…મીણના – ચંદ્રકાંત દત્તાણી

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના !

આટઆટલા માણસ ને તો ય અહિ આપણું ન એકેય જણ
કાગળની હોડીએ કરવાનાં પાર ધોમ સૂસવાતી રેતીનાં રણ
જાળીમાં ફેરવાતું જાય લીલું પાન એને કાળા એકાંતના વ્રણ

મુઠ્ઠીભર હાડકાનાં પીંજરને દઇ લીધા
ખાલીપા જોજનવા ખીણના !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના

પાંદડુંક લીલપનો અમથો આભાસ અને એવું લાગે કે વન જોયા
ઝાંઝવાનાં કોરાછમ દરિયાઓ જોઇ જોઇ આંસુ વિનાનું અમે રોયાં
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભઇ, અમે મરવાની વાત પર મોયા

ચરણોને ચાલવાનું દીધું સરિઆમ
અને રસ્તાઓ દઇ દીધાં ફીણનાં !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના !

———-

(વ્રણ = ઘા; નારું)

10 replies on “…મીણના – ચંદ્રકાંત દત્તાણી”

  1. પાંદડુંક લીલપનો અમથો આભાસ અને એવું લાગે કે વન જોયા
    ઝાંઝવાનાં કોરાછમ દરિયાઓ જોઇ જોઇ આંસુ વિનાનું અમે રોયાં
    ગીત મનને ઊદાસ કરી ગયુ..

  2. sache j, sukh e ek aabhas matra chhe, dukh shashvat chhe.khub j hradaysparshikavita. varanvaar vaanchava game evi. abhaar.

  3. ઍકલતાની વેદના અન જીવનની અસહાયતાને વ્યક્ત કરતી કવિતા.

    ઝાંઝવાનાં કોરાછમ દરિયાઓ જોઇ જોઇ આંસુ વિનાનું અમે રોયાં

  4. જીવતર બીવતર તો બધું ઠીક મારા ભઇ, અમે મરવાની વાત પર મોયા

    વાહ….આદભુત….

  5. શું શબ્દ ચિત્ર છૅ?માણસ ની એકલતા નું!કવિ એ બહુ જ વાસ્તવિક વર્ણન કર્યું છે.
    મમ્મી

  6. જીવનની એકલતા, ખાલીપો અને નિરર્થકતાની વેદનાને વ્યક્ત કરતી એક સંવેદનશીલ કવિતા. દુઃખની પરાકાષ્ટા છતાં તે absurd zone સુધી નથી પહોંચતી તે એની સફળતા. આ કવિથી હું પરિચીત નથી. કોઈ એમનો પરિચય આપશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *