Category Archives: ગઝલ

સામાય ધસી જઈએ – રાજેન્દ્ર શુકલ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

.

સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

ગંભીર છો કે game કરો છો? – ડૉ.મનોજ જોશી ‘મન’

સાચું કહેજો,ગંભીર છો કે game કરો છો ?
બારી છોડી પડદાને કાં પ્રેમ કરો છો !

ખુદની ફરતે રેશમ વીંટે રેશમ-કીડો,
તમે એ કરતબ અદ્દલ એની જેમ કરો છો.

ડગલે-પગલે તમે કરો છો જે કંઇ વર્તન,
બીજા કરે તો તરત પુછો છો, “કેમ કરો છો?”

ક્ષણમાં ઓગળવાની ક્યાંથી વાત કરું હું ?
તમે ક્ષણોને click કરો છો, frame કરો છો !

એક પુરાવો આપો તો પણ માની લઈશું,
માણસ હોવાનો સદીઓથી claim કરો છો !

– ડૉ.મનોજ જોશી “મન”
(જામનગર)

એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

(આભાર – લયસ્તરો)

મનોજ પર્વ ૨૩ : હાથમાં કારોબાર રાખ્યો તેં

કવિ શ્રી મનોજ ખંડેરિયાની ખૂબ જ મઝાની અને જાણીતી ગઝલ – સાંભળીએ અને માણીએ એની રજૂઆત અચલ અંજારિયાના સ્વરમાં. બે વર્ષ પહેલા – માતુદિનના દિવસે ટહુકો ફાઉન્ડેશન તરફથી અમર ગુર્જરી કાર્યક્રમ કર્યો હતો – એમાં અચલભાઇએ કરેલી રજૂઆતનું રેકોર્ડિંગ!

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

(ગાયક સ્વરકાર શ્રી શ્યાલમ મુન્શીના સ્વરમાં રજૂઆત અને કવિ શ્રી મનોજ ખંડેરિયાના પોતાના અવાજમાં આ ગઝલનું પઠન સાંભળવા અહીં ક્લિક કરો – https://tahuko.com/?p=769)

મનોજ પર્વ ૨૨ : ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

hqdefaultકવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા ના જન્મદિવસે જુલાઇ ૬ ના દિવસે – ટહુકો પર ૨૦૦૯ થી શરૂ કરેલા મનોજ પર્વને આગળ વધારીએ! અને આ વર્ષના મનોજ પર્વની શરૂઆત કરીએ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલા આ તદ્દન તરોતાજા સ્વરાંકન સાથે. ઘણા સમયથી અમરભાઇના મનમાં રમતી આ ગઝલનું સ્વરાંકન આજે જ – કવિ શ્રી ના જન્મદિવસે જ – એમણે પૂરુ કર્યું છે – અને દિવસ પૂરો થાય એ પહેલા ટહુકોના સૌ મિત્રો સાથે વહેંચવા માટે એમની પાસેથી પરવાનગી મળી ગઇ છે 🙂

જો કે આ એકદમ rough recording છે… એટલે સ્ટુડિયો જેવી sound quality નથી. પણ મને ખાત્રી છે કે સૌ મિત્રોને આ oven freshness સાથે આવેલા રેકોર્ડિંગમાં એટલી જ મઝા આવશે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

ભલા માણસ – હેમાંગ જોષી

હાર યા જીત છે ભલા માણસ,
એ જ તો બીક છે ભલા માણસ

જો, કશે દ્વાર પણ હશે એમાં,
છોડ, એ ભીંત છે ભલા માણસ

કોઈ કારણ વગર ગમે કોઈ,
એ જ તો પ્રીત છે ભલા માણસ

ફક્ત છે લેણદેણનો સંબંધ,
નામ તો ઠીક છે ભલા માણસ

વાર તો લાગશેને કળ વળતાં,
કાળની ઢીંક છે ભલા માણસ

માત્ર તારો વિચાર કરતો રે’,
આ તે કૈં રીત છે ભલા માણસ ?

જે રીતે વરસાદ આવી જાય છે ! – ભરત વિંઝુડા

કાં અચાનક યાદ આવી જાય છે,
જે રીતે વરસાદ આવી જાય છે !

હાથમાં ફૂલો છે એનું શું કરું,
હોઠ પર ફરિયાદ આવી જાય છે !

કંઈ કહેવાનું નહોતું શેરમાં,
એમનું ઈર્શાદ આવી જાય છે !

શોધવા જાઓ ને જે જડતા નથી,
શબ્દમાં આબાદ આવી જાય છે !

હોઉં છું હું ત્યાં સુધી હોતા નથી,
જાઉં છું ને બાદ આવી જાય છે !

– ભરત વિંઝુડા

સતત ઘટમાળમાં જીવાય છે, સાલું ! – મહેશ દાવડકર

સતત ઘટમાળમાં જીવાય છે, સાલું !
કહો કે કેટલું સમજાય છે, સાલું ?

આ હોવું તો છે ચકચકતી છરી જેવું,
એ જ્યારે ત્યારે વાગી જાય છે સાલું !

અચાનક ગાડી ઉતરી જાય પાટેથી,
કે જીવતરમાંયે એવું થાય છે સાલું !

નજરને સ્હેજ બદલી નાંખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે સાલું !

પથારી બાણ–શૈયા જેવી થઈ ગઈ છે,
નીરાંતે ક્યાં હવે ઉંઘાય છે સાલું !

નયન અંજાય એવાં બારી ઝળહળથી,
જે છે એવું તો ક્યાં દેખાય છે સાલું !

બળાપો જીંદગીનો ઠાલવું છું, દોસ્ત !
કે આવું એથી તો બોલાય છે, સાલું !

– મહેશ દાવડકર

તો એમને તકલીફ થઇ ! – ડૉ.મહેશ રાવલ

અટક્યાવગર આગળ વધ્યા તો એમને તકલીફ થઇ
સંજોગ સાથે બાખડ્યા તો એમને તકલીફ થઇ !

પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઇ ઊભા થયા બે-ખોફ, ‘ને
ઉત્તર બધા ટાંચા પડ્યા તો એમને તકલીફ થઇ

ઘટના જૂની ભૂલી જવાની હોય, એ ભૂલાઇ નહીં
બે-ત્રણ પુરાવા પણ મળ્યા તો એમને તકલીફ થઇ

પડઘાવગરનાં સાદ બહુ કાને નથી પડતાં, છતાં
એ કાન દઇને સાંભળ્યા તો એમને તકલીફ થઇ !

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ

અંધારપટને ખાળવા સાહસ કર્યું આખા ઘરે
‘ને ટોડલે દીવા બળ્યા તો એમને તકલીફ થઇ !

સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !

– ડૉ.મહેશ રાવલ

પ્રભાતિયું… – રમેશ પારેખ

સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!

પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું

પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું

માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું

પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું

ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.

– રમેશ પારેખ