Category Archives: કાવ્યપ્રકાર

તો લાગી આવે – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

આ રચના માટે કવિ કહે છે :
“સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી રાખવા પ્રાણોની આહૂતિ આપી છે! આ સંવેદનમાંથી આ કૃતિની રચના થઈ.”

ઝરણાંને જો મૃગજળ કહો … તો લાગી આવે
ઈન્દ્રધનુષ આભાસી કહો … તો લાગી આવે

પગલું પગલું સાથે ભરતા,
શ્વાસોશ્વાસે સાથ પમરતા,
સંગાથીને શમણું કહો … તો લાગી આવે

મધુમય મધની આશ લઈને,
પ્રેમપતંગની પાંખ લઈને,
પુષ્પે પુષ્પે ચુંબન કરતા,
કમળદલમાં કેદ બનેલા,
ભમરાને જો મજનૂ કહો … તો લાગી આવે.

સૂક્કા ડાળે કૂંપળ થઈને,
નીર્ઝરમાં નવચેતન થઈને,
જાગોની આહેલક કરતા,
અંગેઅંગ અનંગ ભરેલા
વસંતને વૈરાગી કહો … તો લાગી આવે

યુગોયુગોની પ્યાસ લઈને
સ્વાતિબિંદુની આશ લઈને
તૃષાર્ત થઈને વિરહે ઝૂરતા,
પ્રાણ જવાથી ભંવર પડેલા
ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો – રઈશ મનીઆર

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

– રઈશ મનીઆર

ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર – આદિલ મન્સૂરી

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

– આદિલ મન્સૂરી

સૂર છે વિખરાયેલા – ભાવેશ ભટ્ટ

સૂર છે વિખરાયેલા જાણે જરાયે લય નથી
જે રીતે તારી મુલાકાતોનો કૈં સંચય નથી

કૈંક વેળા થાય છે કે એ મન વગર પથરાય છે
આ જગત અજવાળવું અજવાસનો આશય નથી

જોઈને દીવાસળી પગ એના ઢીલા થઈ જશે
જે અડીખમ વૃક્ષને વંટોળનો પણ ભય નથી

એમ કરવામાં મને મ્હેનત જરા ઓછી થશે
એટલે માપું છું કે તું કેટલો નિર્દય નથી

માપદંડો એમની પાસે બધી ઉંમરના છે
એમ લાગે એમની પોતાની કોઈ વય નથી

સ્હેજ ઈચ્છા થઈ, હજી થોડા દિવસ જીવી લઉં!
આપ ગભરાશો નહીં, આ કોઈ દ્રઢ નિશ્ચય નથી.

ભાવેશ ભટ્ટ

કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?

લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?

ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

કોઈ બીજાના તું આંસુ લૂછીને જો! – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

હથેળી પર જરા માથું મૂકીને જો!
કદી આ ગર્વમાંથી પણ છૂટીને જો!

‘કર્યું શું એના માટે’ એમ પૂછે છે?
પ્રથમ તો મારી માફક ઘર ફૂંકીને જો!

તારો ખોબોય મોતીથી જ છલકાશે
કોઈ બીજાના તું આંસુ લૂછીને જો!

સફળતાથી અમે તારી ફૂલાયા, પણ
અમારી હારમાં થોડું સૂકીને જો!

ટકોરા મારવાવાળામાં હું પણ છું
હવે તો ખોલવા દ્વારો ઊઠીને જો!

નમે છે સૌ જુએ જો વ્હાલને વ્હેતું
અગર હો પ્રેમ સાચો તો ઝૂકીને જો

લઈને ‘ભગ્ન’ સાથે શું જવાના છે?
ભરેલી કોની છે મૂઠ્ઠી, પૂછીને જો..!

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

જાગો રે જશોદાના જીવણ ~ નરસિંહ મહેતા

જાગો રે જશોદાના જીવણ વ્હાણલાં વાયાં
તમારે ઓશીકે મારાં ચીર રે ચંપાયા…

પાસું તો મરડો વ્હાલા ચીર લેઉં તાણી
સરખી રે સહિયરું સાથે મારે જાવું પાણી

પંખીડાં બોલે તો વ્હાલા રાત રહી થોડી
સેજલડીથી ઉઠો વ્હાલા આળસડી મોડી

સાદ પાડું તો વ્હાલા લોકડિયાં જાગે
અંગૂઠો મરડું તો વ્હાલા પગના ઘૂઘરા વાગે

જેનો જેવો ભાવ હોયે તેને તેવું થાય
નરસૈંયાનો સ્વામી વિના રખે વ્હાણલું વાયે

– નરસિંહ મહેતા

સ્વરકાર – અંજલીબહેન ખાંડવાલા 
સ્વર – વિભા દેસાઈ

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે – મનોજ ખંડેરિયા

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો –
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે

ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

– મનોજ ખંડેરિયા

તને મળવા નહિ આવું – ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા ! – મરીઝ

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.

હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.

સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.

જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.

તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.

કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?

‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.

-મરીઝ