Category Archives: કવિઓ

એ રાત નથી, એ ચાંદ નથી – હરીન્દ્ર દવે

409292166_4ac0c01bc5_m.jpg

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

flower.jpg

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઇ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઇ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઇ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઇ વેરાયો છું હવે
વરસાદી કોક સાંજે તું મલ્હારજે મને

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા – ભાસ્કર ભટ્ટ

સંગીત : ડો. ભરત પટેલ
સ્વર : પ્રીતિ ગજ્જર

.

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

ધરતી એ લીલી ચુનર પર,
ધરી લીધાં છે સહેરા…

સૂરજ મનમાં મીઠું મલકે,
ઝૂલે વાયુ પાનની પલકે.
મધુકરના ગુંજારવ સામે,
ખુશ્બુ ભરતી પહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

મંદ પવનનું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું.
ભમરે ધારી શામની મૂરત
ફૂલ બની ગ્યા દહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે – બાલુભાઇ પટેલ

desert-sea.jpg

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે

કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે

વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે

નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે

જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે – જવાહર બક્ષી

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mirage.jpg

.

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

આવો વરસાદ નહીં ચાલે… – મુકેશ જોષી

sunset2.jpg

લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં:
તારી આ વાત નહીં ચાલે
મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો
ખાલી આ યાદ નહીં ચાલે…

આખો ઝુરાપો નિચોવી નિચોવીને
તેલ પૂરે રાખ્યું છે એટલું
શમણાંની વાતોય સાચી કે
યાદના દીવાનું અજવાળું કેટલું?

એક ટીપું અજવાળું આખીય જિંદગીની
રાતોની રાત નહીં ચાલે

વ્હાલપની છાલક જે મારી એ હાથોમાં
છાલાનાં વ્યાપ અમે આંક્યા
ઠેરઠેર મળવાનાં વાવ્યાં’તા બીજ
છતાં શ્વાસે જુદાગરાઓ પાક્યા

દરિયો ભરીને અમે રોયાને તોય કહે
આવો વરસાદ નહીં ચાલે…

અશ્રુ ચાલ્યા જાય છે … – શયદા

‘શયદા’ની આ ગઝલના એક એક શેર પર આખેઆખા ગઝલસંગ્રહ કુરબાન… !! અને સાથે સોલીભાઇનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? આમ તો સોલીભાઇનું ‘પ્રેમ એટલે કે..’ આબ્લમના એક એક ગીત એવા છે ને તમે એમાંથી સૌથી ગમતું ગીત પસંદ જ ના કરી શકો… જાણે કે ગુજરાતી કાવ્ય-ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે એમાં… અને આ ગઝલ પણ એ જ માળાનું એક અમૂલ્ય મોતી છે.
સ્વર – સંગીત : સોલી કાપડિયા
diva.jpg

.

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે – હિતેન આનંદપરા

liberty.jpg

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે

કાશ થોડી લેતી દેતી હોત તો મળતાં રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે

એક સધિયારો અપાવે બે અડોઅડ આંગળી
હૂંફના નામે મઢેલાં સ્પર્શનાં અસ્તર મળે

ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે

બાળગીત – કૃષ્ણ દવે

નાના-મોટા સૌ બાળકોને.. અને મારી – તમારી અંદર રહેલા પેલા દરેક બાળકને પણ, બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂  

tomato.jpg

કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી
દૂધીમાશી દૂધીમાશી ઝટ પહેરાવો બંડી

આનાં કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો
મીઠો મીઠો બહુ લાગતો એ સવારનો તડકો
ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રિજનો લેવા માટે ઘારી
મૂળાભાઇએ ટામેટાને ટપાક ટપકી મારી

દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રિજની બહાર
બારીમાંથી સૂરજ જોયો નહીં ખૂશીનો પાર
ત્યાં નાના કિરણો આવ્યાં પાર કરી ને તડકો
કહે ટમેટારાજા ! પહેરો મીઠો મીઠો તડકો.

કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું ! – અંકિત ત્રિવેદી

rose.jpg

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભુલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !