મુંબઇના સમાચાર પત્ર – મિડ ડે – માં ૧૮મી સપ્ટેમ્બરના દિવસે ‘સેટર ડે સ્પેશિયલ’ ના ‘અર્ઝ કિયા હૈ’ વિભાગમાં છપાયેલો આ લેખ અહીં તમારા માટે – અક્ષરસ: ..!! આશા છે કે હિતેનભાઇની કલમે ફરી હરીન્દ્ર દવેને માણવાની આપને મઝા આવશે.
સંવેદનાથી સભર-સભર સર્જક અને સજાગ રહીને અગ્રલેખોને અજવાળનાર તંત્રી સ્વ. હરીન્દ્ર દવેનો આવતી કાલે જન્મદિવસ છે. થ્રી ચિયર્સ હરીન્દ્ર દવે. તમારા શેરોથી અખબારના આ પાનાને આજે લીલુંછમ થવું છે.
બધાં દ્રશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છ મિત્રો!
હું મહેફિલમાં નથી આવ્યો ટકી રહેવાના નિશ્ચયથી
છતાં આ નિશ્ચયની વિરુધ્ધ હરીન્દ્રભાઇ અઢળક ચાહકોની સ્મૃતિમાં ધબકી રહ્યા છે. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં ‘રજકણ સૂરજ થવાને શમણે’ અને ‘રૂપલે મઠી છે સારી રાત રે સજન’ ગીત હજી રેડિયો ફ્રીક્વન્સીને તરંગિત કરે છે. ‘ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ’ ગઝલ વરસાદને ભીનાશ પહેરાવીને બાલ્કનીમાં બોલાવે છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ લોકગીત થઇ ચુક્યું છે. બીજા એક સદાબહાર ગીતને આ રીતે બિરદાવી શકાય : ‘માધવ ક્યાંક નથી મધુવનમાં’. મરણ સર્જકને છીનવી શકે, સર્જનને નહીં.
તંત્રી તરીકે જગતભરની ઘટનાઓનું અવલોકન આવા બારીક શેર તરફ કવિને દોરી જાય છે.
એવું, કશુંય ક્યાં છે, જે જીતી નથી જક્યો
ને જઇ રહ્યો છું જગથી સિકંદર થયા વિના
દરેક જણ પાસે નાની-નાની જીતનો આનંદ હોય છે. એક ડગલું આગળ જઈને મેળવેલી જીત ભલે સિકંદરની સરખામણી ન કરી શકે, પણ અરીસામાં આપણો ચહેરો જોઈને સંતોષનું એક સ્મિત તાગવા માટે પૂરતી છે. આપણા હોવાપણા માટે આ જીત એટલી જ જરૂરી છે જેટલી જરૂરી છે પ્રીત.
એ કઇ રીતે ટકે છે મને ના સમજ પડે
આ પ્રેમની ક્ષણોને તો આધાર પણ નથી
સમયના પ્રવાહમાં ટકી જતો પ્રેમ આપણને ટકાવી રાખે છે. પ્રેમમાં સત્ય અને સાતત્ય બન્ને જોઈએ. પ્રેમ આપણી સમજણ કરતાં વધારે પુખ્ત અને આપણી શ્રધ્ધા કરતાં વધારે સમૃધ્ધ હોય છે. એને ખબર છે કે રોમાંચની ગલીઓ રગદોળીને અંતે કઈ ગલીમાં પગલીઓ પાડવાની છે.
આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા
પ્રેમના હજારો રંગ છે. કોઇ રંગ રોમાંચનો તો કોઇ રંગ વિષાદનો, કોઇ રંગ મિલનનો તો કોઇ રંગ વિરહનો, કોઇ રગ સમીપનો તો કોઇ રંગ ક્ષિતિજનો, કોઇ રંગ અપેક્ષાનો તો કોઇ રંગ ઉપેક્ષાનો…
એય હશે પ્રણયના જમાનાનો એક રંગ
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે
જેનું સાંનિધ્ય પામવા માટે તરસતા હોઇએ તેનો સહવાસ ન ગમે એવું બને? તાજા કુમળા વર્ષો પછી મૂરઝાવા લાગે ત્યારે કસોટીની શરૂઆત થાય છે. જીવન એકમાંથી અનેક તરફ ફંટાય, સાંજ પડે ને ઘરે ઉતાવળે પાછો વળતો પગરવ હવે કામ પતાવવાની વેતરણમાં હોય. કામની સાથે-સાથે અંદર રહેળી જિજીવિષા પણ પતતી જાય. ફરજના ઘરમાં ચાહતે નૉક કરીને પ્રવેશવાની પરવાનગી માંગવી પડે.
તારું તો એકે કામ ન કરવા મળ્યું અહીં
થાકી ગયો જગતના ઘણાં કામકાજથી
દુનિયા આપણી સાથે ડીલ કરે ત્યારે એનાં આગવાં સમીકરણો હોય છે. તમે કામના માણસ હો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. હું તો બસ ફરવા આવ્યો છું ની જેમ ધ્યેયવિહીન મળવા આવો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. સમય બદલાય ત્યારે ભલભલા બદલાઈ જાય છે.
એ બધાએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?
જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી
સારા માણસો માટે પર્યાય એ જ છે કે સારું કરીને ભૂલી જવું. ડગલે ને પગલે ઠેસ તૈયાર ઊભી હોય છે. નજર ચૂક્યા કે વાગી જ સમજો.
ઠોકર ફરી મળી, ફરી શ્રધ્ધા શરૂ થઇ
લ્યો, પાછી મારી વૃધ્ધ અવસ્થા શરૂ થઇ
ઠોકરો ફરી-ફરી ખાવાની ભલમનસાઈ રાખનારને દુનિયા મૂર્ખ ગણે છે. ગહેરી સમજણ ગુનાઓ માફ કરે છે, કારણ કે એ દૂરનું જોઈ શકે છે.
આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં
ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.
*******
ક્યા બાત હૈ!
મને ચમત્કારોમાં શ્રધ્ધા છે. લીલું તરણું ધરતીની માટી તોડીને ઊગે એનાથી મોટો ચમત્કાર ક્યો હોઈ શકે? હિમાલયનાં શિખરો પર પ્રભાતનાં કિરણો સોનાની માફક પથરાઇ જાય એય એક ચમત્કાર છે. નદીમાં તણાતા પર્ણને વળગેલી કીડી એવો જ મોટો ચમત્કાર છે.
પુષ્પો પ્રત્યેનો પ્રત્યેક પરિચય એક નવો અનુભવ છે. જીવાતા જીવનની ક્ષણ ચમત્કાર જ છે. એ ક્ષણ દુન્યવી અર્થમાં સુખ લાવે કે દુ:ખ લાવે, નર્યા વિસ્મયનો પ્રદેશ તો એમાં જ હોય છે. હવે પછીની પ્રત્યેક ક્ષણ પુસ્તકનાં ન વાંચેલા પાનાં જેવી છે. બરાબર આ જ રીતે કવિતાનો કોઇ પણ શબ્દ મારા માટે ચમત્કાર છે.
– હરીન્દ્ર દવે.