Category Archives: ગરબા

આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ

સ્વર – કમલ બારોટ અને કોરસ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

રૂડો ચાચરનો ચોક શણગારી
માથે ચંદરવો ઓઢાળો
ગરબે રમવા હાલો

તોરણ બાંધ્યા માંડવે અને
દીવડા મેલ્યા દ્વાર
સરખી સહિયર આવજો
સોળે સજી શણગાર
એ…ય સોળે સજી શણગાર
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

એ… ચરણે ઝાંઝર ઝમકતાં ને
કર કંકણનો સાથ
કાને લટકે લોળિયાં ને
મેંદી ભરેલા હાથ
એ…ય મેંદી ભરેલા હાથ રે
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

પતૈરાજાનો ગરબો – પ્રફુલ દવે

આજે નવરાત્રીના અવસરે ચાલો સાંભળીએ પાવાગઢનાં શ્રી મહાકાલી મા માટે ગવાતો આ ‘પતૈરાજાનો ગરબો’ પ્રફુલ દવેનાં સ્વરમાં

.

ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ…

સ્વર : રાજુલ મહેતા

(Photo: Dandiyazone.com)

હે જુઓ ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ
હે કેવી શોભે મલકતી નાર, ગરવી ગુજરાતણ..

હે એના કંઠે કોયલડી ટહૂકે છે..
એની આંખે વીજલડી ઝબકે છે…
એની ડોકે રે કામણહાર, ગરવી ગુજરાતણ

એને ડગલે તે ધરણી ધમધમતી
એની કેડો ઝુલ્યે છે કેવી મનગમતી
એના ઝાંઝર કરે ઝણકાર, ગરવી ગુજરાતણ

Non-stop ગરબા – 3

આમ તો નવરાત્રીને થોડા દિવસની વાર છે.. પણ દેશમાં તો ક્યારની તૈયારીઓ શરૂ થઇ ગઇ હશે..! ઠેર ઠેર સ્ટેજ અને મ્યુઝિક સિસ્ટમ ગોઠવાઇ ગઇ હશે..! (એક જમાનામાં એ તૈયારીઓ ફક્ત ૨ કલાક પહેલા થતી..) અને વિદેશમાં તો આ weekend થી જ ગરબા શરૂ..! (અમે અમેરિકાવાળા ૯ દિવસની નવરાત્રી તો માણીએ, પણ એ ૨-૨ દિવસના installment માં..!! 🙂

ટૂંકમાં – આખી દુનિયામાં નવરાત્રીની તૈયારી થઈ રહી હોય, અને આપણે બાકાત રહીએ? ચલો.. માણીએ આ નોન-સ્ટોપ ગરબા..! અને હવે ગયા વર્ષે ક્યાંક પટારામાં મૂકેલા ચણીયા-ચોળી, ડાંડિયા એ બધુ બહાર કાઢો… નવરાત્રી આવી..!! 🙂

આપણા મલકના માયાળુ માનવી…..

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – ?
ગુજરાતી ફીલમ – આપણા મલકના માયાળુ માનવી

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

સ્વર – પ્રફુલ દવે
સંગીત અરેન્જમન્ટ – બ્રિજરાજ જોષી
આલ્બમ – ગીત ગુંજન

.

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

(શબ્દો મટે આભાર – પ્રીત નાં ગીત)

માત ઉમિયાની રૂડી પધરામણી… – રાજેન્દ્ર ગઢવી

ઉંઝામાં અત્યારે કડવા પાટીદાર સમાજનું વૈશ્વિક સંમેલન યોજાઇ રહ્યું છે, ત્યારે આપણે પણ ઘરબેઠા આ ઉમિયા માતાનો ગરબો સાંભળી લઇએ…!

સંગીત – મેહુલ સુરતી

કવિઃ રાજેન્દ્ર ગઢવી
ગાયિકાઃ ગાર્ગી વોરા
પાર્શ્વગાયનઃરુપાંગ ખાનસાહેબ,આશિષ શાહ અને M.S.UNIVERSIY BARODA સ્વરવૃંદ

.

હાલો… હાલો… હાલો… હાલો…
હાલો… હાલો… હાલો… હાલો…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…
ચાંચરના ચોકમાં વધામણી
હે માત ઉમિયાની રૂડી પધરામણી

રૂમઝુમ રથડે, ઘૂઘરા ઘમરાકરે
કરમાં ત્રિશુળ માના મુખડે ખમકાર
થોક થોક લોક ગાયે માનો જયકાર
માનો ખમકાર.. માનો જયજયકાર…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…

શિવજીને મન વસે, ઋષભની અસવાર
ઉમિયાને મન કરવા પાટીદાર
રાખજો અખંડ હેત અમ પર અપાર
રાખો અપરંપાર… માનો જયજયકાર…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…

પૂનમની પ્યારી પ્યારી રાત…

સૌને અમારા તરફથી શરદપૂનમની અમિત શુભેચ્છાઓ…!! અને હા, દૂધ-પૌઆની મઝા લેવાનું ન ભૂલતા..! શરદપૂનમની ચાંદનીમાં દૂધ-પૌઆ જેટલી મીઠાશ બીજી કોઇ મીઠાઇમાં પણ નહીં મળે..! 🙂

હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ

સ્વર: ઉષા મંગેશકર
સંગીત: સી.અર્જુન

(Picture : Mayapur Katha)

.

હો.. પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

ચમકે છે નભમાં જેટલાં તારા, સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ન આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

જાગી છે પ્રિત્ત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દોને થોડી વાર, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

રિધ્ધિ દે સિધ્ધિ દે…

આજે સાંભળીયે માતાજીની આ સ્તુતિ..!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે,
વંશમે વૃધ્ધિ દે મા ભવાની !

હ્રદયમેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે,
અભય વરદાન દે શંભુરાની ;

દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર, દાસ જાણી ;

સજ્જન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે,
જગતમેં જીત દે મા ભવાની !

————–

અને હા.. નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ગરબા ના સંભળાવું તો તમને ખોટું લાગશે? 🙂 ચલો, મારે જોખમ નથી લેવું..! આજે સાંભળો અમિતની ખાસ ફરમાઇશ પર – ફાલ્ગુની પાઠકના નોન-સ્ટોપ ગરબા..!

.

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો…

સ્વર : હેમા દેસાઇ

.

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.
શંખલપૂરની શેરીઓ રે માં અંબામાને કાજ જો
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

પહેલી તે પોળમાં પેસતાં રે માં કુંભારાના હાટ જો,
કુંભારો લાવે રૂડો ગરબો રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

બીજી તે પોળમાં પેસતા રે માં દરજીડાના હાટ જો,
દરજીડો લાવે રૂડી ચૂંદડી રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

ત્રીજી તે પોળમાં પેસતાં રે, માં સુથારાના હાટ જો,
સુથારો લાવે રૂડો બાજોઠ રે, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

ચોથી તે પોળમાં પેસતા રે, માં મોચીડાના હાટ જો,
મોચીડો લાવે રૂડી મોજડીયું, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.

તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ

ગયા વર્ષે નવરાત્રી વખતે મુકેલો આ મને ખૂબ જ ગમતો ગરબો – આજે શુભાંગીના સ્વર સાથે ફરી એકવાર… ૧૫ વર્ષની શુભાંગીનો સ્વર એવો મજાનો છે કે studio recording જેવી clarity નથી છતાં આપોઆપ પગ થરકવા લાગે..!! (શુભાંગીના અવાજમાં બીજા ઘણા ગુજરાતી ગીતો આપણે ભવિષ્યમાં ટહુકો પર તો સાંભળશું જ… પણ હાલ તમારે બીજા ગીતો સાંભળવા હોય તો Youtube માં એના થોડા ગીતો મળી રહેશે.)

નવરાત્રી અને ગરબાની જ્યાં વાત થતી હોય, ત્યાં અવિનાશ વ્યાસને યાદ કર્યા વગર ચાલે? કેટલાય ગુજરાતીઓ માટે અવિનાશ વ્યાસનું સંગીત એ જ ગુજરાતનું લોકસંગીત છે.

આમ તો પૂનમની રાત ને થોડા દિવસની વાર છે, પણ આવુ મજાનું ગીત સાંભળવા માટે કંઇ પૂનમની રાહ જોવાય?

સ્વર : શુભાંગી શાહ

.

સ્વર : ગીતા દત્ત અને વૃંદ

.

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

– અવિનાશ વ્યાસ