Category Archives: ઉમાશંકર જોષી

ઉમાશંકર જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમે ગીત ગગનનાં ગાશું - ઉમાશંકર જોષી
કુંજ કુંજ તું ગુંજે ભમરા - ઉમાશંકર જોષી
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી
કોઈ જોડે કોઈ તોડે -ઉમાશંકર જોશી
ગાંધીજયંતિ તે દિને - ઉમાશંકર જોશી
ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી
ગાણું અધૂરું મેલ મા - ઉમાશંકર જોશી
ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી
ગોરી મોરી - ઉમાશંકર જોષી
છ ઋતુઓ - ઉમાશંકર જોશી
ઝરણું રમતું રમતું આવે - ઉમાશંકર જોષી
થોડોએક તડકો - ઉમાશંકર જોષી
પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી
પ્રશ્ન - ઉમાશંકર જોષી
ફાગણ ફેન્ટેસી - જય વસાવડા
ભોમિયા વિના મારે - ઉમાશંકર જોષી
મળી માતૃભાષા મને ગુજરાતી - ઉમાશંકર જોષી
માઇલોના માઇલો મારી અંદર - ઉમાશંકર જોશી
માનવીના હૈયાને નંદવામાં વાર શી - ઉમાશંકર જોશી
મારું જીવન એ જ મારી વાણી - ઉમાશંકર જોશી
મૃત્યુદંડ - ઉમાશંકર જોશી
રામમઢી રે મારી રામમઢી - ઉમાશંકર જોશી
વિશ્વ માતૃભાષા દિવસ
વ્હાલપની વાત - ઉમાશંકર જોશી
શ્રી રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી
૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશીવિશ્વ માતૃભાષા દિવસ

આજે 21 ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ. આપણા વ્હાલા સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલો આ સંદેશ સીધ્ધો તમારા સુધી… સૌ ને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે..!!

19મી સદીના મધ્યકાળમાં ડોકિયું કરવા જેવું છે. 1844માં અમદાવાદમાં કલાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલાક ફૉર્બસ અધિકારી તરીકે આવે છે, ગુજરાતી શીખવાની તત્પરતા બતાવે છે, શિક્ષક શોધે છે, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દલપતરામનું નામ સૂચવે છે, ફૉર્બસસાહેબને ગુજરાતી શીખવવા દલપતરામ ખૂબ જહેમત વેઠી વઢવાણથી પગપાળા પ્રવાસ કરી અમદાવાદ આવે છે. બંને વચ્ચેની મૈત્રીનું પરિણામ એટલે અનેક પુસ્તકાલયો, અને સામાજિક સુધારાવાદી અને ભાષાલાક્ષી પ્રવૃત્તિઓ….

ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ દલપતરામ ગુજરાતી ભાષાના વકીલ તરીકે આમ કહે છે-

‘ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી
મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું,
અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં
આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું,
માંડતા મુકદમાને ચાર જણા ચૂંથશે તો
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું,
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’
આવી દલીલ કોને ગળે ન ઉતરે?

ઉમાશંકર જોશી કહે છે તેમ-
‘ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
કૃષ્ણચરણરજ પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી’

.

– અમર ભટ્ટ

શ્રી રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી

બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી: રાસબિહારી દેસાઈ (23/6/1935-6/10/2012)

મારા જેવા કેટલાંય કલાકારોના ગુરુ રાસભાઈને સહર્ષ યાદ કરું છું.
રાસભાઈનો અવાજ પહેલી વાર ક્ષેમુભાઈના સ્વરાંકનમાં એમણે ગાયેલા ગીત ‘મધરાતે સાંભળ્યો મોર’માં સાંભળ્યો. મારી ત્યારે 11 વર્ષની ઉંમર. ટાગોરના એક કાવ્યમાં આ પંક્તિઓ છે-
‘સુનિ સેઈ સૂર
સહસા દેખિતે પાઈ દ્વિગુન મધુર
આમાદેર ધરા‘
(એ સૂર સાંભળીને એકાએક પૃથ્વી છે તેનાથી બેવડી સુંદર લાગવા માંડી)
આવી જ અનુભૂતિ મને રાસભાઈનો મેઘઘેરો (જાણે કે ગુફામાંથી આવતો ના હોય એવો) અવાજ સાંભળીને થઇ.
ઉમાશંકર જોશીએ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનના અવસાન પર શિખરિણી છંદમાં એક કાવ્ય લખ્યું. એની આ પંક્તિઓ હું રાસભાઈ માટે ઉપયોગમાં લેવા માંગુ છું-
‘હતું તારે કંઠે પરમ કંઈ કરણામૃત રસ્યું
બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી’
એ સ્વરલીન થયા 6/10/2012ના દિવસે પણ છેલ્લે સુધી એટલે કે 4/10/2012 સુધી તો સ્ટુડિયોમાં એમણે ગાયું. મકરંદ દવેને યાદ કરું?-
‘અમે ગાતાં ગાતાં જાશું,
આ નગરીને છેલ્લે દરવાજે
વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે
સુંદરના ખોળે ધન્ય સમાશું
અમે જાતાં જાતાં ગાશું
અમે ગાતાં ગાતાં જાશું’
ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં એમનાં ગીતોનાં અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં રાસભાઈએ ગયેલું ગીત છે-
‘સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી,
પૃથ્વી પગથારે ઘૂમે ભમતા અવધૂત કોઈ વિશ્વંભર ભરવા નયણે રે હો જી’
આ ગીત રેકોર્ડ કરવા માટે મેં ખૂબ સંકોચ સાથે રાસભાઈને પૂછ્યું. મનમાં સંદેહ કે મારા જેવા જુનિયર સ્વરકારનું ગીત ગાવા એમને પૂછાય? પણ એમણે તો સહજતાથી, કોઈ પણ શરત વિના ગાવાનું સ્વીકાર્યું; એટલું જ નહિ પ્રોત્સાહનના શબ્દો કહી મને પોરસાવ્યો. રાસભાઈએ એકતારા એન્ડ ડફ ઉપર ફકીરી અદામાં અવધૂતી મસ્તીથી આ ગીત ગાયું છે.
ઉત્તમ શિક્ષક, પ્રતિબદ્ધ, પ્રતિભાસંપન્ન અને નિષ્ઠાવાન કલાકાર રાસભાઈને પ્રણામ.
– અમર ભટ્ટ

સ્વર – શ્રી રાસબિહારી દેસાઇ
સ્વરાંકન – અમરભટ્ટ

.

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
– સૂરજ..

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
– સૂરજ..

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે જી.
– સૂરજ..

ગગન ઘેરીને આજે દર્શન વારસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે જી.
– સૂરજ..

માનવીના હૈયાને નંદવામાં વાર શી – ઉમાશંકર જોશી

૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનો અને કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..!

સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

– ઉમાશંકર જોશી

મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
‘લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી