લયસ્તરો પર કાજલબેનની એક કવિતા, અને સાથે વિવેકની વાત વાંચી ત્યારની તાલાવેલી હતી કે એ ‘શેષ-યાત્રા’ મારા હાથમાં ક્યારે આવે? આખરે એ મળી, અને બે દિવસ પહેલા ઓફિસમાં અડધા કલાકના lunch break માં વાંચવા હાથમાં લીધી તો વાંચતા વાંચતા દોઢ કલાક ક્યાં થઇ ગયો એ ખબર ના પડી.. પાછુ કામ શરૂ કરવું પણ એટલું જ અઘરું લાગ્યું..! પણ જ્યાં વાંચવાનું અટક્યું છે – ત્યાંથી ફરી શરૂ કરવાની જાણે બીક લાગે છે.. કાજલબેનના શબ્દો સાથેનો મારો પહેલો પરિચય ‘યોગ-વિયોગ’ દ્વારા.. પણ પછી કૃષ્ણાયન, તારા વિનાના શહેરમાં.. એક સાંજને સરનામે… એમના શબ્દોએ હંમેશા મને જકડી રાખી છે. પણ વિવેકે લયસ્તરો પર કહ્યું હતું એમ – ‘શેષ યાત્રા’ પાને પાને દઝાડે છે. કવિ લખે છે…
મારા જીવતાં જ મારું શ્રાધ્ધ કર્યું તે
ને છતાં
અતૃપ્તિ ખુલાસા માગતી ભટકે
જર્જરિત સંબંધોના ખંડિયેરોમાં.. આજ લગી.
આ ‘શેષ-યાત્રા’ માં કંઈક એવું છે જે દરેક શબ્દ લાગણીઓને જડમૂળથી હચમચાવી દે એવો હોવા છતાં તમને એમાંથી છૂટવા ન દે…
માણીએ કાજલ ઓઝા-વૈદ્યની શેષયાત્રાની એક કવિતા.. એક CPA (Certified Public Accountant) હોવાને નાતે પણ કદાચ કવિતામાં આવતા જમા-ઉધાર અને માંડી વાળવાની વાત ને લીધે આ કવિતા મને થોડી વધારે પોતીકી લાગે 🙂 !
એમણે કોઇ કવિતાને શિર્ષક નથી આપ્યું, એટલે વિવેકની જેમ મેં પણ એ જગ્યા ખાલી જ રાખી છે..!
*****
આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.
સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,
કહે છે, અમે તો કાયમના માગણ.
વિતેલાં વષો પણ ડોકાવા લાગ્યાં,
ને
ભીંજાયા ચોપડાના કાગળ.
અંધારૂં હળવેથી ઓરડામાં ઊતર્યું
ને સાચવી રહીને બધું લૂછ્યું –
આખીય રાત પછી આંખો મીંચાય કંઈ ?
પડખાં બદલતાં મેં પૂંછ્યું –
…કોણે લખેલી આ કોરી કિતાબ છે ?
…કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે ?