તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો
હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો
મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો
મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો
ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો
લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો
આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો
– રઈશ મનીઆર