ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી
ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.
રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતુ હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનુમ તોફાન નથી સૂઝતું હવે
અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.
જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…