ગ્લૉબલ કવિતા : ૨૨૩ : ખાલીપો – રિષભ મહેતા

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા


રખડતી એકલતા અને ખખડતા ખાલીપાનું ગીત…

મહાભારતના વનપર્વમાં યક્ષપ્રશ્નો સાથે આપણી મુલાકાત થાય છે. વારાફરતી તળાવમાંથી પાણી લેવા ગયેલા તમામ ભાઈઓને પુનર્જીવિત કરાવવા માટે યુધિષ્ઠિર તળાવમાં વસતા યક્ષના સવાલોના જવાબ આપે છે, જે ‘ધર્મ-બકા ઉપાખ્યાન’ તરીકે ઓળખાય છે. એ સમયે યક્ષનો પ્રશ્ન કે, ‘પૃથ્વી પર સહુથી ભારી કોણ?’નો જવાબ ધર્મરાજે ‘માતા’ આપ્યો હતો, પણ આજે આ સવાલનો જવાબ આપવાનો થાય તો કદાચ યુધિષ્ઠિર જવાબ આપે કે પૃથ્વી પર સૌથી ભારી ચીજ ‘ખાલીપો’ છે. આમ તો ‘ખાલીપો’ શબ્દમાંથી તદ્ધિત પ્રત્યય ‘પો’ કાઢી નાંખો તો ખાલી ‘ખાલી’ જ બચે છે. તાત્ત્વિક રીતે તો ખાલીપાનું કોઈ વજન હોય જ નહીં પણ વૈચારિક રીતે જોવા જઈએ તો ખાલીપાથી વધુ વજનદાર બીજું કશું ન હોઈ શકે. બધાનો બોજ વેંઢારી શકાય, ખાલીપાનો બોજ વેંઢારવો બહુ અઘરું છે. શૂન્યાવકાશનો આ સંદર્ભે સાવ નવો અર્થ પણ કાઢી શકાય: જ્યાં અવકાશ શૂન્ય હોય, અર્થાત્ જ્યાં અવકાશનો અવકાશ પણ શૂન્ય હોય, જે પૂર્ણપણે ભરેલ હોય એવું. ખાલીપો આવો જ શૂન્યાવકાશ છે, જે દેખીતી રીતે તો ખાલી છે પણ આ ખાલીપણું એ હદે ભરેલું છે કે એને વેઠવું અત્યંત દોહ્યલું બની રહે છે. આવા ભર્યાભાદર્યા ખાલીપાનું એક મસ્ત મજાનું ગીત આજે જોઈએ…

દુનિયામાં બહુ ઓછા માણસ હોય છે જે જેને મળે એ તમામના મિત્ર બની જાય. કોઈ ધારે તોય શત્રુ બની ન શકે એવા મીઠડા તો વીરલા જ હોય ને! રિષભ મહેતા આવું જ એક નામ હતું. આજે આ નામ સાથે ‘હતું‘ લખવું પડે છે. નવસારીના વેડછા ગામમાં આઝાદીના બે વરસ બાદ જન્મેલ રિષભ મહેતાને ૨૦૨૧ની સાલમાં કોરોનાનું બીજું મોજું આપણી વચ્ચેથી તાણી ગયું. અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા રિષભભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં સદૈવ અજાતશત્રુ અને સર્વમિત્ર રહ્યા. ગુજરાતી કવિતા સંગીત હંમેશા એમને miss કરશે.

કળા કોઈ પણ હોય, કોઈ પણ સમાજ કે સમયગાળામાં એને કાળો-ગાઢો-ભૂખરો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. માણસ દુઃખ અને વેદનાથી બચવાની મથામણમાં જ આખી જિંદગી ગુજારતો હોવા છતાં કળામાં મોટાભાગે એનું જ આલેખન થતું જોવા મળે છે. એરિસ્ટોટલનો Catharsis નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે. કળાના માધ્યમથી કરુણતા, દુઃખ, પીડા સાથે સમરસ થતો માણસ સરવાળે સુખ અનુભવે એ કેથાર્સીસ. ‘ખાલીપો’ શીર્ષક વાંચતા જ સમજાય છે કે જે ગીત સાથે આપણે રૂબરૂ થવાનું છે, એ કોઈ ખુશીનું જીવનગાન નથી. શીર્ષક આપણને કવિતામાં આવનારી વેદના તરફ સેમ-વેદના કેળવવા માટે તૈયાર કરે છે. શીર્ષકનું કામ પણ આ જ છે ને! એણે ભાવક માટે કાવ્યપ્રવેશની પ્રસ્તાવના બાંધી આપવાની છે. કવિતામાં વાચકે શેનો સામનો કરવાનો છે એનો ચિતાર એણે આપવાનો છે અને ‘ખાલીપો’ શીર્ષકે એ કામ અહીં બખૂબી નિભાવ્યું છે.

વર્ષ ૨૦૧૩ની સાલમાં આ ગીત સાથે પરિચય થયો. હિન્દુ નવા વર્ષના દિવસે કવિશ્રીએ પોતાની ફેસબુક વૉલ પર એક નોંધ સાથે આ ગીત મૂક્યું હતું: ‘આજથી શરૂ થતું નવું વર્ષ અમારે માટે અદકેરો આનંદ લઈ આવી રહ્યું છે. અમારા પરમ મિત્ર,અમારા પરમ સ્નહી,અમારા નગરના ખૂબ જ જાણીતા ગાયક-સ્વરકાર શ્રી સુભાષ દેસાઈ લગભગ સાડા ચાર મહીનાનો યુ.કે.નો પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પાછા ફરી રહ્યા છે. એ વાતની કેવી, કેટલી ખુશી છે શું કહું? અમે તો સાવ ખાલી થઈ ગયાં’તાં…ખાલીપાની કવિતા લખી સભર થવાના ખાલી ખાલી પ્રયત્ન કરતાં’તાં….’ આમ, કવિએ પરદેશ ગયેલ મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ એ પ્રસંગને બાદ કરી નાખીએ તોય સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ!

ગીતસ્વરૂપ પારંપારિક છે. અષ્ટકલના લયમાં ટૂંકી પંક્તિઓની બાંધણી સાથેનું આ ગીત વાંચતા-વાંચતા અવશપણે ગવાઈ જાય એવું પ્રવાહી થયું છે. શીર્ષકના શબ્દથી જ ગીતનો ઉઘાડ પણ થાય છે. ખાલીપો ભીતર ખખડે રે… બે ઘડી અટકી જવાય એવું આ કલ્પન છે. જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ જ્યારે ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય બીજું કંઈ જ ન હોય ત્યારે તો ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે વાંચતાવેંત કલેજું ચીરાઈ જાય… સહજ સાધ્ય મુખડું છે. સામાન્યરીતે રખડપટ્ટી કરવા માટે મોકળા માર્ગ કે મેદાનનો રસ્તો પકડવો પડે પણ કવિના ઘરમાં હવે કશું જ બચ્યું ન હોવાથી, ઘર સાવ ખાલીખમ હોવાથી એકલતા ઘરની અંદર પણ રખડી શકે છે. ખાલી થઈ ગયેલા ઘરમાં અને જીવનમાં માત્ર ખાલીપો ખખડી રહ્યો છે. ૨૦૧૨ના મે મહિનામાં લખેલી એક ગઝલનો શેર આ ટાંકણે યાદ આવે છે:

સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

જીવનમાં એકાન્ત સાંપડે એ અવસ્થા તો સદૈવ આવકાર્ય હોય છે પણ એકલતાનો સામનો કરવો જરા વિકટ કાર્ય છે. એકાન્તમાં માણસ જાત સાથે વાત-મુલાકાત કરી શકે છે, કરેલા-કરવાના કાર્યો વિશે મનન-ચિંતન કરી શકે છે. એકાન્ત માણસ સ્વયમ્ શોધે છે, એકલતા આવી વળગે છે. એકલતા પ્રમાણમાં નિર્દયી છે. એકાન્તમાં આપણે મહાલીએ છીએ, સ્વૈરવિહાર કરીએ છીએ, જયારે એકલતા આપણા પાર હાવી થઈ જાય છે. જે આંખોનો બગીચો પ્રિયજન/જનોની ઉપસ્થિતિથી સદૈવ મઘમઘ રહેતો હતો એ બગીચો હવે સાવ ઉજ્જડ થઈ ગયો છે, કેમકે પ્રિયપાત્ર/પાત્રો હવે નજરના સીમાડાઓથી પર અને પાર છે. સંગાથ છૂટી ગયો છે, સંતાપ રહી ગયો છે. આંસુઓ રોક્યાં રોકાતાં નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. કેવું સરસ કલ્પન કવિ લઈ આવ્યા છે! પ્રિયજનની પ્રતીક્ષારત્ આંખો વારંવાર ભૂતકાળના કબાટ ખોલી ખોલીને સ્મૃતિઓના આલબમ ફંફોસ્યે રાખી વીતેલી ક્ષણોના ફોટોગ્રાફ્સ જોયા કરતી હોય છે, આ માનવસ્વભાવ સહજ લાક્ષણિકતા કવિએ એક જ પંક્તિમાં આબાદ ચાક્ષુષ કરી આપી છે.

એકલતાની પળોમાં સ્મરણો જ આપણો હાથ ઝાલે છે અને આપણને ટકાવી રાખવામાં સહાયક પણ થાય છે. પરંતુ એ હકીકત પણ સમજવી જરૂરી છે કે સ્મરણો સધિયારો ભલે આપે પણ એના સહારે આખું જીવન કાઢી શકાતું નથી. કવિને લાંબા વિરહ અને કરકોલતી એકલતાના અંતે સમજાયું છે કે સ્મરણોની કંપની શાશ્વત તો નથી જ હોવાની. કવિએ સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભુત રીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાનો એક નાનોસરખો એકમ જ છે અને દરેક શ્વાસનું આયુષ્ય પરપોટાની જેમ ક્ષણિક જ હોવાનું, પણ અહીં પોતાના વેરાન જીવનની પરાકાષ્ઠાનો ભાવકને સાક્ષાત્કાર કરાવવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… એકલતામાં સ્મરણોને શ્વસતો માણસ સ્મરણનું મરણ ક્યારે થઈ જશે એનાથી અવગત હોતો નથી. પરિણામે જે સ્મરણોને અઢેલીને પોતે બેઠો છે એ ટેકો હમણાં ધરાશાયી થશે, હમણાં પડશેની આશંકામાં સતત ફફડતો રહે છે.

બીજા બંધમાં બીજાપુરુષ એકવચનમાં પુરુષપાત્રને સંબોધાયેલ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ ખાલીપો, આ શૂન્યતા કોઈ એક વ્યક્તિના ચાલ્યા જવાનો જ પરિપાક છે. સર્જક પુરુષ હોવાથી અને રચનાની પાછળની વાર્તા પણ આપણને ખબર હોવાથી બે પુરુષમિત્રોની વિરહવેદનાની આ વાત હોવાનો ખ્યાલ આવે છે, અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રથમ ‘કરુણ-પ્રશસ્તિ’ (elegy) ગણાયેલ કવિશ્રી દલપતરામનું ‘ફાર્બસવિરહ’ આ ટાંકણે અવશ્ય યાદ આવે, જેમાં ત્રેવીસ વર્ષની વયે અમદાવાદમાં મદદનીશ જજ નિયુક્ત થયેલ, એલેકઝાન્ડર કિન્લોક ફૉર્બ્સે દલપતરામની સહાયથી ગુજરાત અને ગુજરાતીને લાભદાયક નાનાવિધ પ્રવૃત્તિઓ આદરી હતી. દલપતરામના પરમ મિત્ર બનેલ ફાર્બસના અકાળ નિધન પર દલપતરામે એ કાવ્ય રચ્યું હતું. આ લાંબા કાવ્યમાં કવિ લખે છે: ‘રે મુજ મિત્ર ગયો તદનંતર, અંતરદુ:ખ નિરંતર વ્યાપે.’ આ જ કવિતામાં કવિ વિરહના દુઃખનું કારણ પણ ફરિયાદના સૂરમાં રજુ કરે છે: ‘પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો, પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ.’ પુનઃ ‘ખાલીપો’ તરફ વળીએ. કવિતા પાછળની વાર્તા ખબર ન હોય તો એમ પણ માની શકાય કે પુરુષ સર્જકે મનના માણીગરના વિરહમાં વ્યાકુળ સ્ત્રીના મનોભાવોને શબ્દદેહ આપ્યો છે. સ્ત્રીનું વિરહકાવ્ય ગણીએ કે પુરુષનું, આપણે તો સર્જકે સર્જેલો ખાલીપો માણીને ભરપૂર થવાનું છે, તે ભરપૂર થઈએ, બસ!

ગીતનો બીજો બંધ પ્રમાણમાં સરળ છે. કવિને થાય છે કે ચાલ્યો ગયેલ મિત્ર પાછો આવે અને પોતાને એકલતાના કમરામાં ગોંધી રાખવામાં નિમિત્ત બનેલા તમામ કારણોના તાળાંઓ ખોલી દે. અરેબિયન નાઈટસના અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તામાં ખજાનો ભરેલ ગુફા જે રીતે ‘ખુલ જા સિમસિમ’ બોલવાથી જ ખોલી શકાતી હતી એ જ રીતે કવિ ઇચ્છે છે કે એમનો મિત્ર પરત ફરે અને કોઈ જાદુઈ મંત્ર ભણીને ખાલીપાની બંધ ગુફામાં કેદ સંબંધના ખજાનાને પુનઃ હાથવગો કરી આપે. વાત ખોટી નથી. આપણે જેને સાચા દિલથી પ્રેમ કરતા હોઈએ છીએ એના હાથમાં આપણા દિલની તિજોરીની ચાવી જાણ્યે અજાણ્યે આપી જ બેસતા હોઈએ છીએ ને! મિત્રના હૈયાનું તાળું ખોલવાનો જાદુઈ મંત્ર તો મિત્ર પાસે જ હોવાનો!

નજરથી દૂર જઈને પોતાના અસ્તિત્વને ખાલીખમ કરી જનાર અતિપ્રિય દોસ્ત પરત ફરે અને પોતાને આ એકલતા અને ખાલીપાની કેદમાંથી મુક્ત કરે એવો જાદુ થાય એવી કવિની ઇચ્છા છે. પણ કવિની ઇચ્છા માત્ર આટલા પૂરતી જ સીમિત નથી. કવિ ઇચ્છે છે કે ગુફાના બંધ દરવાજા તો ખૂલે જ, પણ સાથોસાથ પોતાની ઇચ્છાઓનાં સઘળાં તળિયાં પણ તૂટે. તળિયું આખરે તો ઇચ્છાને અટકાવી રાખતું એક પરિમાણ જ ને! તળિયું, સોરી, કવિ કહે છે તેમ એક-બે નહીં પણ સઘળાં તળિયાં હોય જ નહીં તો કોણ ઇચ્છાને ઝાલી-અટકાવી રાખી શકે? વિયોગના તાપમાં તવાયા પછી મિલનની શીળી પણ અસીમ અંનત છાયા માટેનો તલસાટ કવિએ કેવો બખૂબી રજૂ કર્યો છે, નહીં!

અંતે, કવિની જ આઠ શેરની એક ગઝલના ચાર શેર સાથે સમાપન કરીએ –

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈં

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈં

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈં

2 replies on “ગ્લૉબલ કવિતા : ૨૨૩ : ખાલીપો – રિષભ મહેતા”

  1. રિષભ ભાઇના આ હ્રદયસ્પર્શી ગીતના ભાવો સાથે એકરૂપ થઈ વિવેક ટેલર એટલી સરસ રીતે ગીતના સંવેદનોમાં આપણને પ્રવેશ કરાવે છે કે આસ્વાદલેખ પણ એક ઉત્તમ પ્રવેશદ્વાર સિદ્ધ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *