તો લાગી આવે – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

આ રચના માટે કવિ કહે છે :
“સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી રાખવા પ્રાણોની આહૂતિ આપી છે! આ સંવેદનમાંથી આ કૃતિની રચના થઈ.”

ઝરણાંને જો મૃગજળ કહો … તો લાગી આવે
ઈન્દ્રધનુષ આભાસી કહો … તો લાગી આવે

પગલું પગલું સાથે ભરતા,
શ્વાસોશ્વાસે સાથ પમરતા,
સંગાથીને શમણું કહો … તો લાગી આવે

મધુમય મધની આશ લઈને,
પ્રેમપતંગની પાંખ લઈને,
પુષ્પે પુષ્પે ચુંબન કરતા,
કમળદલમાં કેદ બનેલા,
ભમરાને જો મજનૂ કહો … તો લાગી આવે.

સૂક્કા ડાળે કૂંપળ થઈને,
નીર્ઝરમાં નવચેતન થઈને,
જાગોની આહેલક કરતા,
અંગેઅંગ અનંગ ભરેલા
વસંતને વૈરાગી કહો … તો લાગી આવે

યુગોયુગોની પ્યાસ લઈને
સ્વાતિબિંદુની આશ લઈને
તૃષાર્ત થઈને વિરહે ઝૂરતા,
પ્રાણ જવાથી ભંવર પડેલા
ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *