Category Archives: કવિઓ

લો અમે તો આ ચાલ્યા ! – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલોનો સંચય.
સંપાદક – મુસાફિર પાલનપૂરી

લો અમે તો આ ચાલ્યા !

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને,
લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને,
લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,
લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,
લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને,
લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની,
કોડા સમય કેરા;
એક મૂગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેવા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની;
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યા !

– ‘શૂન્ય’ પાલનપૂરી

તારે નામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ,
લે, તારે નામ કરી દઉં!
એક અજાણ્યા શહેરમાં તું જશે, તો,
તો લે, મારી પોતીકી પરખનું આખુંયે જગત
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, આ આકાશ સાથે
જેની નીચે વિતાવ્યાં વર્ષોનાં વર્ષો સંગાથે,
લઈ જા, આ જમીન, આ રસ્તા, આ નદી ને આ દરિયો!
જેની સાક્ષીએ, કેટકેટલા મઘમઘતા મોગરા મૈત્રીના મ્હોર્યા,
તો લે, વિતેલી અને આવનારી મોસમોની મહેક તારે નામ કરી દઉં
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, મારા શ્વાસોનો પ્રાણવાયુ
એ અજાણ્યા શહેરની હવામાં,
લઈ જા, રેશમની દોરીથી ગૂંથાયેલા
સંબંધોનાં મુલાયમ પોત,
લઈ જા, અહીં ગુજારેલા
સઘળા સમયની ક્ષણો સમેટીને પાલવમાં
તો લે, મારા પાલવનો તા૨-તા૨
બસ, હવે તારે નામ કરી દઉં!
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

– જયશ્રી વિનુ મર્ચન્ટ

નથી દેતી – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કવિની આ કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! કેવી અજબ છે આ જિંદગી !

કદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી
ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી

અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી

ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી
ઝરણની દોસ્તી એને ફકત વ્હેવા નથી દેતી.

તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી

જરા રોકી લો આજે જિંદગીભરના અધૂરા શ્વાસ
ધરાની આ બિછાતો એમ તો સૂવા નથી દેતી

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ના થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,
હૃદય વાગતું કે મંજીરાં કૃષ્ણ બધુય જાણે છે.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થયો ખંડેર હશે,
ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.
હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું સેકાયું નહીં
મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.
પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુય જાણે છે.

પીંજારાના નામે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું.
ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું
કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

– મુકેશ જોષી

मधुशाला 5 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 5

मधुर भावनाओं की सुमधुर नित्य बनाता हूँ हाला,
भरता हूँ इस मधु से अपने अंतर का प्यासा प्याला;
उठा कल्पना के हाथों से स्वयं उसे पी जाता हूँ;
अपने ही में हूँ मैं साकी, पीनेवाला मधुशाला |

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 5

મધુર ભાવનાઓની સુમધુર રોજ બનાવું છું મદિરા,
જે મદિરાથી ભરતો મારા અંતરના તરસ્યા પ્યાલા;
હાથ કલ્પના વડે ઉપાડી ખુદ એને પી જાઉં છું;
હું પોતે પીનારો, સાકી, ને હું પોતે મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો – ભગવતી કુમાર શર્મા

કવિશ્રી ભગવતીકુમાર શર્માને એમના જન્મદિને વંદન સહ શ્રધ્ધાંજલી. 🙏🙏

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો
આકાશને ધરા છે, મલ્હારનો ઘરાણો 

ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યુ કિન્તુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિ ને લાગણીઓ, જકડાયેલો ઝૂરાપો
માણસ ઉપર પડે છે ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રવાહે
મ્હેં લોહીથી ભર્યા છે મારા બધા લખાણો

– ભગવતીકુમાર શર્મા

સ્વરકાર – આલાપ દેસાઈ (આલ્બમ – સૂર વર્ષા)
સ્વર – હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

લગ્નની ભેટ – આસીમ રાંદેરી

લગ્નની ભેટ

અનોખી આજ ‘લીલા’ને લગ્નની ભેટ આપી દઉં,
કબૂલે તો કોઈ એના જ મનની ભેટ આપી દઉં.

છે હાજર પુષ્પ-કળીઓ પણ, છે સૂરજ ચાંદ-તારા પણ,
ધરાની ના ગમે તો કો’ ગગનની ભેટ આપી દઉં.

વિયોગે જે નયન છલકાઈને નદીઓ વહાવે છે,
કહે તો એ ઉભય ગંગા-જમનાની ભેટ આપી દઉં.

યદિ એકાંતમાં કંઈ વાંચવાનો શોખ જાગે તો,
લખેલાં લોહીથી મારાં કવનની ભેટ આપી દઉં.

મળે તો દ્રૌપદીનું ચીર ચોરી, લાજ સાચવવા;
અમારા પ્રેમ-શબ માટે કફનની ભેટ આપી દઉં.

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.

વિરહથી ‘કોઈના’, જો તન-બદનમાં આગ સળગે તો,
હું ઠંડા શ્વાસના શીતળ પવનની ભેટ આપી દઉં.

છે નાજુક, પુષ્પ-શય્યા પર રખે શરદી ન થૈ જાયે,
સ્વીકારે તો જરા દિલની જલનની ભેટ આપી દઉં.

નહીં જોઈ શકે એ, કિન્તુ ના જોવાનું જોવાને,
સદા માટે હવે મારાં નયનની ભેટ આપી દઉં.

વફા ને પ્રેમની ભેદી કથાઓ જેમાં ઝળકે છે,
ગમે તો દિલનાં એ મોંઘાં રતનની ભેટ આપી દઉં.

અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘આસિમ’ !
હું ‘લીલા’ની ખુશી માટે જીવનની ભેટ આપી દઉં.

– આસીમ રાંદેરી

ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં. – અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યુંઃ જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

– અનિલ ચાવડા

આજ તો એવાં અમરત પીધાં – નંદિતા ઠાકોર

આજ તો એવાં અમરત પીધાં
આખી કાયા મ્હોરી જાણે ઝળહળ દીવા કીધા

કંઇક હૃદયમાં એવું અડકયું
એવાં ઉઘડયાં સ્પંદન
અદીઠ રહીને કોણે તોડયાં
આ અનહદના બંધન
પગલે પગલે આ કોણે મબલક અણસારા દીધા

હવે કશી આરત ના બાકી
કોઇ ન બાકી માયા
ચોગરદમ આ હું જ વસું ને
સઘળે મારી છાયા
કશી અગોચર રમણામાં લ્યો, અમે વિસામા લીધા

– નંદિતા ઠાકોર

વરસાદીપણું…! – જયશ્રી વિનુ મર્ચન્ટ

વરસાદીપણું મને ભીંજવી ગયું
ને, સૂરજનાં કિરણોમાં હું ઝળહળું…
ઝાકળમાં પથરાયા મારા પડછાયા,
ને, ફૂલો મહીં સમાઈને હું મઘમઘું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

રાતલડી મહેકે બનીને રાતરાણી,
ને, ફોરમના ફુવારે જો ભીંજાણી હું…
સપનાંયે હવે સપનાં ગયાં બની,
ને, પલકો ૫૨ ટહેલું છું નિદ્રાની હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

ઓજસનો આભાસ ખાલી નથી,
ને, રોમરોમ તુજ નૂરમાં નીતરતી હું…
ભાન ભૂલી અભિસારિકા નદી સમી,
દિ૨યામાં લુપ્ત થવા જો ધસમસતી હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

જયશ્રી વિનુ મર્ચન્ટ