Category Archives: ગઝલ

ક્ષમા કરી દે ! – શૂન્ય પાલનપુરી

તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતંનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

તારી ને મારી વાત – રમેશ પારેખ

chandani

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

સાદ કર – ચંદ્રકાન્ત શેઠ

એ જ તારામાં હશે, તું સાદ કર;
ખીણ તેથી શું? શિખરને સાદ કર.

જિંદગી ખારા જળે ખોવાય ના,
ક્યાંક તારો મેહૂલો, ત્યાં સાદ કર.

આટલા અંધારમાં પણ એ જડે,
એક દીવા જેમ તું ય સાદ કર.

ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.

એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરે ડાળ પરથી સાદ કર.

આટલામાં ક્યાંય એ રહે છે ખરો !
બારીએ ડોકાય એવો સાદ કર.

પોતિકું જે, સહેજમાં પામી લિયે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.

તારી સુવાસ – હરીન્દ્ર દવે

flower.jpg

( Photo by : Manoj Govindan )

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા ?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

સમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં ?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

વરસાદ જેવું છે કશુંક – ઉર્વીશ વસાવડા

peacock

જો અષાઢી સાદ જેવુ છે કશુંક
આભમાં ઉન્માદ જેવું છે કશુંક

યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક

હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક

મોર ટહુકા સાંભળી લે તું ગગન
છે ધરા પર દાદ જેવુ છે કશુંક

સીમમાં આવી હવા કહી ગઇ મને
ગામમાં વરસાદ જેવું છે કશુંક

આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે – શૂન્ય પાલનપુરી

boat

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

ચોટ ગોઝારી – અમૃત ‘ઘાયલ’

મોરપિચ્છ પર ઘણા વખત પહેલા ફક્ત 4 શેર સાથે મુકેલી ગઝલ, આજે પૂર્ણ સ્વરૂપે.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

એકવાર સાંભળો અને તરત જ ગમી જાય, અને પછી વારંવાર બસ સાંભળ્યા જ કરવાનું મન થાય એવી સુંદર ગઝલ.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

તથ્ય હોવું જોઇએ – કવિ રાવલ

51818_wallpaper280

આ સમૂહમાં કૈંક તો વૈવિધ્ય હોવું જોઇએ
માત્ર કિસ્સા નહિ કથામાં તથ્ય હોવું જોઇએ.

અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં
ધ્યાન ખેંચે તેવું તેમાં મધ્ય હોવું જોઇએ.

નાટ્ય, સંવાદો, કથાનક – કેટલું કંઇ છે છતાં
એમ લાગે છે કે થોડુંક પદ્ય હોવું જોઇએ.

લીંબડાનાં પાન કડવાં – ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઇએ.

ચાંદ, તારા, સૂર્ય ને આકાશગંગાઓ બધી
વિશ્વ વર્તુળની પરે – કંઇ ભવ્ય હોવું જોઇએ.

( કવિ રાવલની બીજી ગઝલો વાંચો : લયસ્તરો પર )

આપણું હોવું હેંગઓવર જેવું – અદમ ટંકારવી

શ્વાસનું ચાલવું ચેટર જેવું
આપણું હોવું હેંગઓવર જેવું

આ ખીજાવું ને રીઝાવું તારું
લાગે ઇંગ્લેંડના વેધર જેવું

એક એક પળ અહીં સ્કેરી છે
વિશ્વ આખું છે હોરર જેવું

પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું
રૂસણું તારું ઇરેઝર જેવું

કોઇનું કોન્સલેશન છે અદમ
ક્રોકોડાઇલના ટીઅર જેવું