ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.
આજે કવિ શ્રી ભાગ્યેશ જહાના મઝાના શબ્દોને માણીએ – રવિનભાઇના એવા જ મઝાના સ્વરાંકન સાથે. કઈંક તો એવું છે સ્વરાંકન શબ્દો અને ગાયકોના સ્વરમાં, કે બસ – વારંવાર વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આમ ભલે હમણાં જ વસંતપંચમી ગઇ એટલે બધા વાસંતી મૂડમાં હશો – પણ અહીં ‘બે એરિયા’માં અમે હજુ વરસાદની રાહ જોઇએ છીએ..! આ વર્ષે વરસાદે ભીંજવાનું ઓછુ અને હાથતાળી આપવાનું કામ વધારે કર્યું છે – તો આ ગીત સાથે જરા વરસાદને આમંત્રણ પણ આપી દઉં મારે ત્યાં આવવા માટે…
સ્વર – રવિન નાયક અને સાથીઓ
સ્વરકાર – રવિન નાયક
આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને…. Oct 2011 – San Francisco, CA
આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.
આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.
આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.
આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા
આજે – ૧૬ ફેબ્રુઆરીના દિવસે – કવિ શ્રી પ્રણવ પંડ્યાને – પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે – રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ એનાયત થઇ રહ્યો છે. પ્રણવભાઇને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના તાજેતરમાં પ્રસિધ્ધ કવિતા સંગ્રહ – ‘કવિતાથી વધુ કંઈ નહીં’ ની ટાઇટલ ગઝલ..!!
કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં
કવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં
ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી
નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં
કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર
તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં
કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં
વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં
થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં
સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.
Happy 2nd Birthday to Khushee
સ્વર : નિરુપમા શેઠ
સ્વર-નિયોજન : અજીત શેઠ
કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.
– ઉમાશંકર જોશી
(સૌજન્ય : લયસ્તરો / ઊર્મિસાગર)
મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !
ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે સૂર્યાસ્ત પછી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ફાળો ઊભો થાય એ કેન્સરપીડિતો માટે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તથા સુરતને ગ્રીન-સિટિ બનવવા માટે વપરાશે… તો, આજે રજૂ છે અમારા પ્યારા પ્યારા સુરતીલાલાઓ માટે એક હળવા મિજાજનું ગીત……Click here for more information on the Surat Night Half Marathon 2013….
ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો
ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો