સ્વર : વૈશાલી ત્રિવેદી
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સંગીત : અમિત ઠક્કર
.
આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.
કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.
આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.
ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.
આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.
ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
– ઉમાશંકર જોશી