Category Archives: ભજન/ધૂન/આરતી/ભક્તિપદ

હરિ, દિવાળી કરી ? – રવીન્દ્ર પારેખ

તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

ધન્ય ભાગ્ય – ‘ઉશનસ’

બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન ! – બાઇ રે..

ઊંચે વ્યોમભવન, ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. – બાઇ રે..

કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. – બાઇ રે..

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઇ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! – બાઇ રે..

પ્રભુ, દેજો – સુન્દરમ

પ્રભુ, મારી અંધારી રાત્યું ને દેજો તારલા જી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી.

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરંતીને દેજો એનાં આભ જી.

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી.

પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એના દૂધ જી.

આજે ગુજરાતી સારસ્વત પરિચય બ્લોગ ઉપર 100માં સારસ્વત તરીકે કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી મૂકાઇ છે.

કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો.

હરિવરને કાગળ લખીએ રે… – ભગવતીકુમાર શર્મા

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

shiva_parvati_PH40_l

.

હરિવરને કાગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ
વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ

અમે તમારા ચરણકમળને પખાળવા આતુર
હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર

કંઇ ભીની ઝળહળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

શ્વાસમાં વરસે રામ રટણ ના કેમ ન પારિજાત
ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત

કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ
કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ

શું હાવાં આગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

( કવિ પરિચય )

કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ


– કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

( 25-10-1982, સોમવાર )

( કવિ પરિચય )

ગણેશચતુર્થી ની શુભકામનાઓ…..

મારા તરફથી સૌને ગણેશચતુર્થીની શુભેચ્છઓ. દરેક કાર્યમાં ગણેશજીનો આશિર્વાદ મળતો રહે.. વિઘ્નહર્તા કાયમ સાથે રહે એવી આશા.

ગણેશચતુર્થી સાથે મારા બાળપણની ઘણી બધી યાદો જોડાયેલી છે. તો મને થયું કે આજે જરા એ વાતો કરું.

અતુલની લગભગ બધી કોલોનીમાં સાર્વજનિક ગણેશોત્સવ યોજાતો, સિવાય કે અમારી સુવિધા કોલોની. કદાચ એ અતુલની સૌથી નાની કોલોની હતી, એટલે. કોલોનીમાં એક મહારાષ્ટિયન કાકાનું ઘર, એટલે અમારી બચ્ચાપાર્ટીનો ગણેશોત્સવ તો એમને ત્યાં જ થતો. દરરોજ સાંજે આરતીમાં ચોકકસ જવાનું જ. ત્યારે જે આરતી અને ભજન ગવાતા, એ સાંભળવાની ખરેખર મઝા આવતી. ત્યારે તો અમે બધા ઘણા નાના, એટલે ગાતા તો ના આવડે, પરંતુ છેલ્લે સુધી તાળી પાડવાની મઝા અચૂક લેતા. એટલું ખબર પડતી કે જે ગવાય છે એ ગુજરાતી તો નથી. ફક્ત 2 લીટી આવડતી ત્યારે… જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ, હો શ્રી મંગલમૂર્તિ… જ્યારે આરતી પૂરી થવાની હોય ત્યારે છેલ્લે હરે રામ હરે રામ, રામ રામ હરે હરે… હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે..

* * * *

અને પછી….મોરિયા રે બાપ્પા મોરિયા રે….

એક દિવસ અમારી પલટનને તુક્કો સુઝ્યો… બધી કોલોનીમાં સાર્વજનિક ગણેશોત્સવ થાય છે, તો આપણી કોલોનીમાં કેમ નહીં ? ચાલો… આપણે પણ ગણપતિ બેસાડીયે. ડીંપુના ઘરનો બગીચો કોલોનીના મેદાનને અડીને જ હતો. ત્યાં ભેગા થયા બધા, અને નક્કી થઇ ગયું, કે આ વર્ષે આપણે ત્યાં પણ ગણપતિ આવશે. ત્યારે તો પોકેટમની જેવી વાત જ કયાં હતી? એટલે થયું કે જાતે જ મૂર્તિ બનાવીયે. બધાએ ભેગા મળીને કોશિશ કરી તો ખરી, પણ કંઇક જોઇએ એવો ઘાટ ના આવ્યો.

એટલામાં કોઇ એક કાકાએ થોડુ પ્રોત્સાહન આપ્યું, છોકરાઓ… મૂર્તિ હું લાવી આપું છું. અમે બધા તો ખુશ ખુશ…
હવે next stage. સ્થાપના ક્યાં કરવી? 15 નંબરનું ઘર ખાલી જ હતું, એના ઓટલે. બેઠક તૈયાર કરી, બધાના ઘરેથી કંઇક ને કંઇક ભેગુ કરીને ગોઠવાઇ ગયું. પરંતુ બપોર થઇ ને વરસાદ ચાલું. પ્લાસ્ટિક બાંધીને કોશિશ તો કરી કે વરસાદનું પાણી મૂર્તિ સુધી ના પહોંચે, પણ પવન ઘણો હતો.. એટલે ખાસ્સી મહેનત કરી. પણ એટલો મેળ ના પડ્યો. એવામાં કંઇક તો કોઇએ વ્યવસ્થા કરી ( કોણે અને કેવી રીતે, એ યાદ નથી. ) અને અમને અઠવાડિયા માટે એ ઘરની ચાવી મળી ગઇ. પછી તો એ ઘરનો ઓરડો ઘણો સારી રીતે શણગાર્યો. આખી કોલોનીમાં આમંત્રણ આપ્યું, કે આરતી માટે આવજો. બધા એ નક્કી કરી લીધું કે કયે દિવસે કોને ત્યાંથી પ્રસાદ આવશે.

એક અઠવાડિયા સુધી, સ્કૂલેથી આવ્યા, લેસન પતાવ્યું, કે બઘાને ભેગા થવાનું એક જ સ્થળ, 15 નંબરનું ઘર. ખરેખર એ દિવસો ઘણા યાદ આવે છે આજે. મને ખાત્રી છે કે એ 18-20 જણા આજે જ્યાં પણ હશે, કયારેક તો એ ગણેશચતુર્થી જરૂર યાદ કરતા હશે.

અને મને યાદ છે જયારે હું 6th std માં હતી, ત્યારે મારો જન્મદિવસ અને ગણેશચતુર્થી એક જ દિવસે આવ્યા. એક તો જન્મદિવસ, અને સ્કૂલમાં રજા.. વાહ.. મઝા હતી એ દિવસે તો. સવારે પપ્પા અને ભાઇ કંઇક કામ માટે વલસાડ ગયા હતા, અને હું તૈયાર થઇને જતી હતી સોનલના ઘરે. સોનલની બાજુમાં જ પ્રિતેશભાઇ અને અંકુરનું ઘર, એટલે સોનલ ત્યાં હતી, તો હું પણ ત્યાં પહોચી. પ્રિતેશભાઇએ પૂછ્યું, કયા કલરની સાઇકલ મંગાવી? મેં સામે પૂછ્યું, સાઇકલ ?? તો મને કહે… આજે તારો birthday છે ને ? મેં કહ્યુ, ‘હા…’. તો એ મને કહે, તારો ભાઇ અને પપ્પા તારા માટે સાઇકલ લાવવાના છે આજે… (મારા ભાઇ અને પ્રિતેશભાઇ એક જ ક્લાસમાં, અને સારા મિત્રો પણ ખરા.. )
પછી મને યાદ આવ્યું, કે કાલે સાંજે જ ભાઇએ રસ્તે જતી એક સિલ્વર કલરની સાઇકલ બતાવીને પૂછ્યું હતુ, કે તને સિલ્વર કલરની સાઇકલ ગમે? અને મેં કહ્યું હતુ, કે મને તો ભુરા કલરની વધારે ગમે.
હું તો દોડી ઘરે… મમ્મી પાસે ખાત્રી કરી કે આજે મારા માટે સાઇકલ આવવાની છે. અને પછી તો એ સાઇકલ મારી બહેનપણી જેવી જ થઇ ગઇ હતી. એણે મને ઘણો ઘણો સાથ આપ્યો…

એક રીતે આવું બધું યાદ કરીને હસવું આવે છે, તો સાથે સાથે જગજિતસિંગની પેલી ગઝલ પણ યાદ આવી જાય… વો કાગઝકી કશ્તી… વો બારિશકા પાની…

जयदेव जयदेव जय मंगलमूर्ती

ganesha.jpg

સ્વર : લતા મંગેશકર

* * * * *

સ્વર : સુરેશ વાડકર

* * * * *

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची
नुरवी पुरवी प्रेम कृपा जयाची
सर्वांगी सुंदर उटि शेंदुराची
कंटी झळके माळ मुक्ताफ्ळांची

Continue reading →

ફૂલડાંની ફોરમને કેમ રે… ? – પ્રેમશંકર ભટ્ટ.

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ?
એ તો વાયરાની આંખે ઊડી જાય રે !

વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
એ તો આભા કેરા હૈયે વેરાય રે !

નાનેરાં નવણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે ?

નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય
તોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે !

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે !

આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
મનસૂબા કેમ પૂરા થાય રે !

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે ?

દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે ?

( પ્રેમશંકર ભટ્ટ. જન્મ : 30-8-1914, અવસાન : 30-7-1976 )

અમથા અમથા – ‘સરોદ’

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.