Category Archives: કાવ્યપ્રકાર

મારે ફરી એકવાર શાળાએ જવું છે….

જાણે આપણી જ વાત હોય એવી આ બાળ કવિતા….તો આજે સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!

કાવ્ય પઠન – RJ દેવકી (Red FM, અમદાવાદ)

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર….

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી ,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી…
મરચુ મીઠું ભભરાવેલ ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,

કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર….

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.

તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દીવાળીના વેકેશનની રાહ જોતાં ,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,

હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા…
મારે ફરી એકવાર….

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

બચપણ પ્રભુની દેણ છે
તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર….

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા
“તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા…
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા
શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…

આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે .
ખરું ને ?

ખંખેરી નાખ – સુધીર પટેલ

ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !

ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !

રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !

નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !

જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !

– સુધીર પટેલ

અત્તર રહી જાય નહીં ફૂલમાં !!! – કૃષ્ણ દવે

બીજું શું કરવાનું સ્કૂલમાં ?
આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,
ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ભણવાના કારખાના ધમધમતા રાખવાની
આપું બે ચાર તને ટીપ ?
માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની
મોતી ભરેલ કંઈક છીપ.
માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું
પણ જો જે આવે ન ક્યાંક ભૂલમાં ?
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

સીધેસીધું તો કદી મળવાનું નહીં
થોડું બેસાડી રાખવાનું બ્હાર
થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ
ને કેટલો છે મોટ્ટો વેપાર !
ઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ
પાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ધારદાર ફતવાઓ પાડવાના બ્હાર
અને ભાષણ તો કરવાનું લિસ્સું,
અર્જુનને પંખીની આંખ જ દેખાય
એમ તારે પણ વાલીનું ખિસ્સું.
શિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ
જરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે – આદિલ મંસૂરી

આજે એક આદિલ-ગઝલ….શ્રી આદિલભાઈનાં જ અવાજમાં સાંભળીએ….

કાવ્ય પઠન : શ્રી આદિલ મંસૂરી

લાગણી ને આમનાં વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.

કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.

આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ રીક્ષા ખટારા કાર વચ્ચે આવશે.

આંગણું સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દી વરસાદ મુશળધાર વચ્ચે આવશે.

વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી,
પણ સમય વિતે સમયનો ક્ષાર વચ્ચે આવશે.

માર્ગનાં અંતે હશે એક બારણું પણ તે પ્રથમ,
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલાં, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર ?
દોસ્તોનાં નામ વારંવાર વચ્ચે આવશે.

આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને,
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

આ ગઝલ ‘આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય પણ,
પંડિતો ને પાઘડીનો ભાર વચ્ચે આવશે.

– આદિલ મંસૂરી
(આભાર – ગાગરમાં સાગર)

આ ગીત તમને ગમી જાય તો કહેવાય નહી – મકરન્દ દવે

આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી,
કદાચ મનમા વસી જાય
તો કહેવાય નહી.

ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?

આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહી,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહી.

ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?

ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહી,
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી.

– મકરન્દ દવે

અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ? – રાહી ઓધારિયા

તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ વહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

-રાહી ઓધારિયા

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? – સુરેશ દલાલ

ગઇકાલે અમારા Bay Area ના ગુજરાતીઓને Munshi Trio અને તુષારભાઇ સાથે ‘મસ્તી અમસ્તી’માં ખૂબ જ મઝા આવી..! Unforgettable Experience..! અને આજે અમે તૈયાર છીએ – ગુજરાતી ગીતો-ગઝલોનો બારમાસી વૈભવ માણવા ..!! તો એની જ પૂર્વતૈયારી રૂપે તમને સંભળાવું – આ  મારું એકદમ ગમતું ગીત..!  અને એમાં પણ આ શબ્દો –

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

અને એક નશા પર બીજો નશો ચડતો હોય એમ – સુરેશ દલાલના આ શબ્દો અને શ્યામલભાઇનો અવાજ..!!

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? ...!

સ્વર : શ્યામલ  મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ  મુન્શી

.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?     આટલું બધું  o

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?      આટલું બધું  o

– સુરેશ દલાલ

ॐ गं गणपतये नमो नमः ધૂન

આજે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨, એટલે શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા અષ્ટવિનાયકનો દિવસ એટલે ગણેશ ચતુર્થી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવ્યે…..જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ…..

સ્વર – અનુરાધા પૌડવાલ

…..

સ્વર – હેમંત ચૌહાણ
સંગીત – રાજેશ ગુપ્તા

…..

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ
निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा

|| ॐ गं गणपतये नमो नमः ||

|| श्री सिद्धिविनायक नमो नमः ||

|| अष्टविनायक नमो नमः ||

|| गणपति बाप्पा मोरया ||

श्री गणेशाय धीमहि – શંકર મહાદેવનના સ્વરમાં

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

એકાંતે તરસું છું હું – તુષાર શુક્લ

સ્વર – દિપ્તી દેસાઇ
સંગીત – ગૌરાંગ વ્યાસ

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

– તુષાર શુક્લ

આપણે તો આવળ ને બાવળની જાત – કૃષ્ણ દવે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ‘Sanskar choro’ initiative નીચે આયોજીત કવિ સમ્મેલનમાં કવિ શ્રી કૃષ્ણ દવે એ આ કાવ્ય પઠન રજુ કર્યુ હતું…..

કાવ્ય પઠન – કૃષ્ણ દવે
કાર્યક્રમ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત કવિ સમ્મેલન

નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન…

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં….

– કૃષ્ણ દવે
(ઓડ્યો ફાઈલ માટે આભાર – DeshGujarat.com)