ગમે છે ! – કરસનદાસ માણેક

(ખરાબા ને ખડક વચ્ચે થઇને વહેવું ગમે છે !….. View of Nevada Falls – from the top.. !  April 09)

હજું વરસાદભીની ધરતીની ખુશ્‍બુ ગમે છે,
રહેમત છે ખુદાની, જીવતો છું, તું મને ગમે છે !

ગમે બુઢ્ઢા સમુદ્રોને જીગર ભરતી અજંપો,
શરદની ચાંદની, ને દિલતણું ઝુરવું ગમે છે !

હિમાચ્છાદિત શિખર-સંઘોનો સંગાથી બનીને
ધરાતલ પર ઉતરવા વાયુનું વે’વું ગમે છે !

અને મૃતઃપાય – સર્જનમાં નવા ચેતન કણોને
સ્ફુરાવન્તી એ વાસંતી તણું ગાણું ગમે છે !

અનાદિ કાળથી વરસ્યાં રણોના અંતરંગે,
મને ગ્રીષ્‍મો તણી બજરંગ-હસતી લૂ ગમે છે !

ચહું નવ મુકિત, ઓ માલિક, મને તો તારી સંગ
ગમે છે જન્મ ને જીવન, અને મૃત્યુ ગમે છે !

નથી ગમતું ઘણું પણ કૈંક તો એવું ગમે છે
બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે !

છે ચારેકોર માનવસરજી નકરી મુશ્કિલાતો
પરંતુ કૈંક છે જેથી, એ સૌ સહેવું ગમે છે !

છે મેલાં મહાજનો ને મોવડીઓ છે સડેલા
હું જાણું છું છતાં સંસારમાં રે’વું ગમે છે !

છે એક એક કદમે મોત મારગમાં ઉભેલું,
અને તોયે સદાયે ચાલતા રહેવું ગમે છે !

છે બંધનો કાનૂનોના અંધ અન્યાયી ઘણાયે
છતાં આઝાદ વાયુ છે, અને વહેવું ગમે છે !

આ કિશ્તી ઔર છે, જેની તુફાની પ્રેરણા છે
ખરાબા ને ખડક વચ્ચે થઇને વહેવું ગમે છે !

ક્ષિ‍તિજ પર છે અણુંબોંબો ને માથે મુફલીસી છે
છતાં ઇન્સાનના ચહેરા ઉપરનું રૂ ગમે છે.

હું જેવું માગું છું તેવું કશુયે છે નહિ ત્યાં
પરંતુ તેથી તો જીવવું જ ઉલ્ટાનું ગમે છે !

ખુદાતાલાની ખલ્ક્ત છે કે છે કોઇ બીજાની
એ જોવા કાજ પણ આખર સુધી રહેવું ગમે છે !

ઘડીક વરસાદ ભીની ને ઘડીક સોણીવભીની
મને હર હાલમાં ધરતી તણી ખુશ્બુ ગમે છે !

5 replies on “ગમે છે ! – કરસનદાસ માણેક”

  1. બહુજ સરસ અને હ્રદયસ્પર્શી ગઝલ. આ ગઝલ આજની દુનિયાનો હુબહુ ચિતાર આપી જાય ચે. માનવીએ દુનિયાને એટલી બદલી નાખી ચે જેનો સાર ગઝલની આ બે લાઈનોમા આવી જાય ચે
    ‘ખુદાતાલાની ખલ્કત ચે કે ચે કોઈ બીજાની
    એ જોવા કાજ પણ આખર સુધી રહેવુ ગમે ચે !

  2. ખુદાતાલાની ખલ્ક્ત છે કે છે કોઇ બીજાની
    એ જોવા કાજ પણ આખર સુધી રહેવું ગમે છે !
    ક્યાં બાત હૈ..વાહ્
    સપના

  3. છે એક એક ક્દમે મોત મારગમા ઉભેલુ અને તોયે સદા ય ચાલતા ર્ર્હેવુ ગમે,
    સચોટ ઉતરી જાય એવી વાત છે…
    કવિશ્રીની એક રચના “મને એ જ સમજાતુ નથી કે આવુ શાને થાય છે કે ફુલડાં ડુબી જાય છે અને પત્થરો તરી જાય છે” યાદ આવી ગઈ, આપનો આભાર.

  4. Jayshreeben, wonderful gazal. I am a fan of yours and I everyday read all your peoms and gazals, Garba and everything. It’s really excellent. Pl keep itup. We enjoy the Gujarati literature eventhough we are far away from Gujarat and culture. Thank you very much for all this

    Pravin Thakkar
    Houston, USA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *