Category Archives: કાવ્ય

ના મળ્યાં ! – હરીન્દ્ર દવે

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !

– હરીન્દ્ર દવે

એ જિંદગી – ઉશનસ્

કવિ શ્રી ઉશનસ્ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને યાદ કરી આ કવિતા સાથે એમને શ્રધ્ધાંજલી અર્પણ.


(આભાર – ગુજરાતી સાહિત્ય પરિષદ)

 ****

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 
-ઉશનસ્   

 

માત્ર એક જ ક્ષણ – ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.

– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

વર્ષાગમન – જયંત પાઠક

રકૃતિના કવિ શ્રી જયંત પાઠકને ૨૦ ઓક્ટોબર – એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. અને આજકલ ભલે દિવાળીના દિવસો છે, પણ સાથે સાથે અહિં અમારા Bay Area માં ચોમાસું પણ આવું-આવું કરી રહ્યું છે..! તો એ જ બહાને માણી લઇએ આ મઝાની રચના..

मौसमकी पहेली बारिश ...... Oct 3 - City College of SF

(૧)
ઝટ ઝટ, અગાશીમાં પડ્યું છે
તે બધું અંદર ખસેડો:
સૂક્વવા મૂકેલ તે ભીંજાઇ જશે ગોદડાં:
અંદર લઇ લો જાજરૂનાં ખાસ આ જૂતાં જૂનાં.
કપડાં, રખડતાં કિન્નરીનાં કૈં રમકડાં:
આ કોલસાની ડોલ, સાવરણી વળી
– સળગે નહીં બળતણ, સડી જાશે સળી –
લીધું બધું ?
હાશ, હવે ભલે થાય
પ્રલે !

(૨)

આ વાદળાં આવી રહ્યાં ઓરાં
ટપ ટપ
સૂણો ફોરાં.
અગાશીમાં ચાલો
વાયરો કેવો લાગે છે
વ્હાલો !
રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે? વાદળાં ‘નફફટ’ કહે છે?
કોણ જુએ, કોણ એને સાંભળે છે?
ટપ ટપ… કશી ટાઢક વળે છે!
હાશ, હવે ભલે થાય
પ્રલે !

– જયંત પાઠક

શરદ પૂનમ – કવિ કાન્ત

હસે આકાશે ચંદ્રમા...

શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !

વદને નવજીવન નૂર હતું;
નયને પ્રણયામૃત પૂર હતું,
હૃદયે રસમાં ચકચૂર હતું;
મને સાંભરે આપણી રાત, સખી !

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી;
મને સાંભરે આપણી રાત, સખી !

તારું સ્વાર્પણ અંતરમાં જ લહું;
કથા અદભુત એ જઈ કોને કહું ?
સ્મરનાં જલ માંહિં નિમગ્ન રહું;
મને સાંભરે આપણી રાત, સખી !

રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી;
મને સાંભરે આપણી રાત, સખી !

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !

હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !
શરદ પૂનમની રઢિયાળી સદા;
મને સાંભરે આપણી રાત, સખી !

– કવિ કાન્ત

______

(આભાર : સબરસ)

ઉપવાસ – કૃષ્ણ દવે

પાઘડીમાં તોય હજી વળ ?

નાનકડી ટોપીએ દેખાડી આપ્યું ને ?
ડંડામાં કંઇ જ નથી બળ !!

પાઘડીમાં તોય હજી વળ ?

વર્ષોથી ધુંધવાઇ અંદર પડ્યું’તું, તે સાચ્ચી એક ફૂંકથી એ જાગ્યું.
બાઘ્ઘા બનીને આંખ ચોળી શું જુઓ છો? તમને શું સપનું આ લાગ્યું?
કાળમીંઢ પથ્થરમાં છેવટે તો લોકોએ હાંકી દેખાડ્યું ને હળ !
પાઘડીમાં તોય હજી વળ ?

ઇચ્છા ના હોત તો શું આ રીતે રંકમાંથી રાતોરાત રાજા કોઇ થાત ?
બોલ્યા જો હોત કંઇક રમવાની વાતમાં તો ખેલાડી ખેલ ખાઇ જાત ?
પોતાના મોઢા પર લટકે છે તાળા ને બીજે ક્યાંક લટકે છે કળ ?
પાઘડીમાં તોય હજી વળ ?

સૂક્કા તરણાને માટે તડપે છે ગાય અને આખલાને લીલ્લુછમ ઘાસ !
પાટલીએ બેસીને સંપીને ખાવ છો ને જનતાને ભાગે ઉપવાસ !
મુઠ્ઠી અજવાળુ લઇ ઘરમાંથી નીકળ્યા તો હચમચવા લાગ્યું કાં તળ ?
પાઘડીમાં તોય હજી વળ ?

– કૃષ્ણ દવે

જી સર, એ લોકો વિખાઇ ગયા છે… – કૃષ્ણ દવે

મધરાતે ત્રાટકેલા ઘુવડના ન્હોર વડે પળમાં પારેવા પીંખાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.
વિશ્વાસે સુતેલા સપના પર ઓચિંતા આંસુના બોંબ ઝીંકાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

રસ્તા પર ઉતરે ને લાકડી પછાડે ને બટકુ’ક માંગે તો વળી નાંખીએ
બાકી તો સંપીને ખાવાના ઓરડાના દરવાજા ઓછા કાંઇ વાખીએ ?
આવા તો આંદોલન આવી ગ્યા કંઇક ને આવીને અધ્ધર ટીંગાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

પ્રાણાયામ કરવાથી પાચન વધે છે એવું આપણને શીખવાડે યોગ ?
ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?
લીલા ને ભગવા ને કાળા ને ધોળામાં અમથા આ પગલા ટીંચાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

– કૃષ્ણ દવે

તને મેં ઝંખી છે – સુન્દરમ

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

*****
ધવલભાઇએ આ પંક્તિ માટે લયસ્તરો પર લખેલા શબ્દો અહીં પણ ટાંકવાની લાલચ રોકી નથી શકતી..!
સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !

બાનો ફોટોગ્રાફ – સુન્દરમ્

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા

ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરશી પરે
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી

‘જરા આ પગ લંબાવો ડોક આમ ટટાર બા’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે

સાળુને કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં

ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા

શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી
લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી

ઢાંકણું ખોલતાં પહેલાં સૂચના આમ આપતો
અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો

‘જોજો બા સ્થિર હ્યાં સામું ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો હસતાં સુખડાં સ્મરી

આછેરું હસજો ને બા પાંપણો પલકે નહિ
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં’

અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો
જૂઠડાં વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો

હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું
જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બા તણી

યૌવને વિધવા પેટે બાળકે કંઈ સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી

વૈંતરું ઘર આખાનું કરીને દિન ગાળતી
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી

બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી
એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં

ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યાં
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું

અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં
એહના મનને રાજી રાખવા મથતાં બધાં

આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી
પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા

બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા બાગ મ્હેલ કૈં
સિનેમા નાટકો કૈં કૈં ગાડીઘોડે ઘુમાવી ને

અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે
અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા

અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા

પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા

પડા’વા બેઠી ત્યાં ફોટો ફોટોગ્રાફર ત્યાં ઊભો
અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં
બોર શું આંસુ એકેક બાને નેત્રે ઠર્યું તહીં

ચિડાયો ચિત્ર લેનારો ‘બગડી પ્લેટ માહરી’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ હરિ !

-સુન્દરમ્

(આભાર – માવજીભાઇ.કોમ)

આવશે – કૃષ્ણ દવે

સૌ ને રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

આવશે, એ આવશે, એ આવશે, એ આવશે.
તુ પ્રતિક્ષામાં અગર શબરીપણું જો વાવશે.

જોગવ કંઇ પણ બને પણ માર્ગ જે છોડે નહી,
હોય પથ્થર તોય એમાં પ્રાણ એ પ્રગટાવશે.

આંખથી નીજને વહાવી બસ ચરણ ધોયા કરો,
ખુદ હલેસુ, નાવ થઇ ભવપાર એ ઉતરાવશે.

આવશે એવાં ભરોસાના હ્રદયસિંહાસને –
પાદુકામાં પ્રાણ પોતાનો મુકી પધરાવશે.

પાંખથી છેક જ કપાયા હોઇએ એવે સમય –
પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે.

વાતમાં મધરાતમાં મ્હેક્યા કરે એક જ રટણ,
લઇ શરણમાં એક દિ એ હેતથી નવરાવશે.

ઘોર અંધારૂ તને ઘેરી વળે એવી પળે,
એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે.

રાહ જોતા જે શીખ્યા એને બીજુ શું આવડે?
સામટુ સોનુ મળે તો એ ય પણ સળગાવશે.

મીટ માંડી જે ઉભા છે એ જ લૂંટે આ મજા,
આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે.

– કૃષ્ણ દવે

*****************
રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ પ્રસંગે આગળ મુકેલી આ રચનાઓ:
રામ ભજન કર મન – લતા મંગેશકર
નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ < પ્રગટ થયા પ્રભુ… – પ્રેમાનંદ સ્વામી