શરદ પૂનમ – કવિ કાન્ત

હસે આકાશે ચંદ્રમા...

શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !

વદને નવજીવન નૂર હતું;
નયને પ્રણયામૃત પૂર હતું,
હૃદયે રસમાં ચકચૂર હતું;
મને સાંભરે આપણી રાત, સખી !

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી;
મને સાંભરે આપણી રાત, સખી !

તારું સ્વાર્પણ અંતરમાં જ લહું;
કથા અદભુત એ જઈ કોને કહું ?
સ્મરનાં જલ માંહિં નિમગ્ન રહું;
મને સાંભરે આપણી રાત, સખી !

રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી;
મને સાંભરે આપણી રાત, સખી !

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !

હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !
શરદ પૂનમની રઢિયાળી સદા;
મને સાંભરે આપણી રાત, સખી !

– કવિ કાન્ત

______

(આભાર : સબરસ)

9 replies on “શરદ પૂનમ – કવિ કાન્ત”

  1. કવિ કાન્તનુ આ ગીત એના ઉત્તમ કાવ્યોમાનુ એક હશે. એનુ સ્વરાન્કન થયુ હોય તો જરુર મુકશો.

  2. શરદ પૂનમની રઢિયાળી સદા,
    મને સાંભરે આપણી રાત, સખી !
    હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
    મને સાંભરે આપણી રાત, સખી !
    આ કવિતા નું સ્વરાંકન થયુ હોય તો જરુર બ્લોગ પર મુક્વા વિનંતી. રાજ્શ્રેી ત્રિવેદી

  3. ગીત અને ફોટો બન્ને યોગ્ય….કઈક નિરાળી અભિવ્યક્તિ.

    you are doing a great job!

  4. સરસ ગીત છે. ચદ્રમાનો ફોટો પણ યોગ્ય જ મુકેલો છે.

  5. પુનમ ના બીજા કાવ્યો કરતા કૈક અલગ અભિવ્યક્તિ. આ વાચી કવિશ્રીનુ “સાગર અને શશી” પણ્ યાદ આવી ગયુ.

  6. જયશ્રીબેન,શરદપૂનમ પર કવિ શ્રી કાન્તનુ આ ગીતકાવ્ય શોધી ને ‘ટહૂકો’ પર મૂકવા
    બદલ અભિનન્દન.ખૂબ મહેનત લો છો પ્રસન્ગને અનુરુપ ગીત મૂકવા માટે.
    આભાર સહ.
    બન્સીલાલ ધ્રુવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *