અમથા અમથા – ‘સરોદ’

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

5 replies on “અમથા અમથા – ‘સરોદ’”

  1. I had heard this song as a child but I can’t find its full lyrics now. I have been looking for them!
    Amthu kai aam thay
    Amthu kai tem thay
    Vaat hoi jevi tevi
    Ke bhool chook levi devi!
    I just remember these lines and I cannot find the rest of the song. If you know it or have heard it please share it.

  2. લાગે છે હવે મોરપિચ્છના મીણા પણ ચડી રહ્યાં છે.

    મીણા ચડવા= કેફ ચડવો

    ખટક = ચાનક

  3. રહ્યા મૂક થઈ અબોલ મનડે
    છાના છાના રડ્યા…કે અમને રણઝણ મીણા ચડ્યા !
    તંબૂરને બેસૂર બજવું નથી !દર્શન ઉદાત્ત છે.
    મોરનું રળિયામણું પીંછું ઉમેરાયું !

  4. અદભૂત ભક્તિગીત..સરળ અને ચોટદાર શબ્દો….ખરેખર સરોદનઈ રચના…આની સામે કહેવાતા આધુનિક લોક્પ્રિય ગીતો ફીકા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *