Category Archives: ભાવેશ ભટ્ટ

કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં – ભાવેશ ભટ્ટ

કૈંક વરસો ગયાં છે આ ડરમાં
કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં

ભાંગશે કોઈનું તો ઘર ચોક્કસ
વાત જે થઈ રહી છે ઘરઘરમાં

મોંઘી પડશે મજાક રસ્તાને
ધૈર્ય જો ખૂટશે મુસાફરમાં

ગંધ માટે ય એટલો જ હશે!
હોય જે રસ હવાને અત્તરમાં

એક દીવાસળી રચાવે તો
કૈંક તણખા જશે સ્વયંવરમાં

જ્યારે સાબિત થવાની તક આવી
તો ધ્રુજારી થઈ દિલાવરમાં

– ભાવેશ ભટ્ટ

સૂર છે વિખરાયેલા – ભાવેશ ભટ્ટ

સૂર છે વિખરાયેલા જાણે જરાયે લય નથી
જે રીતે તારી મુલાકાતોનો કૈં સંચય નથી

કૈંક વેળા થાય છે કે એ મન વગર પથરાય છે
આ જગત અજવાળવું અજવાસનો આશય નથી

જોઈને દીવાસળી પગ એના ઢીલા થઈ જશે
જે અડીખમ વૃક્ષને વંટોળનો પણ ભય નથી

એમ કરવામાં મને મ્હેનત જરા ઓછી થશે
એટલે માપું છું કે તું કેટલો નિર્દય નથી

માપદંડો એમની પાસે બધી ઉંમરના છે
એમ લાગે એમની પોતાની કોઈ વય નથી

સ્હેજ ઈચ્છા થઈ, હજી થોડા દિવસ જીવી લઉં!
આપ ગભરાશો નહીં, આ કોઈ દ્રઢ નિશ્ચય નથી.

ભાવેશ ભટ્ટ