પહેલા ૨૨ ઓગસ્ટ ૨૦૦૬ માં મુકેલી કવિ રમેશ પારેખની ગઝલ આજે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકન અને એમના જ અવાજમાં….
આવતી કાલે આ ધુરંધર સ્વરકારનો જન્મદિવસ.. એટલે જરા એક દિવસ advance માં એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! એઓ વર્ષોના વરસ આપણને આમ જ એમના સૂર-સંગીતના જાદુમાં તરબોળ કરતા રહે એવી અમિત શુભેચ્છાઓ..!!
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.
હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
મને આ નગરમાં નિરાધાર છોડી
રસ્તા બધા કોની પાછળ ગયા છે
છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે
પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે
મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે
હું છું ને ચારે તરફ ડુંગરા છે
ગઝલ હું લખું છું અને આજુ-બાજુ
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે
આજે કવિ શ્રી વિનોદ જોષીનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ…શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ સુંદર, અને અમારું ખૂબ જ ગમતું ગીત..! વિનોદભાઇને પ્રત્યક્ષ સાંભળવા એ એક લ્હાવો છે, અને August ૬-૭ ના દિવસે શિકાગોવાસીઓની સાથે સાથે અમને પણ એ લ્હાવો મળ્યો – જે હંમેશનું સંભારણું રહેશે.
શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.
વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેડીથી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.
ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.
કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશીનું ખૂબ જ જાણીતું અને માનીતું આ અછાંદસ કાયમ મુશાયરામાં અને કવિ સંમેલનોમાં હજીયે ખૂબ્બ જ દાદ લઈ જાય છે… આ અછાંદસ વાંચવા માટેનું નથી, સાંભળવા માટેનું છે. એટલે જ્યારે તમે પહેલીવાર આને સાંભળો, ત્યારે શબ્દો વાંચ્યા વિના માત્ર આંખો બંધ કરીને જ સાંભળજો… પછી અમને કહેજો કે તમને એ કેવું લાગ્યું.
આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!
તા ૧૫ જુલાઈથી ૨ ઑગસ્ટ સુધી કવિશ્રી કૃષ્ણ દવે બ્રિટનની ઉડતી મુલાકાતે હતા. લયના હિલ્લોળના રાજવી અને મંચના મહારથી આ કવિ મનમોજી વાદળોની જેમ લંડન, બેટલી, બર્મિંગહામ અને લેસ્ટર જેવા સ્થળોએ ગીત, ગઝલ અને બાળકાવ્યોની હેલીથી સહુને તરબતર કરી શિકાગોના ભવ્ય કાર્યક્ર્મ માટે અમેરિકા આવી રહ્યા છે.
આખો ઑગસ્ટ મહિનો કવિશ્રી અમેરિકાના વિવિધ સાહિત્યિક વર્તુળોને એમનો લાભ આપશે. કવિ સાથે ગોષ્ઠિ માટે આતુર સાહિત્યક સંસ્થાઓ કે ઘરઘરાઉ બેઠકો યોજવા ઈચ્છનાર માટે કવિનો ઈમેલ સંપર્ક છેઃ krushnadave@yahoo.co.in
(in case you are unable to view this video, double click on the video to go to You Tube)
બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.
આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.
વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.
પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.
આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા
ને જાત મ્હાલી એવી તો ભાઇ મ્હાલી !
ઐ કાચો કુંવારો….
નાના હતા ને તૈ ખાટલા ટ્પ્યા ને પછી ઉંબરા ટપ્યા
ને પછી દરિયો ટપતા તો ભાઇ ગલઢા થયા ને પછી
જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઇ ખાલી !
ઐ કાચો કુંવારો….
પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યાં
પછી પાણીનો રંગ મને લાગી ગિયો
પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ
મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.
પછી દરિયાની ઓસરીમાં પીંજારો બેઠો
ને રૂથી ભરાઇ જતા કોરા આકાશમાં
સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને
આગ લાગી, એવી તો ભાઇ, લાગી !
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !