Category Archives: કવિઓ

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક – માધવ રામાનુજ

સ્વર : અમર ભટ્ટ

.

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક,
હું તો સુક્કાં સરોવરનો ઘાટ,
વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં,
મારો ખાલીખમ ઉચાટ.

તમને જોયાં કે પાંચ પગલાની
એકવાર હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે
પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે.
મને પત્થરના શમણાના સમ
ફરી જાગે એ તે;દિનો ભીનો તલસાટ.
બેડાં મૂકીને..

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય,
ઝાંઝવાની પરબો રેલાય તોય
વાયરાની તરસી વણઝાર ના ધરાય.
વાત વાદળ કે કાજળની કરતા જાજો,
વાત સુરજ કે છુંદાણાની કરતા જાજો,
નકર નહીં ખૂટે નોંધારી વાટ.
બેડાં મૂકીને..
-માધવ રામાનુજ

ગ્લૉબલ કવિતા : ૨૧૬ : પ્રેમ પછી પ્રેમ -ડેરેક વૉલ્કોટ

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott


પ્રેમ પછી પ્રેમ

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે આવકારશો તમારા પોતાના દરવાજે
તમારા પોતાના અરીસામાં, આવેલ તમારી જાતને,
અને બંને જણ સ્મિત કરશો પરસ્પરના આવકાર પર,

અને કહેશો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યા છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો હતો
બીજાઓ માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી નીચે ઉતારો પ્રેમપત્રો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીનો ઓચ્છવ કરો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)


જાત સુધીની જાતરા…

સામાજીક પ્રાણી હોવાના નાતે મનુષ્ય આજીવન અન્યોન્યના સંપર્કમાં રહે છે. સંપૂર્ણપણે એકલવાયી જિંદગી તો કદાચ માનવસભ્યતા જ્યાં પહોંચી જ નથી એવા આંદામાનના જારવા પણ નથી જીવતા. આપણાથી સાવ અલિપ્ત હોવા છતાંય જંગલમાં તેઓ સમૂહમાં જ જીવે છે. શું કારણ હોઈ શકે? અન્યોને આપણે સાંગોપાંગ ઓળખી શકતા નથી એટલે સાથે રહેવાનું પાલવતું હશે? અને જાતને નખશિખ જાણતા હોવાથી શું આપણે એકલા નથી રહી શકતા? બની શકે. એક વાત એય કે જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને શું ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી સર્વથા સર્વાંગે વાકેફ હોવાના કારણે જ કદાચ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે ખરું? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે કહી હતી, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. માતા આચાર્યા. પિતા ચિત્રકાર. એક વર્ષની વયે પિતાને ગુમાવ્યા. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી. ચિત્રકાર પિતામાં જે અધૂરું રહી ગયું એ ડેરેકના મતે એમનામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની વયે પહેલી કવિતા. અઢારમા વર્ષે ઉછીના બસો ડૉલરથી પ્રથમ કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને ઉધારી ચૂકવીય દીધી. બીજા વર્ષે બીજો કાવ્યસંગ્રહ. જીવનકાળ બૉસ્ટન, ન્યુયૉર્ક અને લુસિયા વચ્ચે વહેંચાયેલો રહ્યો. પરિણામસ્વરૂપે કરેબિઅન-લોકલ વત્તા આંતરરાષ્ટ્રીય-ગ્લૉબલ ફ્લેવરના મિશ્રણથી એમના સર્જનમાં નવી જ સોડમ પ્રકટી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ‘ઓછા અશ્વેત’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવાળાઓએ એમના પર પસ્તાળ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતના આરોપ મૂક્યા જેને ખૂબ ચગાવાયા. ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને એની કિંમત ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન. ત્રણવાર છૂટાછેડા. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે ૧૭-૦૩-૨૦૧૭ના રોજ.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર પણ. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતા મુક્ત પદ્ય-અછાંદસ છે પણ વોલ્કૉટની પ્રિય યતિ(caesura)નો પ્રયોગ ધ્યાનાર્હ છે. એ કહેતા કે, યતિનો અયોગ્ય પ્રયોગ, રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પગ તોડે, એના જેવો હોય છે. અહીં, એકાધિક અલ્પવિરામ અને પંક્તિની વચ્ચોવચ્ચ આવતા પૂર્ણવિરામ ચિહ્નો વડે કવિતાની ગતિ નિયત માત્રામાં અવરોધીને કવિ ભાવકને ઝડપભેર દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિથી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળીને ગતિ વધારે છે. જીવનની ગતિ સાથે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે. શીર્ષક પણ વિચારતાં કરી દે એવું છે. આપણે જે અર્થમાં ‘એક પછી એક’ કે ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ વિશે કવિ શીર્ષકની મદદથી ઈશારો કરતા હોય એમ બની શકે?હશે, આપણે તો કવિતાના પ્રેમમાં પડીએ, ચાલો…

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’થી કાવ્યારંભ થાય છે. મતલબ આ સમય આવવાનો જ હોવાની ખાતરી છે. માણસ જાત સાથે મુખામુખ થાય એ સમય દરેકની જિંદગીમાં આવે જ છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનમાં વાહવાની દોડમાં ને ચાહવાની હોડમાં આપણે જાત લઈને ભાગીએ તો છીએ, પણ આ દોડ અને હોડ –બેમાંનું કંઈ જ સ્વ તરફનું હોતું નથી. અને સ્વને પામ્યા વિના તો સર્વ સુધી જવાય જ કેમ? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. પોતાના દરવાજે પોતાને આવેલ જોઈ આપણે ચોંકતા નથી, કેમકે આ સમય આવનાર હતો જ, તે આજે આવ્યો છે. જે દરવાજાને અજાણ્યાઓ માટે ખૂલવાની આદત પડી ગઈ હતી, એ આજે જાત માટે ખૂલ્યો છે, એટલે ઉત્તેજિત ન થવાય તો જ નવાઈ. આ ઉત્તેજનાને સંતાડવાની પણ નથી. પૂર્ણાવેશસહ આપણે આપણને આવકારવાના છે. દરવાજે જ નહીં, આજે આટઆટલા વરસો પછી અરીસામાં પણ આપણે આપણને પહેલવહેલીવાર જોયા છે. આજ સુધી અરીસામાં શરીરનું પ્રતિબિંબ જ દેખાતું હતું, આજે જાત દેખાઈ છે. આપણી નજર સામે દેખાતા શખ્સ સુધી પહોંચી શકી છે. સામાન્યરીતે અંદર ઊભેલી વ્યક્તિ બહારથી આવનારને આવકારો આપે પણ અહીં બહાર-અંદર બંને આપણે જ છીએ, માટે બંનેએ જ પરસ્પરને સસ્મિત આવકાર આપવાનો છે.

પરસ્પરનું સ્વાગત કરીને બંને અન્યોન્યને કહેશે કે બેસો. આરોગો. ચા-પાણી કરો. ખ્રિસ્તી ધર્મ અને બાઇબલના સંદર્ભ દૃષ્ટિગોચર થાય છે. ‘Love thy neighbour.’ ‘Eat. Drink.’ વાઇન, બ્રેડ વિ.માં પણ બાઇબલના નિર્દેશ સ્વયંસ્પષ્ટ છે. સત્તરમી સદીની જ્યૉર્જ હર્બર્ટની ‘લવ(૦૩)’ કવિતા યાદ આવે, જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને બાજનજરે પારખી લે છે અને સમજાવે છે કે અહીં આવવા લાયક માનનીય અતિથિ સ્વયં તું છે. નાયકને પોતે કઠોર, કૃતધ્ન લાગે છે, પણ પ્રેમ કુનેહપૂર્વક એનો હાથ ઝાલીને, સસ્મિત સમજૂતિ સાથે શંકાઓનું નિરસન કરે છે. પ્રેમ પીરસે છે. નાયક જમે છે. દરવાજો, અરીસો અને પ્રેમને પણ બાઇબલના ઉપલક્ષમાં જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેતપણાં સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી એ રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો કવિ બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા ઇચ્છતા હોય એમ પણ વિચારી શકાય.

કવિતા દ્વિતીય પુરુષ સંબોધન સ્વરૂપે છે. કથક આપણી સાથે સીધા સંવાદમાં છે. પણ પ્રત્યુત્તરનો અવકાશ નથી. તમે-તમારુંની કથનરીતિના કારણે દરેક ભાવકને કવિ પોતાની સાથે જ ગુફ્તેગૂ કરતા હોવાનું પ્રતીત થાય છે. આખી કવિતા ‘યુ’ અને ‘યૉર’ના તોરમાં ચાલે છે. ક્યાંય ‘આઇ’ પ્રયોજાયો નથી, તોય ‘આઇ’ જ કેન્દ્રસ્થાને હોવાનું સમજાય છે. અંગ્રેજી ‘I’ (હું) લેટિન ‘ઇગો’ પરથી આવ્યો છે. ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતીકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. બિમારીની હદ સુધી વકરેલી આત્મરતિને અંગ્રેજીમાં narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાં જડે છે. યુવાન નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રાખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે.)

આજીવન મૃગજળ પાછળ દોડવામાં ‘મને ક્યાંય જડી ન મારી જાત’ જેવા આપણા હાલ છે. પણ સમય આવ્યો છે, તો જીવનભર જેનાથી અજાણ્યા રહી ગયા, એને ચાહવાનું ફરી શરૂ કરીએ. ત્રાહિત વ્યક્તિનેય આપણે ‘અજાણ્યા છો? ભલે!/તો યે જુઓ, આ હાથ લંબાવી કહું-/લાવો તમારો હાથ, મેળવીએ!’ (નિરંજન ભગત) કહી શકતાં હોઈએ તો આ તો આપણી પોતાની જાત છે. ભલે આજ સુધી અજાણી રહી, પણ હવે એને પ્રેમ કરવાનો છે. ન માત્ર એની યોગ્ય આગતા-સ્વાગતા, સરભરા કરવાની છે, એને તમારું હૃદય પણ પાછું આપવાનું છે, કેમકે આ અજાણ્યા શખ્સે તમને જિંદગીભર એકધારું ચાહ્યા છે. તમારું જ દિલ છે. તમારે તમારું દિલ ફરીથી તમારા જ દિલને આપવાનું છે. લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) આખું જીવન આપણે આજે આંગણે આવેલ આ અજાણ્યા શખ્સને બીજાઓ માટે અવગણ્યે રાખ્યો હતો. આપણી તો ‘अतिथि देवो भवः’ની સંસ્કૃતિ. આપણે તો ‘એ જી, તારા આંગણિયાં પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે’ (દુલા ભાયા કાગ) ગાનારા. લાઓ-ત્ઝુએ કહ્યું હતું, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’ માર્ક ટ્વેઇનની વાતમાંથી પણ આ જ સૂર ઊઠે છે: ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ તમને તમારી જાતથી વધુ બીજું કોણ ઓળખી શકે? આપથી વધીને આપને કોણ ચાહી શકે? એકમાત્ર આપણો ‘સ્વ’ જ આપણા ‘સર્વ’ને સુવાંગ પિછાને છે. રાલ્ફ એલિસને કહ્યું હતું: ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ આજે આ સમય આવી ગયો છે. દુનિયાના બંધનોમાંથી મુક્ત થઈ આજ લગ અજાણ્યા રહી ગયેલ સ્વને પુનઃપ્રાપ્ત કરવાનો સમય સાંપડ્યો છે, તો એનો સદુપયોગ કેમ ન કરીએ? લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. હવે શું મોઢું ધોવા જશો?

ના, તમારા હૃદયે તમને પળપળ ચાહ્યાં છે. હવે, તમારે એ ચાહનો પડઘો પાડવાનો સમય આવી ઊભો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. આદરમાન આપો. એની વર્ષોની ભૂખ-પ્યાસ ભંગો. એને સાચા અર્થમાં સંતૃપ્ત કરો. મનની અભરાઈ જૂની યાદો, જૂના સંબંધો, જૂના સમીકરણોથી ભરી પડી છે. નામ અભરાઈ છે પણ એ ભરાઈ-ઉભરાઈ રહી છે. ઘણો કચરો ભર્યો પડ્યો છે. પ્રેમપત્રો, ફોટોગ્રાફસ, વિહ્વળ હૃદયે લખેલ વ્યાકુળ નોંધો અને એવું ઘણું છે, જેને તમે વર્ષોમાં કદી ફેર જોવા-માણવાની તસ્દી સુદ્ધાં લીધી નથી પણ મનની અભરાઈ પર એણે કબ્જો કરી રાખ્યો છે. કોઈપણ જગ્યા ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી નવાને અવકાશ પણ કેમ મળે? આજે સમય આવ્યો છે તો જૂનું બધું ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. અરીસામાં હવે પ્રતિબિંબ નહીં, તમે સાક્ષાત્ દેખાવા જોઈએ. જાતને કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ બેસો. હોવાને મહેફિલ કરી દો. જિદગીને ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો… જાત સાથે વાત કરતાં આવડી જાય તો જીવન સફળ થાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે કમ્ફર્ટેબલ થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

અંતે, ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતાના કાવ્યાંશ:

ના માતની, ના તાતની, અર્ધાંગિનીની પણ નહીં,
ઉત્તીર્ણ થાવાનું નથી કોઈ નજરમાં આપણે;
જીવનમાં જેના મતની કિંમત છે બધા મતથી વડી,
એ શખ્સ એ છે જે તમારી સામે ઊભો આયને.

વર્ષો સુધી દુનિયાને છો મૂરખ બનાવ્યે રાખી હો,
ને વાહવાહી ગામ આખાની ભલે અંકે કરી;
પણ આખરી ઈનામ નકરાં દુઃખ હશે ને આંસુઓ,
જો આયને દેખાતી વ્યક્તિને હશે જો છેતરી.

આ શબ્દ હવે છૂટે તો સારું -માધવ રામાનુજ

સ્વર : શેખર સેન
સ્વરાંકન : સુરેશ જોશી

.

સ્વર : અમર ભટ્ટ

.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.

સંબોધનમાં, સંબંધોમાં,
માયાની માયામાં,
પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે,
એના પડછાયામાં;

આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું.

ક્યાં અધવચ્ચે, ક્યાં મઝધારે
ક્યાં અંતરને આરે,
ખુદને મૂકી પાછળ ચાલ્યા,
પાછા ફરશું ક્યારે!

આ જીવતર જેવું જીવતર અટવાયું છે,
જાળ તૂટે તો સારું.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.
આ શબ્દ હવે છૂટે તો સારું.

-માધવ રામાનુજ

સૌજન્ય : ગુજરાતી ગઝલ

સૈયર તારા કિયા છૂંદણે – માધવ રામાનુજ

સંગીત :શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરઃ દિપાલી સોમૈયા ,સાધના સરગમ

.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર,
મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝયો સૈયર.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી,
સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી.
-માધવ રામાનુજ

ગ્લૉબલ કવિતા : ૨૧૫ : સૉનેટ-ગાથાગીત – ગ્વિન્ડોલિન બ્રુક્સ

the sonnet-ballad

Oh mother, mother, where is happiness?
They took my lover’s tallness off to war,
Left me lamenting. Now I cannot guess
What I can use an empty heart-cup for.

He won’t be coming back here any more.
Some day the war will end, but, oh, I knew
When he went walking grandly out that door
That my sweet love would have to be untrue.

Would have to be untrue. Would have to court
Coquettish death, whose impudent and strange
Possessive arms and beauty (of a sort)
Can make a hard man hesitate—and change.

And he will be the one to stammer, “Yes.”
Oh mother, mother, where is happiness?

– Gwendolyn Brooks


સૉનેટ-ગાથાગીત

ખુશી ક્યાં છે, હેં મા? વિલપતી મને છોડી વરવી,
ઊંચાઈના નામે મુજ સનમને યુદ્ધ કરવા
લઈ ‘ગ્યાં એ લોકો. અટકળ હવે કેમ કરવી
લઉં શું કામે હું હૃદયકપ આ રિક્ત ભરવા.

હવે કોઈ કાળે પરત ફરશે ના સજનવા.
પૂરું થાશે કો’દી રણ, પણ, મને જાણ જ હતી-
ગયો’તો જ્યારે એ મહત કદમે દ્વાર મહીં આ
હશે જૂઠી નક્કી મધુર પ્રીત, છો સાચી દીસતી.

હશે જૂઠી નક્કી. મરણ-રમણી સંગ પ્રણયે
રમે એ, કે જેનાં શરમહીન ને ઉદ્ધત તથા
અધિકારી બાહુ, અકથનીય સૌંદર્ય, ભડને
કરે પાણી-પાણી- કઠિનદિલનેયે બદલતાં.

હશે એ એમાંનો, ખુદ જે હકલાઈ ભણત, “હા.”
ખુશી ક્યાં છે, હેં મા?

– ગ્વિન્ડોલિન બ્રુક્સ


सरहद ने क्या दिया है ख़ूँ-औ-अश्क़ छोडकर?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે?

યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. કદી સુખશાંતિમાં પરિણમતું ન હોવા છતાં દુનિયામાં મોટાભાગનાં યુદ્ધ સુખશાંતિના નામે જ લડાતાં આવ્યાં છે. કોઈપણ યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને સૈનિકની ખુવારી માત્ર સૈનિકની નહીં, પણ આખેઆખા પરિવારની ખુવારી જ હોય છે. મનુષ્ય મૂળે દુનિયાનું સૌથી ખતરનાક જાનવર છે. સૃષ્ટિમાં મનુષ્યોને બાદ કરતાં તમામ સજીવ માત્ર આપબળ પર જ લડે છે. એકમાત્ર મનુષ્ય જ બળ-કળ-છળ સિવાય વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. સિંહ ગમે એટલો બળુકો કેમ ન હોય, એનો એક પંજો એકીસાથે વધુમાં વધુ એક પ્રાણીને જ શિકાર બનાવી શકે, પણ માણસ તો એકલા હાથે બૉમ્બ ઝીંકીને આખા શહેરનો ખાત્મો બોલાવી શકે છે. ગ્વિન્ડોલિનની પ્રસ્તુત કવિતા યુદ્ધમાં સૈનિકની પાછળ શહીદ થઈ જતી પરિવારની ખુશીનું માતમ મનાવે છે.

ગ્વિન્ડોલિન એલિઝાબેથ બ્રુક્સ. હુલામણું નામ ગ્વેન્ડી. ૦૭-૦૬-૧૯૧૭ (ટોપેકા, અમેરિકા) થી ૦૩-૧૨-૨૦૦૦ (શિકાગો). વીસથી વધુ કાવ્યસંગ્રહો અપનાર ગ્વિન્ડોલિન પુલિત્ઝર પ્રાઇઝ મેળવનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન સર્જક હતાં અને અમેરિકાના રાજકવિ બનનાર પ્રથમ શ્યામ સ્ત્રી. શહેરી અશ્વેત લોકોની રોજમરોજની જિંદગી એમનો કાવ્યવિશેષ. એમની કવિતાઓનો પ્રમુખ હેતુ અમેરિકનોને અશ્વેત લોકોની જિદગી અને હાલાકીથી પરિચિત કરાવી રંગભેદ પ્રતિ સાર્વત્રિક સહિષ્ણુતા વધારવાનો હતો, પણ એમની રચનાઓ રંગની પરિસીમાઓ વળોટીને સાર્વત્રિક સંવેદનાઓને પણ ઝંઝોડે છે.

‘ધ સૉનેટ-બૅલડ’ શીર્ષક બે રીતે વિચારણીય છે. એક, શીર્ષક પરથી વિષયવસ્તુ કશાનો અંદાજ મળતો ન હોવાથી, કવિતામાં પ્રવેશવું ફરજિયાત બને છે. બીજું, અર્થની રીતે. સૉનેટ અને બૅલડ બંને અલગ કાવ્યપ્રકાર છે. સ્વરૂપની દૃષ્ટિએ પ્રસ્તુત કાવ્ય સૉનેટકાવ્ય છે. ચૌદ પંક્તિઓ. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. સૉનેટનો પ્રિય છંદ આયમ્બિક પેન્ટામીટર. જો કે અષ્ટક પછી નિર્ધારિત ભાવપલટો (વૉલ્ટા) અને કાવ્યાંતે આવતી ચોટનો અભાવ છે. કથનરીતિ બૅલડની છે. બૅલડ યાને કથાકાવ્ય કે ગાથાગીત સામાન્યરીતે સ્ત્રીઓની ઉક્તિ સ્વરૂપે હોય છે. યુદ્ધ, શૌર્ય, જીવન-મૃત્યુ અને પ્રણય-કરુણાંતિકા -બૅલડના પ્રમુખ વિષય. આ તમામ આ એક કવિતામાં સમાવિષ્ટ છે. ગાથાગીતની જેમ અહીં ચાર પંક્તિના અંતરા પણ છે. શેક્સપિરિઅન સૉનેટના પ્રાસવિન્યાસ abbc થી વિપરીત બૅલડમાં સામાન્ય પ્રાસનિયમનની નજીકની abab પ્રકારની વ્યવસ્થા છે. સૉનેટરીતિથી ઊલટું ગાથાગીતમાં શબ્દ કે પંક્તિ પુનરાવર્તન તથા Oh જેવા ધ્વનિ પ્રયોજાયેલા પણ જોવા મળે છે. આમ, કવયિત્રીએ બખૂબી બે બિલકુલ વિરુદ્ધ કાવ્યસ્વરૂપોનું સફળ ફ્યુઝન કર્યું છે. કવયિત્રીએ પ્રવાહથી વિરુદ્ધ શીર્ષકમાં આવતા ત્રણેય શબ્દોને બીજી એબીસીડીમાં લખ્યા છે. શોક સમયે ધ્વજ અડધી કાઠીએ ઉતાર્યો હોય એવી લાગણી કેપિટલ લેટર્સ કાઢી નાંખ્યા હોવાથી અનુભવાય છે. શિખરિણી છંદમાં અનુવાદ કરતી વખતે પ્રાસનિયોજન to મૂળ કાવ્ય મુજબ જ છે, પણ આખરી પંક્તિમાં ‘મા’ શબ્દનું પુનરાવર્તન કરવાના બદલે ખંડ-શિખરિણી પ્રયોજી, પંક્તિ અધૂરી છોડી દઈ ભાવાનુભૂતિ વધુ સઘન બનાવવા ધારી છે.

બીજા વિશ્વયુદ્ધ પછી તરતના સમયમાં લખાયેલ આ કાવ્યનો ઉઘાડ ‘ખુશી ક્યાં છે, હેં મા?’ પ્રશ્નથી થાય છે. પ્રશ્ન અને પ્રથમ ચતુષ્કથી ખ્યાલ આવે છે કે કથનરીતિ દીકરીના મા સાથેના એકતરફી સંવાદની છે. કથક કહે છે કે એને વિલાપ કરતી છોડીને એ લોકો (સત્તાધીશો) એના પ્રિયજનને, એ ઊંચો હોવાના કારણે યુદ્ધમાં લઈ ગયા. શારીરિક ક્ષમતા અભિશાપ બની શકે તે આનું નામ. પ્રાચીન ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોની હત્યા કરવામાં આવતી હતી, એનું મુખ્ય કારણ મજબૂત સૈન્યની આવશ્યકતા હતી. નાયિકાના પ્રેમી/પતિની ઊંચાઈ જ એનો દુશ્મન બની. હેરિયટ મનરોએ કહ્યું હતું: ‘યુદ્ધનું મૌલિક, અનિવાર્ય અને મનોવૈજ્ઞાનિક કારણ શું છે? પુરુષોના દિલોમાં રહેલી ભાવના કે એ સુંદર છે. અને આ લાગણી કોણે જન્માવી? અંશતઃ, એ સાચું કે રાજાઓ અને એમની સેનાઓએ, પણ, એથીય વધુ તો, કવિઓએ પોતાના યુદ્ધ-કાવ્યો અને મહાકાવ્યોથી, શિલ્પકારોએ પોતાની મૂર્તિઓથી.’ યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં, પણ મનુષ્યજાતિ પ્રારંભથી જ આ સરળતમ કોયડો ઉકેલી શકી નથી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એચ. જી. વેલ્સે કહ્યું હતું: ’ આ યુદ્ધ તમામ યુદ્ધોનો અંત આણવા માટેનું છે.’ બીજા વિશ્વયુદ્ધ વખતે અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું હતું: ‘ક્યારેય વિચારશો નહીં કે યુદ્ધ, ગમે એટલું આવશ્યક હોય કે ગમે એટલું ઉચિત હોય, અપરાધ નથી.’ અને બીજા વિશ્વયુદ્ધ પછી આઇન્સ્ટાઇને કહ્યું હતું: ‘હું નથી જાણતો કે ત્રીજું વિશ્વયુદ્ધ કયા હથિયારોથી લડાશે, પણ ચોથું વિશ્વયુદ્ધ નક્કી લાકડી અને પથ્થરોથી જ લડાશે.’ કેવી સાચી વાત!

દુનિયાની તમામ સભ્યતાઓની જેમ જ આપણાં મહાકાવ્યો અને પુરાણોમાંય કોઈ દેવતા કે ભગવાન યુદ્ધનો વિરોધ કરતા નથી. (પુરુષોએ લખ્યાં છે, માટે?) ભગવદ્ગીતાનો બીજો અધ્યાય કૃષ્ણની શીખોથી ભર્યો પડ્યો છે. કૃષ્ણ કહે છે, ‘હે પાર્થ! આવી નામર્દાઈને તાબે ન થઈશ. તને તે શોભતી નથી.’ (क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। (૦૨:૦૩)) યુદ્ધને જે ગૌરવ અપાયું છે એ તો જુઓ:

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम्।।૦૨:૩૨।।
(આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ સ્વર્ગના પ્રવેશદ્વાર ઉઘાડનારું હોય છે. એ ક્ષત્રિયો ભાગ્યશાળી છે, જેઓને આવા અવસર સાંપડે છે.)

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।।૦૨:૩૭।।
(યુદ્ધમાં મરીને તું સ્વર્ગ પ્રાપ્ત કરશે અથવા જીતીને પૃથ્વી ભોગવશે. માટે, હે કૌન્તેય! યુદ્ધનો નિશ્ચય કરી ઊભો થા.)

યુદ્ધ માટેની મનુષ્યોની માનસિકતા સમજવી સરળ નથી. ‘યુદ્ધ કાવ્ય માટે પૂછવામાં આવતાં’ યિટ્સે કહ્યું હતું: ‘મને લાગે છે કે આવા સમયે એક કવિનું મોં બંધ રહે એ વધુ યોગ્ય છે.’ માણસ પોતાની તાકાતનું સૌથી મોટું અને વરવું પ્રદર્શન યુદ્ધમાં કરે છે. જે યુદ્ધ આજે અનિવાર્ય, જીવનમરણનો પ્રશ્ન લાગતું હોય, એય આખરે તો ઇતિહાસનું એક પૃષ્ઠ જ બની જવાનું. કાળાં હોય કે સફેદ, રાજા હોય કે સૈનિક, ખેલ પૂરો થતાં તમામ પ્યાદાંઓએ એક જ બોક્સમાં બંધ થવાનું છે. એચ. જી. વેલ્સે કહ્યું હતું: ‘આપણે યુદ્ધનો અંત નહીં આણીએ, તો યુદ્ધ આપણો અંત આણશે.’ ઇતિહાસના લોહિયાળ પૃષ્ઠોમાંથી આપણે ક્યારેય શીખ લઈશું કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેશે? નાયિકાને વિલાપ કરતી છોડી સત્તાધીશો નાયકને યુદ્ધમાં જોતરાવા તાણી ગયા. નાયિકાને સમજાતું નથી કે એના ખાલી થઈ ગયેલા હૃદયના કપને શેનાથી અને કેમે કરીને ભરવો? (‘હૃદયકપ’ શબ્દ વાપરતી વખતે બે’ક પળ અટકી જવાયું. કપનું ગુજરાતી શું કરવું? આપણી ભાષામાં કોઈ શબ્દ છે? વળી, અંગ્રેજી કપ જે રીતે અરબી રકાબી સાથે ઘડિયા લગ્ન લઈને ટેબલ-ખુરશીની જેમ ગુજરાતી થઈ ગયો છે, એ જોતાં હૃદયકપ શબ્દ અનુચિત લાગતો નથી.)

સ્ત્રીસહજ છઠ્ઠી ઇન્દ્રિયગત નાયિકાને પ્રતીતિ છે કે એનો કંથ ગયો એ ગયો. કદી પરત નહીં ફરે. યુદ્ધનો તો ક્યારેકેય અંત આવશે, પણ યુદ્ધ જે જીવન એના જીવનમાંથી ખેંચી ગયું, એ કદી પાછું આવનાર નથી. ૨૪૦૦ વર્ષ પૂર્વે પ્લેટોએ કહ્યું હતું, ‘ફક્ત મૃતકોએ જ યુદ્ધનો અંત જોયો છે.’ એ જ અરસામાં હેરોડોટસે પણ કહ્યું હતું: ‘શાંતિમાં, પુત્રો પિતાઓને દફનાવે છે, યુદ્ધમાં પિતાઓ પુત્રોને.’ નાયિકાએ પિયુને દરવાજામાંથી જે રીતે જતો જોયો છે, એનાથી એને મૃત્યુની ખાતરી થઈ છે. દરવાજો કદાચ ઘરનો નહીં, જીવનનો છે. નાયક ઘરમાંથી નહીં, જીવનમાંથી ગર્વાન્વિત ચાલે જઈ રહ્યો છે. આ મોટાઈનું કારણ આગળના બંધમાં છે, પણ નાયકના જંગપ્રસ્થાનની રીત જોઈને નાયિકાને સમજાઈ ગયું છે કે એનો મધુર પ્રણય, ગમે એટલો સાચો કેમ ન લાગતો હોય, સાવ ખોટો છે. પ્રિયતમે માત્ર પોતાના ગૌરવનો જ વિચાર કર્યો છે. પોતાની પાછળ પ્રેયસી/પત્નીના હાલ બેહાલ થાય એ વિશે એણે કશું વિચાર્યું નથી. આ જ કારણોસર નાયિકા પોતાની પ્રીત નક્કી જૂઠી જ હોવાના આત્મસ્વીકારની પુનરોક્તિ કરી અધોરેખિત કરે છે.

સજીવારોપણ અલંકાર વડે કવયિત્રી મનમોહિની, નિર્લજ્જ અને ઉદ્ધત મરણસુંદરીને ચાક્ષુષ કરે છે. રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ધૃષ્ટતાપૂર્વક પોતાના અવર્ણનીય, અકથનીય સૌદર્યપાશમાં એ પુરુષોને જકડી લે છે. વળી, આ કામ એ અધિકૃતતાપૂર્વક કરે છે. એનો બાહુપાશ સાધિકાર નાગચૂડ બનીને સૈનિકોને ભીંસે છે, અને ફસાયા પછી છૂટવું સંભવ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. ભલભલા સંગદિલને પીગાળી દે છે. જૉન સ્ટેઇનબેકના કહેવા મુજબ ‘તમામ યુદ્ધ લક્ષણ છે, મનુષ્યની વિચારશીલ પ્રાણી તરીકેની વિફળતાનું.’ નાયક પણ યુદ્ધનો પ્રસ્તાવ આવતાવેંત મરણમોહિનીના પ્રભાવ હેઠળ આવી ગયો હતો. એટલે જ એ પેલા દરવાજામાંથી ગૌરવ અનુભવતો પસાર થયો હતો. બર્ટ્રાન્ડ રસેલે સાચું જ કહ્યું હતું: ‘યુદ્ધ એ નક્કી નથી કરતું કે કોણ સાચું (Right) છે –ફક્ત કોણ બચ્યું (Left) છે.’ મરનાર વ્યક્તિ યુદ્ધ આલેખવા ઉપસ્થિત હોતો નથી, અન્યથા યુદ્ધની (દુષ્)ગૌરવગાથાઓ અલગ જ હોત. સામાન્યરીતે યુદ્ધ અશાંતિ દૂર કરવા માટેનું પ્રમુખ બહાનું છે, પણ ‘શાંતિ માટે લડવું એ બ્રહ્મચર્ય માટે સંભોગવા બરાબર છે.’ (સ્ટીફન કિંગ) ‘બે સૌથી શક્તિશાળી યોદ્ધાઓ છે ધીરજ અને શાંતિ.’ (ટૉલ્સ્ટોય) પણ આ બે યોદ્ધાઓનો ઉપયોગ માનવજાતે કદી કર્યો જ નથી:

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

યુદ્ધની શરૂઆત તો આપણી ઇચ્છાથી થાય, પણ અંત ઇચ્છાશક્તિના દાયરા બહાર હોય છે. નાયિકાને ખાતરી છે કે એ નાયક જ હશે જેણે યુદ્ધની આભાથી અંજાઈને સામે ચાલીને મરણમાળા પહેરવા ગળું આગળ ધર્યું હશે, હકલાઈને પણ હા કહી હશે. સ્ત્રી પુરુષને કેટલી સારી રીતે ઓળખે છે! પુરુષે એને ત્યાગી યુદ્ધ સ્વીકારવામાં ઘડીભર વિલંબ કર્યો નથી. ઊલટું એ તો ટટ્ટાર ચાલે, લાંબા કદમે ઘર બહાર નીકળી ગયો. પાછળ ઘર-પરિવારની શી અવદશા થશે એનો વિચાર સુદ્ધાં એણે કર્યો નથી. વિચાર કર્યોય હોય, તો એને અવગણીને, પ્રાધાન્ય આપ્યા વિના પોતાના મનનું ધાર્યું જ કરવા પ્રવૃત્ત થઈ ગયો. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષ માટે એના ગણવેશ પર ઉમેરાનાર તારક-ચંદ્રકો-પદવીથી વિશેષ કશું નથી. મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કુર્દીશ કવિ અબ્દુલ્લા પાશ્યુની ‘અજાણ્યો સૈનિક’ કવિતા જુઓ:

કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે
અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર,
કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’

તસ્બીના મણકાની જેમ કવિતા શરૂ થઈ હતી, ત્યાં જ આવીને પૂરી થાય છે. વિષાદનું વર્તુળ સંપૂર્ણ થાય છે. કાવ્યારંભે માને પૂછેલો પ્રશ્ન કાવ્યાંતે દીકરી દોહરાવે છે: ‘ખુશી ક્યાં છે,હેં મા?’ દેશ કદાચ યુદ્ધ જીતી જશે, પતિની નામના થશે, પરિવારનું ગૌરવ થશે પણ પરિવારજનોની ખુશી? એ ક્યાં? એવું કયું માન-અકરામ છે, એવાં કયાં ખિતાબ-પદવી છે, જે સ્વજનની ખોટને ખુશીથી ભરી શકે? કદાચ, કોઈ જ નહીં… પ્રેમ-મૃત્યુ, વિરહ-વેદના, યુદ્ધ-તબાહી –આ બધું ચૌદ પંક્તિની કવિતામાં જાણે ગ્વિન્ડોલિને ઠાંસી-ઠાંસીને ભરી આપ્યું છે. પરિણામે સરળ શબ્દોમાં સીધીસટ વાત કહેતી આ કવિતા વાંચતા આપણા શરીરમાં ઠંડીનું એક લખલખું ફરી વળે છે…

અકલ કલા ખેલત – અખા ભગત

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

અકલ કલા ખેલત નર જ્ઞાની
જેસે નાવ હિરે ફિરે દશો દિશે
ધ્રુવ તારે પર રહત નિશાની

ચલન વલન રહત અવની પર વાંકી
મન કી સૂરત આકાશ ઠહરાની
તત્વ સમાસ ભયો હે સ્વત્રંત
જેસી હિમ હોત હે પાની

અજબ ખેલ અદભુત અનુપમ હે
જાકુ હે પહિચાન પુરાની
ગગન હી ગેબી ભયો નર બોલે
એહિ અખા જાનત કોઈ જ્ઞાની…
– અખા ભગત

अकल कला खेलत नर ज्ञानी।
जैसे नाव हिरे फिरे दसों दिश।
ध्रुव तारे पर रहत निशानी।।

चलन वलन रहत अवनि पर वाँकी।
मन की सूरत आकाश ठहरानी।।
तत्त्व समास भयो है स्वतंत्र।
जैसी हिम होत है पानी।। अकल ….

अजब खेल अदभुत अनुपम है।
जाकूँ है पहिचान पुरानी।।
गगन ही गेब भयो नर बोले।
एहि अखा जानत कोई ज्ञानी।। अकल….

આજની રાત ની વાર્તા શી કહું? – નરસિંહ મહેતા

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

આજની રાત ની વાર્તા શી કહું?
સ્વપ્નમાં શામળા સંગ પરણી
ચોરીમાં પરવરી પાસ બેઠા હરિ
બાઈ મારા કર્મની કોણ કરની ?

ચાર વેદે કરી ચાર ફેરા ફરી
શ્રી હરિએ મારો હાથ ઝાલ્યો
કૃત તણાં દિપક મંડપ ચોરી રચી
આંગણે નંદ આનંદ મ્હાલ્યો !

થાળ કુમકુમ ભરી મોડ મસ્તક ધરી
જશુમતી સાસુને પાય લાગી
નરસૈંના સ્વામીને સંગ રમતી હતી
એટલે ઝબકીને હું રે જાગી
-નરસિંહ મહેતા

ગ્લૉબલ કવિતા : ૨૧૪ : મને લાગે છે… -સેફો (ગ્રીક)

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho


મને લાગે છે…

પેલો પુરુષ મને દેવતાઓ સમાન લાગે છે,
જે તારી સન્મુખ બેઠો છે
અને ખૂબ નજીકથી સાંભળી રહ્યો છે
તને મીઠું બોલતી

અને મજાનું હસતી, જેના કારણે સાચે જ
મારું હૃદય છાતીમાં ફડફડે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
ત્યારે મારા માટે કશું પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ જ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે,
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ઘાસ કરતાં પણ વધારે
ફિક્કી પડી જાઉં છું, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામી છું.

પરંતુ બધામાં સાહસ તો કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર


ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્-
છે સાત પગલાં આજ સાચા કોઈપણ સંબંધમાં.

– સાચે જ! ગમે એટલો મજબૂત સંબંધ કેમ ન હોય, સમય એમાં આ સાતેય કે વધતા-ઓછા ભાવ ભરવા જેટલું પોલાણ કરી જ દે છે. આ સાતેસાત ભાવોથી પર હોય એવો સંબંધ તો દેવોને પણ નસીબ થયો નથી, તો આપણી તો વાત જ શી કરવી! દુનિયામાં કદાચ એકેય સગપણ એવું નહીં હોય, જેમાં આ સાતમાંથી એકેય હાજર ન હોય. પણ આપણે આજે આ સાતેયની વાત કરવાની નથી. સેફોની પ્રસ્તુત રચનામાં ઈર્ષ્યા કેન્દ્રસ્થાને છે, એટલે આપણે આપણું ફૉકસ એના પર જ રાખીએ. ‘ઈર્ષ્યા જ્યારે આળસ મરડે, ખાર તો શું, ખુદ ફૂલો કરડે.’ (અમર પાલનપુરી)

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦)નું સ્થાન આગવું છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇ.પૂ. ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી. એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસેક હજાર પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. સેફો એટલે જાણે ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય – સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતીક! એના છસો વર્ષ પછી થયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતીત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકાનુસાર સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. આ વાતનો વિરોધ કરનારા પણ છે. હકીકત ચકાસવાનું કામ જો કે ઇતિહાસકારોનું, આપણું કામ તો એની કવિતાઓ પૂરતું.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. એની ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાનાર્હ છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી ગણે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદનની આત્મકથનાત્મક અભિવ્યક્તિ એનો પ્રમુખ કાકુ છે. એ કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ સેફોના ગીતો વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ(સેફો) એકીસાથે થીજાવે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફો આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજપર્યંત કવિઓ-ભાવકોને પ્રેરણા આપતી રહી છે કેમકે એ આપણા મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો હતો.

સેફોની ભાષા લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. સેફોના ગીત અને શૈલી એટલા પ્રભાવક થયા કે જે છંદોલયમાં એ લખતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિ અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિ પાંચ (adonic) શબ્દાંશથી (syllable) બને છે. આપણે ત્યાં મરાઠીમાંથી આવેલ અંજનીગીત આના જેવું જ છે. અંજનીગીતમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ અને ચોથીમાં દસ માત્રા હોય છે. પ્રસ્તુત રચનામાં ચાર સેફિક સ્ટૅન્ઝા અને એક છૂટી પંક્તિ છે. મોટા ભાગના અનુવાદકોએ મુખ્ય રચનાથી છૂટી અને અધૂરી જણાતી આખરી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે.

મનમાં પ્રેમવશ જાગતી સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોવું જોઈએ. તત્કાલીન ગ્રીસમાં જાહેરમાં અને જાહેર પ્રસંગોએ વ્યક્તિગત અને સમૂહગત પ્રણયકેલિઓ સામાન્ય હતી. સમલૈંગિકતા પણ સમાજસ્વીકૃત અભિવ્યક્તિ હતી અને મોટાભાગના પુરુષો સેક્સ તરફ ઉભયલિંગી અભિગમ ધરાવતા હતા. જો કે પુરુષોના સમલૈંગિક સંબંધોમાં એક પુરુષ સામાન્ય રીતે વયસ્ક કે પ્રૌઢ અને બીજો તરુણ જ રહેતો. અહીં, નાયિકા જે સ્ત્રી સાથે સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છીનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને દેવતાઓની સમકક્ષ લાગે છે, કેમકે કાળા માથાના મનુષ્ય પાસે તો આવું દૈવત ક્યાંથી હોય? આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક તો કોઈ દેવતા જ પાર પાડી શકે ને?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને મધુરું બોલતાં ને મજાનું હસતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. એરિસ્ટોટલે કહ્યું હતું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ કોઈપણ સંબંધના શરીરમાં પ્રેમ અને ઈર્ષ્યા બે પગ જેવા છે. એક જ મૂળથી જોડાયેલા હોવા છતાં બંને એકમેકથી સાવ અલગ જ છે. ચાલતી વખતે બંને પગ વારાફરતી આગળ-પાછળ થયે રાખે એવું જ સંબંધ ચાલતો હોય ત્યારે પ્રેમ અને ઈર્ષ્યાનું છે. બંને એકાંતરે આગળ-પાછળ થયા કરે છે. બે પગ અડખેપડખે રાખીને ચાલી શકાતું નથી, એ જ રીતે પ્રેમ અને ઈર્ષ્યા બે એક સાથે આવી જાય ત્યારે ભલભલો સંબંધ ઊભો રહી જાય છે. પ્રેમ અને ઈર્ષ્યા ભેગાં થઈ જાય ત્યારે સંબંધમાંથી ગતિ પગ કરી જાય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પણ આપણામાંથી બહુ ઓછા પ્રેમમાં આઝાદી મેળવી શકે છે. પ્રેમનું વહેતું પાણી તળાવની સ્થિરતાને પામ્યું નથી કે ઉપર ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્ – આ સાતમાંથી એક કે એકાધિકની લીલ બાઝવી શરૂ થઈ નથી. અને લીલ બાઝતાવેંત જ સગપણ લપસણું બનવા માંડે છે.

પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ શેક્સપિઅરના ‘ઑથેલો’માં તો ઈર્ષ્યા કદાચ મુખ્ય પાત્ર છે. ઇઆગો ઑથેલોને કહે છે: ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જેના પર નભે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ (અંક ૦૩, દૃશ્ય ૦૩) શેક્સપિઅરના નાટકો અને કવિતાઓ જ નહીં, દુનિયાભરના સર્વકાલીન સાહિત્ય-કળાઓમાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ? આપણા શાસ્ત્રોમાં જે ષડ્રિપુ કહેવાયા છે એમાં મત્સર યાને અદેખાઈ એક છે. ‘અન્ય કોઈની ઉત્કૃષ્ટતા જોઈને જન્મતી અસહિષ્ણુતાની સ્થિતિ’ને શંકરાચાર્ય ઈર્ષ્યા કહે છે. રામાયણ અને મહાભારતના મૂળ અનુક્રમે કૈકયી અને દુર્યોધનની અદેખાઈમાં રહેલાં છે.

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ અહીં પણ પોતાની પ્રેયસીને અન્ય પુરુષ સાથે પ્રેમાચારમાં લીન જોવા છતાં નાયિકા કોઈ પગલાં લઈ શકતી નથી. પોતાની પ્રેયસીને દેવસમ સંપૂર્ણ પુરુષની સન્નિકટ જોઈને એનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. એ સ્વીકારે છે કે છાતીના પિંજરામાં કબૂતર સમું એનું હૈયું સાચે જ ફફડી રહ્યું છે. એ એની સામે તાકીને જોઈ પણ શકતી નથી, કેમકે ક્ષણાર્ધભર પર જો એ પ્રિયા સામે જુએ છે, તો એના માટે કશું પણ બોલવું સંભવ રહેતું નથી.
જીભ જાણે કે ભાંગી જાય છે. તનબદનમાં આગ લાગે છે. આગ ઝીણી જ છે પણ ઘાસની ગંજીમાં જે ઝડપે ફેલાઈ વળે એ ત્વરાથી એની ત્વચા પર સમગ્રતયા ફરી વળે છે. માત્ર મનમાં જ નહીં, તન આખામાં અસહ્ય દાહ અનુભવાય છે. આંખો આગળ ઝાંખપ ફરી વળે છે. પ્રેમને તો આમેય અમસ્તો આંધળો કહ્યો નથી. ને એમાં અહીં તો ઈર્ષ્યા પણ ઉમેરાઈ છે. એટલે અપ્રિય કશું જોઈ શકવું સંભવ જ નથી. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।

ઈર્ષ્યા નામે મહારથી એક પછી એક ગઢ સર કરી રહ્યો છે. હૃદય કાબૂ બહાર થયું. વાચા હરાઈ ગઈ. તનમન સળગી રહ્યાં છે. આંખો જોતી બંધ થઈ ગઈ છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. કશું જ બાકી રહેતું નથી. પ્રેમ માણસને સાચે જ પરવશ કરી દે છે. પ્રેમ તમારી જિંદગીની બાગદૌર અન્યના હાથમાં સોંપી દે છે. તમામ ઇન્દ્રિયો લકવો પડી ગયો હોય એમ સૂન્ન પડી ગઈ છે. શરીરે આગની લાહ્ય અનુભવાય છે પણ પરસેવો ઠંડો ફરી વળે છે. ગુણધર્મે સાવ વિપરીત હોવા છતાં આગ અને બરફ બંને જ દઝાડે છે. પણ એકીસાથે ઉભયની દાહકતાનો અનુભવ તો ઈર્ષ્યા નામે જાદુગર જ કરાવી શકે ને! પ્રેમની પરાધીનતામાં નાયિકા એ સ્થળે પહોંચી છે, જ્યાં અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી સ્વીકારી લેવી પડે છે. જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદી કહી ગયા એવું કાશ, આ નાયિકાને કોઈ ન કહે:

तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ એ દિલના હાથે મજબૂર છે. પ્રેમ નામના શખ્સે એને બેબસ બનાવી દીધી છે. એના ગાત્રો ગળી જાય છે. બીજું કશું કરવું શક્ય ન હોવાથી, પ્રણયલાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. ખરું જોઈએ તો કવયિત્રીનું ધ્યાન પ્રેયસી કે દેવપુરુષ તરફ નહીં, માત્ર પોતાની તરફ છે. જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને કાળજીપૂર્વક પૂરી સભાનતા સાથે એ સ્ટેપ-બાય-સ્ટેપ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

નાયિકાને લાગે છે કે લગભગ મરી જ ચૂકી છે. પોતાની પ્રેયસીનું પોતાની ઉપસ્થિતિમાં જ પોતાને અવગણીને અન્ય પુરુષ સાથે આમ મુખામુખ હોવું એક પ્રકારનું મોત જ ને? મૃતપ્રાય અવસ્થાની લાચારીમાં હવે શું કરવું? જવાબ આખરી કડીમાં છે. પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ કરવું જ જોઈએ કેમકે સર્વસ્વ ગુમાવી દીધા બાદ વધુ ગુમાવવા માટે કંઈ બચે છે ખરું? સાહસના ગજવામાં સંભાવનાનો સિક્કો પડ્યો હોય છે. સાહસ જ ન કરો તો એ સિક્કો ક્યાંથી હાથ લાગે? સહન કરી શકાય ત્યાં સુધી સહો, પણ સહન ન કરી શકાય અને સર્વસ્વ દાવ પર લાગ્યું હોય તો સાહસ કહો કે દુસ્સાહસ, કરવું જ જોઈએ. રૂમી કહે છે, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને આસપાસની દરેક વ્યક્તિ કબૂતર પેઠે ઊડી શકશે.’ ઈર્ષ્યાથી ભરેલો સંબંધ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. વાત તો સાચી પણ ઈર્ષ્યાથી પર અને પાર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?! કહો તો…

સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

22 beach night 2

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,

દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,

કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

(કવિ પરિચય) 

હું વૃક્ષો સાથે વાત કરું છું – પન્ના નાયક

હું વૃક્ષો સાથે વાત કરું છું
લીલેરો સંગાથ કરું છું

કુમળો કુમળો તડકો જાણે
પંખી થઈને બોલે
આકાશ જાણે હોય ઊછરતું.
લીલા રંગને ખોળે

હું તો મારી સાથે જાણે
પહેલી વાર સંવાદ કરું છું.
હું વૃક્ષો સાથે વાત કરું છું.

હું મારામાં વૃક્ષ ઉછેરું
હું મારામાં આભ,
મારી ભીતર મને મળ્યાં છે
મૌનનાં રેશમ-ગાભ,
હું ભીતર ને બહાર ફરું છું.
હું વૃક્ષો સાથે વાત કરું છું.
-પન્ના નાયક