Category Archives: મુકેશ જોષી

સૂરજ ઈન્કમટૅકસ ભરે છે – મુકેશ જોષી

સોનેરી કિરણોની મબલક મિલકત ..... Carmel by the Sea, CA - April 2010

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સુરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે
આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી
મિલક્ત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

વરસાદી ગઝલ – મુકેશ જોષી

કહેતાતાને વાતે વાતે
ચલો પલળવા મારી સાથે

તમને મારી સાથે જોઇ
શહેર સળગશે ભર વરસાદે

ખાલી ાઆ વરસાદ નથી હો
ઇશ્વર હાથ મૂકે છે માથે

બીજાને મે કહેણ મોકલ્યાં
તમને કહેવા આવ્યો જાતે

પવન સૂકવશે કેશ તમારા
નહી તો એ પણ મારા માથે

– મુકેશ જોષી

…કે વરસાદ પડે છે – મુકેશ જોષી

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા...  Photo: Townhall.Com
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા... Photo: Townhall.Com

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

– મુકેશ જોષી

( આભાર – Webમહેફિલ.કોમ)

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
બેઉ જણ માટે પૂજારી જોઇએ

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાં ય બારી જોઇએ

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
દિકરા જેવો મદારી જોઇએ

એ અગાસીમાં સૂતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.

– મુકેશ જોષી

તો તુ શું કરીશ ? – મુકેશ જોષી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

– મુકેશ જોષી

અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો – મુકેશ જોષી

મુકેશભાઇનો આ કાગળ (એટલે કે કવિતા..) પહેલીવાર આશિત દેસાઇના કંઠે સાંભળેલો..! ગયા વર્ષે જ્યારે આશિતભાઇ-હેમાબેન-આલાપ અહીં બે-એરિયામાં હતા ત્યારે દર્શનાબેનના ઘરે એમને રૂબરૂ સાંભળવાનો મોકો મળેલો.. ત્યારે એમણે આ ગીત ખૂબ મઝાના સ્વરાંકન સાથે રજૂ કરેલું..! કોઇ આલ્બમમાં કે કશે એનું રેકોર્ડિંગ મને હજુ મળ્યું નથી, પણ મળે એટલે તરત તમારી સાથે વહેંચવા લઇ આવીશ અહી… આજે મુકેશભાઇના શબ્દોની મઝા લઇએ..! (આ ગીત પોસ્ટ કર્યાના બે જ કલાકમાં આ ગીતનો ઓડિયો મળી પણ ગયો..) કવિ કાગળ પહેલો પ્રેમપત્ર (ઇમેઇલ નહિં, હોં!!) લખવાની શરૂઆત કરે છે.. સંબોધન.. પહેલો ફકરો… બીજો ફકરો… ત્રીજો ફકરો… અને છેલ્લે લિખિતંગ..! બધામાં કવિ કેવી કેવી લાગણી અનુભવી આખરે શું લખે છે, એ વાંચવાની ખરેખર મઝા આવશે..!

સ્વર સંગીત – આશિત દેસાઇ

.

અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો

સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી
સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી
નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો

પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણી બુજીને લખી ખાલી
બીજામાં પગરણ જયાં માંડ્યા તો લજ્જાએ પાચે આંગળીઓને જાલી
કોરો કટ્ટાક મારો કગળ વહી જાય બેક લાગણીના ટીપા તરસેલો…છાનો છપનો

ત્રીજામા એમ થયુ લાવ લખી નાખીએ અહિયાં મજામાં સહુ ઠીક છે
તો અદરથી ચૂંટી ખણીને કોઇ બોલ્યુ કે સાચુ લખવામા શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની ચોકિયાત એક ત્યા ઉભેલો…છાનો છપનો

લખિતંગ લખવાની જગ્યાઅએ ઓચિંતુ આંખેથી ટપક્યુ રે બિંદુ
પળમા તો કાગળ પર માય નહી એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ
મોગરનુ ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બિડેલો. છાનો છપનો

–  મુકેશ જોષી

(આભાર – મુકેશ જોષીનો બ્લોગ)

(Audio file માટે સાક્ષરનો આભાર)

સખીપણાના અભરખા – મુકેશ જોશી

સ્વર – સંગીત : નયનેશ જાની

.

મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
હજુય થાતું તાજા તાજા ગુલાબ ઊગે સરખા.

હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
મારી આખી જન્મકુંડળી વહેતી
મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
સ્મરણો વાવી ગુલાબજળની ખેતી

તમે આંખથી વાદળ છાંટો હું ધારું કે બરખા…
મને તમારા…

નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને
સૂરજને હું કેમ કરીને ઠારું
કેટકેટલી માછલીઓ તરફડતી જીવે
આંખ વચાળે દરિયાથીયે ખારું

તમે બનો મંદિર, અહમના કાઢું હું ય પગરખા…
મને તમારા….

– મુકેશ જોશી

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ – મુકેશ જોષી

આમ તો નવરાત્રી આવવાની એટલે ચોમાસું જવાના દિવસો આવી ગયા… પણ વાત જો છોકરીના હૈયાની હોય, તો ત્યાં કંઇ ચોમાસું કેલેન્ડર જોઇને ઓછું આવે છે? 🙂

અને મુકેશભાઇની કલમ હોય પછી તો પૂછવું જ શુ? મને યાદ છે આશિત દેસાઇએ એક પ્રોગ્રામમાં એવું કહ્યું હતું કે એમને મુકેશભાઇના ગીતોનો સંગ્રહ મળ્યો અને થોડા જ દિવસમાં એમણે લગભગ બધા જ ગીતો સ્વરબધ્ધ કરી દીધા..!! એમનું પેલું બાઝી પડ્યો રે વરસાદ… અને હવે તારામાં રહું? એ ગીતો તો કોઇ સ્વરબધ્ધ કરે એની રાહ જોઇ રહી છું ક્યારની.. (મને સ્વરાંકન કરતા નથી આવડતું ને, એટલે..)

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

.

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું

છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું

ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….

તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

ઘણા વખત પહેલા ટહુકો પર મુકેલું આ ગીત – આજે અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..

(તમે જિંદગી વાંચી છે ? …. Photo from Flickr)

* * * * * * *

.

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા – મુકેશ જોશી

કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.

તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.

અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!

અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/

(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )

* * * * * * *

સ્વર – સંગીત : અનંત વ્યાસ

.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

–  મુકેશ જોશી