જવાહર બક્ષીની આ મઝાની ગઝલ – અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું અફલાતૂન સ્વરાંકન સાથે એમનો અને આશિત દેસાઇનો સ્વર..! વારંવાર બસ સાંભળ્યા જ કરો … સાંભળ્યા જ કરો..! એમ પણ ગુજરાતી સુગમમાં male duets અને female duets ઓછા જોવા મળે છે.
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
આલ્બમ : તારા શહેરમાં
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.
-જવાહર બક્ષી