Category Archives: ગુલ અંક્લેશ્વરી

વરસોવરસ વીતી ગયા – ગુલ અંક્લેશ્વરી

શ્વાસ ને નિશ્વાસમાં, વરસોવરસ વીતી ગયાં
દેહના આવાસમાં, વરસોવરસ વીતી ગયા

પ્રીતના પ્યાલા છલોછલ આંખ સામે તે છતાં
કો મધુરી પ્યાસમાં, વરસોવરસ વીતી ગયા

છે ખુલ્લુ આકાશને ચારે દિશા ધરતી ખુલી
મુકત કારાવાસમાં, વરસોવરસ વીતી ગયા

ઊરના ઊંડાણની ઘેરી પળો વીતે નહીં
ને નયન અજવાસમાં, વરસોવરસ વીતી ગયા

રે ગરીબી આંગણું ઉંબર નહીં ને છત નહીં
આભના આવાસમાં, વરસોવરસ વીતી ગયા

‘ગુલ’ ગઝલના દેહને કંડારતાં કંડારતા
શબ્દના સહવાસમાં, વરસોવરસ વીતી ગયા