Category Archives: કવિઓ

ઓરડાની માલીપા બેસીને નીરખું – તુષાર શુક્લ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સંગીત : હસમુખ પાટડિયા

rain

.

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!

વરસાદી વાદળાએ ઘેર્યું આકાશ, અને
વર્ષાની ઝામી તૈયારી
તુફાની વાયરાના ભીના અડપલાએ હું
કેમ કરી બંધ કરું બારી

ત્રૂફેલા મોરલાઓ ગહેકી ઉઠે છે,
એવી વરસાદી વાતો રળીયાત છે

મનડું મુંઝાય અને હૈયું હિજરાઇ
લીલા તોરણ સુકાય મારે ટોડલો
પ્રિતમને કહી દો કે સૂના આકાશ મહીં
આષાઢી ગીતો ના મોકલે

તરસ્યો આ કંઠ મારો કોરોધારોક
છો ને લીંપણમા નદીઓની ભાત છે

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!

ક્યારેક કલ્પનામાં તને એ રીતે મળું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 river

ક્યારેક કલ્પનામાં તને એ રીતે મળું,
મારામાં પાંચ-સાત નદી વહેતી સાંભળું

બહુ મોડી રાત સુધી રહુ ખોવાયેલો અને,
કોઇ ઘસઘસાટ ઊંઘતા ચહેરામાં નીકળું.

તારામાં કમળ જેમ ઊઘડતો તને મળીશ,
ઇચ્છા તો કર ઓ પહાડ સરોવરમાં ઓગળું.

ઊંચકી જતું હો પહાડ બરફનો કોઇ કિરણ,
કૈં એમ ઉદાસીની વચ્ચે રોજ ઝળહળું.

ઘરને સજાવતો રહ્યો આ હાથ જડભરત,
મૂકી દઇ ખૂણામાં મને વાળી ગૂંચળું.

‘મિસ્કીન’ સવારે જે ગઝલો ઢગલો જૂઇનો,
રહી છે રાતભર એ લોહીમાં બળુંબળું.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું – કૈલાસ પંડિત

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે

સ્વર – સંગીત : મનહર ઉધાસ

sad eyews

.

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

– કૈલાસ પંડિત

ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે – ભારતી રાણે

SUN MOON

 

આંખના ને આભના બંને અલગ વરસાદ છે
કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે?

શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું જડે
શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે!

સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.

શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો
મૌનની કંઇ આ તરફ કેવો અનાહત નાદ છે!

પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.

– ભારતી રાણે

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

હજુ બે દિવસ પહેલા જ વાત કરી, કે ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ બહુ ઓછા જોવા મળે છે. આજે ફરીથી એક ‘female duet’ ગીત, અને એ પણ ગુજરાતી સંગીત જગતની બે legendary ગાયિકાઓના કંઠે..

(સૂની ડેલી…..        : Photo : Patricia Dorr Parker)

સ્વર : વિભા દેસાઇ – કૌમુદી મુંશી
સ્વરકાર : ક્ષેમુ દિવેટીઆ

.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઇને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…

સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા…

છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

એકલી સળીને કોયલ માળો મા નીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું….

વરસોવરસ વીતી ગયા – ગુલ અંક્લેશ્વરી

શ્વાસ ને નિશ્વાસમાં, વરસોવરસ વીતી ગયાં
દેહના આવાસમાં, વરસોવરસ વીતી ગયા

પ્રીતના પ્યાલા છલોછલ આંખ સામે તે છતાં
કો મધુરી પ્યાસમાં, વરસોવરસ વીતી ગયા

છે ખુલ્લુ આકાશને ચારે દિશા ધરતી ખુલી
મુકત કારાવાસમાં, વરસોવરસ વીતી ગયા

ઊરના ઊંડાણની ઘેરી પળો વીતે નહીં
ને નયન અજવાસમાં, વરસોવરસ વીતી ગયા

રે ગરીબી આંગણું ઉંબર નહીં ને છત નહીં
આભના આવાસમાં, વરસોવરસ વીતી ગયા

‘ગુલ’ ગઝલના દેહને કંડારતાં કંડારતા
શબ્દના સહવાસમાં, વરસોવરસ વીતી ગયા

અમને પાગલને પાગલ કહી વારો નહીં – જગદીશ જોષી

આ ગીત સમજવા માટે તો મને તમારી થોડી મદદ જોઇશે. પણ મારા તરફથી એક ખાત્રી આપું, કે ગીત સાંભળવાની એટલી મજા આવશે કે થોડુ ના સમજાયું હોય તો પણ કશો ફેર જ ન પડે….

દક્ષેશ ધ્રુવના સંગીતમાં સોલી કાપડિયા અને આલાપ દેસાઇએ એવો તો સુંદર આલાપ છેડ્યો છે કે વાહ…. વારંવાર સાંભળ્યા જ કરીયે… આમ પણ ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ ઓછા જોવા મળે છે… એ રીતે પણ આ ગીત ખાસ કહેવાય..

સંગીતની સાથે સાથે ગાયકોનો એક-બીજા સાથેનો તાલમેલ પણ કેવો સરસ છે… !!

સંગીત : દક્ષેશ ધ્રુવ
સ્વર : આલાપ દેસાઇ, સોલી કાપડિયા

paagal

(સોલી કાપડિયા & આલાપ દેસાઇ)

.

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

કોણ લઇ ગયું? – મરીઝ

road without destination

મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઇ ગયું?

આંસુ ને શ્વાસ એક હતા- સંકલિત હતા,
વ્યાપક હતી તે આબોહવા કોણ લઇ ગયું?

સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ-પરસ
દુ:ખમાં થતી હતી તે વ્યથા કોણ લઇ ગયું?

જે જે હતા પ્રવાસ રઝળપાટ થઇ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?

જા જઇ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
કહેશે તને બધું કે ભલા કોણ લઇ ગયું?

આખીએ રાત તને કહેવાની વાત… – હર્ષદ ચંદારણા

સ્વર : સંજય ઓઝા
સ્વરકાર : માલવ દિવેટીઆ

dew

.

આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…

હોઠે જો હોત એ પંખીનું ગીત થઇ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકી હું દેત એને સત્તરમા ઓરડે તાળામાં

અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ-સાત ટીપાં…

પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ
સૂરજનું ખૂંપ્યું તો ફૂંટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પશ્યું ત્યાં
ટીંપાંમાં પડી ગયાં જળનાં ય કારમા તોટાં

મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા…

– હર્ષદ ચંદારણા

એક હુંફાળો માળો ! – તુષાર શુક્લ

તુષાર શુક્લનું આ ગીત દરેક લગ્નપ્રસંગે ભેટ આપવા જેવું છે… સહિયારા જીવનના સ્વપ્નને કવિએ અહીં એવી સરસ રીતે શબ્દોમાં ઢાળ્યું છે કે.. વાહ ! સિવાયના કોઇ શબ્દો યાદ જ ન આવે…!!

સ્વર : સૌમિલ – આરતી મુન્શી
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

845396216_b6ce080c7c_m

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો