શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ – કવિ મિત્ર વિવેક ટેલરની ટિપ્પણીઓ સાથે 🙂
—–

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા… – વિવેક મનહર ટેલર

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *