Category Archives: ગીત

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી

આજની તારીખ કે આ ગીતને કોઇપણ પૂર્વભૂમિકાની જરૂર જ નથી..!

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

…મીણના – ચંદ્રકાંત દત્તાણી

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના !

આટઆટલા માણસ ને તો ય અહિ આપણું ન એકેય જણ
કાગળની હોડીએ કરવાનાં પાર ધોમ સૂસવાતી રેતીનાં રણ
જાળીમાં ફેરવાતું જાય લીલું પાન એને કાળા એકાંતના વ્રણ

મુઠ્ઠીભર હાડકાનાં પીંજરને દઇ લીધા
ખાલીપા જોજનવા ખીણના !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના

પાંદડુંક લીલપનો અમથો આભાસ અને એવું લાગે કે વન જોયા
ઝાંઝવાનાં કોરાછમ દરિયાઓ જોઇ જોઇ આંસુ વિનાનું અમે રોયાં
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભઇ, અમે મરવાની વાત પર મોયા

ચરણોને ચાલવાનું દીધું સરિઆમ
અને રસ્તાઓ દઇ દીધાં ફીણનાં !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના !

———-

(વ્રણ = ઘા; નારું)

તું મારો વર ને હું તારી વહુ – અવિનાશ વ્યાસ

સ્વર : ગીતા રોય
સંગીત : અવિનાશ વ્યાસ

(Happy Anniversary….Romilla & Vishal Patel)

.

ઓ રંગ રસિયા કહે ને
હું તારી શું છઉં
તું મારો વર ને હું તારી વહુ

નથી થવું મારે રાજાની રાણી
મારે મન આટલું બહુ
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

બની તારા ઘરની રાણી
ઘૂંઘટડો તાણી હું પનઘટ
પાણી ભરવા જઈશ રે

તુજને ભાળી નૈના ઢાળી
મારા એ આવ્યા, એ આવ્યા
એવું કહીશ રે

છાનું રે છપનું સપનું સરજું
તને કહું કહું ને રહી જઉં
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

પૂરણપોળી ઘીમાં ઝબોળી
તને જનની જેમ જમાડીશ

થઈ નટખટ નારી
લ્યો પાનસુપારી,
કહી સંગે રંગ રમાડીશ

તારા મન ઉપવનની કોયલ થઈ
તને ટહુકી ટહુકી કહું
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….
————-

આભાર : mavjibhai.com

હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’

સૌ વાચક-શ્રોતા મિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… કાલે પોસ્ટ કરેલા રિંછ-સિંહ વાળા ગીતની જેમ આ નીચેનું ગીત પણ શાળામાં ખૂબ લલકાર્યું છે..! દેશભક્તિના ગુજરાતી ગીતો યાદ કરવાના હોય તો આ કદાચ સૌથી પહેલું યાદ આવે..!! (કોઇ પાસે આનો ઓડિયો હોય તો મને વધુ માહિતી આપશો?)

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

સિંહની પરોણાગત – રમણલાલ સોની

 

ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભણેલા આ વાર્તા-ગીત… આ બાળગીતના કવિ – શ્રી રમણલાલ સોનીનો આજે જન્મદિવસ.. (25 – જાન્યુઆરી , 1908). આ ગીત અમે નિશાળમાં ગાતા એવું યાદ છે.. (એટલે કે શિક્ષક ગવડાવતા..). પણ ઘણા વર્ષોથી એની કોઇ ઓડિયો મારા ધ્યાનમાં નથી આવી. તમને ખ્યાલ હોય તો મદદ કરશો? ટહુકાના બાળમિત્રો – અને આપણા બધાની અંદરના બાળકને આ ગીત વાંચવા સાથે સાંભળવા પણ મળે તો વધુ મઝા આવશે એવું નથી લાગતું? (રીંછ અને સિંહનો એકસાથે કોઇ સારો ફોટો તમારા કેમેરામાં કેદ થયો હોય, તો એ પણ અમારી સાથે વહેંચશો તો ગમશે…! 🙂 )

અને મારી ફોટાની ફરમાઇશ પૂરી કરી ભૂમિએ.. (ત્રણ ફોટા ભેગા કરીને…) આભાર ભૂમિ..! ખરેખર મઝાનો ફોટો બન્યો છે. સિંહ અચાનક સામે આવતા રિંછ જાણે બે પગે ઉભુ થઇને સલામ કરતુ હોય એવું લાગે..!! 🙂

(photo mixing by Bhumi… Click here for original pictures – 1, 2, 3)

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

આવી વસંત મત્ત ફૂલોની રાણી – જયંત પલાણ

આજે વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક.. સાથે માણો આ મઝાનું વસંતગીત..!!

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા, કૃતિકા ત્રિવેદી)

* * * * *

.

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

આ..આ..આ..આ…

લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…

સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

– જયંત પલાણ

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ્

કવિ – ધ્રુવ ભટ્ટ્
સ્વરકાર-ગાયક – અનંત વ્યાસ
આલ્બમ – દિલાવરી

.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

પતંગ-ગીત – ભગવતીકુમાર શર્મા

આજે વાસી ઉત્તરાણ… સાંભળ્યું છે કે અમદાવાદમાં ઉત્તરાણના દિવસ જેટલો જ ઉત્સાહ વાસી ઉત્તરાણના દિવસે જોવા મળે.. તો આપણે પણ જતી ઉત્તરાણની એકવાર ફરીથી મઝા લઇ લઇએ, ભગવતીકાકાના આ મઝાના પતંગ-ગીત સાથે..! લયસ્તરો પર તો તમે આ ગીત પહેલા માણ્યું જ હશે, પણ ગીત છે જ એવું મઝાનું કે કદી વાસી લાગે જ નહીં..!! 🙂 (આભાર, ધવલભાઇ..!)

(Photo : Saumil Shah)

* * * * *

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!

પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…

કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…

વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

– ભગવતીકુમાર શર્મા
(આભાર : લયસ્તરો.કોમ)

ઊડે પતંગ… – અનિરુધ્ધ અને પ્રદ્યુમ્ન્ન તન્ના

સૌને ઉત્તરાણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ઘણા બધા તલના લાડુ ખાઓ, બોર ખાઓ, ઘણા બધા પતંગ કાપો, અને આખો દિવસ ધાબા પર પસાર કરી સાંજે ફાનસ ચગાવો, અને ખાટા પૂડા ખાઓ..!!

અહીં પ્રસ્તુત ગીત કોઇ જુની રેકોર્ડમાંથી લેવામાં આવ્યું છે (જે કવિ તુષાર શુક્લએ ‘કંકુનો સૂરજ’ કાર્યક્રમમાં રજૂ કરેલું). ગીત સાથે પ્રદ્યુમ્ન તન્ના અને અનિરુધ્ધ તન્ના એવું નામ હતું, પણ વધુ કોઇ માહિતી નથી. આપને ગીત વિશે વધુ માહિતી હોય તો જરૂરથી જણાવશો. ત્યાં સુધી, સાંભળો આ મઝાનું Vintage પગંત-બાળગીત..!!

.

ઊડે પતંગ ભાઇ ઊડે પતંગ
વિધવિધ રંગ કેવા ઊડે પતંગ
(આગળના શબ્દો લખવામાં થોડી મદદ કરશો? 🙂 )

પરોઢિયે પંખી જાગીને – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વરાંકન : રજની કુબાવત
સ્વર : રજની કુબાવત અને કોરસ (વેણુ ભટ્ટ, સુરભી કુબાવત, ગાર્ગી માણેક, પૂર્વા વેકરીયા, રાધિકા જાની, પ્રાચી પટેલ)
સંગીત : દિપેશ દેસાઇ
આલ્બમ : સામિપ્ય

.

પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !