લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)
રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)
સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!
ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).
ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!
.
_________________________________ Posted on August 16th, 2009
ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…
અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..
અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.
પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)
.
—————————
Posted on April 3, 2007
ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)
ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.
( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )
આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.
પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.
ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.
બે વર્ષ પહેલા આપેલું આ દિવાળી બોનસ – આજે ફરીથી આપું તો વાંધો નથી ને? અરે !! એ જ ગીત પાછું આપીને હું કંઇ છટકવાની વાત નથી કરી રહી… ૨ વર્ષ પહેલા લતા મંગેશકર અને પ્રફૂલ દવેના અલગ અલગ સ્વરમાં સંભળાવેલું આ કૃષ્ણગીત – આજે ઇસ્માઇલ વાલેરા અને ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ફરીથી એકવાર… અને નીચે લખેલી પ્રસ્તાવના પણ આજે તો એટલી સરસ લાગુ પડે છે કે એને પણ બદલવાની જરૂર નહીં પડે…! 🙂
આપ સૌને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (સાલ મુબારક કરવા માટે કાલે પાછા મળશું, હોં ને? )
સ્વર : ઐશ્વર્યા મજમુદાર
.
સ્વર : ઇસ્માઇલ વાલેરા
.
——————————————————-
Posted on November 8, 2007 (દિવાળી)
અચાનક કંઈક અણધાર્યો લાભ મળે ત્યારે હું ઘણીવાર એને ‘વગર દિવાળીનું બોનસ’ કહું છુ. તો આ દિવાળી આવી ત્યારે ટહુકોના મિત્રોને ‘દિવાળીનું બોનસ’ ના આપું એ ચાલે ?
કાલે નવું વર્ષ છે, એટલે નવા વર્ષની ભેટ તરીકે તો કંઇક લાવીશ.. ( મને હમણા સુધી કંઇ વિચાર આવ્યો નથી, પણ ૨૪ કલાકમાં કંઇક તો મળી જ જશે). પણ આજે દિવાળીના દિવસે આ મારુ ઘણું જ ગમતું કૃષ્ણગીત…!! લતા મંગેશકર અને પ્રફૂલ દવે ના અવાજમાં….
આજે ૧૧ ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય – ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું – ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!
અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )
અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.
કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!