Category Archives: ગીત

મારે તમને મળવું છે – રિષભ મહેતા

સ્વર અને સ્વરાંકન : જીજ્ઞેશ કોટડીયા

.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા

ચકલી ચીં ચીં ગાય

વિશ્વ ચકલી દિવસ નિમિતે ,

સવાર આખી પાંખે પકડી
ચકલી ચીં ચીં ગાય
ઝાડે ઝાડે સૂરજ બેસે
ઝળહળ ઝળહળ થાય
ચકલી ચીં ચીં ચીં ચીં ગાય
ચકલી ચક ચક કરતી જાય… સવાર આખી…

ફરરર કરતી આવી બેસે
દાદાજીના ફોટા પર
વ્હાલી થઈ પપ્પાને પૂછે, 
અહીં બનાવું મારુ ઘર?
હસતી રમતી જાય
ચકલી ચીં ચીં કરતી જાય… સવાર આખી…

ફરરર કરતી આવી બેસે
દાદીમાની હિંડોળે,
હરખાતી હરખાતી કહેશે
ચકો ચડ્યો છે ઘોડે
કુદક કુદકતી જાય 
ચકલી ચીં ચીં કરતી જાય…સવાર આખી…

ફરરર કરતી રસોઈઘરમાં
આવી પહોંચે દોડી
મમ્મીને જઈ પૂછે એ તો
મદદ કરુ કંઈ થોડી?
લટક-મટકતી જાય
ચકલી ચીં ચીં કરતી જાય…સવાર આખી…

ફરરર કરતી આવી એ તો
લઈ લે મારી પાટી-પેન
‘સ્પેરો’ નો સ્પેલિંગ એ પૂછે
લાગે મારી નાની બેન
ઝટપટ લખતી જાય, 

ચકલી ચીં ચીં કરતી જાય.. સવાર આખી..

પિયું પહેલી પેસેન્જરમાં આવજો – પ્રભુલાલ દ્વિવેદી

તમે જો જો ના વાયદા વિતાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

સિલ્કની કીનાર કેરાં વાયલ આછેરાં,
કોઇક નવા નાટકનાં પચ્ચાઓ પેર્યા,
થોડા હૅન્ડબિલ હેરઓઇલ તણાં લાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

એક હારમોનિયમ,એક હારમોનિયમ,
એક હારમોનિયમ, પૅરિસનું લાવજો,
આવવાનો તાર મને આગળ મોકલાવજો,
તમે સામા સ્ટેશન પર સીધાવજો.
-પ્રભુલાલ દ્વિવેદી

પાંદડી – ‘સુન્દરમ’

પાંચ વરસની પાંદડી એનો દોઢ વરસનો ભાઈ,
પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય,
ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય.

ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય,
ચૂપ રહ્યો હોય ભાઈલો ત્યારે ખોયામાં બેનડી જોય,
રખે ભાઈ જાગતો સૂતો હોય.

રાણકી સહિયર રમવા આવી, પાંચીકા લાવી સાથ,
પાંદડીનું મન કૂદવા લાગ્યું, સળવળ્યા એના હાથ,
રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ.

ઘોડિયું મેલ્યુ ઓરડા વચ્ચે, ઉંબરે બેઠી બેય,
પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય,
બરાબર રમત જામી રહેય.

વઢતા વઢતા બે બિલાડા દોડતાં આવ્યાં ત્યાંય ,
બંને છોડીઓ બીને ઊભી ઓસરીએ નાઠી જાય,
પાંચીકા બારણામાં વેરાય.

એક ને બીજું ડગ માંડે ત્યાં પાંદડી ગોથાં ખાય,
પગમાં બાંધેલ હીંચકા-દોરી, નાગણ શી અટવાય,
દશા પારણાની ભૂંડી થાય.

આંચકા સાથે ઊછળ્યું ખોયું, ઊછળ્યો ભાઈલો માંહ્ય,
ઘોડિયે ખાધી ગોથ જમીનપે, ભાઈલો રીડો ખાય,
ત્યાં તો મા દોડતી આવી જાય.

એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય,
બે બિલાડાંને લડવું એમાં કહો શુંનું શું ન થાય ?
ભલા ભગવાન ! આ શું કહેવાય ?
-સુન્દરમ્

મારાં તો માનવીનાં – પિનાકીન ઠાકોર

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

મારાં તો માનવીનાં ગીત રે
કાચી તે કાયા કેરી, મમતા બાંધ્યાની એની રીત રે
મારાં તો માનવીનાં ગીત રે

માળા બાંધીને એતો,બેસે જઈ ઝૂલવારે
હૈયાના હેતમાં આ દુનિયાને ભુલવારે
ભવભવનાં વેરી સંગે મનડું માંડે છે મોંઘી પ્રીત રે
મારાં તો માનવીના ગીત રે

મનખાની માયા મારી, કેમે ના છૂટશે રે
દોરી આ આયખાની ક્યારે ના તૂટશે રે
ઘડીપલનાં ઘટમાં એતો, જુગજુગ માણ્યાની એની જીત રે
મારાં તો માનવીનાં ગીત રે
– પિનાકીન ઠાકોર

સાવ રે સુક્કા ઝાડને જોઇ – રમેશ પારેખ

સ્વરાંકન અને સ્વર : વિજય ભટ્ટ

.

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

– રમેશ પારેખ

જાગ રે જાગ મુસાફર – ‘સ્નેહરશ્મિ’

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

જાગ રે જાગ મુસાફર વ્હેલોઃ
રાત સિધાવે દિન જો આવે
દરવાજો તુજ હજી દીધેલો !

ધરતીનાં સપનાં શું જુએ?
તરુણ અરુણ ત્યાં વ્યોમે ચુએ!
રખે સૂરજનો દેશ તું ખુએ,
રખે રહે તું તિમિર-ડૂબેલો !

ચાલ ધરાનાં બંધન તોડી,
સુખ દુઃખની કથા લે ઓઢી,
સત્વર તારી છોડને હોડી,
સંઘ ગયો તું રહ્યો અકેલો !

પ્રાચીનાં નયનો જો ખૂલે,
પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે,
પનઘટ પર જામ્યો છે મેળો !

– ‘સ્નેહરશ્મિ’

મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

આપણ સૌની વ્હાલી માતૃભાષાનો મહિમા ગાતી આ કવિતાનું નવું જ સ્વરાંકન આપણા સૌના લાડીલા ગાયક-સ્વરકાર આલાપ દેસાઈએ શ્રી ઉમાશંકર જોષીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે રજૂ કર્યું!
આ સ્વરાંકન વિષેની  વિગત  આલાપ ભાઈના જ શબ્દોમાં – “હું હંમેશા નવી જૂની કવિતાઓ શોધતો જ હોઉં છું, સ્વરાંકન કરવા માટે. એમાં એક દિવસ, બનતા સુધી 2012માં મારા હાથમાં આ સુંદર કવિતા આવી! શ્રી ઉમાશંકર જોષીજીની – સદા સૌમ્ય શી! ગુજરાતી ભાષા, અને એ કેવી ઉજળી ને સૌમ્ય છે એ વાચીને લગભગ મગજમાં જ compose થવા માંડી. હું મૂળ તબલાવાદક એટલે તાલનું મહત્વ સમજાઈ જાય. એમ 5/8 એટલે ઝપતાલમાં compose કરી, compose થતી ગઈ એમ થયું કે ગુજરાતીમાં સરસ ગાતા હોય  એવા ગાયકોનો પણ સમાવેશ કરવો. એમ કરતાં, પ્રહર, ગાર્ગી અને હિમાલયનો સાથ મળ્યો. Musical arrangement માં થોડો અત્યારના સંગીતનો રંગ છાંટ્યો – Live માં માત્ર મેં તબલા જ વગાડ્યા. દરેક ગાયકે જુદી જુદી જગ્યાએથી રેકોર્ડ કરીને મોકલ્યું અને મુંબઈમાં mixing થયું. આમ હંમેશા કૈંક જૂદું પણ સરસ કરવાની ઈચ્છા ફળીભૂત થઇ, ને આ બન્યું આ ગીત!” – આલાપ દેસાઈ
તો માણો આ તાજું જ સ્વરાંકન!

આ પહેલા અમર ભટ્ટના સ્વર – સ્વરાંકન સાથે ટહુકો પર ગૂંજતુ થયેલું આ માતૃભાષાના ગૌરવનું કાવ્ય – આજે સ્વરકાર શ્રી રવિન નાયકના સ્વરાંકન અને રેમપની વૃંદના ગાન સાથે ફરી એકવાર માણીએ…

માતૃભાષા દિવસે જ નહી… પણ હંમેશ માટે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવીએ.

*********************
Previously posted on May 2, 2013:

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

ચાલને વાદળ થઈએ – ધ્રુવ ભટ્ટ

નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે.

સ્વર : શબનમ વીરમણી ,અનીશા બાયડ ,અનુશ્રી ગોરીવાલ,રીત્વિક ખુશુ ,મલ્લિકા જોશી ,શ્રીપર્ણા મિત્રા ,સ્વગત શિવકુમાર ,તાનિયા રેડ્ડી

.

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

– ધ્રુવ ભટ્ટ

ફરજિયાત ગાતા-ગાતાં વાંચવું પડે એવું ગીત.

લક્કડબજારમાં લાગી આગ – સિતાંશુ યશશ્ચંદ્ર

લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.

શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.

મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.

અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. (લાતી = કોઠી)

એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.

પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.

પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.

સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.

બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?

કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.

ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.

ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.

બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.

નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.

બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.

અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.

– સિતાંશુ યશશ્ચંદ્ર