Category Archives: કાવ્યપ્રકાર

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક …. – શ્રી હરીન્દ્ર દવે

સ્વરકાર – ગાયક : બ્રિજેન ત્રિવેદી.

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક ઓલ્યા ગોકુળ ની ગલીએ લેહેરાયું
અંધારી રાતે જોયું વીજળી નાં ચમકારે , એને ઝીલવાને દોડી ગયો વાયુ

લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું

કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ

લાગી રે મોયે નૈન નજરિયાં… – પ્રેમાનંદ સ્વામી

હરી જયંતિ પ્રસંગે આજે સ્વ. શ્રી દિલિપકાકાના સ્વર-સંગીતમાં આ મઝાનું પદ માણીએ.

સ્વર – સંગીત : દિલીપ ધોળકિયા

લાગી રે મોયે નૈન નજરિયાં…

સુંદર છેલ ગેલમેં નિકસે, ઠાડી હતી મેં તો અપની અટરિયાં
ચંચલ નૈન સૈન કરી મારે, લાગત હી મેં ધરની ઢરી પરિયાં

કસકત નૈનકી સૈન કરેજે, દિના નાહીં ચૈન ન ચૈન નીંદરિયા
પ્રેમાનંદ ઘનશ્યામ દ્રગનપર, તન મન પ્રાણ નોછાવરી કરિયાં

– પ્રેમાનંદ સ્વામી

આવશે – કૃષ્ણ દવે

સૌ ને રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

આવશે, એ આવશે, એ આવશે, એ આવશે.
તુ પ્રતિક્ષામાં અગર શબરીપણું જો વાવશે.

જોગવ કંઇ પણ બને પણ માર્ગ જે છોડે નહી,
હોય પથ્થર તોય એમાં પ્રાણ એ પ્રગટાવશે.

આંખથી નીજને વહાવી બસ ચરણ ધોયા કરો,
ખુદ હલેસુ, નાવ થઇ ભવપાર એ ઉતરાવશે.

આવશે એવાં ભરોસાના હ્રદયસિંહાસને –
પાદુકામાં પ્રાણ પોતાનો મુકી પધરાવશે.

પાંખથી છેક જ કપાયા હોઇએ એવે સમય –
પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે.

વાતમાં મધરાતમાં મ્હેક્યા કરે એક જ રટણ,
લઇ શરણમાં એક દિ એ હેતથી નવરાવશે.

ઘોર અંધારૂ તને ઘેરી વળે એવી પળે,
એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે.

રાહ જોતા જે શીખ્યા એને બીજુ શું આવડે?
સામટુ સોનુ મળે તો એ ય પણ સળગાવશે.

મીટ માંડી જે ઉભા છે એ જ લૂંટે આ મજા,
આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે.

– કૃષ્ણ દવે

*****************
રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ પ્રસંગે આગળ મુકેલી આ રચનાઓ:
રામ ભજન કર મન – લતા મંગેશકર
નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ < પ્રગટ થયા પ્રભુ… – પ્રેમાનંદ સ્વામી

પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

થોડીવાર પહેલા જ એક મિત્રએ આ ગીત મોકલ્યું. અને સાથે શબ્દોની pdf. ટાઇપ કરતા પહેલા google કર્યું, તો શબ્દો પણ અક્ષરનાદ પરથી મળી ગયા. ગીતનું શીર્ષક વાંચતા જ થયું કે કશે તો આ શબ્દો સાંભળ્યા છે, પણ ગીત નથી સાંભળ્યું, અને તરત જ આ ગીત યાદ આવી ગયું – જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.... એ ગીતની શરૂઆતમાં – પ્રસ્તાવનામાં કવિ શ્રી સુરેન ઠક્કર ‘મેહુલ’ એ આ લોકગીતની છેલ્લી કડીનો ઉલ્લેખ કર્યો છે.   તો સાંભળો આ લોકગીત – આશા ભોંસલેના સ્વરમાં… (ગવાયેલા શબ્દો થોડા અલગ છે, પણ લખેલા શબ્દો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્રારા સંપાદીત પુસ્તકમાંથી લેવાયેલા હોવાથી બદલ્યા નથી. )

લીંપ્યુ ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા-મે’ણાં માતા ! દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;
કુલેરનો માંગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

મહીડાં વલોવી ઉભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

રોટલા ઘડીને ઉભી રહી;
ચાનકીનો માંગનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલો ;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

(એ પ્રમાણે પુત્ર મળતા ગાય છે…)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

( શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદીત પુસ્તક “રઢિયાળી રાતના રાસ” માંથી સાભાર.)

મારા અંગથી સુવાસ તારી.. – હરીન્દ્ર દવે

ફેબ્રુઆરી ૨૦૦૭ માં મુકેલી કવિ શ્રી હરીન્દ્ર દવેની આ મઝાની કવિતા – આજે રિષભ ગ્રુપના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર..!

સ્વર – સ્વરાંકન – રિષભ ગ્રુપ

lovers_PY17_l

મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :
એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.

મારી હથેળીમાં મૂક્યું તો નામ તારું
ઊગતા પરોઢિયાનો તારો ;
આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને
અંજવાળે આખો જનમારો.

એક તારલાને જોતાં આભ વીસરી રહી;
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

નામને મેં હોઠથી અળગું કર્યું તો
મને થઇને પવન વીંટળાય;
મારા એકાંતની કુંજમા આ નામ તારું
લગનીની ડાળે લહેરાય.

હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં …

આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.

જળદેવતાને

”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36

(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)

સ્વર – હેમુ ગઢવી

સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો આવ્યાં જી રે !
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે !

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !
ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી બોલાવે જી રે !

શું રે કો’છો, મારા સમરથ દાદા ?
શા કાજે બોલાવ્યા જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારા સમરથ દાદા !
પારકી જણીને પૂછી આવો જી રે.
બેટડો ધવરાવતાં વહુ રે વાઘેલી વહુ !
સાસુજી બોલાવે જી રે !

શું કો’છો, મારા સમરથ સાસુ ?
શા કાજે બોલાવ્યાં જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારાં સમરથ સાસુ !
જે કે’શો તે કરશું જી રે !
ઊઠોને રે, મારા નાના દેરીડા !
મૈયર હું મળી આવું જી રે.

અઘેરાંક જાતાં જોશીડો મળિયો,
ક્યાં વાઘેલી વહુ ચાલ્યાં જી રે !
ખરે બપોરે મરવાનાં કીધાં,
મૈયર હું મળી આવું જી રે !

મરવાનાં હોય તો ભલે રે મરજો,
એનાં વખાણ નો હોયે જી રે !
ભાઇ રે જોશીડા !વીર રે જોશીડા !
સંદેશો લઇ જાજે જી રે !

મારી માતાજીને એટલું કે’જે,
મોડીઓ ને ચૂંદડી લાવે જી રે !
ઊઠોને રે, મારા સમરથ જેઠાણી !
ઊનાં પાણી મેલો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ દેરાણી !
માથાં અમારાં ગૂંથો જી રે.
ઊઠોને રે, મારા સમરથ દેરી !
વેલડિયું શણગારો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ નણદી !
છેડાછેડી બાંધો જી રે.
ઊઠોને મારા સમરથ સસરા !
જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે.

આવો આવો, મારા માનસંગ દીકરા !
છેલ્લાં ધાવણ ધાવો જી રે.
પૂતર જઇને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે.

ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે !
પાછું વળી જોજો, અભેસંગ દીકરા !
ઘોડલા કોણ ખેલવશે જી રે !

ઇ રે શું બોલ્યા, સમરથ બાપુ !
નાનો ભાઇ ખેલવશે જી રે.
પાછું વાળી જોજો, વહુ રે વાઘેલી વહુ !
પૂતર કોને ભળાવ્યા જી રે.

કોણ ધવરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટા થાશે જી રે !
દેરાણી ધવરાવશે, નણદી રમાડશે,
જેઠાણી ઉઝેરશે જી રે !

પે’લે પગથિયે જઇ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે !
બીજે પગથિયે જઇ પગ દીધો,
કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે !

ત્રીજે પગથિયે જઇ પગ દીધો,
કડ્ય કડ્ય સમાં નીર આવ્યાં જી રે !
ચોઠે પગથિયે જઇ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં જી રે !

પાંચમે પગથિયે જઇ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે !
એક હોંકારો દ્યો, રે અભેસંગ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે ચારણ, પીશે તે ભાટ,
પીશે અભેસંગનો દાદો જી રે.
એક હોંકારો દ્યો,રે વાઘેલી વહુ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,
પીશે તે વાળુભાનાં લોકો જી રે.
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડીઓ,
તર્યાં અભેસંગનાં મોળીઆં જી રે !

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે !
વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે !

છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

કવિ શ્રી રામનારાયણ પાઠકના જન્મદિવસે એમને શ્રધ્ધાંજલી. એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ જાય.

*************

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-’શેષ’ રામનારાયણ પાઠક

( આભાર – પ્રભાતના પુષ્પો)

મારા પરિચયની કથા – મનહર મોદી

એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા

મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા

એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા

એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા

– મનહર મોદી

ચઢો રે શિખર રાજા રામનાં – ચંદ્રવદન મહેતા

ચં.ચી. મહેતા ના નામે જાણીતા આપણા કવિ-સાહિત્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાની આજે જન્મ શતાબ્દી. (જન્મ તારીખ April 6, 1901). એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ ગીત. ગીતની પહેલી જ પંક્તિ વાંચો અને ‘પઢો રે પોપટ રાજા રામના…’ યાદ આવી જાય..! પણ જેમ જેમ ગીત આગળ વાંચશો – ગીત તમને એક જુદા જ શિખર પર ચોક્કસ લઇ જશે.

******

ચઢો રે શિખર રાજા રામનાં.
ઈ રે શિખરે સૂરજ એકલો શેણે ચઢે રે પરભાત !
અલ્યા ઊભો રહે અમે આવીએ, પછે તારી છે વાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

જો રે સોનાજાળી પાથરી, એમાં ઝીણી ઝીણી ભાત,
એવી મઢશું અમે જાતડી, ચઢી સૌ મળી સાથ :
ચઢો રે શિખર રાજા રામનાં.

ત્યાં તો પરચંડા વાયરા, કેવા વીંઝે દિનરાત !
અલ્યા તને બિવડાવશું તારી તે શી વિસાત ?
ચઢો રે શિખર રાજા રામનાં.

રામનામ સૌ હઇડે ધરો, ડાંગ ધરો રે હાથ,
ડેરો ઠોકો ને ડગ ભરો, જેની માનવીની જાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

સૂરજ પ્હેલાં મથી આપણે બાંધી દઈએ મ્હોલાત,
છો ને ચઢે પછી એકલો, એ રે ઊતરશે પછાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

– ચંદ્રવદન મહેતા

સવા બશેરનું મારું દાતરડું લોલ ….

સવા બશેરનું મારું દાતરડું લોલ ...... Picture : Delhi Magic

સ્વર – હેમુ ગઢવી અને સાથીઓ

સ્વર – પ્રફુલ દવે અને સાથીઓ

સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢ્યા છે દશ-વીશ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
હું રે ઊભી’તી વનવાટ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ
વીરા મુને ભારો ચડાવ્ય રે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ
મારે આવેલ માણું ઘઉં
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ
મેં રે જમાડ્યો મારો વીરો
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ