Category Archives: ગાયકો

બેડલું ઉતારો…

નવરાત્રી તો ગઇ જ, અને હવે તો દિવાળી પણ ગઇ… Thanksgiving & Christmas time is here.. પણ તો યે વિભા દેસાઇના કંઠે આ ગીત સાંભળીને એમ થશે કે – ‘ચાલો, જરા નાચી લઇએ..’

કવિ : ??
સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : વિભા દેસાઇ

.

હે.. બેડલા માથે બેડલું, ને એને માથે મોર
હે, સામે ઉભો સાજનો, હે મારા ચિત્તડા તે કેરો ચોર

બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટામાં લાજે મરું

હાલી આવું હું તો પનઘટના ઘાટથી
કેટલો જીરવાય ભાર અબળાની જાતથી
હાય નીતરતી ગાગરની ધારે મરું

બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું

બેડલું ઉતારે તે થાય મન માન્યો
હોય ભલે જાણ્યો કે હોય અણજાણ્યો
કોઇની અણીયાણી આંખ્યું ને મારે મરું

બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટામાં લાજે મરું

બેડલું ઉતારો ..
બેડલું ઉતારો ..
બેડલું ઉતારો ..

પતવારને સલામ – શૂન્ય પાલનપુરી

સંગીત ઃ ??
સ્વર ઃ મન્ના ડે (?)

.

પતવારને સલામ, સિતારાને રામ-રામ
મઝધાર જઇ રહ્યો છું કિનારાને રામ-રામ

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં
નૌકાને તારનાર ઇજારાને રામ-રામ

દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નહીં
નિર્માલ્ય એવા પ્રેમ તિખારાને રામ-રામ

દીધો છે સાદ શૂન્ય ગહન ____ મને
કાઠેં ટહેલવાના ધખારાને રામ-રામ

– શૂન્ય પાલનપુરી

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..

આમ તો 1-2 દિવસ મોડુ થઇ ગયું, પણ તુલસી-વિવાહ પ્રસંગે આ સુંદર ધૂન સાંભળીયે…

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : દીપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા

.

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ,
ક્યાં રે વસે છે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

વનમાં વસે તુલસી મંદિરમાં વસે રામ,
રુદિયામાં વસે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે ન્હાયા તુલસી ને ક્યાં રે ન્હાયા રામ,
ક્યાં રે નવરાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ગંગામાં ન્હાયા તુલસી, ગોદાવરી ન્હારા રામ,
યમુનાજી નવરાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

શું રે જમે તુલસી ને શું રે જમે રામ,
શું રે ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

દહીં રે તુલસી ને દૂધ પીએ રામ,
માખણીયા ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે પોઢે તુલસી ને ક્યાં રે પોઢે રામ,
ક્યાં રે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ઘાટે પોઢે તુલસીને હાટે પોઢે રામ
હિંડોળે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

આ પહેલા ફક્ત શબ્દો સાથે આવેલું આ રમેશ પારેખનું ગીત આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર…

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

.

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઇ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઇ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

એકબીજા પાસે જઇને બેસવું – ભરત વિંઝુડા

સ્વર : પ્રીતિ ગજ્જર

સંગીત : ડો. ભરત પટેલ

.

એકબીજા પાસે જઇને બેસવું
કંઈ ખબર પડતી નથી કે ક્યાં જવું

હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું

પંખીઓને ઊડતાં જોયા પછી
મનને આવડતું ગયું છે ઊડવું

એ ક્ષણે સળગી ગયો’તો હુંય પણ
છે ખબરમાં ખાલી તારું દાઝવું

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

—————
આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને મુકુલભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે ઃ

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ.. તો આજે ગુજરાતના પનોતા પુત્રને વ્હાલા એવા ગુજરાતના ગુણગાન ગાતું એક. ગુજરાતને ગુજરાત બનાવવામાં સરદારનો કેટલો મોટો ફાળો છે એ તો આપણે જાણીએ જ છીએ. આજે ફરી એમને હ્રદયપૂર્વક વંદન..!

(પહેલા ફક્ત એ ગીતની લિંક હતી ટહુકો પર, હવે એ ગીત ટહુકો પર જ ગુંજશે, એ પણ બે અલગ અલગ સ્વર સંગીત સાથે)

સ્વર: ??

.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

Continue reading →

ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા

સૌને મારા અને અમિત તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. સૌને દિવાળીના ફટાકડા, રંગોળી, મઠિયા, ચોળાફળી, ઘૂઘરા, ચેવડો, અને ભરપૂર મિઠાઇઓ સાથે દિવાઓ ભરી દિવાળી મુબારક..!!

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

– નરસિંહ મહેતા

જન્મોજનમની આપણી સગાઇ – મેઘબિંદુ

ટહુકો પર પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર….

સ્વર : હંસા દવે

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

butterfly
(ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને……….)

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

કહે એવું તે તારામાં શું છે ! – રવિ ઉપાધ્યાય

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ સનમ શોખીન ’ ( 1995 ) મ્યુઝિક ઓડીયો આલ્બમમાં ધ્વનીમુદ્રિત

.

કહે એવું તે
તારામાં શું છે ! મારામાં શું છે !
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?

તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… મારામાં શું છે ?

તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?

જીવનનો માર્ગ – ‘બેફામ’

2 વર્ષ પહેલા ભાસ્કર શુક્લના અવાજમાં મુકેલી આ ગઝલ, આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સંગીત સાથે ફરી એકવાર 🙂

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-’બેફામ
(આભાર : લયસ્તરો )

( કવિ પરિચય )