Category Archives: શુભાંગી શાહ

મારે પાલવડે બંધાયો – અવિનાશ વ્યાસ

સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ

સ્વર – શુભાંગી શાહ
સંગીત – અવિનાશ વ્યાસ

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણિગર કહાન,
એક નાની શી ગાંઠે ગંઠાયો, જશોદાનો જાયો…

એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે
આજ ઠીક લાગ હાથ મારે આવ્યો, જશોદાનો જાયો…

મારે કાંકરીયા ને મટકી ફૂટે
મારગ આવી મારા મહીંડા નીત લૂંટે
મુને લૂંટતા એ પોતે લૂંટાયો, જશોદાનો જાયો…

સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું મહીં
ચાંદ સૂરજ તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો,જશોદાનો જાયો…

– અવિનાશ વ્યાસ

પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે – મીરાંબાઇ

June 10, 2007 ના દિવસે મુકેલું આ કૃષ્ણગીત ફરી એક વાર શુભાંગી શાહના અવાજમાં….. સ્વરાંકન એવું મઝાનું છે – અને સાથે બંને ગાયિકાઓનો સ્વર પણ એવો સુરીલો છે કે વારંવાર સાંભળવાનું મન થયા જ કરે..

સ્વર : શુભાંગી શાહ

સ્વરાંકન : ??

.

———-

Posted on June 10, 2007

સ્વર : રેખા ત્રિવેદી

સ્વરાંકન : ??

.

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક

મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે…. પગ….

લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે…. પગ….

વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે…. પગ….

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
સહજ મિલે અવિનાશી રે…. પગ….

અલબેલો રે… છોગાવાળો તે છેલછબીલો રે…

કવિ : ??
સ્વર : શુભાંગી શાહ
સંગીત : ??

(ધેનુ ચરાવે ક્હાનો…. )

* * * * * * *

.

અલબેલો રે, અલબેલો રે…
છોગાવાળો તે છેલછબીલો રે…

મોરમુગુટ માથે, તિલક ભાલે શોભે
પીળા પિતાંબરવાળો રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

ધેનુ ચરાવે ક્હાનો, રાસ રચાવે ક્હાનો,
ગોકુળ કીધું ઘેલું રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

શામળા તેં તો મારા, દલડાં ચોરી લીધા
વૃંદાવન કીધું ઘેલું રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

રોકે મારગ ક્હાનો, ફોડે ગાગર ક્હાનો,
નટખટ એ નખરાળો રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ

ગયા વર્ષે નવરાત્રી વખતે મુકેલો આ મને ખૂબ જ ગમતો ગરબો – આજે શુભાંગીના સ્વર સાથે ફરી એકવાર… ૧૫ વર્ષની શુભાંગીનો સ્વર એવો મજાનો છે કે studio recording જેવી clarity નથી છતાં આપોઆપ પગ થરકવા લાગે..!! (શુભાંગીના અવાજમાં બીજા ઘણા ગુજરાતી ગીતો આપણે ભવિષ્યમાં ટહુકો પર તો સાંભળશું જ… પણ હાલ તમારે બીજા ગીતો સાંભળવા હોય તો Youtube માં એના થોડા ગીતો મળી રહેશે.)

નવરાત્રી અને ગરબાની જ્યાં વાત થતી હોય, ત્યાં અવિનાશ વ્યાસને યાદ કર્યા વગર ચાલે? કેટલાય ગુજરાતીઓ માટે અવિનાશ વ્યાસનું સંગીત એ જ ગુજરાતનું લોકસંગીત છે.

આમ તો પૂનમની રાત ને થોડા દિવસની વાર છે, પણ આવુ મજાનું ગીત સાંભળવા માટે કંઇ પૂનમની રાહ જોવાય?

સ્વર : શુભાંગી શાહ

.

સ્વર : ગીતા દત્ત અને વૃંદ

.

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

– અવિનાશ વ્યાસ