Category Archives: ગઝલ

જન્મદિન મુબારક હો, જયશ્રી…!

વ્હાલી જયશ્રી, જન્મદિન મુબારક હો…!!       

જન્મદિનની મબલખ મબલખ શુભકામનાઓનો આ સરપ્રાઈઝ ટહુકો આજે વિવેક અને મારા તરફથી !

દૂધો નહાવ… પૂતો ફલો…અને પૂતી પણ ફલો…!! ઉફ્ફ… સોરી યાર, શું કરું?!!! આ એક જ આશિર્વાદ પર કેદાડની મારી પીન ચોંટી ગઈ છે!! 🙂 ચાલ, હવે ફરી શરૂ કરું…

તારા હર સપનાને હકીકતની પાંખો ફૂટે અને તારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમ જ તું હંમેશા નવા નવા સોપાનો સર કરતી રહે… તથા જીવનમાં ખૂબ જ ખુશી, પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ ટહુકતી રહે અને બીજાને પણ ટહુકાવતી રહે એવી તને અમારા બંનેની સહકુટુંબ અંતરની ખૂબ ખૂબ શુભ શુભ શુભેચ્છાઓ…!!

સૌ પ્રથમ આ એક અંગ્રેજી કાવ્ય ખાસ તારા માટે… (મૂળ કાવ્યને બદલીને તારા માટે customize કર્યું છે… જેના માટે અંગ્રેજી કવિ Karl Fuchs ની માફી માંગુ છું!)

Once a year we get the chance
To wish you birthday cheer.
It pleases us no end to say,
we wish you another great year.

So happy birthday to you Jayshree,
From the bottom of our hearts.
And may your good times multiply,
Till they’re flying off the chart!

વિવેક તો એની ગઝલમાં કહે છે કે શબ્દના રસ્તે અમને મળતી રહે, પણ મારું તો તને ખાસ કહેવું છે કે માત્ર શબ્દના જ નહીં પણ કોંક્રીટનાં રસ્તે પણ ક્યારેક તો મળતી રહે દોસ્ત…!

jayshree_bday.jpg

શબ્દના રસ્તે મને મળતી રહે,
સ્વપ્નની અડફેટમાં ચડતી રહે.

દૂર મૃગજળ સમ ભલે સરતી રહે,
પણ સદા દૃષ્ટિ તું ભીંજવતી રહે

હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.

છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો…
અંકમાં રાખી મને વહતી રહે.

-વિવેક મનહર ટેલર

તારી અમૂલ્ય મિત્રતા માટે ખૂબ ખૂબ આભાર દોસ્ત !!

સસ્નેહ… વિવેક, ઊર્મિ અને અમારા પરિવાર

સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી – અમિત ત્રિવેદી

એ ભલે લાંબા સમયથી બંધ હો પણ આખરે,
એક પગરવ માત્ર પગરવ બારણાં ખોલી જશે

સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી
તું દરિયામાં ડૂબતો માણસ બચાવી પણ શકે

હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

મારા માટેની બધાની લાગણીને જાણવા
એક પળ મૃત્યુ પછીની જીવવા તું આપજે

ગઝલ – કિરીટ ગોસ્વામી

મન, તને ક્યાં જાણ છે?
ખોખલા ખેંચાણ છે

લોક પરમેશ્વર ગણે,
હું કહું છું ઃ પ્હાણ છે.

છીછરાં તું ના સમજ, 
આંસુમાં ઊંડાણ છે.

ઠેસ તો વાગી મને;
કો’ક લોહીઝાણ છે.

તું ખસી ગઇ એકાએક;
ચિત્ર મુજ નિષ્પ્રાણ છે.

પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ? – જિગર જોષી “પ્રેમ”

પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?
 
આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે “પ્રેમ”નૉ,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.

– જિગર જોષી “પ્રેમ”

છીપલું મોતી ધરી – અમિત ત્રિવેદી

 

વાત દરિયાની કરી છલકાય છે,
છીપલું મોતી ધરી મલકાય છે.

ભીતરે તોફાન ઉઠે તે છતાં,
મૌન ખામોશી બની અકળાય છે.

વાત દરિયો શું કરીને જાય છે,
ચાંદ તો ડૂબી જવા લલચાય છે.

ભીતરે શું? જાણવા રેતી બની,
ઝાંઝવાની હોડમાં ખડકાય છે.

આમ દરિયો કેમ ઘૂઘવતો હશે?
એ વળી શું જોઇને અકળાય છે?

 

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું – ડો.મહેશ રાવલ

ડૉ. મહેશ રાવલની ગઝલો આપણે એમના બ્લોગ પર તો માણીએ જ છીએ કાયમ, અને હવે તો એમની ગઝલો એમના જ અવાજમાં – તરન્નુમ સાથે સાંભળવા મળે છે.

તો આજે અહીં એમના સ્વર-શબ્દની મજા લઇએ..

 

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ, કમલમાં હતું !
 
શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું, દરઅસલમાં હતું !
 
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું !
 
કોણ કે’છે મુકદર બદલતું નથી ?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !
 
છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
ને હવે, આંસુઓની શકલમાં હતું !
 
ફેર શું હોય છે, રૂપ નેં ધૂપમાં ?
બેઉ, અડધે સુધી હર મજલમાં હતું !
 
-ડો.મહેશ રાવલ

——————-

અને હા, ડૉ. મહેશ રાવલ સાથે એક સાંજ નો લ્હાવો લેવો છે? its just a click away.. 🙂

 

સાંભળ્યું છે કે.. – સુધીર પટેલ

સાંભળ્યું છે કે હજી એ સાંભળે છે
ભેદ ખોટા ને ખરાનો પણ કળે છે

સાંભળ્યું છે આ ગલીથી નીકળે છે
રાહ જોનારાઓને કાયમ મળે છે

સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ
આમ જુઓ તો બધે એ ઝળહળે છે

સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ
પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે

સાંભળ્યું છે વજ્ર થી પણ છે કઠણ એ
જાત સળગે મીણ જેવું પીગળે છે

સાંભળ્યું છે કે છે નિરાકાર ‘સુધીર’
તો ય ધારો એ રૂપે તમને ફળે છે

 

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું – ડૉ. જગદીપ નાણાવટી

આજની આ ગઝલની પૂરેપુરી credit ડૉ. જગદીપ નાણાવટીને.. શબ્દો, સ્વર, સંગીત… બધું જ એમનું. (સંગીત માટે એમણે કિશોરકુમારનું ઘણું જ જાણીતુ ગીત – આ ચલ કે તુઝે.. નો ટ્રેક વાપર્યો છે.)

.

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું

પથ્થર સરેઆમ અવતાર થઈ જાય ! – સુનીલ શાહ

 

નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

ઉઝરડાય  ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,
બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં – રાજેન્દ્ર શુક્લ

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ ખૂબ જ સુંદર ગઝલ – એટલા જ મધુરા સ્વર-સંગીત સાથે

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી

.

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુક્લ

——————————-

બંસરી યોગેન્દ્રનો પરીચય…..

પ્રથમ બ્રોડકાસ્ટ કાર્યક્રમ- ચાર વર્ષ ની વયે આકાશવાણી દિલ્હી બાલસભામા.

હાલ આકાશવાણી અને દુરદર્શન ગ્રેઙ A કલાકાર
ભારત ના મૂખ્ય શહેરો અને USA, Belgium, Australia, Newzealand વગેરે મા સુગમ સંગીત Concerts.

Professor of Psychology in G.L.S.Arts college AHMEDABAD.

હાલ મા L.A. ( California ) અને Toronto ( Canada ) ની મુલાકાતે…..Contact No. 001-310-357-1859
——————————-

આ ગઝલ અને ‘રાજેન્દ્ર શુક્લ’ નામના દરિયાના બીજા કેટલાય મોતી તમને – www.rajendrashukla.com પર મળી રહેશે.