Category Archives: ગઝલ

અહીં સંત જનમ્યા હતા પારણે પારણે – અશરફ ડબાવાલા

હું તો મારી તરસ લઇને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે,
એની ફરિયાદે ક્યાં જઇને કરવી હવે, એનાં ગીતો બધે માંડવે માંડવે.

મારા જીવતરની ચાદર મેં વેચી દીધી, મૃત્યુ પાણીના ભાવે જ લઇને ગયું;
શ્વાસે શ્વાસે વણી’તી મેં ચાદર અને ભાત પાડી હતી તાંતણે તાંતણે.

એક આકાર આપીને જંપ્યો નહિ, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો;
ખૂબ વલખાં મેં માર્યાં છટકવાનાં તોય મને ઘડતો રહ્યો ટાંકણે ટાંકણે.

આવી ઘટનાને અવસર પણ કહેવો કે નહિ એની અટકળમાં રાત પછી ઢળતી રહી;
મને સપનાની ડાળથી તોડી હવે એણે શણગાર્યો છે પાંપણે પાંપણે.

તેં જ સગપણ ને ઇચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા;
તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જનમ્યા હતા પારણે પારણે.

– અશરફ ડબાવાલા

માનવ ન થઇ શક્યો – આદિલ મન્સૂરી

(છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ………..  Photo: Images.com)

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં – અનિલ જોશી

(ઊડતું ઝીણું પતંગિયું… California Academy of Sciences, San Francisco)

* * * * *

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

એના જીવનમાં હોય નહીં કોઇ તાજગી,
રસ્તામાં ચાલતાં જે પડે-આખડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

– અનિલ જોશી

ચાલ્યો જવાનો સાવ – મનોજ ખંડેરિયા

૨૭મી ઓક્ટોબર – વ્હાલા કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની પુણ્યતિથિ. ૬ વર્ષ પહેલા અચાનક જ આપણી વચ્ચેથી એમણે ભલે વિદાય લીધી એમ કહેવાય – પણ મનોજ ખંડેરિયા આમ જુઓ તો ક્યાંય નથી ગયા…

અને હા, આજે ૩૧ ઓક્ટોબર – સરદાર જયંતિ..!! એમને આપણા સંપૂર્ણ ટહુકો પરિવાર તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

* * * * *

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઇ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આપણું મળવાનું ક્યાં સંભવ હવે – હિતેન આનંદપરા

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

માણેકચોકમાં – આદિલ મન્સૂરી

અમદાવાદનું ઘણું જ જાણીતું સ્થળ.. માણેકચોક..! એના વિષે અમદાવાદના જ ગઝલકાર સ્વ. શ્રી આદિલ મન્સૂરીએ લખેલી ગઝલ – એમના પોતાના અવાજમાં.

(માણેકચોકમાં………….. )

* * * * *

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં

સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં

પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં

ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં

જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં

એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં

નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં

અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં

કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં

રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં

ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં

ગમે છે ! – કરસનદાસ માણેક

(ખરાબા ને ખડક વચ્ચે થઇને વહેવું ગમે છે !….. View of Nevada Falls – from the top.. !  April 09)

હજું વરસાદભીની ધરતીની ખુશ્‍બુ ગમે છે,
રહેમત છે ખુદાની, જીવતો છું, તું મને ગમે છે !

ગમે બુઢ્ઢા સમુદ્રોને જીગર ભરતી અજંપો,
શરદની ચાંદની, ને દિલતણું ઝુરવું ગમે છે !

હિમાચ્છાદિત શિખર-સંઘોનો સંગાથી બનીને
ધરાતલ પર ઉતરવા વાયુનું વે’વું ગમે છે !

અને મૃતઃપાય – સર્જનમાં નવા ચેતન કણોને
સ્ફુરાવન્તી એ વાસંતી તણું ગાણું ગમે છે !

અનાદિ કાળથી વરસ્યાં રણોના અંતરંગે,
મને ગ્રીષ્‍મો તણી બજરંગ-હસતી લૂ ગમે છે !

ચહું નવ મુકિત, ઓ માલિક, મને તો તારી સંગ
ગમે છે જન્મ ને જીવન, અને મૃત્યુ ગમે છે !

નથી ગમતું ઘણું પણ કૈંક તો એવું ગમે છે
બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે !

છે ચારેકોર માનવસરજી નકરી મુશ્કિલાતો
પરંતુ કૈંક છે જેથી, એ સૌ સહેવું ગમે છે !

છે મેલાં મહાજનો ને મોવડીઓ છે સડેલા
હું જાણું છું છતાં સંસારમાં રે’વું ગમે છે !

છે એક એક કદમે મોત મારગમાં ઉભેલું,
અને તોયે સદાયે ચાલતા રહેવું ગમે છે !

છે બંધનો કાનૂનોના અંધ અન્યાયી ઘણાયે
છતાં આઝાદ વાયુ છે, અને વહેવું ગમે છે !

આ કિશ્તી ઔર છે, જેની તુફાની પ્રેરણા છે
ખરાબા ને ખડક વચ્ચે થઇને વહેવું ગમે છે !

ક્ષિ‍તિજ પર છે અણુંબોંબો ને માથે મુફલીસી છે
છતાં ઇન્સાનના ચહેરા ઉપરનું રૂ ગમે છે.

હું જેવું માગું છું તેવું કશુયે છે નહિ ત્યાં
પરંતુ તેથી તો જીવવું જ ઉલ્ટાનું ગમે છે !

ખુદાતાલાની ખલ્ક્ત છે કે છે કોઇ બીજાની
એ જોવા કાજ પણ આખર સુધી રહેવું ગમે છે !

ઘડીક વરસાદ ભીની ને ઘડીક સોણીવભીની
મને હર હાલમાં ધરતી તણી ખુશ્બુ ગમે છે !

બની જશે – મરીઝ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

– મરીઝ

————
અને હા, આજે શમ્મી કપૂરને પણ યાદ કરીને Happy Birthday કહીએ ને ? 🙂

પહાડ અને નદી – જયંત પાઠક

પ્રકૃતિના કવિ શ્રી જયંત પાઠકને ૨૦ ઓક્ટોબર – એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. સાથે માણો એમની કુદરતની નજીક લઇ જતી આ ગઝલ…


(Upper Yosemite Falls, Yosemite National Park, CA – April 09)

* * * * *

ઉપરથી ભીંજાયો અને ભીતરથી પીગળ્યો
પથ્થરનો પ્હાડ એમ નદી થઇને નીકળ્યો

તરવું ને તણાવુંના હવે ભેદ કયાં રહ્યાં:
ખુદ વ્હેણમાં જ વ્હેણ થઈ આપુડો ભળ્યો !

રેતીમાં રમો કે રમો જલના તરંગમાં
બે તટ વચાળ છો હજી, દરિયો નથી મળ્યો

મળશે જ એ તને જરૂર- શી રીતે કહું?
કયારેક નદીનેય સમુંદર નથી મળ્યો

તપમાં ખડો રહું કે વહું એની શોધમાં‍
ઉભેલ એક પ્હાડ વિમાસે બળ્યોઝળ્યો

મારી તરસ પીને નદી છલકાઈ છલોછલ
કોઈ વિરહનો શાપ યે આવો નથી ફળ્યો!

– જયંત પાઠક

(આભાર : પ્રભાતના પુષ્પો)

અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ

થોડા વખત પહેલા ટહુકો પર મુકેલી રમેશ પારેખની આ ગઝલ, આજે આશિત-હેમા દેસાઇના યુગલ સ્વરમાં ફરીથી એકવાર… અને આશિતભાઇએ એવી સરસ રીતે સંગીતબધ્ધ કરી છે કે રમેશ પારેખના શબ્દોનો જાદુ પળવારમાં બેવડાઇ જશે.. અરે ! સાચ્ચુ કહું છુ… એકવાર નીચેના પ્લેયર પર ક્લિક તો કરો..!! 🙂

( જડભરત ??    ……… Photo : Internet)

* * * * * * *

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ
આલબ્મ – ગઝલ રેશમી

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે