Category Archives: હર્ષ બ્રહ્મભટ્ટ.

કૈંક એ રીતે હ્ર્દયને – હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કૈંક એ રીતે હ્ર્દયને લાગણી ભારે પડી,
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી,

આપનારાને હજારો હાથ છે, ભૂલી ગયો,
જેટલી જે કૈં કરી એ માગણી ભારે પડી;

મૌન, કેવળ મૌન, ઘુંટાતું રહ્યું એકાંતમાં,
એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી;

તું હતી તારા ઘરે, ને હું હતો મારા ઘરે,
જે પળે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી;

વાંસવન પાછું ઉભું કરવું ઘણું અઘરું હવે,
કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી;

ચાલવું ને દોડવું ને કૂદવું- સૂના થયા,
એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી.
– હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ – કવિ મિત્ર વિવેક ટેલરની ટિપ્પણીઓ સાથે 🙂
—–

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા… – વિવેક મનહર ટેલર

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષ બ્રહ્મભટ્ટની આ મને ખૂબ ગમતી ગઝલ, અને એ પણ ખૂબ ગમતા અવાજ સાથે..! કવિએ તો દરેક શેરમાં કમાલ કરી જ છે.. (સાંભળતા પહેલા એકવાર વાંચી લેજો.. મઝા આવશે..!) અને સાથે જ શ્યામલભાઇના સ્વર-સંગીત પણ ગઝલને એટલા જ અનુરૂપ છે. શબ્દના ભાવને આબાદ રીતે રજૂ કરવું એ જ તો આ સ્વર-સંગીતના જાદુગરોનો જાદુ છે.

સ્વર – સંગીત : શ્યામલ મુન્શી

(મારી ભીતર કેટલું વરસ્યાં તમે.. Grand Canyon – Aug 31, 2008)

* * * * *

.

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ

લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ – આજે આશિતભાઇના સ્વર અને સંગીત સાથે ફરી એકવાર…

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

સંગીત : આશિત દેસાઇ
સ્વર : આશિત દેસાઇ – હેમા દેસાઇ
આલ્બમ : પાંખ ફૂટી આભને…

.

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

મેં જ તો એને સતત ઝંખી હતી – હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ હર્ષ બ્રહ્મભટ્ટના ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી’ કાવ્યસંગ્રહમાંથી ચૂંટેલી ગઝલના ચૂંટેલા શેરો અને ચૂંટેલા ગીતો સારસ્વત સ્વરકારોએ ગુજરાતી વાતાવરણમાં પેશ કર્યા…

હંમેશા
ટહુકાથી તરબતર કરનારું
શબ્દનું પંખી…
કાયમ ચૂપ રહેનાર આકાશને
મૌનનો પ્રેમપત્ર લખીને
પાસે બોલાવે છે…
અને સર્જાય છે…
‘પાંખ ફૂટી આભને… ‘

સ્વર – સંગીત : નયનેશ જાની
આલ્બમ : પાંખ ફૂટી આભને…

1

.

મેં જ તો એને સતત ઝંખી હતી
વેદના મારી જીવનસંગી હતી

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા
જિંદગી હમણાં જ મેં રંગી હતી

મેં તરાપો પાણીમાં મૂક્યો અને
એકદમ વ્હેતી નદી થંભી હતી !

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ.

જા, કશીયે વાત ના કર,
પુષ્પ પર આઘાત ના કર.

ચૂપ મારે થૈ જવું છે,
મૌનમાં તું શબ્દ ના ભર.

આગ બન કે જળ બની જા,
બર્ફ થૈને આમ ના ઠર.

પીગળીને પાર તું થા,
આંસુમાં તું આમ ના તર.

સૂર્ય, તું આંખો મીંચી દે,
ઓસ પર આઘાત ના કર.