સ્વપ્નાં વચ્ચેથી રસ્તો – જવાહર બક્ષી

આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘સ્વપ્નાં વચ્ચેથી રસ્તો’

(…..ખીણ અને ટેકરીઓ…..Lassen Volcanic National Park, California)

અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો.

સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો.

સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો.

પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો.

એ જાણે છે એનું રૂપ બધે નિખર્યું છે,
તોય નિયમ ક્યાં તોડે છે પડઘો કરવાનો.

– જવાહર બક્ષી

13 replies on “સ્વપ્નાં વચ્ચેથી રસ્તો – જવાહર બક્ષી”

  1. “અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો”.
    સરસ કાવ્ય છે.

  2. અહીં તો સ્વપ્ના વચ્ચે રસ્તો કરવાનો..
    બાકિ તો બધા ને પહોંચી વળાય પણ…
    સમ્બન્ધો અને સન્જોગો તો પડછાયા છે..
    સરસ..

  3. જવાહરભાઈના શબ્દ્ પડઘાય છે ક્ષણ ક્ષણમાં, અને મહેંકે છે મૌનમાં;… જન્મદિનની શુભેચ્છા પડઘાતી રહે-

    એ જાણે છે એનું રૂપ બધે નિખર્યું છે,
    તોય નિયમ ક્યાં તોડે છે પડઘો કરવાનો

  4. સુન્દર ……વાહ્!! રમેશ યાદ્ આવિ ગયા….
    —————-

    સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

    ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
    કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
    મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

    સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

    ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
    ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
    પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું

    સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

    – રમેશ પારેખ

  5. ગઝલ વાંચીને ખૂબ મઝા આવી. જિંદગીની ફિલોસોફી સમજાઈ ગઈ.
    સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
    પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો.
    વાહ.

  6. મકરંદભાઈનુ કાવ્ય યાદ
    આવી ગયુ.
    મુબઈ શહેરમાં કોઈ આંબો મહોરે તો એની મંજરીને મારા રામ રામ કહેજો.
    સંબંધો અને સંજોગોને
    બધા પડછાયા માનવા લાગે તોૅ કેવુ સરસ!

  7. કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

    ખૂબ જ મજાની ગઝલ… પર્યાવરણની ચિંતા કવિતાનો વિષય બની રહી છે એ ગમ્યું… એક શેર યાદ આવ્યો:

    પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,

    ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં !

  8. મંતવ્યો અને માન્યતાથી સંબંધો પણ પર નથી…
    કેટલુ સાચુ કહ્યુ છે…

    સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
    પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો.

    સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
    કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો

  9. જાજરમાન કવિ શ્રી જવાહરભાઈને જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ.
    અહીં પ્રસ્તુત સંવેદનામાં કવિએ ભીતરના ભાવને વાચા આપી સુંદર શબ્દ ચીત્ર ઉપસાવ્યું છે.
    અભિનંદન.
    અને જયશ્રીબેન,
    તમને ખાસ અભિનંદન,આજ પર્યંત કોઈ કવિના જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું “ટહુકો”કદી ભૂલ્યો નહીં હોય…..!

  10. સરસ ગઝલ. બધાજ શેર અપેક્ષા મુજબ આસ્વાદ્ય છે.

    સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
    કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો.

    મેં તો આ શેરનો પડઘો પાડીને માત્ર ટહુકાને ટહુકો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *