Category Archives: કાવ્યપ્રકાર

ગ્લૉબલ કવિતા : ૨૨૧ : (સ્મરણોની હેલી) – વિવેક મનહર ટેલર

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી?!
વરસી કંઈ સ્મરણોની હેલી…


પરવશ પ્રેમના સાક્ષાત્કારનું ગીત

પ્રેમ સાચો હોય તો સમર્પણ કઈ ઘડીએ થઈ જાય એની જાણ રહેતી નથી. પાછું પ્રેમમાં સમર્પણ કરવા માટે સામેથી પ્રેમ પ્રાપ્ત થાય એય જરૂરી હોતું. પ્રેમ, જો દુનિયામાં સાચેસાચ હોય, તો ઉભયપક્ષિતા એનું પ્રમુખ લક્ષણ નથી. બે જણ ભેગાં થયાં નથી કે અધિકાર, અપેક્ષા, અદેખાઈ, અહમ્, અવિશ્વાસ, અસમાનતાની લાગણી વગેરે રસાયણો પ્રેમના પાત્રમાં ઉમેરાયાં વગર રહેતાં નથી. અને આ રસાયણો ઉમેરાતાં જ દૂધ જેવો મીઠો પ્રેમ ક્યારે ખાટું દહીં થઈ જાય છે એની બેમાંથી એકેયને ખબર રહેતી નથી. દુન્યવી બજારમાં નિષ્ફળ રહે એ જ પ્રેમ પંકાયેલ કથા બની શકે છે. સફળ પ્રેમ ભાગ્યે જ મિલનમાં પરિણમે છે. એથી ઊલટું, વિરહનું તેલ પ્રેમના અગ્નિને લાંબો સમય પ્રજ્વલિત રાખે છે. બહુધા મળવાની આશા મિલન કરતાં વધુ મીઠી હોય છે. રાહ જોતાં હોઈએ તો બોર ચાખતાં ચાખતાં સમય ક્યાં પસાર થઈ જાય છે એનીય ગતાગમ રહેતી નથી, પણ મુલાકાત થઈ ગયા બાદ સમય કેમ પસાર કરવો એ કોયડો બની જાય છે. ‘પ્રતીક્ષાની ગલીઓમાં ભૂલાં પડ્યાં છે, સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે?’ આજે જે રચનાના આસ્વાદનો ઉપક્રમ છે, એ પણ વિરહ, સ્મરણ, અને આશાના સહારે જ ટકેલી છે…

ગીતને કોઈ શીર્ષક અપાયું ન હોવાથી મુખબંધને જ ટકોરા મારીને દરવાજો ખોલવા કહીએ. ‘વરસી કંઈ સ્મરણોની હેલી’થી કાવ્યારંભ થાય છે. ‘હેલી’ શબ્દ એક જ લસરકામાં અટક્યા વિના મુશળધાર વરસતા વરસાદને ચાક્ષુષ કરે છે. આ અનરાધાર વર્ષા સ્મરણોની છે પણ કવિતાનો દરવાજો ખોલવાની ખરી કળ તો ‘કંઈ’ શબ્દમાં છે. હેલી સામાન્ય વરસાદથી ઘણું ઉપરનું પ્રમાણમાપ સૂચવે છે, અને સ્મરણનું બહુવચન પણ એની સમાંતરે જાય છે. આમાં ‘કંઈ’ ઉમેરાતા હેલીનું પણ બહુવચન થઈ ગયું… મતલબ, સ્મરણોની આ અનવરત વર્ષા એકવારની નથી, અવારનવારની છે… ચાર શબ્દોના મુખડામાં ત્રણ શબ્દ તો માત્ર માત્રાની વિપુલતાદર્શક છે… સરસ! કવિતાદેવીએ દરવાજો ખોલ્યો જ છે તો ચાલો, હવે ઘરમાં પ્રવેશીએ…

હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી… હમ્મ! પુરુષ કવિની કલમે એક સ્ત્રીની સંવેદના વ્યક્ત કરવાનો પ્રયાસ… પ્રથમ પુરુષ એકવચનની આત્મકથનાત્મક શૈલી. સ્મરણોની હેલીને અડોઅડ નાયિકાનો કાવ્યપ્રવેશ થતાં સમજાય છે કે પ્રિયજનનો વિરહ ચટકા ભરી રહ્યો છે અને ઉભરો ગીતરૂપે બહાર આવી રહ્યો છે. એકાધિક સ્મરણોનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કોરાં રહી જવામાં ન માનતી નાયિકા લથબથ ભીંજાઈને ઘેલી થઈ રહી છે. સ્ત્રીઓના સ્વભાવની ખાસિયત અહીં બખૂબી ઉપસી છે. સંબંધના દરેક પાસાંઓને સમગ્રતયા માણવાની ક્ષમતા પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની વધુ હોય છે. સંબંધ હોય કે સેક્સ, પુરુષ શીઘ્રાતિશીઘ્ર હાથ ખંખેરી ઊભો થઈ જઈ શકે છે, સ્ત્રીને હંમેશા વાર લાગે છે. ‘માણ્યું એનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો’ (કલાપી) એ સ્ત્રીઓની ખરી લાક્ષણિકતા. સ્ત્રી મિલનની ક્ષણોને યથાતથ મમળાવી શકે છે, તો વિરહની પળોનીય સુવાંગ ઉજાણી કરી જાણે છે. પિયુ નથી, માત્ર એનાં સ્મરણો જ બારેમેઘ ખાંડા થયા હોય એમ વરસી રહ્યાં છે અને વિરહાસિક્ત સ્ત્રી ન માત્ર લથબથ ભીંજાઈ રહી છે, ભીંજાઈને ઘેલી પણ થઈ રહી છે. અષ્ટકલ કરતાં ષટકલના આવર્તનોનો લયાવધિ ઓછો હોવાથી ઝડપથી આગળ વધતાં આવર્તન વરસાદની ત્રમઝૂટ સાથે તાલ મિલાવે છે તથા ‘કંઈ’ અને ‘થઈ’ જેવા આંતર્પ્રાસ એમાં લવચિકતા ઉમેરે છે.

હેલી ગ્રામ્ય પરિભાષાનો શબ્દ છે. પ્રથમ બંધમાં ભીંતોની ઓકળીની વાત આવતાં જ ગ્રામ્ય પરિવેશ વધુ ઉઘાડ પામે છે. નાયક લાંબા સમયથી નજરોથી દૂર છે. કદાચ કાયમ માટે પણ નાયિકાને ત્યાગી હોય. બની શકે. પણ હિન્દુસ્તાની રાધાઓએ વળી કયા દિવસે રણછોડની રાહ જોવા સામે વિરોધ નોંધાવ્યો જ છે, તે આપણી નાયિકા નોંધાવે? સંબંધમાંથી પુરુષનું પરવારવાનું અલગ હોય છે અને સ્ત્રીનું અલગ. પુરુષ માટે પરવારી જવુંનો મતલબ પૂરું કરવું થાય છે, જ્યારે સ્ત્રી પરવારીનેય પૂરું કરતી નથી. સાચો પ્રેમ કરનારી સ્ત્રી સંબંધમાંથી કદી બહાર આવી શકતી નથી. ગ્રામનારી ઘરની ભીંતને છાણ લીંપીને એમાં તરંગાકાર ભાત બનાવે એમ નાયિકા પણ પોતાના હોવાપણાંને ઓકળીને ભાતીગળ બનાવવાની કોશિશ કરે છે, પણ વિસંગતિ અહીં સાધનમાં છે. ભીંતોને ઓકળવા માટેનાં છાણાં વિસ્મૃતિના બનેલાં છે. વિસરી જવું હયાતીની ભીંતેભીંતના તસુએ તસુને લીંપી દે એનાથી વિશેષ વિસરાતું જ ન હોવાની પરાકાષ્ઠા બીજી શી હોઈ શકે!

આપણે ત્યાં ઘરનું કામકાજ પતાવીને સ્ત્રી બપોરે આડી પડે એવો નિત્યક્રમ છે. સૌરાષ્ટ્ર તરફ પુરુષોય વામકુક્ષિના કાર્યક્રમમાં સુપેરે ભાગ લે છે. બપોરે તો કર્ફ્યૂ હોય એવું વાતાવરણ થઈ જાય. રાજકોટ માટે એવીય વાયકા છે કે બપોરે તો આરામ ગ્રાહકથીય મોટો ભગવાન. કાવ્યનાયિકા અહીં બપોરે મોકળી થઈને આડી પડી છે, પણ ક્યાં? જેમ એના છાણાં અલગ છે એમ આડા પડવા માટેનો ખાટેય નોખો છે. એ જે ખાટ પર મોકળી થઈને આડી પડી છે એ ઘરકામની કાથીઓ ખેંચી તાણીને તૈયાર કરાયો છે. મતલબ, ઘરકામ એ જ એનો આરામ છે. કામ જ આરામ છે, કેમકે વ્યસ્તતામાં જ યાદ ઓછી આવે ને? નવરાશની તો એક પળ પિયુની યાદ વિના જતી નથી. બીજું, ખાટ એટલે વાણ ભરેલો હીંચકો. મોકળાશની પળોમાં આગળ-પાછળ ગતિ કરતો હીંચકાની જોડેજોડ નાયિકા ભૂત-વર્તમાન અને ભાવિની વચ્ચે ઝૂલી રહી છે. ગઈકાલની પ્રીત, આજનો વિયોગ અને આવતીકાલની આશાની વચ્ચે એ હિંડોળી રહી છે.

યાદોને વિસારે પાડી દઈને કામકાજમાં જ હળવાશ અનુભવતી નાયિકાના મનોમસ્તિષ્કમાં અચાનક ‘એના’ નામનો વંટોળ ફૂંકાય છે અને એ એવો ફૂંકાય છે કે આખેઆખું હોવાપણું જ ધ્વસ્ત થઈ જાય. પ્રીતમ જાણે એમ ન કહેતો હોય-

દૂર તારાથી છું તો શું, હું તને પળવારમાં
લઈ લઈશ આગોશમાં થઈ શબ્દનો વંટોળિયો.

અને પ્રિયાની હાલત કંઈક આવી છે-

માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.

હોવાપણાની જે ભીંતોને ભૂલી ગયાની પ્રતીતિથી લીંપી-લીંપીને ઓકળી હતી, એ ભીંતો નામસ્મરણ થતાંમાં તો છત સમેત ધરાશાયી થઈ ગઈ. નામના વંટોળને ‘મૂઓ’ સંબોધન કરીને નાયિકા આપણી અનુભૂતિની ભીંતો પર પણ રીસભર્યા વહાલનું લીંપણ કરે છે.

જાણબહાર બહારથી અચાનક કોઈ આવીને આંખો દાબીને પૂછે કે હું કોણ છું ત્યારે કેવી મજા આવે, નહીં! નાયિકાના જીવનમાં નાયક તો આવ્યો નથી. આવ્યો હોત તો આંખ દાબીને પૂછતે હાઉક! પણ ક્યારેક હોવા કરતા ન હોવાનો અહેસાસ વધુ વાસ્તવિક લાગતો હોય છે. બહારથી કોઈ આવ્યું નથી અને કદાચ આવનાર પણ નથી એટલે નાયિકાને પોતાની આંખો કોઈ ભીતરથી આવીને દબાવતું અનુભવાય છે. અચાનક આવી ચડેલી યાદ નાયિકા સાથે પ્રેમક્રીડા આદરે છે. મનોજગતમાં આકાર લેતી આ રમત સાચી હોવાનું અનુભવવા સહજ માનવ સ્વભાવવશ નાયિકા પોતાની જ હથેળીઓ પોતાની જ આંખો પર દબાવે છે. કૂણી વિશેષણ હથેળીઓ નાયિકાની હોવાની સાખ પૂરાવે છે. પિયુએ હથેળીમાં હથેળી લીધી હશે,એ સ્પર્શ હજીય અકબંધ ન રહ્યો હોય એમ પોતાની હથેળીઓની ગંધ નાકમાં જતા વેંત એનું મન ચકડોળે ચડે છે. યાદોનો વંટોળ શમ્યો નથી ત્યાં મન ચકડોળમાં બેસી ગયું. વંટોળનું કામ માર્ગમાં આવે એને ધ્વસ્ત કરવાનું. વંટોળ તમને ક્યાંથી ક્યાં લઈ જાય, કંઈ કહેવાય નહીં, પણ ચકડોળમાં બેઠા પછી બીજે ક્યાંય જવાનો આરોઓવારો નથી. ચકડોળ તમને એક જ જગ્યાએ ગોળ-ગોળ ફેરવ્યે રાખશે. મતલબ હવે, યાદમાં તણાવાનું બંધ થયું છે પણ એકની એક યાદોને મમળાવવાનુ આરંભાયું છે.

આમ તો આખી રચના આત્મસંવાદ સ્વરૂપે જ છે પણ કાવ્યાંતે નાયિકા પોતાની જાતને સવાલ કરે છે. જેની યાદમાં પોતે પ્રોષિતભર્તૃકા બની બેઠી છે, એની યાદોને પોતે હોવાપણું ચૂરચૂર થઈ જાય એ હદે પોતાના પર હાવી થવા દીધી હોવાનું એને રહી રહીને ભાન થયું છે એટલે એ વિસ્મિત થાય છે કે આટલુંય ભાન ન રહ્યું? ભાન ન રહ્યું હોવાનો સવાલ એટલા માટે પૂછાયો છે કે ભાન ન રહ્યું હોવાનું ભાન થયું છે. છે ને મજા! પણ રહો, આ ભાનમાં પણ બે-ભાની જ છે. ભાન શેનું થયું છે? તો કે, જન્મારાઓ વીતી ગયા પણ પોતે સદૈવ પિયુના આધારે જ રહી. પોતે હરહંમેશ પ્રિયજનને જ સુવાંગ સમર્પિત રહી. આપબળે ઊભા રહેવાનો વિચાર સુદ્ધાં આવ્યો નહીં. પંક્તિના છેડે પૂર્ણવિરામના સ્થાને પ્રશ્નાર્થચિહ્ન છે. મતલબ આ સમર્પણ સ્ત્રીસહજ સ્વાભાવિક સમર્પણ હતું. સ્ત્રી પોતાની જાણબહાર આશ્રિતા બની જાય છે. કોઈક સદગુણી પુરુષને આ જોઈને આવો સવાલ પણ થઈ શકે-

તું મારા ટેકે છે કે તારા ટેકે હું, ઊકલે ના આ એક પહેલી,
તું વૃક્ષ છે કે પછી વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?
એક શબ્દ ગીતનો ભાવાર્થ આખેઆખો કઈ રીતે બદલી નાંખી શકે છે એય જોવા જેવું છે. ‘આટલા જન્મો’ –આ જગ્યાએ ક્ષણાર્ધભર અટકીએ તો અચાનક સમજાય કે આ કોઈ એક સ્ત્રીની, કોઈ એક ગ્રામ્યનારીની વાત જ નથી, આ વાત તો છે સંસારની તમામ સ્ત્રીઓની. ‘વરસો’ના સ્થાને ‘જન્મો’- આ નાના અમથા શબ્દફેરથી સ્વગાન સર્વગાન બની ગયું. પેઢી પર પેઢીઓ, જન્મોના જન્મો વીતતા જશે પણ સ્ત્રી એની એ જ રહી છે અને રહેશે.

સ્ત્રીને સમર્પણની દેવી અમસ્તું નથી કહ્યું. નાયિકાને પોતે હંમેશાથી પિયુના ટેકે જ ઉભેલી હોવાનું આજે અચાનક ભાન થયું છે. પોતાને ખબર પણ ન પડે એ રીતે સ્ત્રી પોતાની જાત પુરુષને આધીન કરી દે છે. પ્રેમમાં સમર્પણની આ પરાકાષ્ઠા છે. ખુદને ગુમાવી દેવાયાનું ભાન પણ ન રહે એ પરવશતા એ જ સાચો પ્રેમ. પરવશ પ્રેમનો સાક્ષાત્કાર એ જ આ કાવ્યની સાચી ફળશ્રુતિ છે. સ્ત્રીપુરુષ સમાનતાના ગાણાં ગમે એટલાં કેમ ન ગાવ, સ્ત્રી સમર્પિતતા સર્વોપરી હતી, છે અને સદાકાળ રહેશે.

તડકાની જેમ વિના પરવાનગી ભીતર પરબારા ઘૂસી આવતાં સ્મરણોનું એક ગીત આ સાથે જોઈએ. સાંઠે મિનિટ અને ચોવીસે કલાક યાદોનું ધાડું આક્રમણ કરતુ રહે છે. કૂડોકચરો કે કાગળ-કંકર તો ઠે…ઠ વાળી કઢાય પણ સ્મરણોને કઈ સાવરણીથી વાળવા? સૂર્યનો તડકો તો દિવસ પૂરતો. યાદોનો તડકો તો રાતેય રંજાડે છે. રાતની શાંતિમાં તો ઉલટું એ ભીતરથી રોમેરોમે રંઝાડે છે. ચારે બાજુ સાહિબ જ નજરે આવતો હોય તો કરવુંય શું? ચાવી વગરનું તાળું જેમ ખોલી ન શકાય એેમ આ સમસ્યા પણ ઉકેલહીન છે. બધાનો ઈલાજ હોઈ શકે, યાદોનો કોઈ ઈલાજ નથી. જુઓ-

રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.

વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

તે છતાં કહેવું કે લીલાલ્હેર છે – પ્રણવ પંડ્યા

આલ્બમ : સંગત
સ્વર : સુરેશ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

રોજ કોઈ ઝંખના મનને છળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

થાકને પડખામાં રાખી સૂઈ રહો,
ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

-પ્રણવ પંડ્યા

પ્રેમરસ પાને તું – નરસિંહ મહેતા

આલ્બમ : સંગત
સ્વર : બિહાગ જોશી
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે.

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી.

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે.

-નરસિંહ મહેતા

રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ ?
બેસી ગયા ત્યાં ‘હાશ’નો અવસર બનાવીએ.

મનમાં જે રંગ-રૂપ ને આકાર રચાયા,
એની જ ઘડીએ મૂર્તિઓ, ઇશ્વર બનાવીએ.

ટીપું છીએ, વિસાત ભલે કૈં નથી છતાં,
ભેગા થઈને ચાલને સાગર બનાવીએ.

જે કામનું કશું જ નથી ફેંક એ બધું,
મનમાં ભરી, શું ? પંડને પામર બનાવીએ ?

આરંભમાં જ શૂરા, પછી પડતું મૂકવું,
ચલ મન ! કશું જીવનમાં સમયસર બનાવીએ.

ગમશે બધે જ, એક શરત છે ઓ જિન્દગી,
કરીએ વહાલ સૃષ્ટિને સુંદર બનાવીએ,

તક તો હતી, છતાંય ના મોકા ઉપર વહ્યા,
ઇચ્છા છે એ જ આંસુનું અત્તર બનાવીએ.

મજબૂર થઈને એણે પ્રગટવું પડે પછી,
‘મિસ્કીન’ પ્રાણ એટલો તત્પર બનાવીએ.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

-રઘુવીર ચૌધરી

સાત રંગના સરનામે – રમેશ પારેખ

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું આમે ? ના તું આવી, નાહું આવ્યો.

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.

– રમેશ પારેખ

એવી શરત હોય – રમેશ પારેખ

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ

.

તું આવે અને આવવાની એવી શરત હોય
હું હોઉં નહિ મારા ઘરમાં તું જ ફક્ત હોય.

સુક્કાતું જળ છે, છે હજુ એકાદ માછલી
કોને ખબર કે કાલ પછી કેવો વખત હોય .

વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ
નહિ તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય?

નીંદર તૂટ્યા પછી ય નથી સ્હેજે તૂટતું
પથ્થરની જેમ સ્વપ્ન ઘણી વાર સખત હોય.

જે કઈ વીતે છે જે કઈ વિતવાની છે ભીતિ
ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
હું એમ આપઘાત કરું જાણે રમત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
જાણે કે તારા આવવાની એવી શરત હોય.

-રમેશ પારેખ

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં – સુન્દરમ્

આલ્બમ : સંગત
સ્વર : હિમાલી વ્યાસ-નાયક

.

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

.

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

ક્યાંક ઝરણાંની ઉદાસી – શ્યામ સાધુ

આલ્બમ : સંગત
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ

ગ્લૉબલ કવિતા : ૨૨૦ : નભ વચ્ચે આ કયો ખલાસી! – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

– ઉષા ઉપાધ્યાય


આ જાળમાં ફસાઈ જવું ગમે એવું છે…

વરસાદની મજા જ અલગ. આમ તો બધી ઋતુઓ પાસે આગવો અદકેરો વૈભવ છે જ, પણ વરસાદના ખિસ્સામાંથી જે વૈભવ છલકાય છે, એ તો કદાચ વસંતનેય દોહ્યલો થઈ પડે. વસંતઋતુ ઓઝપાઈ ગયેલી દુનિયાને અવનવા રંગો અને સુગંધોથી માલેતુજાર કરે, પણ વરસાદ તો દુનિયા આખીનો ફેસ-લિફ્ટ જ કરી દે! વસંત તો વૃક્ષો અને માનવીના મનને અડે, પણ વરસાદ તો ધરતીના કણેકણને નવપલ્લવિત કરી દે. માટે જ દુનિયાભરના કવિઓ અનાદિકાળથી વરસાદના ગીતો ગાતા આવ્યા છે અને ગાતા રહેશે. આજે આપણે આવા જ એક ગીતના અમીછાંટણાંમાં સરાબોળ ભીંજાઈએ, ચાલો…

ઉષા ઉપાધ્યાય આપણી ભાષાના જાણીતા સર્જક છે. ગદ્ય-પદ્યકાર, અનુવાદક, વિવેચક, પ્રાધ્યાપક હોવા ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય સંવર્ધન અને ખાસ તો ‘જૂઈમેળા’ અન્વયે સ્ત્રીસર્જકોની સંવેદનાઓને સંકોરવા તથા મંચ પૂરો પાડવાના ભગીરથ કાર્યમાં સદૈવ રત રહે છે. પ્રસ્તુત રચના ‘નભ વચ્ચે આ કયો ખલાસી!’ને કદાચ એમની સિગ્નેચર પોયમ પણ કહી શકાય.

રચનારીતિએ આ ગીત છે, પણ મુખબંધમાં જેને દોઢ વાળવી કહે છે એ કવયિત્રીએ વાળી નથી. મતલબ, સામાન્યતઃ અન્યોન્ય સાથે પ્રાસ મેળવતી દોઢ કે બે પંક્તિના સ્થાને અહીં એક જ પંક્તિ છે. પહેલી પંક્તિ ગીતને ઉપાડ આપે અને બીજી પંક્તિ એને ટેકો આપીને ભાવાનુભૂતિના આકાશમાં વધુ ઊંચે લઈ જાય એવી પ્રથાથી ટેવાયેલા ભાવકને એક પંક્તિના મુખડામાં અધૂરપ લાગી શકે, પણ ગીતનો ઉપાડ એવો સશક્ત છે કે અધૂરપ મધુરપ બનીને લોહીમાં ક્યારે ભળી ગઈ એ કળી શકાતું નથી. ગીતના લક્ષણો વર્ણવતાં ભગીરથ બ્રહ્મભટ્ટે જાણે કે એમના માટે જ લખ્યું છે: ‘ગીતનો ઉપાડ આકર્ષક હોય છે. ગીતકાર એક કુતૂહલ પ્રગટાવે છે. વાચકને વશ કરી દે એવી પંક્તિ યોજી, ગીતની અડધી સફળતા સિદ્ધ કરે છે.’ કવયિત્રીને એક પંક્તિનું મુખબંધનિયોજન વધુ અનુકૂળ હોવાનું જણાય છે. ‘આવ સખી, મોસમના પહેલા વરસાદમાં…’, ‘મૂળથી ઉખડી જઈએ એવો સાદ કરો ના અમને…’, ‘અલ્લડ તારી આંખ કહે છે ચાલ લે ભેરુ સંતાકૂકડી રમીએ’, ‘કા’ન વસે તું દૂર દેશ કે સાવ અમારી પાસે’, ‘અધમધ રાતે જીવ અભાગી શાને છાનું રડતો? –આ તમામ એમના ગીતોના એકપંક્તિય ઉપાડ છે. પારંપારિક મુખબંધવાળાં ગીતો પણ સર્જક કનેથી મળે જ છે. પણ એક પંક્તિના ધ્રુવપદ એમનો વિશેષ છે. પ્રમાદ ઓછો અને કૌશલ્ય વધુ લાગે એવી બાહોશ આ વિધા છે. બીજું, આપણી ગીતરચનાઓમાં સામાન્યતઃ બંધ અથવા અંતરો પણ અંત્યાનુપ્રાસ ધરાવતી બે કડીનો હોય છે. એ પછીની ત્રીજી યાને પૂરકપંક્તિ (ક્રોસલાઇન) ધ્રુવપદના પ્રાસ સાથે પ્રાસ મેળવીને ગીતના એક ખંડકને પૂર્ણ કરે છે. પણ જે રીતે આ ગીતે એક કડીના મુખબંધ વડે રુઢિગત ગીતોથી અલગ ચોકો ચાતર્યો છે, એ જ રીતે અંતરો પણ પરસ્પર પ્રાસ મેળવતી બેના સ્થાને ત્રણ કડીઓનો છે અને પૂરકપંક્તિનો સદંતર અભાવ છે.

આવા આ ઉફરા ગીતના ઉપાડનો પૂર્વાર્ધ ગીતનું શીર્ષક પણ છે. ‘નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!’ -એ પ્રશ્નથી કાવ્યારંભ થાય છે. બે ઘડી અટકી જવું પડે એવું આ મુખબંધ છે. ‘જળની જાળ’ વાંચતાવેંત આપણને ફાંસી લે છે. આગળ જતાં ફોડ પડે એ પહેલાં જ વરસાદ આપણને ભીંજવવા માંડે છે. વળી, અષ્ટકલનો લય પણ એકધારું વરસતા વરસાદ જેવો મજાનો થયો છે. સામાન્યતઃ ખલાસી કિનારે બેસીને જાળ ગૂંથે અને પાણીમધ્યે જઈને ફેંકે. પણ આ ખલાસી આકાશની વચ્ચે બેસીને જાળ ગૂંથી રહ્યો છે. નાની અમથી પંક્તિમાં આ અરુઢ વાત અને જળની જાળ જેવા અનૂઠા કલ્પનના કારણે અદભુત કવિતા હાથ ચડી હોવાનો અંદાજ આપણને આવી જાય છે. કવિએ સવાલ કર્યો જ છે પણ આ ખલાસી ‘કયો’ હોઈ શકે એ તરત સમજી શકાય છે. આકાશમાંથી વરસતો વરસાદ ઈશ્વરે ગૂંથેલી જળની જાળ હોવાનું રૂપક મનહર થયું છે.

જળ સાથે રમવાનું સર્જકને આમેય વિશેષ ગમતું જણાય છે. ‘સોમલ’ ગીતમાં એમનું જળ ‘મૂંઝાય’ પણ છે, અને ‘કંતાય’ પણ છે: ‘જળના તરાપાને જળમાં ઝૂલવતા એ વાયરાનું ગામ ક્યાં શોધવું?’ એમની ‘જળની માયા’ પણ જોવા જેવી છે: ‘કૂંપળ-શી કોળું ને મ્હોરું મારા રંગલાલ, સાચુકલા મેઘ બની વરસો મારા રંગલાલ.’ જે સર્જકને ‘વાદળ વરસે ને કહે ઘરમાં તું કેમ છે,’ એ સર્જકને મન તો વરસાદની મોસમ એટલે ‘મોસમ આવી છે સવા લાખની, હવે છત્રી સંકેલ તારા કામની’ – આજ અભિવ્યક્તિ હોય ને! વળી કહે છે: ‘કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા’

જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં?
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.

જળનું જંતર વગાડતાં ને જળની ઝૂલ જોતાંમાં જાતરા ફળી હોવાનું અનુભવતાં સર્જક પાસેથી જ જળની જાળ જેવું મજાનું ગીત મળી શકે. ટાપુ પ્રદેશોના કાંઠાઓને બાદ કરીએ તો ભારતનો દરિયાકિનારો લગભગ ૫૪૦૦ કિલોમીટર લાંબો અને બધા રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપણા ગુજરાતનો. ૧૬૦૦ કિલોમીટર યાને દેશના કુલ કાંઠાનો લગભગ ત્રીસ ટકા દરિયો માત્ર આપણી પાસે છે. કચ્છથી લઈને તળગુજરાત સુધી દરિયાના મોજાંઓ જેના પગ સતત પખાળતાં રહે છે એવા ગુજરાત પાસેથી દરિયાના ગીતો તો અનેક મળી રહે છે, પણ ખલાસીઓ કે માછીમારોના ગીત પ્રમાણમાં જૂજ જ જડે છે. પ્રસ્તુત રચના આ વિષયક તમામ ગીતોમાં શિરમોર સિદ્ધ થાય એવી છે. આકાશના વિશાળ ભૂરા સમુદ્રની વચ્ચોવચ્ચ અડિંગો જમાવીને બેઠેલો ખલાસી જળની જાળ ગૂંથી રહ્યો છે. કામ પતતા ઊભા થતાવેંત એ ખેસ ખંખેરે છે. બહુ નાની અમસ્તી ચેષ્ટા છે પણ કવયિત્રીના વિચક્ષણ અવલોકનની એ દ્યોતક છે. કામ પતે એટલે માણસ ‘બેઠાંનો થાક’ ઉતારવા ઊભો થાય અને ખલાસી હોય એટલે ખભે સહેજે ખેસ હોવાનો અને ખેસ હોય એટલે એને ખંખેરવાની આદત પણ હોવાની જ. ખલાસીના સ્વભાવગત લક્ષણના સૂક્ષ્માલેખનના કારણે આખું ચિત્ર તાદૃશ થાય છે. આ કવિનો કમાલ છે. વળી ‘ખેસ ખંખેરવો’ રુઢિપ્રયોગનો એક અર્થ કોઈ જવાબદારીમાંથી મુક્ત થવું એવો પણ થાય છે. આપણો ખલાસી પણ જળની જાળ ગૂંથવાની જવાબદારીથી હમણાં જ છૂટ્યો હોવાથી અહીં આ અર્થ પણ પ્રસ્તુત જ ગણાય. બરાબર ને?

ખલાસીના ઊભા થઈ હટવાની વાર જ ન જોતું હોય એમ પળવારમાં તો આકાશ ગોરંભે ચડે છે અને વાદળોનું જંગલ એને ઘેરી વળે છે. આભમાંથી ફર-ફર ફર-ફર ફોરાં વરસવા માંડે છે. અષ્ટકલના લય સાથે ફર-ફરની પુનરુક્તિ અને નભ-ઘન-વનના ‘ન’ અને ફર-ફર-ફર-ફર-ફોરાંના ‘ફ’ની વર્ણસગાઈના કારણે વરસાદ રીતસર પડતો અનુભવાય છે. જાળ ગૂંથવાની પ્રક્રિયા દરમિયાન જાળ કાતરતાં જે કતરણ પડી હોય એ ખલાસીના શરીર અને ખેસ પર પણ ચોંટી જ હોય. ઊભા થતાં ખેસ ખંખેરવાની સાથે કતરણ ખેરવવાની ખલાસીની સહજ ચેષ્ટાને કવિતામાં વણી લઈને સર્જક ચિત્ર સંપૂર્ણ બનાવે છે.

વરસાદ આભેથી ત્રમઝૂટ વરસતો હોય ત્યારે બીજું કશું સાફ જોવાનું શક્ય બનતું નથી. આભેથી અનવરત વરસતાં ધોધમાર વરસાદના કારણે આંખ સામે રચાતાં દૃશ્યને કવયિત્રી માછીમારની જાળ સાથે સરખાવે છે, એ ઉપમા કેવી યથોચિત છે! જાળના ઢગલામાં ગૂંચવાયેલા સફેદ તાંતણાંઓ અને આકાશેથી ત્રમઝૂટ વરસતો વરસાદ-બંનેમાં કેટલી દ્રાશ્યિક સમાનતા છે! ખલાસી કે માછીમાર માટે પ્રયોજાયેલ ધીવર સંજ્ઞા ધ્યાન બહાર ન રહી જાય, એ જોજો. પ્રાચીન જૈન ‘આનંદકાવ્યમહોદધિ’માં આ શબ્દ પ્રયોગ બહુ સરસ રીતે કરાયો છે: ‘તે મચ્છ ધીવરે કાઢીઓ, જાણી ભાર વિશેષ રે.’ આમ તો ધીવર સમાજની હાજરી સમગ્ર ભારતમાં છે પણ ચલણમાંથી આ શબ્દ ધીમેધીમે ઘસાઈ રહ્યો છે, અને ઘસાતા સિક્કાને નવો ચળકાટ આપવાનું કામ તો કવિનું જ ને?!

ધીવર એની જાળને ફંગોળીને, ફેલાવીને નાંખે છે. ખલાસી જાળ નાંખીને માછલીને પોતાના તરફ ખેંચી લે એ ઉપલક્ષે આભમાં ઊભેલો ‘કોઈ’ ખલાસી જળની જાળ ફેલાવીને નાંખે અને આખી પૃથ્વીને પોતાના તરફ ખેંચી લેવા માંગતો હોય એ કલ્પન કેવું પ્રબળતમ થયું છે! કવયિત્રીને અભિપ્રેત હોય કે ન હોય, પણ પૃથ્વી માટે મહામત્સ્ય વિશેષણ વાંચતાં જ મત્સ્યાવતાર યાદ આવે. અંજલિમાં ભૂલથી (!) આવી ગયેલી માછલીની વિજ્ઞપ્તિને માન આપીને મનુ મહારાજે કમંડળમાં મૂકી, પણ માછલી તો દિન દૂની રાત ચોગુની વધતી ગઈ અને અંતે સાગરના જળચરોથી બચાવેલી નાનકડી માછલીને મહામત્સ્ય બન્યા બાદ સાગરમાં જ છોડવી પડી. એ મહામત્સ્યે પ્રલયમાંથી સૃષ્ટિના નિર્વાહ્ય માટે અનિવાર્ય સચરાચરને ઉગાર્યાં એ વાતની સ્મૃતિ થયા વિના રહેતી નથી. અહીં, બારે મેઘ ખાંડા થઈને ધરતીને જળતરબોળ કરી નાંખવા નીકળ્યા હોય એ દૃશ્ય સર્જકે કલમના એકાદ-બે લસરકામાં જ આબાદ ઉપસાવ્યું છે. વરસાદનું જોર જોઈને તો એમ જ લાગે કે પલકવારમાં આભ અને ધરતી જળબંબાકાર થઈ એક થઈ જશે. બંને બંધમાં કવયિત્રીએ ‘પલક’ શબ્દપ્રયોગ કર્યો છે. સમયના નાનામાં નાના એકમની સામે સમગ્ર સૃષ્ટિને અડોઅડ મૂકવાનો આ વિરોધાભાસ વામનના પગલાં જેવો અસરદાર પ્રતીત થાય છે.

વળી, બે અંતરા વચ્ચે વરસાદનું બદલાયેલું સ્વરૂપ પણ ચૂકવા જેવું નથી. પ્રથમ અંતરામાં જાળ ગૂંથાઈ રહી/ચૂકી છે અને વરસાદ ફર-ફર ફર-ફર ફોરાં થઈને વરસે છે, જ્યારે બીજા બંધમાં માછીમાર માછલીને ફાંસવા જાળ ફંગોળી ફેલાવીને નાંખે છે. એટલે વરસાદની ગતિ પણ અચાનક વધી જાય છે. ફોરાં ત્રમઝૂટમાં પરિણમે છે. સરવાળે, ધરાનું મત્સ્ય તો જળની જાળમાં ફસાતાં ફસાશે, આપણે અવશ્ય આ વરસાદમાં બંધાઈ જઈએ છીએ. એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… વધુ પિષ્ટપેષણ કરવા કરતાં એને એમ જ વરસવા દેવું પડે. છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

અને અંતે એમની એક વરસાદી ગઝલ સાથે સમાપન કરીએ. આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. જુઓ:

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.