- ક્લાસિક કવિતાને આધુનિક અવતારમાં રજૂ કરવાનો એક પ્રયાસ એટલે દિવીજ નાયકનું “અલખ” આલબમ, જે ૨૦૧૮માં રજૂ થયેલું. એનો એક કાર્યક્રમ અંધેરી ભવન્સમાં થયો એમાં નિમિત્ત બનવાનો અલખ સંતોષ પ્રાપ્ત થયેલો. ભાઈ દિવીજ નાયક યુવાન, તરવરતો, સુસજ્જ, કર્મઠ, નિષ્ઠાવાન, સંવેદનશીલ અને કવિતાની સમજ ધરાવતો સ્વરકાર-ગાયક છે. પોતે સંગીત શિક્ષક પણ છે. `કોશેટો’ નાટકમાં એના સ્વરમાં રજૂ થયેલા ગીતો નાટકનો એક મહત્ત્વનો હિસ્સો બન્યા છે.
અત્યારે “અલખ” આલબમમાંથી એક ગીત માણીએ. પ્રાચીન કવિતાને અર્વાચીન અભિગમથી રજૂ કરવાનો સુંદર પ્રયોગ આ આલબમના સ્વરાંકનોમાં થયો છે.
~ કવિ: પ્રીતમદાસ
~ સ્વરાંકન: દિવીજ નાયક
~ સ્વર: શાન
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.
મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.
(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)
(કવિપરિચય અને શબ્દાર્થ સાભાર)
https://layastaro.com/?p=327
~~~
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.


