સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ ! નીચેની કવિતા સાથે વિવેકની નોંધ પણ લયસ્તરો પરથી લઉં છું. (આભાર વિવેક અને લયસ્તરો ટીમ!)
*
જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !
ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?
ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.
– ઉમાશંકર જોશી
આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.
સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !
જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?
કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.
– વિવેક ટેલર