Category Archives: બાલુભાઇ પટેલ

દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે – બાલુભાઇ પટેલ

desert-sea.jpg

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે

કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે

વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે

નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે

જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે

અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર…..

આપણા ગુજરાત – મુંબઇમાં ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે, અને કેટલીક જગ્યા તો વરસાદ એકાદ ડોકિયું પણ કરી ગયો છે. અને આ વરસાદની મોસમમાં આપણે વરસાદના ઘણા ગીતો સાંભળવાના છે, પણ આજે શરૂઆત થોડી સંકલિત પંક્તિઓથી.

આજ વાદળ એટલું વરસે તો બસ,
ચાર દશની ટ્રેન એ ચૂકે તો બસ.
– બાલુભાઇ પટેલ

પાણીના ટીપે ઘાસમાં જઇએ
ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ
પહેલી વર્ષામાં એક થઇને પછી
ાટીના ભીના શ્વાસમાં જઇએ
– શોભિત દેસાઇ

ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ
ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઇએ
– હરીન્દ્ર દવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
– રમેશ પારેખ

આજે નથી જાવું કોઇનાયે કામ પર
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર
– વેણીભાઇ પુરોહિત

————————-

અને હા…. આ મુંબઇના મેહુલાની મજા  પણ માણવા જેવી છે.

નામ એનો નાશ, આ એવો આભાસ છે.. – બાલુભાઇ પટેલ

સ્વર : આશિત દેસાઇ, પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : ખુશ્બુ

This text will be replaced

નામ એનો નાશ, આ એવો આભાસ છે
પ્રેમીઓના દિલમાં હજુ લૈલાનો વાસ છે

ચંદ્રને ચકડોળે ચઢાવો તો યે તે નો તેજ છે
ચાંદનીના પ્રતાપે તો ચાંદમા આ તેજ છે

શહીદની દુનિયામાં પ્રેમનો પણ વિભાગ છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે

પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે
રાધા અને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે

મુક્તકો

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

– આસિમ રાંદેરી

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

– અમૃત ઘાયલ

‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા

– મનહર મોદી

ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

– રાજેન્દ્ર શુક્લ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર

– બાલુભાઇ પટેલ