ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !
સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. ને એમાંય દાયકાઓ સુધી ડગલે-પગલે સાથે ચાલનાર, વાતે-વાતે હામી ભરનાર, ને પળે-પળ તમારી કાળજી લેનાર જીવનસાથીની કાયમી વિદાયનું દુઃખ તો વળી વધુ વસમું હોય. અગ્નિના ફેરા લઈને સાત પગલાં સાથે ચાલ્યા બાદ બે જણ ક્યારેક સારસ-બેલડી બની જાય છે, એનો ઉભયમાંથી એકેયને ખ્યાલ પણ રહેતો નથી. સારસ-બેલડી, કેમકે સારસ પક્ષી હંમેશા જોડીમાં જ રહે છે, ને જોડી ખંડિત થાય તો બચનાર પક્ષી પથ્થર પર માથું પછાડી-પછાડીને પ્રાણત્યાગ કરે છે એમ માનવામાં આવે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ ‘શેષ’ જીવનસંગિનીના મૃત્યુને એમના ચશ્મેથી જે રીતે નિહાળે છે એ દિલચસ્પ છે. જોઈએ.
રામનારાયણ વિશ્વનાથ પાઠક. ૦૮ એપ્રિલ, ૧૮૮૭ના રોજ ધોળકા તાલુકાના ગાણોલ ગામે જન્મ. વતન ભોળાદ. પ્રશ્નોરા નાગર. પિતા શિક્ષક. માતા આદિતબાઈ. પોતે મુંબઈથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં બી.એ., અને પછી એલ. એલ.બી. કર્યું. વકીલાતની આવક કરતાં સાહિત્ય વધુ પાવક લાગ્યું એ એક કારણ અને બીજું, ક્ષયરોગની બિમારી. ટૂંકમાં, વકીલાત ત્યજી સાહિત્ય અને શિક્ષણમાં ઝંપલાવ્યું. અમદાવાદ-મુંબઈની અલગ-અલગ કૉલેજોમાં પ્રાધ્યાપક રહ્યા. ૧૯૦૩માં મણિગૌરી સાથે લગ્ન, જે ૧૯૧૮માં અવસાન પામ્યાં. બીજા વરસે એકની એક દીકરી સરલા અને બહેન સવિતાનું નિધન. લગભગ ૨૭ વર્ષ એકલા રહ્યા બાદ ૧૯૪૫માં સામાજીક ઉહાપોહની વિરુદ્ધ જઈ પોતાનાથી લગભગ અડધી (૩૦ વર્ષ) વયનાં પોતાનાં શિષ્યા હીરાબહેન મહેતા સાથે લગ્ન. ૧૯૪૬માં સાહિત્ય પરિષદના પ્રમુખ. જીવન સાદું-સરળ અને નિર્વવાદી. વાતચીતરસિયા. પ્રખર ગાંધીવાદી. સત્યાગ્રહી પણ. જેલવાસ પણ ભોગવ્યો. ૨૧-૦૮-૧૯૫૫ના રોજ મુંબઈ ખાતે ૬૮ વર્ષની વયે ત્રીજીવારના હૃદયરોગના હુમલાથી નિધન.
કવિ. વાર્તાકાર. નિબંધકાર. નાટ્યકાર. અનુવાદક. પિંગળશાસ્ત્રી. પણ સૌથી વધુ ખ્યાતિ તર્કશાસ્ત્રી-વિવેચક તરીકેની. શરૂમાં ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’ અને પછીથી ‘શેષ’ના ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ના નામે નવલિકાઓ, અને હળવા નિબંધ ‘સ્વૈરવિહારી’ના નામે. વિવેચન, સંશોધન અને સંપાદન ઈત્યાદિ ફોઈ દીધા નામથી. દ્વિરેફ ઉપનામ માટે એમણે ખુલાસો આપ્યો હતો: ‘દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે, પણ પુષ્પોમાંથી મધ ભેગું કરી આપનારો ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી, અને મારી ઘણી વાર્તાઓ કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહીં, યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ-રકાર છે.’ માત્ર સાક્ષરયુગ-પંડિતયુગના આકાશ કે ગાંધીયુગની ધરતીના સ્થાને એમના સર્જનમાં એ બંને જ્યાં ભેળાં મળે એ ક્ષિતિજનું સૌંદર્ય વધુ ઉજાગર થાય છે. ગાંધીયુગના કાવ્યગુરુ. સાચા શિક્ષક. વિશાળ શિષ્યમંડળ. આજીવન સાહિત્ય-શિક્ષણ સંસ્થાઓ-પ્રવૃત્તિઓમાં રત રહ્યા. ઉ.જો.એ કહ્યું હતું: ‘ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપવામાં ગૂજરાત વિદ્યાપીઠને સફળતા મળી હોય તો તે રામનારાયણ પાઠકને આભારી છે.’ છંદશાસ્ત્રની ગુજરાતી ગીતા સમો ૭૦૦ જેટલાં પાનાંઓમાં વહેંચાયેલ વૈજ્ઞાનિક અભિગમવાળું ‘ઑલ ઇન્ક્લુઝીવ’ અભૂતપૂર્વ ‘બૃહત્ પિંગળ’ એમની કારકિર્દીનું સર્વોત્તમ છોગું. એમના કાવ્યોમાં વિષયવૈવિધ્ય કરતાંય સ્વરૂપ-આકાર-છંદની ઊંડી સમજ, કાવ્યબાની-વિદ્વત્શૈલી અને પ્રયોગોની વિવિધતા વિશેષ ધ્યાનાર્હ છે. સજાગ કવિકર્મ, કાવ્યતત્વ અંગેની ચીવટાઈ, કલાસંયમ, શિષ્ટ-સુઘડ શબ્દાવલિ, પ્રેરણાના સ્થાને પ્રબુદ્ધિની મહત્તાના કારણે એમની કવિતા ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાય છે. વધુ પડતા આયાસ-કૃત્રિમતા અને તર્કપ્રાધાન્યના કારણે એમની કવિતા ક્યારેક ગદ્યાળુ બની રહે છે. સુરેશ દલાલ એમની કવિતાઓમાં ‘અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ’ તથા ‘ઊર્મિ અને બુદ્ધિનો ભાગ્યે જ જોવા મળતો વિવેકપુરઃસર સમન્વય’ તરફ ધ્યાન દોરે છે. મહાકાવ્ય સિવાય ગઝલ સહિત, લગભગ બધા કાવ્યપ્રકારોમાં કામ કર્યું. બહુધા પ્રભુ, પ્રકૃતિ અને પ્રણયના કવિ. ટૂંકમાં, ‘શેષ’ ગુજરાતી કવિતાનો ‘વિશેષ’ છે!
કવિતાનું શીર્ષક ‘છેલ્લું દર્શન’ કવિતાના વિષયવસ્તુ ખોલી આપે છે. ફરી મળી કે જોઈ ન શકાય એવી જગ્યાએ કોઈક જઈ રહ્યું છે અને એને જીવનમાં છેલ્લીવાર જોવાની વાત અહીં હશે એ સમજાય છે. કવિએ પોતે જે વાત કરવી છે એ માટે સૉનેટને કાવ્યપ્રકાર તરીકે પસંદ કર્યું છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકની પંક્તિવ્યવસ્થા શેઇક્સપિરિઅન સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે પણ કવિએ પ્રાસની પળોજણમાં પડવાથી પોતાને મુક્ત રાખ્યા છે. આ વાત કદાચ જીવનનો પ્રાસ ખોરવાયા હોવાનું પણ ઈંગિત કરતી હોય. જો કે શેષના કાવ્યોનો અભ્યાસ કરતાં સમજાય છે કે કવિને પ્રાસવ્યવસ્થા ઝાઝી માફક આવી નથી. કવિએ પ્રમાણમાં અગેય એવો પૃથ્વી છંદ પ્રયોજ્યો છે એનું કારણ પણ કદાચ જીવનસંગીત મંદ પડી ગયું હોવાનું વિચારી શકાય. કવિપત્નીનું નિધન થયું છે. માત્ર સોળ વર્ષની વયે કવિના લગ્ન થયા હતા. અને પંદર જ વર્ષનો સહવાસ આપીને પત્ની દેવલોકપ્રયાણ કરી ગયાં હતાં. કવિનો પત્ની માટેનો અનુરાગ લગભગ ત્રણ દાયકા કવિએ વિધુરાવસ્થામાં વીતાવ્યા એ પરથી સમજી શકાય છે. સ્વગતોક્તિ સ્વરૂપે લખાયેલ પ્રસ્તુત રચના મૃત્યુના બારેક વર્ષ બાદ ૧૯૩૦માં લખાયેલી હોવા છતાં તાજી જ લખાઈ હોઈ એમ લાગે છે. બાર વરસના વહાણાં વહી ગયાં હોવાં છતાં ઘટના બે ઘડી પહેલાં જ બની ન હોય એવી સંવેદનની અભૂતપૂર્વ તાજપ પણ કવિના પત્નીપ્રેમનું અનુમોદન કરે છે. ચન્દ્રશંકર ભટ્ટ પત્નીના અવસાન શોકમાંથી જન્મેલા આ સૉનેટમાં ‘અંતર્ઘનગૂઢ વ્યથાનું રૂદન કે રોતલપણામાં સરી પડ્યા વિના, પૂર્ણ સંયમથી થયેલું આલેખન નોંધપાત્ર’ હોવાનું જણાવે છે.
કવિતાની શરૂઆત ‘ધમાલ ન કરો’ના આદેશથી થાય છે. ખરે તો ત્રણેય ચતુષ્કની શરૂઆત આ જ ધ્રુવકડીથી થાય છે. જુવાનજોધ પત્નીનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં કેવી ધાંધલ-ધમાલ મચી હોય એ તો સહેજે સમજી શકાય. નાયકના ઘરેય એવી જ પરિસ્થિતિ હશે પણ એક-એક કરતાં ત્રણ-ત્રણવાર ‘ધમાલ ન કરો’નો આદેશ એ આપે છે. હા, આદેશ! નાયક સગાંવહાલાંઓને વિનંતી કરે એવો દીન નથી. આવી શોકાતુર સ્થિતિમાં પણ સહુને આદેશ આપી શકે અને આદેશનું યથાર્થ પાલન કરવાથી સગાંઓ ચ્યુત થતાં દેખાય તો રહી-રહીને પોતાનો આદેશ દોહરાવી-ત્રેવડાવી આદેશપાલન કરવા સહુને મજબૂર કરી શકે એ એટલો સ્વસ્થ અને બહાદુર પણ છે. પુનરુક્તિના માધ્યમથી કવિ મૃત્યુનો આ પ્રસંગ આપણે જોયેલ-જાણેલ સહુ પ્રસંગોથી અલગ હોવાનો છે, એની આપણને સફળતાપૂર્વક દૃઢ પ્રતીતિ પણ કરાવે છે. સમર્થ કવિ શબ્દો પાસે કેવું ધાર્યું કામ કઢાવી શકે એનો આ સચોટ દાખલો ગણાય. જો કે કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે નાયક સગાંઓ કે સગાંઓએ મચાવેલી ધમાલથી બહુ દૂર જઈને ઊભો છે. આ આદેશ એ અન્ય કોઈને નહીં, પોતાની જાતને જ દઈ-દોહરાવી રહ્યો છે.
નાયક ધમાલ ન કરવાનો આદેશ આપતાં આંખોને સહેજ પણ ભીનાં ન થવાનું કહે છે. બીજી જ પંક્તિમાં આંસુઓને થોડીવાર થંભવાને અનુરોધ પણ કરવામાં આવે છે, એ પરથી સમજી શકાય છે કે પ્રિયજનના મૃત્યુથી પાછળ રહી જનારને તકલીફ તો છે જ. આંખમાં આંસુઓ તો છે જ પણ એને અંદર જ ધરબી રાખવાનાં છે. બહાર આવવા દેવાનાં નથી. કેમ? કેમ કે મૃતદેહને તો થોડી જ વારમાં અગ્નિભેગો કરી દેવામાં આવશે. જે ઘડી-બે ઘડી વચ્ચે મળી છે, એ દરમિયાન આંખમાં જો આંસુઓ ધસી આવે તો દૃષ્ટિ ધૂંધળી થઈ જાય અને જનારને છેલ્લીવાર ધરાઈને જોવાની તક પણ ભસ્મીભૂત થઈ જાય. આંસુઓને અટકવાનો અને આંખોને લગરિક પણ ભીનાં ન થવાનો અદેશ દઈ નાયક અટકતો નથી. એ એમને વળી કૃતાર્થ પણ થવા કહે છે. કવિ અહીં ‘જોઈ લો’ કે ‘નિહાળી લો’ના સ્થાને ‘કૃતાર્થ થઈ લો’ પ્રયોજે છે. મતલબ આ અંતિમ દર્શન એ કોઈ રોજિંદી વાત નથી, આ દર્શન કરવામાં આવે તો જ આંખો જે કામ માટે સર્જાઈ છે, એનું પ્રયોજન સિદ્ધ થશે, તો જ આંખોનો જન્મારો સફળ થયો ગણાશે. આ દુનિયા જેના વડે હસતી અને મંગળ વર્તાતી હતી, એ સૌંદર્ય હવે નિષ્પ્રાણ થયું છે. પણ હજી ઘડી-પળ આંખોને એનું આકંઠ પાન કરી મોક્ષસુખ પામવાની તક છે. વળી, આંખોએ આ તક જતી કરવાની નથી એવો નાયકનો આદેશ પણ છે.
નાયક ફરી ધમાલ ન કરવાનો આદેશ કરે છે. આ વખતે આદેશ મૃતદેહને યોગ્ય શણગારવા માટે છે. મૃત્યુ આમ તો અમંગલ ગણાય છે, પણ નાયક માંગલ્યચિહ્નોથી એને શણગારવા હુકમ કરે છે. એ મૃતદેહને વિદાય આપતી વખતે એને અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, ફૂલો, તથા શ્રીફળો ધરવા કહે છે. કવિ વિયોગને સ્થાને સુયોગ શબ્દ પ્રયોજે છે, એ નોંધ્યા વિના આગળ વધીએ તો કવિતા મરી જાય. આ આખરી દર્શન એમના માટે અણમોલ, સુંદર અને સુહાગી માંગલ્યનો પ્રસંગ છે, નહીં કે દુર્ભાગી અમાંગલ્યનો. મૃતક પત્નીને દુલ્હનની જેમ શણગારવાના કવિનો આગ્રહ તરત જ રાવજી પટેલની અમર રચના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ની યાદ અપાવે છે, જેમાં શોકગીતને લોકગીત અને મરણને પરણના વાઘાં પહેરાવીને કવિએ કરુણતાની એવી ધાર કાઢી છે, જે આજે પણ સહૃદય ગુજરાતી ભાવકોની આંખ ભીની કર્યા વિના રહેતી નથી.
ત્રીજી અને આખરી વાર ધમાલ ન કરવાનું ફરમાન કરતો નાયક મૃતકના સ્મરણ તરીકે કશુંય સાચવવાની ના કહે છે. ઉમરની પીંછી તો શરીર પર અનવરત ફરતી જ રહેવાની, એટલે સમય સાથે શારીરિક સૌંદર્ય તો ક્રમશઃ ઓઝપાતું જ રહેવાનું. પણ પ્રેમના કાચમાંથી જોઈએ ત્યારે કશું અસુંદર લાગતું નથી. લૈલા જેવી બદસૂરત યુવતી પણ મજનૂને મન સ્વર્ગની અપ્સરાથીય વધીને હતી. દામ્પત્યના વર્ષોના વહાણાં વહી ચૂક્યાં હોવા છતાં નાયકને પત્નીનું સૌંદર્ય અંત સુધી ઢળતું નહીં, વિકસતું જ રહ્યું છે. હવે એ સૌંદર્ય પરથી કોઈક વસ્તુ સાચવવાના નામે ઊઠાવી લેવામાં આવે તો એની અખંડિતતાનો ભંગ થાય. બહુધા મરણ સ્મરણ બનીને રહી જતું હોય છે. કલાપી પણ ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું’ કહી ગયા, પણ અહીં તો કવિને સ્મરણ સામેય વિરોધ છે. હૃદયમાં ભાર્યાનું જે સ્થાન બન્યું છે, એ અવર કોઈ સ્વજન તો ઠીક, એના પોતાનાં સંસ્મરણો પણ પૂરી શકવાનાં નથી. કેવી અભૂતપૂર્વ વાત! મૃત્યુ તરફ જોવાની ‘શેષ’ની દૃષ્ટિ વિશેષ જ હતી. ‘જ્યારે આ આયખું ખૂટે’ કવિતાની કેટલીક કડીઓ જોવા જેવી છે:
જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લીએ,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દીએ;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કોમાં નવજીવન ભરજે,
મારો કોને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
અન્ય એક કવિતામાં કવિ કહે છે: ‘હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,/ ધસી મૃત્યુમુખે હસવાનું જ દે.’ ટૂંકમાં, કવિ સમજે છે કે ‘ઈસ જગમેં જન સબ હૈ યાત્રિક,/ કિસકા કૌન મ્હેમાન?/માર્ગ કાજ સંગત, નહિ સંગત-/કાજ માર્ગ: નિર્વાણ!’ જીવન સાથે અવિનાભાવે જોડાયેલ મૃત્યુને સંતની દૃષ્ટિથી જેણે આજીવન જોયું-સ્વીકાર્યું હોય એ માણસ જ આવી વાતો કરી શકે.
કવિતા અહીં સુધી જીવનસંગિનીના મૃત્યુ અને એ પ્રસંગે જીવનસાથીના અવિચલ અભિગમ અને ઉદાત્ત પ્રેમસંબંધ વિશે પ્રકાશ નાંખે છે. સૉનેટને જે અભિપ્રેત છે એ ચોટ કાવ્યાંતે આવે છે, જે કવિતાને ખરો અર્થ પૂરો પાડે છે. કાવ્યાંતે કવિ સહજીવનના પ્રારંભબિંદુ અને અંત્યબિંદુને ભેગાં કરી દામ્પત્યનું વર્તુળ પૂરું કરે છે. અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફરીને બે જણ સાયુજ્ય પામ્યાં હતાં. આજે જીવન ફરીથી અગ્નિ સુધી આવ્યું છે. ચિતા સળગશે અને પત્નીનો પાર્થિવ દેહ અગ્નિમાં ભળી જશે. અગ્નિ મિલન અને જુદાઈ બંને પળોનો સાક્ષી છે. આ અગ્નિ સમીપ ‘લગ્ન!!’ કરતી વેળાએ કવિએ નિર્ધર્યું હતું કે, ‘અગ્નિ આ જે આંહી કીધો પ્રદીપ્ત,/તે ના લાજા હોમવાને કરેલો-/હોમાશે ત્યાં હૈયું ને હીર મારાં!’ લગ્નને એમણે ‘કોડીલી કન્યકાના આયુ-લાંબા-મૃત્યુદીક્ષાની મહેફિલ’ ગણાવી છે. અગ્નિ સમીપે જ બંને દ્વૈત મટી અદ્વૈત થયાં હતાં અને આજે એ જ અગ્નિ પત્નીને લઈ જશે, ને પાછળ નાયક એકલો રહી જશે, પણ હવે દ્વૈતત્વ સંભવ નથી. અગ્નિએ જ શાશ્વત અદ્વૈતપણું આપ્યું છે. એટલે નાયક અગ્નિ સાથે જ વાર્તાલાપ કરતાં પૂછે છે, હે અગ્નિ! તારી સમીપે જ અમે બે મળ્યાં અને જુદા પણ થઈએ છીએ; તો તું જ કહે, આ સુંદરી વધુ ભવ્ય અને મંગળ નથી? જીવન-મરણ બંનેને સમાનભાવે નીરખવાની આવી સાધુદૃષ્ટિ હરિશ્ચન્દ્ર ભટ્ટના અમર કાવ્ય ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’માં પણ જોવા મળે છે, જેમાં ભરયુવાનીમાં નિધન પામેલી બહેન માટે કવિ ‘શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો’ કહીને અગ્નિને જીવનશૃંગારની પરિપૂર્ણતા તરીકે નિર્દેષે છે.
ચન્દ્રશંકર ભટ્ટના શબ્દોમાં આ કવિતામાં: ‘સંયોગના માંગલ્યનો તેમ જ માંગલ્યના વિયોગનો સાક્ષી અગ્નિ છે. તેથી જ કવિ પહેલા પ્રસંગ જેટલો જ ભવ્ય- મંગલ, વિયોગના પ્રસંગને ગણે છે.’ ચૌદ પંક્તિની રચનામાં પાઠકસાહેબ એક વાર પણ મૃત્યુ શબ્દ પ્રયોજતા નથી, બલકે ત્રણવાર ‘મંગલ’ શબ્દ વાપરે છે. એ જ રીતે ‘વિયોગ’ નહીં, તેઓ ‘સુયોગ’ શબ્દ પસંદ કરે છે. મૃત્યુ બે જણના મિલાપને વિલાપમાં ન પલોટી દે એ વિષયમાં કવિ કૃતનિશ્ચયી છે. સરળ-સહજ હૃદયબાનીમાં લખાયેલ આ કવિતા વાંચતા જ સમજાય એવી છે. પણ એ સમજવા-સમજાવવા કરતાં વધુ અનુભવવાની કવિતા છે. દિલથી લખાઈ હોવાથી આ કવિતા દિલને તરત જ સ્પર્શે છે. ટૂંકમાં, સાચી સંવેદના, ઊંડી કલાસૂઝ, બૌદ્ધિક સંયમ, સભાન કવિકર્મ અને માંગલ્યોચિત શબ્દવિન્યાસના કારણે પ્રસ્તુત સૉનેટ ગુજરાતી ભાષાના ઉત્તમ સૉનેટોમાં મોખરાનું સ્થાન પામ્યું છે.