Category Archives: ટહુકો

દીકરી એટલે દીકરી – સંદીપ ભાટિયા

Facebook પર સંદીપભાઇએ બસ થોડા દિવસ પહેલા જ આ ગીત મૂક્યું, અને વાંચતા જ એટલું ગમી ગયું કે તમારા માટે અહીં લઇ આવી…

******

દીકરી એટલે દીકરી
બળતી બપ્પોરે ટાઢા પાણીની છાલક ને સાંજ ઢળ્યે રાહ જોતી ઓસરી

દીકરી પતંગિયાની સાથે પકડદાવ – રંગના ખાબોચિયામાં ભૂસકો… ધબાક
કાંજી કરેલા વળી ઈસ્તરી કરેલા મારા જીવને ધકેલે વરસાદમાં…છપાક

ચહેરા વિનાના બધા પડછાયા વચ્ચે મને ફરી મળી વારતાની સોનપરી
દીકરી એટલે દીકરી

દસ બાય દસની ઓરડી મહેલ બને વચ્ચે મૂકો જો એક ઢીંગલી
વાદળની પારનું ને સૂરજની પારનું દીસે, કરે એ જ્યારે હાઉકલી

ઝાંખી ઝાંખી આંખોનું મેઘધનુષ – દીકરી મઘમઘતા ફૂલોની ટોકરી
દીકરી એટલે દીકરી

-સંદીપ ભાટિયા

સંબંધ છે, પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

ઓક્ટોબર ૨૦૦૭ થી ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ કવિતા – આજે સૂરના સથવારે ફરી એકવાર…

સ્વર : ગાર્ગી વોરા, નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની (?)

Posted on Oct 5, 2007

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે …

વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય

ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે …

શું તું સમજી શકે છે મારી દ્વિધા? – વિવેક મનહર ટેલર

Viveks Leh n ladakh

(તોફાનની વચ્ચોવચ્ચ…  ….નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩   – Picture by Vivek Tailor)

*

તારા પર ગીત શું લખું હું કે તું છે મારી જીવતી ને જાગતી કવિતા,
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

પાસે તું હોય તો બસ તારામાં લીન રહું,
દૂર હો તો ઓર લાગે પાસે;
તારા અહેસાસનો પ્રાણવાયુ પી-પીને
રક્તકણો નીકળે પ્રવાસે,
શાહીમાં ડૂબેલ આ બ્લૉટિંગ પેપર ઉપર કેમ કરી પાડું હું લીટા ?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

સાચી મજા તો બસ, માણવામાં હોય,
સ્થૂળ વર્ણન તો ક્ષણનો બગાડ;
કોરાંકટ કાગળની ભરચક્ક ગલીઓમાં
પ્રેમ પ્રેમ પ્રેમ બૂમ પાડ
હોવાના અધ્યાય ત્યાં લખ્યા છે સાથ-સાથ, એથી વિશેષ કઈ ગીતા?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

-વિવેક મનહર ટેલર
(૧૩-૦૪-૨૦૧૩)

મને છોકરીઓ ના રે સમજાતી – તુષાર શુક્લ

આઘો જઉં તો છોરી ઓરી રે આવતી
ને ઓરો જઉં તો જાય આઘી
મને છોકરીઓ ના રે સમજાતી –

પૂછું તો લજ્જાથી લાલ થાય ગાલ
ને ના પૂછું તો ગુસ્સાથી રાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

મળવા આવે છે રોજ મોડી
ને કહેતી કે અરીસાએ રાખી’તી રોકી
‘દુપટ્ટો ભૂલીને દોડી ક્યાં જાય’
એવું કહી દીધું હળવેથી ટોકી

આયના સંગાથે વાતો કરે ને
મારી સામે એ મૂંગા મલકાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

હળવા મથો ને થોડું ભળવા મથો
જો તમે કળવા મથો તો પડો ખોટા
હૈયામાં રહેનારી છોકરીના રાખવાના
હોય નહીં પાકીટમાં ફોટા –

ડૉલરનો દરવાજો હળવે હડસેલીને
દલડામાં આવી સમાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

– તુષાર શુક્લ

રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે

એપ્રિલ ૨૦૦૮થી લતા મંગેશકરના સ્વર સાથે ગૂંજતું આ યાદગાર ગીત – આજે ગાર્ગીબેનના સ્વર સાથે ટહુકો પર ફરી એકવાર… ગમશે ને? અને સાથે સાથે વ્હાલા વિશાલ-રોમીલાને લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : દિલીપ ધોળકિયા
પ્રસ્તુતિ : અંકિત ત્રિવેદી

**********

Posted on April 28, 2008

સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલીપ ધોળકિયા

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..
સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત રે..

રૂપલે મઢી છે….

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એની મોરલીને સૂરે કરો વાત રે..

રૂપલે મઢી છે….

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મ્હારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..

રૂપલે મઢી છે….

– હરીન્દ્ર દવે

ભજન ગઝલ – જવાહર બક્ષી

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી

ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું
અણસારાનો લાગ નયનને દીધો જી

લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો
દ્રષ્ટિનો દરબાર સ્વપનને દીધો જી

સપનામાં તો ભુલભુલામણ, અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી

અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
પરપોટાની બહાર પવનને પીધો જી

– જવાહર બક્ષી

લ્યો જરાક જીવણ અટકો – રમેશ પારેખ

સ્વર – રેખા ત્રિવેદી
સંગીત – સુરેશ જોષી
આલબ્મ – સમન્વય સંગીત સમારોહ ૨૦૧૦

લ્યો જરાક જીવણ અટકો,લ્યો સોપારીનો કટકો,
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

જીવણ જરિયલ જામા ઉપર ઝૂલે મારો વાળ
એને ભાળી તમ પટરાણી કરશે કંઇ કંઇ આળ
ચક માંહે ચમકે છે ચાડીયો, ઉજાગરાનો ચટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

મીરાં કે પ્રભુ પાછા ક્યારે  પધારશો આ પે’ર,
તમે જાવ તે જુલમ જીવણ, તમે રહે તે ભેર
છેવટમાં આલિંગુ છું, તો છોછ કરી નવ છટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

– રમેશ પારેખ

લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે – રઈશ મનીઆર

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે

કરું છું રૂપાંતર હું શબ્દોમાં કેવળ
તમે જે ઇશારે ઇશારે લખ્યું છે

લખ્યું તો જિવાયું, જીવ્યો તો લખાયું
અમે એક નવતર પ્રકારે લખ્યું છે

લખાણે લખાણે પ્રહારો થયા છે
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે

પડી સાંજ તો એટલી હાશ છે કે –
કશું કાયમી મેં સવારે લખ્યું છે

તમે તો ‘રઈશ’ બસ કુટાતા રહ્યા છો
તમે આ બધું… બોલો ક્યારે લખ્યું છે!

– રઈશ મનીઆર

વરસાદી સાંજ – ભગવતીકુમાર શર્મા

આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.

કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.

માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.

થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.

નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.

કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.

છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે.

– ભગવતીકુમાર શર્મા