Category Archives: સંગીતકાર

સાહિબ જગને ખાતર જાગે – નીતિન વડગામા

સ્વર : ઓસમાણ મીર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાહિબ જગને ખાતર જાગે
છેક ભાંગતી રાતે, જાતે ઊંડુ તળિયું તાગે.

માળા ના મણકા આપે છે, હળવેથી હોંકારો,
સાખ પૂરે છે પાછો, ધખતી ધૂણી નો અંગારો,
મન માને નહીં એનું , આ કાયા ના કાચા ધાગે,
સાહિબ જગ ને ખાતર જાગ.

પરમારથ ને પંથ પંડનું પોત પીગળી જાતું,
કોઇ આંખ માં આથમતું આંસુ એને વંચાતું;
વાયુ થઇને શ્વાસે શ્વાસેરોજ વિહરતા લાગે
સાહિબ જગને ખાતર જાગે.

– નીતિન વડગામા

તે છતાં કહેવું કે લીલાલ્હેર છે – પ્રણવ પંડ્યા

આલ્બમ : સંગત
સ્વર : સુરેશ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

રોજ કોઈ ઝંખના મનને છળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

થાકને પડખામાં રાખી સૂઈ રહો,
ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

-પ્રણવ પંડ્યા

રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ ?
બેસી ગયા ત્યાં ‘હાશ’નો અવસર બનાવીએ.

મનમાં જે રંગ-રૂપ ને આકાર રચાયા,
એની જ ઘડીએ મૂર્તિઓ, ઇશ્વર બનાવીએ.

ટીપું છીએ, વિસાત ભલે કૈં નથી છતાં,
ભેગા થઈને ચાલને સાગર બનાવીએ.

જે કામનું કશું જ નથી ફેંક એ બધું,
મનમાં ભરી, શું ? પંડને પામર બનાવીએ ?

આરંભમાં જ શૂરા, પછી પડતું મૂકવું,
ચલ મન ! કશું જીવનમાં સમયસર બનાવીએ.

ગમશે બધે જ, એક શરત છે ઓ જિન્દગી,
કરીએ વહાલ સૃષ્ટિને સુંદર બનાવીએ,

તક તો હતી, છતાંય ના મોકા ઉપર વહ્યા,
ઇચ્છા છે એ જ આંસુનું અત્તર બનાવીએ.

મજબૂર થઈને એણે પ્રગટવું પડે પછી,
‘મિસ્કીન’ પ્રાણ એટલો તત્પર બનાવીએ.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

-રઘુવીર ચૌધરી

સાત રંગના સરનામે – રમેશ પારેખ

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું આમે ? ના તું આવી, નાહું આવ્યો.

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.

– રમેશ પારેખ

એવી શરત હોય – રમેશ પારેખ

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ

.

તું આવે અને આવવાની એવી શરત હોય
હું હોઉં નહિ મારા ઘરમાં તું જ ફક્ત હોય.

સુક્કાતું જળ છે, છે હજુ એકાદ માછલી
કોને ખબર કે કાલ પછી કેવો વખત હોય .

વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ
નહિ તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય?

નીંદર તૂટ્યા પછી ય નથી સ્હેજે તૂટતું
પથ્થરની જેમ સ્વપ્ન ઘણી વાર સખત હોય.

જે કઈ વીતે છે જે કઈ વિતવાની છે ભીતિ
ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
હું એમ આપઘાત કરું જાણે રમત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
જાણે કે તારા આવવાની એવી શરત હોય.

-રમેશ પારેખ

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં – સુન્દરમ્

આલ્બમ : સંગત
સ્વર : હિમાલી વ્યાસ-નાયક

.

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

.

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

ક્યાંક ઝરણાંની ઉદાસી – શ્યામ સાધુ

આલ્બમ : સંગત
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ

ગગન ગોખેથી આજ ઉતરતી માત – ખેવના દેસાઈ

શબ્દો: ખેવના દેસાઈ
સ્વરાંકન: વિજલ પટેલ

સ્વરાંગી વૃંદના કલાકારો: વિજલ પટેલ, ખેવના દેસાઈ, રીની ભગત, એકતા દેસાઈ, સુષ્મા ભગત, કીર્તિદા રાંભિયા, મેધા ઝવેરી, સ્વાતિ વોરા, દક્ષા દેસાઈ, પારૈલ પુરોહિત, અર્મી શાહ, બાગેશ્રી પ્રણામી કામિની શાહ, વિરાલી દેસાઈ, ઉર્વી મહેતા

નિવેદન- ખેવના દેસાઈ
હાર્મોનિયમ- વિજલ પટેલ
તબલા- અંકિત સંઘવી
વિડીયો એડિટિંગ- સ્વરાંગી પટેલ, સમીર પટેલ

ગગન ગોખેથી આજ ઉતરતી માત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….

આકાશી કોડિયું ને સૂરજની વાટ લઈ
આરતથી આરતી ઉતારે બ્રહ્માંડ
રમણે ચઢ્યું છે હૈયું લઈ અશ્વો સાત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….

મનને મંદિરિયે થઈ ઘંટારવ આવ
ઊનારે આયખામાં ચાંદની પ્રસરાવ
નેહ ભર્યા નેણ માડી જન્મારા તારે સાત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….

અવની પર ઊતરીને અજવાળું કરજે
કોરી આંખોમાં તું વ્હાલ થઈ નિતરજે
રજ તારા રથની છે મારી મોટી મિરાત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….

– ખેવના દેસાઈ

માના રથ કેરા ઘુઘરા વાગ્યા – મેઘલતા મહેતા

સ્વરકાર : માધ્વી મહેતા, અસીમ મહેતા

સ્વર : માધ્વી મહેતા અને વૃંદ
કવિયત્રી : મેઘલતા મહેતા
સંગીત : વિક્રમ પાટીલ
આલબમ : સાયબો મારો

માના રથ કેરા ઘુઘરા વાગ્યા
કે માં, તારા આવવાના ભણકારા વાગ્યા…
માના ઘુઘરા ઘમઘમ ગાજયા
હે માં તારા…

તારા પગલના પડઘા સંભળાયા
આખું આભ બની ઝાંઝરીયા ઝમક્યા

માની ચૂંદડીના તારલા લ્હરાયા
અંગે અંગમાં શક્તિ બની છાયા

અમ રુદિયાના સુરજ સળવળીયા
ભર નીંદરેથી લોક સૂતાં જાગ્યા

માને પગલે મેઘાડમ્બર ગાજયા
સાથે મનડાના મોર થૈ થૈ નાચ્યાં

– મેઘલતા મહેતા