લગભગ 4 મહિના પહેલા ટહુકો પર આ ગઝલ રજુ કરી હતી, ત્યારે ખબર ન હતી કે બીજા પણ 4 શેર છે એમાં. આજે માણો આ સુંદર ગઝલ સંપૂર્ણ સ્વરૂપે. જો કે ગઝલ એવી સરસ છે કે ફરી ફરી વાંચવી ગમશે જ.
જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી
જોઇ લેવું આપણે, જોનારને પણ છૂટ છે
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી
ભાનભૂલી વેદનાઓ વલૂરી નાખવી
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી
જામમાં રેડાય તેને પી જવાનું હોય છે
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી
કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી
ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી
એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઇ
ફૂંક સૂરીલી અને બંસી બેસૂરી રાખવી
બાજ થઇને ઘૂમવું અંદાજની ઊંચાઇ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
————————–
* દડમજલ – અટક્યા વગરની સફર,
* ફિતૂરી – બળવાખોર,
* ઘૂરી = એકાએક વિચાર આવતાં આવતો આવેશ કે ઊભરો, એવો જુસ્સો કે ઉત્સાહ. ઉધામો, તરંગ
* તાસીર = ખાસિયત, ટેવ, સ્વભાવ