ કઈ ગંગા ફૂટે છે, જેને સમયસર જટામાં ઝીલી ન લેવાય તો સૃષ્ટિનું ધનોતપનોત નીકળી જાય એની કવિઓને પહેલી કવિતા લખાઈ એ દિવસથી તલાશ છે. પ્રસ્તુત રચનામાં બ.ક.ઠા. સર્જનપ્રક્રિયાનું આવું જ એક પાનું ઉકેલવાની કોશિશ કરે છે.

            પ્રોફેસર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ૨૩-૧૦-૧૮૬૯ના રોજ ભરૂચ ખાતે જન્મ. ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને મેટ્રિક મુંબઈથી. જેમ શાળા, એમ કોલેજમાં પણ વારાફરતી ભાવનગર, મુંબઈ અને પૂણેને લાભ આપ્યો. ૧૮૯૩માં એમ.એ. કર્યા વિના જ પૂણેની કોલેજ છોડી દીધી. વારાફરતી કરાંચી, વડોદરા, અજમેર, અને અંતે પૂણેની કોલેજોમાં આધ્યાપક તરીકે સેવા બજાવી. ૧૯૨૪માં નિવૃત્ત થયાના ત્રણ વર્ષ બાદ પૂણે છોડી દસ વર્ષ વડોદરા અને ત્યારબાદ અંત સુધી મુંબઈ રહ્યા. રાજકોટના રાજકુમારના અંગત સહાયક બન્યા. અજમેર નગરપાલિકાના ચેરમેન થયા. શાળા, કોલેજ અને વ્યાવસાયિક પરિભ્રમણ જોઈને ખ્યાલ આવે છે કે ફરે તે ચરે કહેવતનો એમનાથી ઉચિત પ્રયોગ ભાગ્યે જ કોઈકે કર્યો હશે. ૦૨-૦૧-૧૯૫૨ના રોજ નિધન.    

            ઉત્તમ કવિ અને સર્વકાલીન શ્રેષ્ઠ વિવેચક. એ સિવાય નાટ્યકાર, નવલિકાકાર અને અનુવાદક પણ ખરા. ખાસ્સા પ્રયોગખોર. વિશ્વસાહિત્યના ઊંડા અભ્યાસુ પ્રો. ઠાકોર ગુજરાતી સૉનેટના પિતા ગણાય છે. એ આપણે ત્યાં પહેલવારકુ સૉનેટ લાવ્યા પણ અને સ્થિર પણ કર્યું. અંગ્રેજી બ્લેન્ક વર્સ (પ્રાસહીન પદ્ય)ની નજીક જવા માટે ભાગ્યે જ પ્રયોજાતા અગેય પૃથ્વી છંદનો એમણે એ હદે નવોન્મેષ કર્યો કે અનુગામી પેઢીઓનો એ પ્રિય છંદ બની રહ્યો. ગુજરાતી પિંગળને એના નિર્ણાયક તબક્કામાં જે રીતના પ્રભાવી નેતાની આવશ્યકતા હતી, એ ઠાકોરના રૂપમાં સાંપડ્યા. પ્રવાહી પદ્યના એ પ્રબળ હિમાયતી હતા. પ્રવર્તમાન વૃત્તો સાથે એમણે કરેલ સભાન પ્રયોગો ગુજરાતી કવિતાનું બહુમૂલ્યવાન ઘરેણું છે. પંડિતયુગના સાક્ષર કવિ હોવા છતાં એમણે કવિતામાં રસોર્મિ, વિચાર-બુદ્ધિ, અર્થસઘનતા, વિષયબાહુલ્ય વિ.ને પ્રાધાન્ય આપ્યું હતું. વેવલાવેડામાં રમમાણ, પોચટ, આંસુ સારતી, વધુ પડતી શબ્દાળુ ગુજરાતી કવિતાના તેઓ વિરોધી હતા. બ.ક.ઠા.ની કાવ્યરીતિએ અનુગામી પેઢીઓને દીર્ઘકાળ સુધી પ્રભાવિત કરી છે.  

             ભણકારા’ સૉનેટ વિશે વાત કરતાં પહેલાં સૉનેટનો ઇતિહાસ જોઈ લઈએ. નદી એના ઉદગમસ્થાનેથી નીકળે છે ત્યારે નાનકડી ધાર સમી હોય છે, પણ પ્રવાહ જેમ જેમ આગળ વધે તેમ તેમ એમાં અનેક નાળાં-વેકળાંઓ ઉમેરાતાં જાય છે અને પ્રવાહ વિશાળ થતો જાય છે. નદી માર્ગમાં ક્યાંક ઝરણાં જેવી તોફાની, તો ક્યાંક ધોધ જેવી વિકરાળ અને વળી ધીર-ગંભીર થયેલી પણ જોવા મળે છે. અલગ-અલગ પૃષ્ઠભૂ સાથે સમરસ થઈ આગળ વધતી નદી માર્ગમાં સેંકડો વળાંક લઈ આખરે સાગરમાં ભળી જઈ સાગર બની જાય છે. કવિતા વહેતી નદી જેવી છે… કવિતા કવિના ઉરઝરણથી ફૂટીને ભાવકના ઉરસાગરમાં ભળી જાય છે. કાળના પટ પર વહેતી કવિતાના માર્ગમાં હજાર ચડાવ-ઉતાર આવે છે, એમાં સતત કંઈને કંઈ નવું ભળતું રહે છે, એ સતત જૂનું કાંઠે છોડીને આગળ વધે છે અને સમયે સમયે એના રૂપરંગ પણ સતત બદલાયે રાખે છે. મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, નાટ્યકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, અછાંદસ –એમ કાવ્યના પ્રકારો સમયસમયાંતરે નદીના રૂપની જેમ બદલાતા આવ્યા છે.

            સૉનેટ આવો જ એક કાવ્યપ્રકાર છે. ૧૩મી સદીમાં ઇટલીમાં સિસિલિઅન કવિઓ જેમ કે જિઆકોમો ડ લેન્ટિની જેવાના હાથે સૉનેટનો જન્મ થયો, પેટ્રાર્કના હાથે એ શુદ્ધિકરણ પામ્યું અને ૧૬મી સદીમાં સર થોમસ વાયટ તથા હેન્રી હૉવર્ડ, અર્લ ઑફ સરેનો હાથ ઝાલીને એ અંગ્રેજીમાં આવ્યું. શેક્સપિઅર, મિલ્ટનના હાથે એનો નવોન્મેષ થયો અને પ્રસિદ્ધિના ચરમશિખરે એ પહોંચ્યું. ૧૯મી સદીના અંતભાગમાં સૉનેટ ગુજરાતમાં આવ્યું. જમશેદજી નસેરવાનજી પેટિટ નામના પારસી કવિના સંગ્રહ ‘મારી મજેહ અને બીજી કવિતાઓ’માં ચૌદ પંક્તિની રચનાઓ જોવા મળે છે પણ એમાં સૉનેટના મૂળભૂત સૌંદર્યનો અભાવ છે. એમના પછી ૧૮૮૮માં બ. ક. ઠાકોરે ‘ભણકારા’ સૉનેટ આપ્યું, જેને ગુજરાતી ભાષાના સર્વપ્રથમ સૉનેટનું બહુમાન મળ્યું છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે. વીસમી સદીમાં સૉનેટે ગુજરાતમાં એવી લોકચાહના મેળવી કે સૉનેટ લખ્યું ન હોય એને કવિ હોવાનો દરજ્જો મળવો મુશ્કેલ હતો પણ ભાષાની ક્લિષ્ટતા અને અન્ય કેટલાક કારણોસર એ ગીત-ગઝલ-અછાંદસના આક્રમણને ખાળવામાં વિફળ રહ્યું અને વીસમી સદીના અંતભાગથી લઈને આજદિન સુધીમાં સૉનેટની લોકપ્રિયતા સતત ઓસરતી આવી છે.

             ભણકારા’ સૉનેટ અષ્ટક અને ષટક મુજબ ખંડ-વહેંચણીના કારણે પેટ્રાર્કશાઈ સૉનેટ હોવાનો ભાસ કરાવે છે. (શેક્સપિરિઅન સૉનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું હોય છે.) પણ પેટ્રાર્કશાઈ સૉનેટથી વિપરિત ઠાકોરે અ-અ બ-બ ક-ક ડ-ડ પ્રકારે પ્રાસરચના કરી હોવાથી ગઝલના મત્લાઓમાંથી પસાર થતા હોવાના ભણકારા સંભળાય છે. આ નવીન પ્રાસરચનાના કારણે રચના વધુ પ્રવાહી પણ બની છે. કવિતાની મંદ ગતિને અનુરૂપ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે. એ જમાનામાં છંદનું માપ જાળવવા માટે લિપિમાં હૃસ્વ-દીર્ઘની જે છૂટો લેવાનો રિવાજ હતો એ અહીં પણ નજરે ચડે છે. મોટા ભાગની પંક્તિઓમાં પંક્તિ અને વાક્ય કે વાક્યાંશ હાથમાં હાથ મિલાવી ચાલે છે. પંક્તિ પૂરી થાય ત્યાં વાક્ય પણ પૂરું થાય છે. માત્ર પાંચમી, સાતમી અને તેરમી પંક્તિમાં અપૂર્ણાન્વયનો હાથ ઝાલીને વાક્ય એકમાંથી બીજી પંક્તિમાં રેલાય છે. આત્મકથનાત્મક શૈલીના આ સૉનેટમાં અષ્ટક પછી તરત ભાવપલટો (વોલ્ટા) આવે છે અને કાવ્યાંતે ધારી ચોટ પણ.    

            રાત્રિના છેલ્લા પહોરનો સમય છે. થોડી વારમાં જ રાતનું સ્થાન ઉષા લેશે. ભડભાંખળું થવામાં જ છે. આવા સમયે શાંત વહેતી નર્મદા નદીમાં એક નાની અમથી નાવમાં કવિ આડા પડ્યા-પડ્યા પ્રકૃતિપાન કરી રહ્યા છે. નર્મદા જેવી નદીમાં આવા સમયે નાનકડી નાવમાં કોઈ પાગલ જ એકલો નૌકાયાને નીકળે! કવિ જો કે શાણપણ અને ગાંડપણની વચ્ચેની પાતળી ક્ષિતિજ પર વસવાટ કરતું પ્રાણી છે. કવિ જ શા માટે, કળાકારમાત્રને આ વાત લાગુ પડે છે. દુનિયાથી અલગ ચાલવા માટે ગાંડપણ અનિવાર્ય છે. અને ભણકારાના નાયક પાસે એ પૂરતી માત્રામાં હોવું જોઈએ એમ માની શકાય છે. જ્યાં નાવ છે ત્યાં નર્મદાનો પટ ખાસ્સો વિશાળ હોવો ઘટે કેમકે એક તરફ કિનારા પરનું ધુમ્મસ આઘે ઊભું છે અને નદીના શાંત પાણી પણ સુપ્ત છે. દૂર કિનારે ધુમ્મસમાં અદૃશ્ય હોઈ માંડ નજરે ચડતાં વૃક્ષો ઊંઘી રહ્યાં હોવાની મજાની કલ્પના સાથે સૉનેટનો પ્રારંભ થાય છે. અને નર્મદા જાણે કોઈ સુંદરી સૂતી હોય એમ શાંત છે. ઊંઘમાં કોઈ મીઠું સ્વપ્ન આવે અને હોઠ ધીમું-ધીમું મલકે એમ શાંત સૂતી નર્મદાસુંદરી પણ સોહી રહી છે. છાતી ધડકે અને શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે સ્તનયુગ્મ જેમ ઊંચાનીચા થાય એમ નદીના નિદ્રાવશ નીર હળુહળુ ઊંચાંનીચાં થાય છે. સ્તન પરનો તલ જે રીતે સ્તનની સાથે આપોઆપ પડે-ઊપડે એ જ રીતે નાયકની નાવ પાણીમાં આપોઆપ ધીમીધીમી હાલકડોલક થાય છે. (મેળે એટલે આપોઆપ) અહીં કવિતાનું પ્રથમ વાક્ય પૂરું થાય છે અને કવિનો કેમેરા દૂરની સૃષ્ટિ પરનું ઝૂમ સંકોરીને પોતાના પર ક્લૉઝ-અપ સુધી આવ્યો હતો એ હવે વાઇડ-એંગલ લેન્સ વડે ચાંદની અને વાયુ જેવા પ્રકૃતિતત્ત્વો પર ફોકસ કરે છે.  

            માણસને ઊંઘવા માટે અંધારું જોઈએ છે. આંખ પર પ્રકાશનો ધોધ વરસતો હોય તેવામાં ઊંઘવું દોહ્યલું છે. કવિ પ્રભાત પૂર્વેના ચાંદનીજડિત અંધકારમાં કિનારે ધુમ્મસમાં સૂતાં વૃક્ષો અને શાંત સરિતાજળની પેઠે સૃષ્ટિ સમગ્ર હજી નિદ્રાધીન હોવાનું કલ્પે છે. નિજના માથે ઊગેલી શુદ્ધ ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ ચોંકીને સફાળી જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ આ સમયે તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે લપાઈ રહી હોય એમ સુપેરે પ્રગટ થતી નથી. સંધ્યાકાળે સૌંદર્યઘેલો થઈ ભમરો કમળના ફૂલમાં રસપાન કરવા ભરાય છે ત્યારે એને ભાન નથી હોતું કે રાત ચડતાં જ કમળ બીડાઈ જશે અને એ રાતભર માટે કેદ થઈ જશે. રાતભર કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો, રાતભરની કેદની તથા ઊંઘની અસરના કારણે જે રીતે નાજુક પગલે ડોલે, સૂએ એમ આ પવન પણ ધીમો-ધીમો વાઈ રહ્યો છે. ટૂંકમાં, આ એવો સમય છે, જ્યાં જડચેતન સઘળું જાણે હજી ઘેનમાં છે.

            ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદોના લવારા કરે છે. આ છંદ-આ કવિતા સાવ નવી છે અને અધૂરી પણ છે પણ એ કોઈપણ જાતના પ્રયત્ન વિના સ્વયંસ્ફુરિત છે એટલે એ અગત્યની છે. નાયકને પ્રશ્ન પણ થાય છે કે શું એ કવિતાના લવારા કરી રહ્યો છે કે પછી નદીના ડોલતા પાણીની ગતિ ઉપર મંદ-મંદ રણકતી વીણાના તાર સજાવી રહ્યો છે. નિતાંત પ્રકૃતિના અસીમ ખોળામાં અર્ધનિદ્રા-અર્ધજાગૃતિના સમાધિસુખનો આનંદ લેતી વખતે આ ભણકારા શેના થાય છે? પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યાં છે. આ ટીપાંઓનું ઉદગમસ્થાન કયું? આ ઝાકળબુંદો જાણે રાતના હૈયામાંથી, નર્મદાના વ્હેણમાંથી, આકાશગંગામાંથી સરી રહેલ ચાંદી જેવી ચાંદનીની રજમાંથી કે પછી ફીણમાંથી બનેલ વાદળીમાંથી બન્યાં છે. પ્રકૃતિના હૈયામાંથી રાત ટપકી રહી હોય, નર્મદાના વ્હેણમાંથી કોઈક અગમ વાણી ફૂટી રહી હોય, આકાશગંગામાંથી ચાંદની નહીં, ચાંદીના કણ વરસી રહ્યાં હોય અને ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે કવિના સુકોમળ પુષ્પ જેવા હૃદયની પાંદડીઓ પર બરફમાંથી બનેલ મોતી ન હોય એવાં પરિશુદ્ધ કાવ્યઝાકળબુંદ ઝમી રહ્યાં છે. કવિના અંતરમાં છાનીછપની ન જાણે શી-શી તરેહની છાની ભીની બાની નીતરી રહી છે, નીંગળી રહી છે…  ‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો ૧૮૯૦ પછીથી એમણે ત્યાગ કર્યો હતો.

            રૉબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું, ‘કવિતા ત્યારે થાય છે જ્યારે લાગણીને એનો વિચાર મળી જાય અને વિચારને એના શબ્દો.’ પ્રકૃતિમાં ઊઠી રહેલા ભણકારાઓને કવિ સાંભળે છે અને એની લાગણીઓને વાચા મળે છે. ઝોન કોક્ટો (Jean Cocteau) પણ યાદ આવે: ‘કવિ શોધ નથી કરતો. એ સાંભળે છે.’ ભણકારા એટલે ભ્રાંતિજનક અવાજ. ભણકાર એટલે અવાજ નહીં, અવાજનો આભાસ. અહીં પ્રકૃતિ બિલકુલ નીરવ છે. નદી, વૃક્ષો, વાયુ, ચાંદની, નાવ, નાવમાં સૂતેલો નાયક –બધું જ શાંત છે. ક્યાંય કોઈ અવાજ નથી. પ્રક્તિની આ શાંતતાના ભણકારા કવિહૃદય ઝીલે છે. કુદરતની અવર્ણનીય રમણીયતાના ભણકારા કવિઉરમાં કાવ્યપિંડ બાંધવામાં કેવા સહાયક થાય છે એ કવિએ અજરામર સૉનેટની સહાયથી તાદૃશ કરી આપ્યું છે. સર્જનપ્રક્રિયા શું હોઈ શકે એ વિશેની આ અભૂતપૂર્વ રચના ગુજરાતી વાણીરાણીનું અમૂલ્ય છોગું છે.

ગ્લૉબલ કવિતા: ૧૦૭ : જેલીફિશ – મેરિઆન મૂર

A Jelly-fish

Visible, invisible,
…a fluctuating charm
an amber-tinctured amethyst
…inhabits it, your arm
approaches and it opens
…and it closes; you had meant
to catch it and it quivers;
…you abandon your intent.

– Marianne Moore

જેલીફિશ

દૃશ્ય, અદૃશ્ય,
એક વધઘટ થતું કામણ,
એક અંબર-છાંટ્યો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે અને એ ખૂલે છે

અને એ બીડાય છે; તમે ધાર્યું હતું
એને પકડવાનું અને એ કાંપી ઊઠે છે;
તમે પડતો મૂકો છો તમારો ઈરાદો.


– મેરિઆન મૂર

(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા કેવી હોય? તો કે, જેલીફિશ જેવી…. ખરું?

                 તમે કોઈ દિવસ ડુંગળી છોલવા બેઠા છો? એક પડ દૂર કરો ને અંદરથી બીજું નીકળે. બીજું હટાવો કે ત્રીજું પડ પ્રગટ થાય. ત્રીજાથી છૂટકારો મેળવ્યો નથી કે ચોથું દૃષ્ટિગોચર થાય. ચોથાની નીચે પાંચમું, છઠ્ઠું ને એમ એક પછી એક પડ કાઢતા જાવ તો અંતે શું આવે હાથમાં? શૂન્ય?! આ આખી પ્રક્રિયા દરમિયાન આંખમાંથી આંસુની આડપેદાશ હાથ લાગે એ નફામાં. પણ ડુંગળી, અને ડુંગળી છોલવાની આ ક્રિયાને કવિતા સાથે સરખાવી શકાય ખરું? માત્ર કવિતા સાથે જ શા માટે, માનવમન સાથે કે માનવસંબંધો સાથે પણ સરખાવી શકાય ને? એક પડ ઉખેડો કે બીજું.… બીજું કાઢો કે ત્રીજું… એક અર્થ કાઢો કે તરત બીજો અર્થ જડી આવે. બીજો અર્થ વિચારો ત્યાં તો ત્રીજો જ કોઈ અર્થ જડી આવે. વિચારી વિચારીને મગજનું દહીં કરી નાંખો (ડુંગળીના બધા જ પડ ઉતરડી નાંખો) ત્યારે જે શૂન્યાવકાશ બચી જાય એ? સાચે જ, એકાધિક અર્થ એ કવિતાનું સાચું સૌંદર્ય છે. એક જ કવિતા અલગ અલગ ભાવક માટે અલગ અલગ અર્થ ધરાવે છે તો એક જ કવિતા એક જ ભાવક માટે પણ અલગ અલગ મનોસ્થિતિમાં અલગ અલગ અર્થ ધરાવી શકે છે. કવિતા હોય કે પછી કોઈ પણ કળા- એની ખરી કમાલ જ આ છે. આ બહુપડળત્વ જ ખરી કવિતા છે. અને બધા જ પડ એક પછી એક ઉતરડી નાંખીએ એ પછી હાથમાં અંતે જે શૂન્ય આવે છે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ છે. પડ પછી પડ ઉખેડવાની આ પ્રક્રિયા કવિતાનું સાર્થક્ય છે અને શૂન્યનો સાક્ષાત્કાર એનો અર્થ. કવિતા વિશે કહેવાયું છે કે, A poem should not mean but be. અર્થાત્ કવિતાનું હોવું એ જ એનું સાફલ્ય છે, ન કે એનો મતલબ. ડુંગળીના નહીં, જેલીફિશના સંદર્ભમાં મેરિઆન મૂરની આ કવિતા કવિતાની આવી વિભાવના સમજવામાં મદદરૂપ થાય છે.

                 મેરિઆન ક્રેગ મૂર. જન્મ ૧૫-૧૧-૧૮૮૭ના રોજ અમેરિકાના મિઝોરી ખાતે. પિતા જોન મિલ્ટન મૂર ઇજનેર અને સંશોધક હતા પણ માનસિક સમસ્યાનો શિકાર બનતા મા-બાપ મેરિઆનના જન્મ પહેલાં જ અલગ થઈ ગયા. મેરિઆનના નસીબમાં પિતાને કદી પણ જોવા-મળવાનું લખાયું નહોતું. બંને ભાઈ બહેન માતાની દેખરેખમાં અને દાદાના પ્રભાવમાં મોટા થયા. ઇચ્છા તો ચિત્રકાર બનવાની હતી પણ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ કોલેજના સામયિક માટે એમણે લખવાનું શરૂ કર્યું અને આમ, અકસ્માતે સાહિત્યકાર બની ગયાં. આખો પરિવાર ખૂબ જ ધાર્મિક. પરસ્પર ધોધમાર પત્રો લખવાની સહુને આદત હતી. ૧૯૧૫માં એમની કવિતાઓ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થવી શરૂ થઈ અને ટૂંક સમયમાં જ એઝરા પાઉન્ડ, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ, એલિયટ, વૉલેસ સ્ટિવન્સ જેવા કવિઓની પ્રસંશા પ્રાપ્ત થઈ. થોડો થોડો સમય ઇન્ડસ્ટ્રિઅલ સ્કૂલમાં વ્યાવસાયિક વિષયો શીખવ્યા, ક્લબમાં, લાઇબ્રેરિઅન તરીકે, સામયિકના સંપાદક તરીકે પણ કામ કર્યું. પુલિત્ઝર જેવા અનેક પારિતોષિકોથી વિભૂષિત થયાં. ત્રિકોણી ટોપી અને કાળો ઝભ્ભો એમની ઓળખ બની રહ્યાં. માતાના અંતિમ શ્વાસ સુધી એની સાથે રહ્યાં. આજીવન કુંવારા રહ્યાં. બોક્સર મહંમદ અલી તથા બેઝબોલના ચાહક. લકવાના નાનામોટા અનેક હુમલા પછી ૦૫-૦૨-૧૯૭૨ના રોજ ૮૪ વર્ષની વયે ન્યૂ યૉર્ક ખાતે દેહાવસાન. અનેક માનદ પદવીઓ તથા અમેરિકન કવિને મળે એ તમામ માનસન્માન એમને પ્રાપ્ત થયાં હતાં. ન્યૂ યૉર્ક ટાઇમ્સે આખું પાનું ભરીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી.   

                 મેરિઆનની ગણના વીસમી સદીના મુખ્ય આધુનિક અમેરિકન કવિઓમાં મોખરાના કવિ તરીકે થાય છે. પ્રચલિત આયમ્બ પદ્ધતિના બદલે તેઓ કવિતામાં જૂની સિલેબિક પદ્ધતિ પ્રયોજતાં. પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને લખાયેલી એમની રચનાઓ હકીકતે તો માનવસ્વભાવ અને વર્તણૂંકને જ ઉભારે છે. પોતાના સમયના સાહિત્યપ્રભાવમાં વિશેષ તણાયા વિના એમણે મૌલિક સર્જન કર્યું. પાઉન્ડ તથા કાર્લોસ સાથેની મિત્રતાના પરિણામે ઇમેજિસ્ટ પોએટ્રીની ઝાંય ક્યાંક જોવા મળે છે ખરી. મુક્ત કાવ્યમાં પણ એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. એલિયટે એમના પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું હતું: ‘છેલ્લા ૧૪ વર્ષોથી મારો દૃઢ વિશ્વાસ યથાવત્ રહ્યો છે કે કુમારી મૂરની કવિતાઓ આપણા સમયમાં લખાયેલ ટાંકભાર ટકાઉ કવિતાઓનો એક ભાગ છે.’

                 મેરિઆનની કવિતા ‘જેલીફિશ’ વિશેની વાત આપણે ડુંગળીના પડ જેમ એક પછી એક ખોલીએ એમ પડ ઊતારતાં જતાં જ કરીએ તો? ચાલો ત્યારે, પહેલું પડ ખોલીએ. કવિતાના આકારની વાત કરીએ. પણ એ કરતાં પહેલાં ૧૯૦૯માં લખાયેલ આ જ કવિતાના મૂળ સંસ્કરણને જોઈએ:

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

દૃશ્ય, અદૃશ્ય,
એક વધઘટ થતું કામણ,
એક અંબર-રંગી નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખૂલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખૂલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

                 મેરિઆનને કવિતાઓમાં સુધારા કરવાની પ્રબળ ટેવ હતી. જેમ એઝરા પાઉન્ડે ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’માં કર્યું હતું એ રીતે ‘પોએટ્રી’ શીર્ષકની કવિતા તો એમણે ૨૯માંથી ૩ પંક્તિની કરી નાંખી હતી. પોતાની સમગ્ર કવિતાના પુરાલેખમાં એમણે લખ્યું હતું: ‘બાદબાકી એ અકસ્માત નથી.’ જેલીફિશ કવિતામાં પણ એમણે કાપાકૂપી કરી. ૧૯૬૭ની સાલમાં ઉપરની પંક્તિઓમાંથી આઠ પંક્તિઓ બનાવીને પાછળની આખી પૂંછડી જ કાપી નાખી. જૂની કવિતામાં છંદ અને પ્રાસ પણ સિફતથી હાથ આવતા નથી, જ્યારે આ આઠ પંક્તિની કવિતામાં મેરિઆને એકાંતરે ટેટ્રામીટર અને ટ્રાઇમીટર પ્રયોજ્યા છે, જે જેલીફિશના વિસ્તરણ અને સંકોચનની ક્રિયાનો ભાસ લય વડે કરાવે છે. પહેલી ચાર પંક્તિઓમાં ૪/૩/૪/૩ પ્રમાણે અને છેલ્લી ચાર પંક્તિઓમાં ૩/૪/૩/૪ મુજબ છંદ પ્રયોજ્યો છે, જે ફરી એકવાર પહેલી ચાર પંક્તિઓમાં સંકોચન અને છેલ્લી ચાર પંક્તિઓમાં વિસ્તરણનો અહેસાસ કરાવે છે. અને બેવડા ક્રમની પંક્તિઓમાં પ્રાસ પણ મળે છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે અથવા જેલીફિશના આકારની મદદ લઈને કવિતાની જ મૂળભૂત પ્રકૃતિ તાદૃશ કરી આપી છે.

                 જેલીફિશ તો લગભગ બધાએ જોઈ જ હશે. જિલેટીન જેવી પોચી, પારભાસક કાયા ધરાવતી જેલીફિશ છત્રી કે પેરાશૂટ આકારનું શરીર અને એની સાથે જોડાયેલા દોરી જેવા અનેક તાંતણાઓ (ટેન્ટકલ્સ)ની બનેલ હોય છે. અમુક જેલીફિશમાં આ તાંતણાઓની લંબાઈ સો ફૂટથીય વધુ હોય છે, અર્થાત્ બ્લુ વ્હેલ કરતાંય લાંબા. એમનું માથું એક મિલીમીટર જેટલું નાનું પણ હોઈ છે અને બે મીટર જેટલું મોટું પણ. નામમાં જ ‘ફિશ’ શબ્દ હોવાથી આપણે સહેજે એને એક પ્રકારની માછલી ગણી લઈએ છીએ પણ હકીકતમાં તેઓ અપૃષ્ઠવંશી કે અકશેરુકી પ્રાણી છે. દૂધની અર્ધપારદર્શક કોથળી જેવી જેલીફિશ સતત આકાર બદલતી રહે છે. હૃદયના સંકોચન-વિસ્તરણની જેમ જ એનું મસ્તક અને એના તંતુઓના આકાર-લંબાઈ સતત વધ-ઘટ થતા દેખાય છે. દેખાવે નિર્દોષ અને અત્યંત મનમોહક દેખાતી જેલીફિશ હકીકતમાં તો ઝેરીલી હોય છે. એના તાંતણાઓમાં ડંખકોશિકાઓ હોય છે, જેના વડે તે પોતાના શિકારને બેહોશ કે લકવાગ્રસ્ત કરી દે છે અને આરોગી જાય છે. વજન વધી જાય તો તરી ન શકાય એ કારણોસર એમની પાચનક્રિયા અવિશ્વસનીય રીતે ઝડપી હોય છે. પોતાના રક્ષણ માટે જેલીફિશ ભૂરા રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જેથી એની આસપાસનું પાણી ડહોળું બની જાય અને એને ભયસ્થાનથી દૂર સરકી જવાની તક મળે. મનુષ્યો માટે એમનો ડંખ ખાસ્સો પીડાદાયક અને કોઈક કિસ્સામાં જીવલેણ સુદ્ધાં બની શકે છે. જેલીફિશ કરડી જાય તો અસરગ્રસ્ત ભાગ પર સરકો (વિનેગર) લગાવવો પડે છે અથવા ખારા પાણીમાં જે-તે ભાગ ડૂબાડી રાખવાનો રહે છે. પણ ઘા ઘસવા ગયા કે મીઠા પાણીથી ધોવા ગયા તો મર્યા જ સમજો.    

                 મેરિઆન યુગયુગોથી મનુષ્યજાતિને આકર્ષતી આવનાર જેલીફિશની વાત બહુ ઓછા શબ્દોમાં કરે છે. જેલીફિશની જેમ જ કમનીય દેહયષ્ટિ ધરાવતી આ રચના વાંચતાવેંત આકર્ષી લે છે. વાતની શરૂઆત આપણે ડુંગળીથી કરી. ચાલો, ફરી ડુંગળીનું એક પડ ઉઘાડીએ.. કવિતા વાંચીએ. શું સમજાય છે? પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ કે કવયિત્રી જેલીફિશના કામણગારા અને સતત તરલ-ચંચળ સૌંદર્યનું, એના નિવાસસ્થાનનું, એની પ્રકૃતિનું અને સ્વબચાવ માટેની એની કોશિશનું સરળ ભાષામાં વર્ણન કરે છે. એક્વેરિયમમાં નહીં પણ સમુદ્રજળમાં જેમણે જેલીફિશ જોઈ હશે એમને ખ્યાલ હશે કે ઘણીવાર એ એટલી પારદર્શક હોય છે કે પાણીમાં એની હાજરીની નોંધ લેવી દુષ્કર થઈ પડે. કચ્છમાં માંડવીના દરિયામાં નહાતી વખતે મારા ખોબામાં એકવાર નાનકડી જેલીફિશ અકસ્માત આવી ગઈ હતી ત્યારે મને આ વાતનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો હતો. પ્રકાશ અને પાણીના સંયોજનના કારણે એક ઘડી એ નજરે ચડે છે તો બીજી જ ઘડીએ અદૃશ્ય થઈ ગઈ હોવાનો ભાસ થાય છે. જેલીફિશ જોઈને મંત્રમુગ્ધ ન થયો હોય એવો માનવી જડવો દોહ્યલો છે. એનું એકધારું વધઘટ થતું કામણ વશીકરણ કર્યા વિના રહેતું નથી.

                 જેલીફિશ માટે મૂર ‘અંબર-છાંટ્યો નીલમણિ’ વિશેષણ વાપરે છે. મૂળ કવિતામાં એ ‘રંગ’ શબ્દ વાપરે છે જ્યારે નવા સંસ્કરણમાં એનું ‘છાંટ’ કરી નાંખે છે. રંગ ભેળવી દેવા કરતાં છાંટ ઉમેરવાની પ્રક્રિયા વધુ ‘આર્ટિસ્ટિક’ છે. અંબર યાને નારંગીઝાંયવાળા પીળા રંગને ગુજરાતીમાં શું કહીશું? કદાચ અંબર જ કહેવું પડે. ભાષાની વિશિષ્ટતા ગણો કે વિવશતા, દરેક શબ્દ, વસ્તુ, અનુભૂતિનો સર્વાંગ તરજૂમો શક્ય જ નથી. અહીં તો અંબરને અંબર જ કહેવા માટે એક બીજું પણ કારણ છે. ઘણી જેલીફિશમાં છત્રી જેવી કાયા ભૂરાશ પડતી અને અંદર તરફનું મોઢું પીળાશ પડતું હોય છે પણ મૂરનો ઈરાદો જરા અલગ લાગે છે. ઝાડમાંથી જે રાળ ઝરે એ જામી જાય અને લાખો-કરોડો વર્ષ પછી એ અશ્મિનું સ્વરૂપ ધારણ કરે ત્યારે જે સ્ફટિક જેવો પદાર્થ હાથ આવે છે એનો રંગ અંબર રંગ તરીકે ઓળખાય છે. રંગ જેવા અપરિમાણીય તત્ત્વને મૂર અંબર સાથે સરખાવીને લંબાઈ-પહોળાઈ અને ઊંડાઈની સાથે સમયનું પરિમાણ ઉમેરીને ચતુષ્પરિમાણીય બનાવી દે છે. પૃથ્વીના પટ પર, સૉરી, સમુદ્રમાં જેલીફિશ લાખો કરોડો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ડાયનૉસોરનો જન્મ પણ નહોતો થયો, એ સમયે પણ જેલીફિશનું અસ્તિત્વ હતું. આમ, અંબર શબ્દ પ્રયોજીને મૂર અંબર અને જેલીફિશ-બંનેના અસ્તિત્વના કરોડો વર્ષના સમયગાળાને અડખેપડખે મૂકવામાં સફળ થાય છે. વળી, જ્યારે એ અંબર-છાંટ્યો નીલમણિ કહે છે ત્યારે રાળને ખનિજ સ્ફટિકનો દરજ્જો આપે છે. જેલીફિશનું પાણીપોચું શરીર હકીકતમાં ૯૫% પાણીથી જ બન્યું છે એટલે એની મૃદુતા સામે આ રૂપક તીવ્ર વિરોધાભાસ ઊભો કરે છે. પણ યાદ રાખવાનું છે કે આ કવિતા છે. અને કવિઓ સંવેદનાને ધાર આપવા માટે ઘણીવાર અભિધા અને ભૌતિક વૈજ્ઞાનિક તથ્યોને અતિક્રમી જતા હોય છે એ આપણે ભૂલવાનું નથી. નિરંકુશ છળની આ દુનિયાને ગ્રીકમાં Poeisis  –એ ગતિવિધિ જેમાં પૂર્વાઅસ્તિત્વ ન હોય એ સર્જવામાં આવે- કહી ઓળખાવે છે. 

                 આ અંબર ઝાંયવાળા નીલમણિમાં દૃશ્ય-વધઘટ થતું અદૃશ્ય કામણ રહે છે. માત્ર ત્રણ પંક્તિ અને નવ-દસ શબ્દોમાં જ કવયિત્રી જેલીફિશનું સચિત્ર સર્જન કરી આપે છે. છે ને કમાલ! કવિતામાં બીજા પુરુષ એક/બહુવચનનો સમાવેશ થાય છે: ‘તમારો હાથ.’ આ હાથ વાચકનો, આપણો હાથ છે. આપણો હાથ જેલીફિશની નજીક પહોંચે છે અને એ ખોલબંધ થાય છે. આપણો હાથ એના તરફ એને પકડવાના ઈરાદાથી લંબાયો છે. સમગ્ર માનવજાતની કુલ પ્રકૃતિ કવયિત્રી ‘તમે ધાર્યું હતું એને પકડવાનું’ કહીને ઊઘાડી પાડી દે છે. આપણો સ્વભાવ છે કે જે વસ્તુ ગમી જાય એને હાથમાં લેવી, એનો કબ્જો મેળવવો. સૌંદર્યને આંખોથી જોઈને મનુષ્ય કદી ધરાયો નથી. ચાંદને પણ જોયો તો એના પર પગ મૂકવાનું સપનું જોયું ને આખરે એને પણ હાથમાં લઈને જ જંપ્યો. ગમતી ચીજને ઝબ્બે કર્યા વિના માણસને ચેન પડતું જ નથી. એમાંને એમાં પ્રકૃતિ સમસ્તની ખો નીકળી ગઈ છે. એમાંય આ તો અલગારી કામણગારી જેલીફિશ. એના તો જાદુ જ નોખા. રંગ જ અલગ. સંકોચન-વિસ્તરણની અદા જ નિરાળી. એને પકડવાનું મન ન થાય તો મનુષ્યએ પોતાના મનુષ્ય હોવા અંગે જ શંકા કરવી રહી.

                 સ્વરક્ષણ પ્રાણીમાત્રનો સ્વ-ભાવ છે. મનુષ્યના હાથને પોતાના તરફ લંબાતો જોઈને એ લજામણી મુરઝાઈ જાય એમ એ કાંપી ઊઠે છે. ‘જેજૂરી’માં ખોલબંધ થઈ અચાનક ગાયબ થઈ જતું અરુણ કોલાટકારનું ‘પતંગિયું’ યાદ આવ્યા વિના નહીં રહે. હાથ લંબાવનારને કદાચ સમજાઈ જાય છે કે સૃષ્ટિમાં સુંદર દેખાતી તમામ ચીજ હાથમાં લેવી યોગ્ય નથી. અથવા ડરની મારી કાંપતી જેલીફિશને જોઈને એ પરાજય સ્વીકારી પોતાનો ઈરાદો પડતો મૂકે છે. નવા સંસ્કરણમાં કવિતા અહીં ખતમ થઈ જાય છે. જૂની આવૃત્તિમાં મનુષ્ય સ્વભાવગત ઈરાદો પડતો મૂકી દેવાનો દેખાવ કરી જેલીફિશને જૂઠા વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરે છે અને વળી એને પકડવા જાય છે. પણ જેલીફિશ ભૂરા રંગનું પ્રવાહી પોતાના રક્ષણ માટે છોડે છે, જેથી પાણી ડહોળાઈ જાય છે અને આ ડહોળાશનો લાભ લઈને, પોતાની જાતને હોંશિયાર ગણતા મનુષ્યને સણસણતો તમાચો ચોડીને દૂર સરી જાય છે. મનુષ્ય-સ્વભાવ અને એક પ્રસંગની દૃષ્ટિએ આ નિરૂપણ વધુ યથાર્થ જણાય છે પણ જેલીફિશની કાયા અને જીવનીની સાથે છંદોલય અને પ્રાસયુક્ત કાવ્યસ્વરૂપની કરામતના કારણે વધુ સુસંગત નૂતન આવૃત્તિ કવિતાની દૃષ્ટિએ પણ સર્વાંગ સંપૂર્ણ જણાય છે.

                 શું આ કવિતા ખરેખર જેલીફિશ અંગેની જ છે? ના. હકીકતમાં તો જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી કવિતા અને એ નિસ્બતે તમામ કળાઓની વાત કરે છે. કળામાત્ર કામણગારી હોય છે. કવિતા હોય કે ચિત્ર હોય, સંગીત હોય કે નૃત્ય- કળા મનુષ્યમાત્રને આકર્ષે છે. સમાજ કે સંસ્કૃતિનો વિકાસ સુદ્ધાં થયો નહોતો ત્યારે પણ મનુષ્ય ગુફાઓમાં ચિત્રો દોરતો. કળા ન માત્ર માનવી પર ભૂરકી નાંખે છે, એને હસ્તગત કરી લેવા માટે માનવીને લલચાવે પણ છે. દરેક માનવીને કોઈ ને કોઈ કળામાં પ્રવીણ થવાનું મન થતું હોય છે. જે ઘડીએ કળાકારને એવું લાગ્યું કે કળા હવે એને હસ્તગત થઈ ગઈ છે એ ઘડી એ કળાકારના મૃત્યુની ઘડી છે. એ ઘડીથી આગળ પછી કળાકારનો વિકાસ શક્ય જ નથી. કલા હજી હાથ આવી નથી, હજી હાથ આવી નથી કરીને કળાકાર જ્યાં સુધી એના ભણી હાથ લંબાવતો રહેશે ત્યાં સુધી એનો વિકાસ ચાલુ રહેશે. હકીકત એ છે કે જેલીફિશની જેમ જ કળાઓ, અને ખાસ તો કવિતા જેમ-જેમ એને પામવાની કોશિશ કરીએ એમ-એમ હાથમાંથી છટકી જતી જ અનુભવાય છે. તમે જેમ જેમ આયાસપૂર્વક એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. આ થયું ડુંગળીનું ત્રીજું પડ… જેમ જેમ પડ ઉખેડતા જશો, નવું પડ હાથ આવતું જશે. અને છેલ્લું પડ કાઢી નાંખ્યા બાદ જે અવકાશ બચે છે એ છે ડુંગળી છોલવાના પુરુષાર્થની અનુભૂતિ. એ શૂન્યાવકાશ તો અભરે ભરેલો છે. એ જ છે ખરી કવિતા. કેમ કે કોઈ પણ કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે… અર્થ નહીં, અનુભૂતિ જ સાચી કવિતા છે. કવિતામાંથી પસાર થતી વખતે આપણે જે સમજીએ છીએ એ તો ખરું જ પણ એથીય વધારે જે આપણે અનુભવીએ છીએ એ સંવેદના જ કવિતાનો સાચો અર્થ છે.

                 ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,

                 કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.                    હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતા/કળાને પણ ભૂલી જાવ અને જેલીફિશની જગ્યાએ ‘અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે…’ (બાળશંકર કંથારિયા) જેવા નસીબને મૂકી જુઓ… આપણી જિંદગીનો સંદર્ભ મૂકી જુઓ, માનવ-સંબંધો વિશે વિચારી જુઓ… આ તમામ કામણગારી મેનકાઓના લટકાં આપણી પહોંચ બહાર છે… છેલ્લે જેલીફિશની જગ્યાએ સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને!!! ઉત્તમ કવિ કવિતા કરવામાં કવિતાના આકારનો કેવો ઉત્તમ ઉપયોગ કરે છે એ મેરિઆનની આ કવિતા પરથી સમજી શકાય છે. કાવ્યાકારની મદદથી કવયિત્રી કેવી સિફતથી નાની અમથી કવિતામાં જેલીફિશ અને એની મદદથી મનુષ્યમાત્રના સ્વભાવને સાંગોપાંગ મૂર્ત કરી શક્યાં છે!

ગ્લૉબલ કવિતા : ૧૦૬ : ઇચ્છા – સુદીપ સેન

Desire

Under the soft translucent linen,
the ridges around your nipples

harden at the thought of my tongue.
You — lying inverted like the letter ‘c’ —

arch yourself deliberately
wanting the warm press of my lips,

it’s wet to coat the skin
that is bristling, burning,

breaking into sweats of desire —
sweet juices of imagination.

But in fact, I haven’t even touched
you. At least, not yet.

– Sudeep Sen

ઇચ્છા

મુલાયમ પારભાસી લિનન તળે,

તારી ડીંટડીઓ ફરતેની કરચલીઓ

સખત થાય છે મારી જીભના વિચારથી.

તું- અંગ્રેજી ‘C’ જેવી ઊલટી સૂતેલી-

ઈરાદાપૂર્વક તારી કાયાની કમાન ખેંચે છે

મારા હોઠોના હૂંફાળા દબાણની ખેવનામાં,

તેઓ ભીના છે એ ત્વચાને આવરવા

જે રોમાંચે છે, સળગી રહી છે,

ફૂટી રહી છે ઇચ્છાના પ્રસ્વેદોમાં-

મીઠા રસ કલ્પનાઓના.

પણ હકીકતમાં તો, હું હજી અડ્યોય નથી

તને. કમ સે કમ, હજી સુધી તો નહીં જ.

– સુદીપ સેન

(અનુ.: વિવેક મનહર ટેલર)

ઇચ્છા – માચિસને અડ્યા વિના જ સળગી ઊઠતી દિવાસળી

                     કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,

                     એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

                     માત્ર બે જ પંક્તિમાં ચિનુ મોદી સુખી થવાનો મહામંત્ર આપી ગયા. પણ ઇચ્છાથી કોઈ પર થઈ શક્યું છે ખરું? ઇચ્છાનું ગાજર જ છે જે મનના હરણને જીવનના રણમાં સતત દોડતું રાખે છે. ઇચ્છાની હકીકત તો ‘‘કરી છે પ્રથમ પાળીપોષીને મોટી, પછી ઇચ્છા હવાલાત થઈ છે’’ જેવી છે. અતૃપ્ત ઇચ્છાઓ આપણને જીવનભર કેદમાં રાખે છે. અધૂરી ઇચ્છાઓ માણસને અટકવા દેતી નથી. ચાંદ પર જવાની ઇચ્છા જ થઈ હોત તો અવકાશયાનની શોધ જ ન થઈ હોત. માનવજીવનમાંથી ઇચ્છાઓ બાદ કરે નાંખવામાં આવે તો કદાચ કંઈ જ ન બચે. ઇચ્છાઓ અપેક્ષામાંથી જન્મે છે કે અપેક્ષાઓ ઇચ્છાઓમાંથી એ નક્કી કરવું મુશ્કેલ છે અને કદાચ બિનજરૂરી કે નિરર્થક પણ છે પણ ઇચ્છાઓ અને અપેક્ષાઓ આપણા જીવનનું પ્રમુખ ચાલકબળ છે એ વાત નકારી શકાય એમ નથી. પ્રેમ પણ ગમે એટલો સાચો કેમ ન હોય, ઇચ્છાઓ કે અપેક્ષાઓથી પર રહી શકતો નથી. પ્રેમમાં ઇચ્છાઓ ક્યારેક તો ખુદ પ્રેમની તીવ્રતાને પણ વળોટી જાય એવી બળવત્તર બની રહેતી હોય છે. ભારતીય અંગ્રેજી કવિ સુદીપ સેન પ્રસ્તુત રચનામાં શારીરિક પ્રેમના સંદર્ભમાં ઇચ્છા સાક્ષાત્ શરીરથીય વધુ પ્રાધાન્ય કેવી રીતે મેળવે છે એની વાત કરે છે.             

                     સુદીપ સેન. ૧૯૬૪માં જન્મ. દિલ્હીમાં ભણ્યા, અંગ્રેજીમાં સ્નાતક થયા. એ પછી અમેરિકામાં કૉલમ્બિયા યુનિવર્સિટી, હૉલિન્સ યુનિવર્સિટી તથા ડેવિડસન કૉલેજમાંથી અંગ્રેજીમાં, સર્જનાત્મક સાહિત્યમાં તથા પત્રકારિત્વમાં અનુસ્નાતકની પદવીઓ મેળવી. કવિ. અનુવાદક. સંપાદક. નાટ્યકાર. ફોટોગ્રાફર. ગ્રાફિક આર્ટિસ્ટ. લઘુ ફિલ્મો તથા ડૉક્યુમેન્ટરીઝ પણ બનાવે છે. ભારતીય અંગ્રેજી યુવા કવિઓમાં મોખરાનું સ્થાન. ડઝનથી વધુ કાવ્યસંગ્રહ. બે ડઝનથી વધુ ભાષાઓમાં એમની રચનાઓ અનુવાદિત થઈ છે. ઘણા પારિતોષિકોથી વિભૂષિત થયા છે. ૨૦૧૩માં નોબેલ લૉરેટ સપ્તાહમાં ભાગ લેવા માટે આમંત્રણ પામનાર તેઓ પ્રથમ એશિયન હતા. ‘ફ્લાઇંગ હોમ’ ફિલ્મ તથા કેટલાક નાટકોમાં પણ એમની કવિતાઓ સ્થાન પામી છે.

                     જ્યારે #MeToo આંદોલન પ્રચલિત નહોતું થયું ત્યારે ૨૦૧૬માં સુદીપ સેન પર યૌન ઉત્પીડનનો આરોપ મૂકાયો હતો. એક કવયિત્રીએ જાતીય સતામણીનો આરોપ મૂકતા કહ્યું હતું કે સેને એમને સંબંધ બાંધવા માટે ઓફર કરી હતી, જે કવયિત્રીએ નકારી હતી. એ જ સાંજે એક પાર્ટીમાં સેને એમને જકડીને આલિંગન આપ્યું હતું અને સેને પરવાનગી વગર ફોટોગ્રાફ પણ ફેસબુક પર અપલોડ કર્યો હતો. ફેસબુક પર કવયિત્રીને બહોળું સમર્થન મળ્યું. સુદીપ સેને સ્વાભાવિકપણે આ આક્ષેપો નકાર્યા હતા. ખરું-ખોટું તો રામ જાણે પણ તાજેતરમાં સાહિત્ય અકાદમીએ ‘મૉડર્ન ઇંગ્લિશ પોએટ્રી બાય યંગર ઇન્ડિયન્સ’ નામનું કાવ્યસંકલન કરવાનું કામ એમને સોંપ્યું હતું ત્યારે માર્ચ, ૨૦૧૮માં બાર જેટલા કવિઓએ જાતીય સતામણીના પેલા આક્ષેપના સમર્થનમાં અને સુદીપ સેનના વિરોધમાં એમના આ સંકલનમાં હિસ્સો બનવા સામે અકાદમીમાં લેખિત વિરોધ નોંધાવી પોતાના નામ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કવિ પર આ પૂર્વે કે પશ્ચાત આવા કોઈ આરોપ મૂકાયા નથી એટલે સત્યાસત્યની પંચાતમાં પડ્યા વિના આપણે એમની કવિતાની વાત કરીએ.    

                     સુદીપ સેનની કવિતા આપણને આકારથી માંડીને અનુભૂતિ સુધી પહોંચાડે છે. તેઓ કહે છે, ‘હું એક ટ્રાન્સનેશનલ લેખક છું, નવી દિલ્હી, લંડન અને ન્યૂ યૉર્ક મારા મહત્ત્વના પડાવ છે. મારું લખાણ ભારતીય, યુરોપિયન અને અમેરિકી પરંપરાઓ -બેઉ ક્લાસિકલ તથા આધુનિક-થી પ્રભાવિત છે. મને ખાસ કરીને છંદશાસ્ત્રમાં, નવા સ્વરૂપો રચવામાં અને અભિનવ સંરચનાઓ સાથે પ્રયોગ કરવામાં રુચિ છે.’ તેમના મતે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ન કર્યો હોત તો તેઓ આર્કિટેક્ટ બન્યા હોત. જે રીતે આર્કિટેક્ટને સ્થાપત્યમાં હોય એ જ રીતે એમને કવિતાના સ્વરૂપમાં સવિશેષ રસ છે. એમના મતે કવિતા માત્ર ભાષાકીય દૃષ્ટિએ જ નહીં, આકારની દૃષ્ટિએ પણ પડકારરૂપ હોવી જોઈએ. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ નામના કાવ્યમાં તેઓએ abxba cdxdc પ્રકારની નવી જ પ્રાસવ્યવસ્થા રચી છે, જેમાં વચ્ચેની પંક્તિનો પ્રાસ દરેક અંતરામાં સમાન રહે છે અને દરેક અંતરાની પહેલી પંક્તિ પાંચમી સાથે અને બીજી પંક્તિ ચોથી સાથે તાલમાં તાલ મિલાવે છે. ન્યૂ યૉર્ક શહેર મેનહટ્ટન, ક્વિન્સ, બ્રુકલિન, બ્રોન્ક્સ અને સ્ટેટન આઇલેન્ડ, એમ પાંચ ભાગમાં વહેંચાયેલું હોવાથી કવિએ દરેક અંતરામાં પાંચ પંક્તિઓ રાખી છે. કવિતાને એની કેન્દ્રિય ધરી પર ૯૦ અંશ ફેરવવામાં આવે તો એનો આકાર મેનહટ્ટન ટાપુને મળતો આવે છે એ વાત પણ સમજાય ત્યારે કવિની ખરી કરામત ધ્યાનમાં આવે છે. આ જ રીતે લીલા સેમ્સન પર લખેલ ‘ભરતનાટ્યમ્ ડાન્સર’ કવિતામાં abacca dbdeed પ્રકારની પ્રાસરચના હકીકતમાં શાસ્ત્રીય નૃત્યના લય-તાલ –તા ધીન તા થાયે થાયે તા- ta dhin ta thaye thaye ta સાથે મેળ ખાય છે. અને કવિતામાં એમણે ડાબી તરફ હાંસિયામાં વધઘટ પણ એને અનુરૂપ જ કરી છે.

                     પ્રસ્તુત રચના ‘ઇચ્છા’ને જો કે કવિના આ પ્રકારના આકાર-આર્કિટેક્ચરનો લાભ મળ્યો નથી. પણ માત્ર બાર જ પંક્તિઓમાં લખાયેલ આ ટચુકડા કાવ્યને કવિએ બબ્બે પંક્તિઓના છ વિભાગમાં વહેંચી કાઢ્યું છે. ગઝલના શેર જેવી રચના કરી હોવા છતાં પ્રાસની પળોજણ અને છંદની માયાજાળથી દૂર રહીને કવિએ મુક્તાકાશમાં વિહરવાનું પસંદ કર્યું છે. બબ્બે પંક્તિઓના આ વિભાગ અપૂર્ણાન્વય (enjambment)ને અનુસરતી સળંગ વાક્યરચનાઓના કારણે અલગ હોવા છતાં એક જ લાગે છે. કવિ કવિતાને સળંગ બાર પંક્તિઓમાં લખી શક્યા હોત પણ દર બે પંક્તિ વચ્ચે કવિએ જે અવકાશ આપ્યો છે, એ આ સળંગસૂત્રી કવિતામાંથી જન્મતા સંવેદનને આત્મસાત કરવા માટે ભાવકને જરૂરી સમય પૂરો પાડતો હોય એમ અનુભવાય છે. કવિએ પોતે જ કહ્યું છે, ‘મારા માટે, લેખન એક શાંત પ્રકારની એવી વસ્તુ હોવી જોઈએ, જ્યાં પાઠક વાંચી શકે છે અને એની અસરને સ્લૉ-રિલીઝ ફેશનમાં અનુભવી શકે છે, ટાઇમ-લેપ્સ ફોટોગ્રાફીની જેમ.’ ખેર, કવિતામાં આકાર કે આયોજન કરતાં ભાવ વધુ મહત્ત્વના છે અને આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ આ કવિતામાં તો એ વાત ખાસ પ્રભાવક બને છે. જોઈએ…

                     શીર્ષક ‘ઇચ્છા’ એક શબ્દમાં માનવજાતની આજ સુધીની તમામ પ્રગતિ સમાવી લે એવી વિશાળ અર્થચ્છાયા ધરાવે છે. ઇચ્છા વિનાનો મનુષ્ય જીવંત લાશથી વધુ કંઈ હોઈ જ ન શકે. દેહત્યાગ પૂર્વે ઇચ્છાત્યાગ ભાગ્યે જ કોઈ કરી શક્યું છે. સંન્યાસી પણ મોક્ષની ઇચ્છાથી પર નથી. શું મહાવીર, શું બુદ્ધ, શું એસુ, શું જરથુષ્ટ્ર- કોઈ ઇચ્છાનો ઉંબરો વટી જઈ શક્યા નથી. કંઈ નહોતું તો અંતે માનવજાતના કલ્યાણની પણ ઇચ્છા તો હતી જ હતી એમના હૈયે.

                     પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?

                     ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે!         

                     ઇચ્છાનું આ પાત્ર જ એવું છે. ભરો, ભરો પણ ભરાશે જ નહીં… ઇચ્છા કહો કે વાસના, આકાંક્ષા, ઉત્કંઠા કહો, યા તલસાટ, અભિલાષા કહો – મનુષ્યજાતની પ્રગતિ માટે એ પગથીય વધુ અનિવાર્ય અવયવ છે એટલું પહેલાં બરાબર સમજી લઈએ તો પ્રસ્તુત રચનામાં એની તીવ્રતા કઈ કક્ષાએ કવિ લઈ જઈ શક્યા છે એ સમજવું વધુ આસાન બની રહે છે.       

                      ‘ઇચ્છા’નો ઉંબરો વળોટી કવિતાના ઘરમાં પગ મૂકતાં જ આપણું સ્વાગત મુલાયમ પારભાસી લિનન કરે છે. તરત જ શયનકક્ષ, ડબલબેડ, લીસી મુલાયમ લિનનની અર્ધપારદર્શક ચાદર અને એની નીચે બહાર આવું-આવું કરતાં છૂપાયેલ કોઈ કમનીય કાયા આપણા મનોમસ્તિષ્ક સમક્ષ આવી ઊભે છે. કવિ પણ આપણી ઇચ્છાને જરાય ખોટી પડવા દેવામાં માનતા નથી. બીજી જ પંક્તિમાં સાફ થઈ જાય છે કે આ પારભાસી લીસ્સી ચાદર તળે અર્ધનિમીલિત, અર્ધસ્ફુટ નિરાવૃત્તા સૂતી છે. જો કે કવિ ઓછામાં ઓછા શબ્દોમાં વાત કરવાની કવિતાની મૂળભૂત લાક્ષણિકતાને વશવર્તી કવિકર્મમાં માનતા હોય એમ ચાદર તળેની સુંદરીનું વર્ણન કરી આગળ વધવાના બદલે, અર્જુનને માત્ર પક્ષીની આંખ જ નજરે ચડે એ કટિબદ્ધતાથી ચાદરની વાત કરીને સુંદરી નહીં, સ્તન નહીં, સીધા સ્તનની ડીંટડીની જ વાત કરે છે. લીસ્સીલસ ચાદર તળે તમામ વસ્ત્રો ત્યાગીને સૂતી સુંદરીના સ્તનની ડીંટડી ફરતેની કરચલીઓ નાયક થોડી જ વારમાં ત્યાં જીભ ફેરવશે એ વિચારીને સખત થઈ ચૂકી છે. કામક્રીડામાં ઘણીવાર ક્રીડા કરતાંય આ પૂર્વાનુમાન કે પ્રત્યાશા (ઍન્ટિસિપેશન) વધુ રોચક બની રહે છે. નાયિકા પથારીમાં અંગ્રેજી મૂળાક્ષર ‘C’ની જેમ ઊલટી સૂતી છે અને કમનીય કાયાનો આ કાતિલ વળાંક ઓછો હોય એમ ઈરાદાપૂર્વક કાયાની આ કમાન એ વધુ તંગ કરી રહી છે, નાયકના હોઠોના હૂંફાળા દબાણની પ્રત્યાશામાં…

                     હંમમમ… મતલબ નાયક નાયિકાથી દૂર નથી. કદાચ જે અર્ધભાસક સુંવાળી ચાદર તળે નાયિકા નિર્વસ્ત્ર સૂતી છે, એ જ ચાદરમાં અથવા બાજુમાં જ નાયક પણ સૂતો હોવો જોઈએ. બંને વચ્ચે કામકેલિનો પ્રારંભ હજી થયો નથી પણ એ ઘડી હવે દૂર પણ નથી. નાયકના હોઠ થોડા જ સમયમાં પોતાના સ્તનાગ્રના સિંહાસને આરુઢ થશે એ કલ્પનામાં એક મધુરી સિહરન નાયિકાના અંગાંગમાંથી પસાર થઈ રહી છે, જેના પરિણામે એના કુચાગ્ર ફરતેની કરચલીઓ સખત થઈ રહી છે. આ એકવીસમી સદીના કવિની કવિતા છે. નાયિકા તૈયાર થઈને રાહ જોતી હોય એવા સમયે નાયક બનવાજોગ છે કે એના સ્માર્ટફોનમાં વૉટ્સએપ કે ફેસબુક-ટ્વિટર પર આવેલ આખરી નૉટિફિકેશન કોનું છે ને એમાં શું આવ્યું છે એ જોવાનો લોભ ટાળી શક્તો નહીં હોય એટલે અર્ધપારદર્શક ચાદરમાંથી વર્તાતી નગ્ન કાયાના કામણ હજી એને પૂરાં સ્પર્શી શક્યાં નહીં હોય. આકરું લાગે પણ આ આજના સમયની કડવી વાસ્તવિક્તા છે. બાજુમાં જ અનાવૃત્ત આળોટતી ઉર્વશી કરતાં મોબાઇલમાં દેખાતી પૉર્ન-અપ્સરામાં પુરુષોના ઊરમાં વધુ વસી ગઈ છે. વર્ચ્યુઅલની પરાકાષ્ઠાનો જમાનો છે. ‘ફબિંગ’ (Phubbing – PHone snUBBING) યાને પ્રત્યક્ષ હોય એની અવગણના કરીને જે પ્રત્યક્ષ ન હોય એની સાથે ફોન વડે જોડાયેલા રહેતા આજના લોકોને આજે વાસ્તવિક્તા આભાસી અને આભાસ વાસ્તવિક લાગવા માંડ્યા છે.

                     કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,

                     રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

                     – ઝંખનાની આવી પરાકાષ્ઠા માત્ર શેરો-શાયરીમાં જ સીમિત રહી જાય એવા દિવસો બહુ દૂર નથી પણ સુદીપ સેનની આ કવિતાના પાત્રો કદાચ હજીય વાસ્તવદર્શી અને વાસ્તવલક્ષી જ હોવા જોઈએ, કેમકે નાયક બાજુમાં ઘટી રહેલી આ મુલાયમ ઘટનાથી જરાય નાવાકેફ નથી. ઊલટું, જેમ આવનાર વાવાઝોડાની અપેક્ષામાં નાયિકા જે ઉત્તેજના અનુભવી રહી છે, એવી જ ઉત્તેજનામાંથી નાયક પણ પસાર થઈ રહ્યો છે. કેમકે એના હોઠ કે જીભ અથવા બંને ભીનાં છે. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ ‘my lips’ લખ્યા પછી અલ્પવિરામ પ્રયોજ્યું હોવાથી એ પછી આવતું સર્વનામ ‘it’s’ હોઠો માટે જ વપરાયું હોય એમ લાગે. કવિ સાથે આ બાબતમાં વાત કરતાં કવિ પણ એ જ વાતની પુષ્ટિ કરે છે પણ બહુવચન ‘લિપ્સ’ માટે સર્વનામ એકવચનમાં વપરાયું હોવાની વાત જરા કઠે છે. કવિતાની શરૂઆત તરફ નજર કરીએ અને સર્વનામ જેના માટે વપરાયું છે એ ભીનું છે એ આવનારી હકીકત પણ ધ્યાનમાં લઈએ તો એમ લાગે કે કવિતા લખાઈ હોવાની પળે કદાચ આ સર્વનામ ‘જીભ’ માટે વપરાયું હોય. હશે, હાલની તારીખે કવિને હોઠ અભિપ્રેત હોવાથી એમ રાખીએ તોય કવિતાને કોઈ નુકશાન થાય એમ નથી.

                     નાયકના હોઠ પણ ભીનાં છે કેમ કે दोनों तरफ़ लगी है आग बराबर की. ભીના હોઠ જેવી નાયકની ભીની ઇચ્છાઓ તો નાયિકાની કામજ્વરમાં ભડભડ સળગી રહેલી, રોમાંચી રહેલી અને કામેચ્છાના પ્રસ્વેદબુંદોથી ઝળહળી રહેલી ત્વચાને આવરી લેવાની છે. મતલબ, નાયક પણ આ સમરાંગણમાં પૂર્ણતયા હાજર જ છે પણ રતિભાવ બાબતમાં નાયિકાના ગતિભાવનો એ સ્થિતિભાવથી પ્રતિભાવ આપી રહ્યો છે, કેમકે એ જાણે છે કે મદનાસ્થળીના આ મેદાનમાં ક્રિયાનો અભાવ ખુદ એક ક્રિયા છે. સામાન્યતઃ જે ક્રીડા પર પુરુષો આધિપત્ય ભોગવે છે, એ ક્રીડામાં એ ‘લેડિઝ ફર્સ્ટ’નો અભિગમ અપનાવે છે. બે-ચાર ઘડીમાં જ બની જતી આ સાવ ટબૂકડી ઘટનાને કવિએ કેવી મમળાવી છે! ચાદર નીચેની એક કાયા કમાનાકારે ખેંચાય અને બાજુમાં સૂતા પુરુષના હોઠ ભીના થાય એ ઘટનાને આકાર લેવામાં વળી કેટલોક સમય લાગે?! પણ કવિતાનું સૌંદર્ય જ એ છે કે એ ક્ષણને સદીમાં ને સદીને ક્ષણમાં પલોટી દે છે. આમેય આ ઘડી પ્રતીક્ષાની ઘડી છે અને પ્રતીક્ષા તો કાળાતીત જ હોવાની ને? ‘‘પ્રતીક્ષાની ગલીઓમાં ભૂલા પડ્યા છે, સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે?’’ નાયિકાને પ્રતીક્ષા છે કે નાયક આગળ વધશે અને નાયકને પ્રતીક્ષા છે કે નાયિકા પોતાની પ્રતીક્ષામાં હજી કેટલી કમાનાશે? કવિતામાં અને જીવનમાં સૌથી મીઠો રસ કોઈ હોય તો તે કલ્પનાનો. ગણતરીની પળોમાં આકાર લઈ રહેલી આ નાનકડી ઘટનાને કવિ પણ કલ્પનાઓના મીઠા રસ કહીને જ સંબોધે છે.

                     અહીં કવિ કલ્પનાની સીડીને હકીકતની ભીંતે ટેકવે છે. વાસ્તવિકતાની હાજરીમાં જ ‘ઍન્ટિસિપેશન’ની ચરમસીમા અનુભવાય છે. બંને પક્ષે સહિયારાયેલ ઉત્કંઠાને નાયકનો ખુલાસો વધુ ધાર કાઢી આપે છે. ‘પણ’ કહીને આખી ઘટનાની સામે વિરોધમાં ઊભા રહી ગયા બાદ ‘હકીકત’ શબ્દનો ઉલ્લેખ કરી કવિ વાચકને તૈયાર કરે છે. નાયક હકીકતમાં તો હજી અડ્યોય નથી. ‘તને’ સંબોધનને આ વાક્યમાંથી કાપી નાંખીને કવિ પોતે જે કહેવું છે એ વ્યક્તિગત અનુભૂતિને વધુ સાર્વત્રિક અને તીવ્ર બનાવે છે. ‘પણ’ ‘હકીકત’ અને ‘અડ્યો’ ક્રિયાપદને વજનદાર બનાવતો ‘ય’ – કવિતાના આ ઓજાર તરફ યોગ્ય લક્ષ આપવાનું રહી જાય તો એ વાચકના પક્ષે નબળાઈ કહેવાય કેમકે કવિતાની ખરી મજા જ અહીં છે. કવિ કહે છે કે આટલું બધું બની ગયું વાત સાચી જ છે પણ વધુ સાચી વાત તો એ છે કે હું એને હજી અડ્યો સુદ્ધાં નથી. બંને પક્ષે આગ લાગી છે પણ હકીકતમાં તો દિવાસળી હજી માચીસને સ્પર્શીય નથી. કાવ્યાંતે પોતાની વાતની પુનરુક્તિ કરીને કવિ સફળતાપૂર્વક વાચકસંવેદનાને વધુ તીવ્રતર બનાવે છે. કહે છે, કમ સે કમ, હજી સુધી તો નહીં જ.

                     કામાપેક્ષાની ચોટીએ આરુઢ નાયિકા જે નાવમાં સવાર છે, એ જ નાવમાં સવાર હોવા છતાં નાયક જ્યારે સફાઈપૂર્વક પોતાની હકીકત જણાવે છે કે મેં હજી સુધી કંઈ જ કર્યું નથી અને વળી સફાઈમાં દોહરાવે છે કે હજી સુધી તો નથી જ કર્યું, ત્યારે જે હલ્લો હજી સુધી થયો નથી, પણ થવાની તૈયારીમાં જ છે એ સાફસાફ નજરે ચડે છે. જે ઇચ્છાએ નાયિકા બેવડ વળી રહી છે, રોમાંચી રચી છે, પ્રસ્વેદિત થઈ રહી છે, એ જ ઇચ્છા નાયકને પણ પ્રજાળી રહી છે. અપેક્ષાના એવેરેસ્ટ પર પર્વતારોહણની મજા બેવડી-ત્રેવડી નહીં, અનેકગણી વધી જતી હોય છે. નાયક આ જ હકીકતનો દાવ સહિયારી ‘ઇચ્છા’ પર લગાવે છે, પરિણામે કવિતા એક મીઠો અનુભવ આપવામાં સફળ રહે છે.

                     સુદીપ સેને તાજેતરમાં જ બહુચર્ચિત ‘ઇરોટેક્સ્ટ’ જેવું પુસ્તક આપ્યું છે, જેની ‘કેચલાઇન’ છે: Desire, Disease, Delusion, Dream, Downpour (ઇચ્છા, બિમારી, ભ્રમ, સ્વપ્ન, ભારીવર્ષા). ગદ્ય અને પદ્યની સીમાઓને ભૂંસીને જૂની કવિતાઓને નવો આયામ અને નવી કવિતાઓને વધુ નવો આયામ આપતું આ પ્રયોગાત્મક પુસ્તક ભાષાની દુનિયામાં એક નવો ચીલો ચાતરે છે. સુદીપ સેન સિદ્ધ કરે છે કે મોટી-મોટી વાતો કરવા માટે શબ્દોની અંતહીન ધારાની આવશ્યકતા નથી. અહીં પ્રસ્તુત રચનામાં પણ કવિએ બહુ ઓછા શબ્દોમાં, લગભગ નહિવત્ કહી શકાય એટલી જ ગતિવિધિમાં જે ફૉરપ્લે આલેખ્યો છે એ શબ્દાતીત છે. ઇચ્છા શરીર જેવા શરીરને અહીં ટપી જાય છે. શરીર તો અહીં હજી ‘એક્શન’માં જ આવ્યું નથી. હજી તો બંને છેડે માત્ર ઇચ્છાઓના નવરસ જ ફૂટ્યા છે, એવામાં તો આવી કવિતા… ડીંટડીના ઊઘાડા ઉલ્લેખ અને સ્તનચુંબનની અપેક્ષાની વાત કરતી હોવા છતાં કવિતાએ ક્યાંય સુચારુતાની સીમા ઉલ્લંઘી નથી. માત્ર ‘સેક્સ એન્ડ ડિઝાયર્સ’ની વાત કરતી હોવા છતાં કવિતાએ સમ ખાવા પૂરતોય સાહિત્યની લક્ષ્મણરેખા બહાર પગ મૂક્યો નથી એ વાત કવિતાને વધુ ઊંચાઈએ લઈ જાય છે. આખરે તો આ ઇચ્છાઓની વાત છે અને ઇચ્છાઓની હકીકત તો આ જ છે કે –

                     પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?

                     કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.