લગ્નની ભેટ
અનોખી આજ ‘લીલા’ને લગ્નની ભેટ આપી દઉં,
કબૂલે તો કોઈ એના જ મનની ભેટ આપી દઉં.
છે હાજર પુષ્પ-કળીઓ પણ, છે સૂરજ ચાંદ-તારા પણ,
ધરાની ના ગમે તો કો’ ગગનની ભેટ આપી દઉં.
વિયોગે જે નયન છલકાઈને નદીઓ વહાવે છે,
કહે તો એ ઉભય ગંગા-જમનાની ભેટ આપી દઉં.
યદિ એકાંતમાં કંઈ વાંચવાનો શોખ જાગે તો,
લખેલાં લોહીથી મારાં કવનની ભેટ આપી દઉં.
મળે તો દ્રૌપદીનું ચીર ચોરી, લાજ સાચવવા;
અમારા પ્રેમ-શબ માટે કફનની ભેટ આપી દઉં.
ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
વિરહથી ‘કોઈના’, જો તન-બદનમાં આગ સળગે તો,
હું ઠંડા શ્વાસના શીતળ પવનની ભેટ આપી દઉં.
છે નાજુક, પુષ્પ-શય્યા પર રખે શરદી ન થૈ જાયે,
સ્વીકારે તો જરા દિલની જલનની ભેટ આપી દઉં.
નહીં જોઈ શકે એ, કિન્તુ ના જોવાનું જોવાને,
સદા માટે હવે મારાં નયનની ભેટ આપી દઉં.
વફા ને પ્રેમની ભેદી કથાઓ જેમાં ઝળકે છે,
ગમે તો દિલનાં એ મોંઘાં રતનની ભેટ આપી દઉં.
અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘આસિમ’ !
હું ‘લીલા’ની ખુશી માટે જીવનની ભેટ આપી દઉં.
– આસીમ રાંદેરી